વીક એન્ડ

ભાત ભાત કે લોગ : અજાણ્યાનું પર્સ તમારા હાથમાં આવી જાય તો?

  • જ્વલંત નાયક

તમે કેવા માણસ છો? મોટે ભાગે સારા માણસ જ હશો. મોટા ભાગના લોકો મોટે ભાગે સારા જ હોય છે તો પછી ખરાબ માણસ કોણ ? મોટે ભાગે ખરાબ માણસ એટલે એવા માણસ જે આમ તો સારા જ હોય છે, પણ કોઈક વખત કોઈક કારણોસર ખોટું કામ કરી બેસે.

સાચું પૂછો તો સાચા-ખોટાની આ પારાયણ બહુ કોમ્પિકેટેડ છે. જૂની હિન્દી ફિલ્મોના વિલનની જેમ કોઈ સંપૂર્ણપણે ખરાબ નથી હોતું. એ જ પ્રમાણે કોઈ સંપૂર્ણ સાં ય ક્યાં હોય છે! બધા આખરે તો વખાના માર્યા ખોટાં કામ કરી બેસે.

તમે કઈ ઘડીએ કેવું વર્તન કરશો કે કઈ વાતની પસંદગી કરશો એનું મનોવિજ્ઞાન બહુ જટિલ છે.
યુરોપ-અમેરિકાની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ-સંશોધકો-શિક્ષકો શીખવા પાછળ આપણી સરખામણીએ ઘણો વધારે સમય ફાળવે છે એટલે એ લોકો આવી જટિલ વાત -વિષયને લઈને અનેક સંશોધનો પણ કરતા રહે છે.

આ પણ વાંચો: ખલનાયકોનું બીજું પાસુ: સિક્કે ઔર ઇન્સાન મેં શાયદ યહી ફર્ક હૈ!

આવો જ એક પ્રયોગ થોડાં વર્ષ અગાઉ 2008માં સ્કોટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીના માનસશાસ્ત્રીય સંશોધકોએ કર્યો હતો.

કોઈ અજાણી વ્યક્તિનું વોલેટ એટલે કે પૈસા મૂકવાનું પર્સ જો તમને મળે તો તમે એનું શું કરો? અહીં પ્રામાણિકતા માપવાનો કોઈ ઉદ્દેશ્ય નહોતો. આમ છતાં સંશોધકો એ જાણવા માગતા હતા કે પર્સમાં કરન્સી સિવાયની અમુક ચીજો મૂકવામાં આવે તો એની શું અસર થાય? આ થોડો વિચિત્ર પ્રયોગ લાગે,પણ અમુક માનસશાસ્ત્રીય તારણો આવા ભેજાગેપ પ્રયોગો દ્વારા જ તારવી શકાતા હોય છે.

કરન્સી ભરેલા કુલ 240 જેટલાં પર્સ એડિનબર્ગ શહેરના વિવિધ વિસ્તારો-ગલીઓમાં એવી રીતે રેઢા મૂકવામાં આવ્યા, જાણે કોઈકના ગજવામાંથી પડી ગયા હોય. દરેક પર્સમાં એના માલિકનું એડે્રસ હતું, જેથી જે અજાણ્યા વ્યક્તિને પર્સ મળે તો એ મૂળ માલિકને પહોંચાડી શકે. હવે મજાની વાત એ હતી કે પર્સમાં એડે્રસ અને કરન્સી સિવાય પણ કેટલીક ચીજો મૂકવામાં આવી. આ એવી ચીજો હતી, જે પર્સના મૂળ માલિક વિષે માહિતી આપતી હોય.

આ પણ વાંચો: ભાત ભાત કે લોગ : હેલો, હેલો…! શું તમે કોઈને આવો કોલ કરવાની હિમ્મત કરી છે?

દાખલા તરીકે સ્માઈલ કરતા બાળકનો ફોટો, ક્યૂટ પપીનો- ગલુડિયાનો ફોટો અથવા વૃદ્ધ દંપતીનો ફોટો. અમુક પર્સમાં વળી કોઈક સંસ્થાને અપાયેલા દાનની રસીદ પણ મૂકવામાં આવી. એવી કાળજી રાખવામાં આવી કે દરેક પર્સમાં કરન્સી સિવાય આ ચાર પૈકીની કોઈ એક જ ચીજ મોજૂદ હોય અર્થાત, એક પર્સમાં કરન્સીની સાથે બેબીનો ફોટો મૂક્યો હોય તો બીજામાં વળી પપીનો ફોટો હોય. ત્રીજામાં વૃદ્ધ દંપતીનો ફોટો હોય તો ચોથામાં ડોનેશનની રસીદ….

હવે જે વ્યક્તિના હાથમાં પર્સ આવે એના ઇમોશન્સ- લાગણી સાથે આ અજાણી ચીજો અદ્ભુત `રમત’ રમવાની હતી! સંશોધકો એ જાણવા માગતા હતા કે ચાર પૈકીની કઈ ચીજ લોકોને વધુ અપીલ કરે છે. પર્સમાંથી બાળકનો ફોટો નીકળે તો એનો અર્થ એમ થાય કે પર્સનો મૂળ માલિક એક સરસ મજાના બાળકનો પિતા છે.

