આ ગાર્બેજ કાફે છે શું?
પ્લાસ્ટિકના કચરા સામે ગરીબોનાં પેટ ભરવાની યોજનાથી થાય છે શહેરની સફાઈ
ફોકસ -મનીષા પી. શાહ
કોવિડના રોગચાળાએ આખી દુનિયાને સ્વચ્છતાનું થોડુંઘણું મહત્ત્વ સમજાવ્યું હતું. મૂળભૂત રીતે માનવી ગંદો-ગોબરો હોવાનું માનવાનું મન થાય એવું જીવન ઘણાં જીવતા હોય છે. પોતાના દેશને, રાજ્યને, શહેરને, શેરીને, સોસાયટીને, ઘરને અને પોતાની જાતને ય સાફ-સ્વચ્છ ન રાખે એના માટે ક્યા વિશેષણ વાપરવા એ સમજાતું નથી.
ચોમેર ગંદકી, પ્રદૂષણ, પ્લાસ્ટિક અને રોગચાળાના જોખમ વચ્ચે ભારતમાં અમુક સ્થળે એક સરસ, આવકાર્ય અને અનિવાર્ય ગણાવી શકાય એવો પ્રયોગ થઈ રહ્યો છે. એનું નામ છે ‘ગાર્બેજ કાફે’. પહેલી નજરે નાક મચકોડાય કે આ શું ખાવા-પીવા સાથે કચરાને જોડી દીધું? પણ આ ક્ધસેપ્ટ વિશે જાણ્યા બાદ વિચાર એકદમ બદલાઈ જશે.
પહેલા ટૂંકમાં સમજીએ કે શું છે આ ‘ગાર્બેજ કાફે’. આ ગરીબોને પ્લાસ્ટિકના કચરા સામે મફત ખાવાનું આપવાની યોજના છે. આનાથી શેરીઓમાં જ્યાં-ત્યાં ફગાવી દેવાયેલી પ્લાસ્ટિકની બોટલ અને અબલા થેલી દૂર થાય એ જમા કરાવનારા ગરીબોને એની સામે કાફેમાં નાસ્તો કે જમવાનું મળે. એનું પ્રમાણ પણ બોટલની સંખ્યા કે કચરાના વજન મુજબ હોય. આનાથી શહેર સ્વચ્છ રહે અને ગરીબોનું પેટ પણ ભરાય.
એ સિવાય પણ આ યોજનાથી ઘણું થઈ શકે છે. છત્તીસગઢના અંબિકાપુરમાં તો ગાર્બેજ કાફે સ્કીમ હેઠળ કચરો વીણી લાવનારા બેઘર અને ગરીબોને માટે રહેવાની વ્યવસ્થા કરવાની પણ જોગવાઈ હતી. અંબિકાપુરના મેયર અજય તિરકેએ પાલિકાનું બજેટ રજૂ કરતી વખતે આ ગાર્બેજ કાફે યોજના માટે રૂપિયા પાંચ લાખની જોગવાઈ પણ કરી હતી.
આ યોજના હેઠળ જમા થયેલા પ્લાસ્ટિક અને બોટલનો ઉપયોગ રોડ બાંધવા માટે કરાશે. અંબિકાપુરમાં તો અત્યારે પ્લાસ્ટિકની બોટલ-કચરાને રિસાઈકલ કરીને બનાવેલા રોડ છે જ. આનાથી શહેરમાં સ્વચ્છતા જાળવવાનું વધુ આસાન બનશે. આમે ય દેશના ‘સેનિટેશન કેમ્પેઈન’માં અંબિકાપુર બીજા ક્રમે આવ્યું હતું:
અંબિકાપુરમાં આ યોજના એકદમ આડેધડ કે ઉતાવળમાં શરૂ કરાઈ નથી. આ યોજનાની ટેગ લાઈન એકદમ અર્થપૂર્ણ અને સર્જનાત્મકતાથી છલકતી છે. ‘મોર ધ પેસ્ટ, બેટર ધ ટેસ્ટ’. એક કિલોગ્રામ કચરા સામે પૂરું ભોજન અપાય ને અડધો કિલો કચરા સામે વ્યવસ્થિત નાસ્તો .
આ ગાર્બેજ કાફેના ટેબલ પર બેસીને કુપોષિત લાગતા ભિખારીનાં ચહેરા પર સામે પડેલા દાલ, આલુગોબી, પાપડ અને ભાત જોઈને અનન્ય આનંદ વર્તાતો હતો. આ ભોજન-થાળી એક કિલો કચરાના બદલામાં મળી હતી. એ હરખાઈને બોલ્યો, “એક તો બધાની જેમ ટેબલ-ખુરશી પર બેસીને જમવાનો સંતોષ અને આટલી ભોજન-સામગ્રીમાં બંને ટેક મારું પેટ ભરાઈ જાય.’
હકીકતમાં અંબિકાપુરે પૂરેપૂરા આયોજન અને આક્રમકતા સાથે પ્રદૂષણ અને ગંદકીનો સામનો કર્યો. અને ઈન્દોર બાદ ભારતનું સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મેળવીને જ જંપ્યું હતું. એ અગાઉ આ ભાઈ કચરો ભેગો કરીને વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર પર જમા કરાવી આવ્યો. ત્યાંથી વજનના પ્રમાણમાં એને ફૂડનું કુપન મળ્યું. શહેરના બસ સ્ટેન્ડ નજીકના કાફેમાં આ કુપન આપીને પેટપૂજા કરવા બેસી ગયો. એમાંય શહેરના કેન્દ્રમાં આવેલા બસ-સ્ટેન્ડ પાસે આ વ્યવસ્થા કરાતા બહુ ઝડપભેર એ જાણીતી થવા માંડી.
રોજ લગભગ એકાદ ડઝન લોકો આ યોજનાનો લાભ લે છે. ક્યારેક તો આખો પરિવાર કચરો ઉપાડીને પહોંચી જાય. આ સૌને સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ખોરાક જ પીરસવાનો આગ્રહ સેવાય છે.
છતીસગઢના અંબિકાપુરને પગલે ભારતના અન્ય અમુક શહેરો પણ સક્રિય થયા છે. એમાં ય સૌથી પ્રદૂષિત શહેરમાં ટોચનું અપ્રિય સ્થાન મેળવનારા દિલ્હીમા પણ આવા અનેક ગાર્બેજ કાફે શરૂ કરાયા છે. આ કાફેની વિશિષ્ટતા એ છે કે અહિં આમ આદમી રોકડા ચુકવીને નાસ્તો-ભોજન મેળવી શકે ઈ તો ગરીબ અને ભિખારીઓ શહેરને સાફ કરીને પેટ ભરી શકે છે. આવી બહુલક્ષી યોજના મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત બધા રાજ્યમાં શરૂ થવી જ જોઈએ અને એ પણ શક્ય એટલી વહેલી.