કાગડાઓ માટે આ તે કેવી કાગારોળ? દસ લાખ કાગડાઓને સ્વધામ પહોંચાડી દેવાશે?
ભિન્ન ભિન્ન પ્રજાતિઓના દેખાવ ભલે અલગ હોય ગુણધર્મોના મામલામાં ઘણી એકરૂપતા હોય છે. કાગડાઓને માણસની નજીક રહેવું ગમે છે, પણ માણસ કાગડાઓને લઇને ઘણી શંકા-કુશંકાથી ઘેરાયેલો રહે છે.
વિશેષ – કે. પી. સિંહ
કેન્યાના વન્યજીવ પ્રાધિકરણે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે માત્ર જીવદયા પ્રેમીઓ જ નહીં, પણ ત્યાંની આમજનતા પણ ગ્લાનિ અનુભવી રહી છે. વન્યજીવ પ્રાધિકરણ દ્વારા બોલાવેલી એક બેઠકમાં માત્ર સરકારી અધિકારીઓ જ નહીં,પણ નિષ્ણાત પ્રાણી ચિકિત્સકો પણ મોજૂદ હતાં. તેમની હાજરીમાં કેન્યાના દરિયા કિનારે આવેલા મોમ્બાસા, માલિન્દી, વાટમ્ અને કાલિકીમાં વર્ષ ૨૦૨૪ના અંતે દસ લાખ સ્થાનિક કાગડાઓને મારી નાખવાનો કમનસીબ નિર્ણય લેવાયો છે. માત્ર કેન્યાના જ નહીં સમગ્ર દુનિયાના પક્ષીપ્રેમીઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. જોકે, કેન્યાના શાસકો નિર્ણય પર અડગ છે. તેમનું માનવું છે કે આમ નહીં કરવામાં આવે તો કેન્યાના અસ્તિત્વ પર જ સંકટ ઊભું થશે.
કેન્યાના પ્રશાસનનું કહેવું છે કે વિદેશી મૂળના આ પક્ષીઓ – કાગડાઓ દરિયા કિનારે આવેલા હોટેલ ઉદ્યોગ માટે મોટું સંકટ બની ગયા છે. કાગડાઓની ભરમારને કારણે અહીંના પર્યટકો ખુલ્લામાં ભોજનનો આનંદ નથી લઇ શકતાં. આવામાં બધા લોકો આ પરિસ્થિતિથી છુ ટકારો અપાવવાની અપીલ કરી રહ્યા છે.
કેન્યા વન્યજીવ સેવા (કેડબલ્યૂએસ) અનુસાર કાગડાઓને ખતમ કરવાનો કાર્યક્રમ સાર્વજનિક
હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. કેન્યા સરકારનું કહેવું છે કે કાગડાઓ તેમની પ્રાથમિક ઇકોલોજી (પર્યાવરણ) વ્યવસ્થાનો ભાગ નથી. ઉલ્લેખનીય છે કે કેન્યામાં જે કાગડાઓ છે ૧૮મી સદીમાં ભારતખંડમાંથી અહીં લાવવામાં આવ્યા છે. એટલે કેન્યા વનજીવ સેવાએ આ પક્ષીને આક્રમક વિદેશી પક્ષી તરીકે ઓળખાવ્યું છે. તેમના જણાવ્યાનુસાર આ પક્ષીઓ દાયકાઓથી જનતા માટે પરેશાનીનું કારણ બની ગયા છે અને સ્થાનિક પક્ષીઓની વસતિને પણ પ્રભાવિત કરી રહ્યા છે.