વૃદ્ધ દંપતીનો ફોટો નીકળે તો એ પર્સ એવા જ કોઈ વૃદ્ધ યુગલનું હોવાની ધારણા બંધાય. ડોનેશનની રસીદ નીકળે તો માની શકાય કે પર્સનો માલિક સામાજિક નિસ્બત ધરાવનારો દાનવીર હશે.

આ પણ વાંચો: ભાત ભાત કે લોગ: દીકરીનું બર્થ સર્ટિફિકેટ ન મળ્યું પછી…

હકીકતે સંશોધકો એ જાણવા માંગતા હતા કે કઈ ચીજ મૂકેલા પર્સ વધુ પ્રમાણમાં પાછા મળે છે! થયું એવું કે શહેરમાં વિવિધ સ્થળે ગોઠવાયેલા 240 પર્સ જુદા જુદા અજાણ્યા લોકોના હાથમાં આવ્યા. એ બધાએ પહેલા તો પર્સ ખોલીને જોયું હશે. એમાં કરન્સીની સાથે મૂકાયેલ ફોટોગ્રાફ અથવા રસીદ એમને દેખાયા હશે.

સાથે જ પર્સના ઓરીજીનલ માલિકનું એડે્રસ પણ હશે. આ બધું જોયા-જાણ્યા પછી પેલા અજાણ્યા લોકોમાંથી 58 ટકા લોકોએ ઝાઝું વિચાર્યા વિના પર્સની કરન્સી કાઢી-પર્સને ફગાવી રકમ ગજવામાં સેરવી લીધી ને ચાલતી પકડી!

આ બહુ સ્વાભાવિક પ્રતિક્રિયા હતી. જ્યારે કોઈ જોતું ન હોય એવા સમયે અનાયાસ મળી જતો ફાયદો તમારી નૈતિકતાને કોરાણે મુકાવી દેતો હોય છે. 58 ટકા લોકો સાથે એવું જ બન્યું, પણ બાકીના 42 ટકા નર-નારીઓ એવા પાક્યા, જેમણે પર્સમાંથી એડે્રસ મેળવીને એને મૂળ માલિક સુધી પહોંચાડવાની સામાજિક જવાબદારી નિભાવી.

હવે સંશોધકો જાણવા એવું માગતા હતા કે જેટલા પર્સ પાછાં આવ્યાં, એમાંથી કઈ ચીજ ધરાવતા પર્સની સંખ્યા વધુ હતી? શું વૃદ્ધ દંપતીનાં પર્સ વધુ પ્રમાણમાં પાછા આવ્યાં કે ક્યૂટ ડોગીના માલિકના પર્સ આવ્યા? દાનવીર કર્ણનું પર્સ પાછું વાળવાની ઈચ્છા કેટલા લોકોને થઇ? અને કેટલાને લાગ્યું કે આ ક્યૂટ બેબીના પપ્પાનું પર્સ પાછું પહોંચાડવું જોઈએ?

જેટલાં પર્સ મૂળ માલિકને પાછા પહોંચ્યાં એમાંના મોટા ભાગના પર્સમાં ક્યૂટ બેબીનો ફોટો હતો. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ વ્હાલા બાળકના પિતાના પૈસા ગપચાવી લેવામાં બહુ ઓછા લોકોને રસ પડ્યો. એ પછી ક્યૂટ શ્વાન -ગલુડિયાનો વારો હતો. એવા ફોટાવાળા પર્સ પણ મોટા પ્રમાણમાં પરત થયાં.

બીજી તરફ, વૃદ્ધ યુગલનું વોલેટ પાછું પહોંચાડવું જોઈએ એવો ઉમદા વિચાર બહુ ઓછાએ અમલમાં મૂક્યો. અને ચેરિટી? સાહેબ, આવા દાનવીર કર્ણ ઉપર બહુ ઓછા એડિનબર્ગવાસીઓએ દયા ખાધી. ડોનેશન આપનાર વ્યક્તિઓના પર્સ બહુ ઓછા પ્રમાણમાં પાછા ફર્યા અને હા, કેટલાંક પર્સ એવાં ય હતાં, જેમાં માત્ર કરન્સી હતી. લોકોએ આ પ્રકારના વોલેટ્સની ધૂમ તફડંચી કરી. નો ઇમોશન્સ, ઓન્લી મની!

હવે આના પરથી શું તારણ કાઢી શકાય?

એ જ કે લોકોને બાળકો સૌથી વહાલા હોય અને બાળકોની ઈમોશનલ અપીલ સૌથી વધુ હોય એ સમજી શકાય, પણ ઘરડાં દંપતીની દયા ખાનાર લોકો કરતાં શ્વાનની દયા ખાનારા વધુ હતા! એ જ પ્રમાણે જે લોકોએ સાચી નિસ્બત સાથે સમાજને કશુંક આપ્યું હોય-દાન કર્યુ હોય એનું પર્સ પાછું આપવા અંગે બહુ ઓછાએ નિસ્બત દાખવી!

હવે તમે જ કહો, એડિનબર્ગના રહેવાસીઓ એકંદરે સારા માણસ કહેવાય કે ખરાબ? અમે તો બસ એટલું જ કહીશું કે `તુલસી ઇસ સંસારમેં ભાત ભાત કે લોગ!’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button