વીક એન્ડ

દિવાળીમાં મીઠાઈ-ફરસાણ ખાધા પછી આરોગ્ય માટે શું કરશો?

દિવાળીનો તહેવાર ગુજરાતીઓ માટે ખાસ છે. માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં, પણ સામાજિક દ્રષ્ટિએ પણ તેનું મહત્વ અનેરું છે. અને ગુજરાતી તહેવાર હોય એટલે પછી ખાવાનું પૂછવાનું જ ન હોય! બરાબર ને?! દિવાળીમાં ફરસાણ અને મીઠાઈ ન હોય તો ચાલે જ નહીં.

તળેલું અને ગળ્યું બંને મોટા પ્રમાણમાં બને છે અને ખવાય છે. ત્રણ ચાર દિવસમાં તો બંનેનો અતિરેક થઇ જાય છે. એટલે સ્વાભાવિક રીતે આરોગ્યની દ્રષ્ટિએ શું ધ્યાન રાખવું એ પણ મહત્ત્વનું છે.
તહેવારોમાં આપણે આરોગ્ય પ્રત્યે થોડા બેધ્યાન અથવા બેદરકાર થઇ જઈએ છીએ અને ખાવામાં કાબૂ રહેતો નથી. તેને કારણે ઍસિડિટી, અપચો, ગેસ થઇ જવો, પેટ ફૂલવું જેવી સમસ્યાઓથી લઈને અન્ય ઘણી તકલીફો થઇ શકે છે.

સાથે મોસમનો બદલાતો મિજાજ પણ અસર કરે જ છે. જેઓ પહેલેથી કોઈ નાની-મોટી સમસ્યાથી પીડાતા હોય તેમને સમસ્યા વકરવાનું પણ જોખમ રહેલું હોય છે.
તો દિવાળીના દિવસોમાં દબાવેલી ચીજો પછી આરોગ્યનું દેવાળું ન નીકળી જાય તે માટે નાની-નાની સંભાળ લઈને આરોગ્યની કાળજી
લઇ શકાય છે. આ રહી એવી
કેટલીક ટિપ્સ જે ઉપયોગી થઇ શકે છે.

કસરત કરો
તહેવારો દરમિયાન આપણી દિનચર્યા બદલાઈ જાય છે. કાયમ કસરત કરતા લોકો પણ રજાની મજા માણવામાં કસરતને કોરાણે મૂકી દે છે.
ઊલટું આ તહેવારોના સમયમાં કસરત કરવાની વધારે જરૂર છે. તહેવારોમાં આપણે એવી વસ્તુઓ ખાઈએ છીએ જે પચવામાં ભારે હોય છે. તેવા સમયે તમે વર્કઆઉટ કરો તો ફિટ અને ફાઈન રહી શકો.

ખાવાની સૂચિ બનાવો
તહેવારોમાં તમે મન ફાવે તે આરોગ્યું હશે, પછી એ તળેલું હોય કે ગળ્યું. તો હવે પછીના દિવસો માટે શું ખાવું અને શું ન ખાવું તેની એક સૂચિ બનાવી લો. ઘરનું ભોજન અને ઘરના બનાવેલા નાસ્તા ખાવાનું રાખો. એક તો ઘરમાં બનાવેલ ખાદ્ય પદાર્થોમાં સામગ્રીની શુદ્ધતા વિશે આપણે સજાગ હોઈએ છીએ. ઉપરાંત પરંપરાગત રીતે બનતા ફરસાણ કે નાસ્તા બજારમાં મળતી વસ્તુઓ કરતા વધુ યોગ્ય છે. તહેવારોમાં નિયમિત ભોજનને બદલે ટુકડે ટુકડે ખાધું હોય, જમવાના સમયે જમવાનું પણ કદાચ ન થયું હોય અથવા બહાર ખાધું હોય, ક્યારેક તો જ્યાં જાઓ ત્યાં ચા, કોફી, ઠંડા પીણાં અને શરબતોથી જ પેટ ભર્યું હોય. પ્રયત્ન કરો કે ઓછામાં ઓછું દિવસમાં એક વખત બેલેન્સ્ડ ભોજન અવશ્ય લો.

ખાલી પેટ પણ ન રહો
તહેવારોમાં આમ તો પેટ ખાલી નથી જ રહેતું. પણ તહેવારો પછી તેનું સાટું વાળવા ઘરે કશું ન ખાવું અને માત્ર ચા-કોફીથી પેટ ભરવું પણ યોગ્ય નથી.
લાંબો સમય સુધી ખાલી પેટે આવા પીણાં પધરાવવાથી ઍસિડિટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યા સર્જાઈ શકે છે. અને લાંબો સમય ભૂખ્યા રહ્યા પછી ખાતી વખતે જરૂર કરતાં વધારે ખવાઈ જાય તો પણ અપચનની તકલીફ થઇ શકે છે.

પોતાના માટે લક્ષ્ય
નક્કી કરો
તહેવારોમાં પોતાનું રૂટિન થોડા દિવસો માટે બાજુ પર મુકાઈ ગયું? કોઈ વાંધો નહીં, હવે ફરી પોતાના માટે લક્ષ્ય નક્કી કરો. બહુ મોટા લક્ષ્ય નક્કી કરવાની પણ જરૂર નથી. તેને બદલે નાના-નાના લક્ષ્યો પણ ઘણા ઉપયોગી સાબિત થઇ શકે છે.

જેમકે, રોજ દસ થી પંદર મિનિટ ખુલી હવામાં વોક કરવું, કોઈ પણ રીતે રોજ આઠ થી દસ ગ્લાસ પાણી પીવાનું લક્ષ્ય નક્કી કરી શકો, તહેવારો પછી ઓછામાં ઓછું દસ દિવસ સુધી ’ક્લીન ઈટિંગ’ કરવું જેવા ઉપાયો કરી શકો.

આવા ઉપાયો પણ તમારા આરોગ્યમાં સારી અસર પાડશે અને તમે એ અસર અનુભવી પણ શકશો. મોંઘા ડ્રાય ફ્રૂટ અને ડાયટ પ્લાન કરતા આ બહેતર સાબિત થશે.

અજમો અને જીરાનું પાણી
મીઠાવાળું અને ગળ્યા પદાર્થો ખાધા કર્યાથી પેટ ફૂલી જવાની સમસ્યા સતાવે છે. તેથી સવારે ઊઠીને અજમા-જીરાવાળું પાણી પીવાથી પેટ ફૂલવું, ગેસ, ઍસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો મળશે. સાથે એ તમારા શરીરમાં ઊર્જાનો સંચાર પણ કરશે.

  • રાજેશ યાજ્ઞિક
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…