જોકે ભારત તો કાગડાઓનું ઘર જ છે. અહીંના પર્યાવરણનો એક ભાગ છે. દંતકથાઓનું માનીએ તો કાગડાઓ વગર આપણા પિતૃપક્ષ અર્થાત્ શ્રાદ્ધપક્ષનો ઉદ્દેશ પૂરો ન થાય. એક સમય હતો કે કૂતરાઓ કરતાં પણ પહેલું ભોજન કાગડાઓને આપવામાં આવતું હતું. દેશમાં કોઇ ક્ષેત્ર એવું નહીં હોય જ્યાં કાગડાઓ ન હોય. જોકે, ભારતમાં પણ હવે કાગડાઓની વસતિ ઘટતી જાય છે. શહેરોમાં વધતા બિલ્ડિંગોને કારણે મોટાં મોટાં વૃક્ષો ઓછાં થતાં જાય છે. કાગડાઓ માળો બાંધે ક્યાં?
કેટલાક લોકોનું માનવું છે કે વધતા જતા મોબાઇલ ટાવરોની પણ કાગડાની વસતિ પર નકારાત્મક અસર થઇ રહી છે. કાગડાઓ ખેડૂતો માટે ઉપયોગી પક્ષી છે. તેઓે ખેતરમાં કીડા-મકોડા,દેડકા-ઉંદર વગેરેનો સફાયો બોલાવીને પાકને નુકસાન થતું અટકાવે છે. છતાંય કાગડાના રંગને લઇને કે પછી બીજા કોઇ કારણસર કાગડાઓ પ્રત્યે લોકોની સહાનુભૂતિ ઘટતી જાય છે. કેટલાક તો કાગડાઓ આવીને ખભા પર બેસે તો એને અપશુકન માને છે.
દુનિયામાં ત્રણ ડઝનથી વધુ કાગડાઓની પ્રજાતિઓ છે. ન્યૂ ગીનીમાં રાખોડી શરીર અને ગુલાબી ચાંચવાળા તો ઇન્ડોનેશિયામાં જાંબુડી રંગના કાગડાઓ પણ જોવા મળે છે.
ભિન્ન ભિન્ન પ્રજાતિઓના દેખાવ ભલે અલગ હોય ગુણધર્મોના મામલામાં ઘણી એકરૂપતા હોય છે. કાગડાઓને માણસની નજીક રહેવું ગમે છે, પણ માણસ કાગડાઓને લઇને ઘણી શંકા-કુશંકાથી ઘેરાયેલો રહે છે. કદાચ તેની અટપટી હરકતોને લઇને પણ તે મનુષ્યોમાં અપ્રિય બનતો જતો હોય.
કાગડાઓની એક હરકત બાકીનાં પક્ષીઓથી તો ઘણી જ અલગ હોય છે. તેમનો કોઇ સાથી અચાનક મરી જાય તો એ લોકો કાં.. કાં.. કરીને કાગારોળ મચાવી દે છે. મૃત કાગડાની આસપાસ પળવારમાં સેંકડો કાગડા એકઠાં થઇ જાય છે. તેઓ મૃત કાગડાને ચાંચ મારીને જગાડવાનો પણ પ્રયાસ કરે છે. કારણ કે તેમને લાગે છે કે એ જીવિત છે. તેઓ એની બાજુમાં સૂઇ પણ જાય છે. અને કેટલીક દુર્લભ હરકતોમાં તો કાગડાઓ તેની સાથે સંભોગ કરવાનો પણ પ્રયત્ન કરે છે, પરંતુ જ્યારે તેમને પ્રતીત થાય કે હવે આ કાગડો જીવંત નથી ત્યારે ઉદાસ થઇને તેને છોડીને ચાલ્યા જાય છે. તેમના વિશે બીજી ધારણા એવી છે કે તેઓ કુદરતી રીતે મરતા હોય એવું કોઇએ જોયું નથી. તેઓ આકસ્મિક મૃત્યુ કે દુર્ઘટનાનો શિકાર બને છે. જોકે, હવે આ જ કાગડાઓ પોતાનો સંહાર જોશે, કારણ કે કેન્યાની સરકારે નક્કી કર્યું છે કે આગામી છ મહિનામાં તેમનો સફાયો કરી દેવામાં આવશે.