સફળ વ્યક્તિઓ એમના ફ્રી-ટાઈમમાં શું કરે છે?
વિશેષ – નિધિ ભટ્ટ
કહે છે કે `સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે નહાય’. સફળતા વગર મહેનતે નથી મળતી. એને પામવા માટે અથાક પરિશ્રમ કરવો પડે છે ત્યારે એ મહેનતનું ફળ મળે છે ને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. સફળતા મળ્યા બાદ સફળ વ્યક્તિઓ પોતાના માટે પણ સમય કાઢે છે. જાણી લઈએ કે આવા સફળ લોકો ફ્રી ટાઈમમાં શું કરે છે? નવરાસ મળે તો એ શું કરે?
વ્યક્તિગત વિકાસ માટે વિશેષ વાંચન: મોટા ભાગની સફળ વ્યક્તિ વાંચનની અગત્યતા સમજે છે. વધુ જ્ઞાન મેળવવા પર ખાસ ધ્યાન આપે છે. વાંચન ન માત્ર જ્ઞાનમાં વધારો કરે છે, પરંતુ યાદશક્તિ અને એકાગ્રતાને પણ મજબૂત કરે છે. સફળ વ્યક્તિ ફ્રી સમયમાં એવાં પુસ્તક વાંચવાનું પસંદ કરે છે, જેથી એનો પર્સનલ અને પ્રોફેશનલ વિકાસ થઈ શકે. એ અન્ય સફળ વ્યક્તિઓની ગાથા, ફિલોસોફી, સાયન્સ અને કાલ્પનિક કથાઓ વાંચવાનું પસંદ કરે છે. એ એવાં પુસ્તક વાંચવાનું પસંદ કરે છે, જે એને વિચારવા માટે વિવશ કરી દે. આમ પુસ્તકનું વાંચન જ્ઞાનમાં વધારો કરવાની સાથે દૃષ્ટિકોણ પણ બદલી દે છે.
શારીરિક પ્રવૃત્તિઓ: સફળ વ્યક્તિઓ શારીરિક પ્રવૃતિઓ માટે સમય કાઢી લે છે. પછી ભલેને એ ગમે એટલા વ્યસ્ત કેમ ન હોય. એક્સરસાઇઝ કરવાથી શરીર તો સ્વસ્થ રહે જ છે. સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સવારના દોડવાનું હોય, યોગાસન હોય કે પછી જિમમાં વર્કઆઉટ કરવાનું હોય… સતત વ્યાયામ કરવાથી મૂડ પણ સારો રહે છે, એનર્જીમાં વધારો થાય છે અને કામમાં પણ સુધારો વર્તાય છે. આ સાથે જ સ્ટે્રસને મહાત કરવાનો આ સચોટ ઉપાય પણ છે.. આ જ કારણ છે કે સફળ વ્યક્તિઓ આરોગ્ય તરફ દુર્લક્ષ નથી કરતા.
વર્તમાનમાં જીવવું: સફળ વ્યક્તિની એક ખૂબી એ પણ છે કે એ હંમેશા વર્તમાનમાં જીવવામાં માને છે. એ ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનમાં જીવે છે. એક રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે એનાથી સ્ટે્રસ અને ગભરામણમાં ઘટાડો થાય છે. સાથે જ સંતુષ્ટિની ભાવના સાથે ધ્યાન પણ કેન્દ્રિત થાય છે.
સંબંધોને સુદૃઢ બનાવવા: સફળતા માત્ર વ્યવસાયી કે વેપાર પૂરતી સીમિત નથી, સંબંધોમાં પણ સફળ થવું જરૂરી છે. એથી સફળ વ્યક્તિ સંબંધને આવકારે છે અને એને ગંભીરતાથી લે છે.. એથી જ પોતાના પ્રિયજનો સાથે સમય પસાર કરવામાં માને છે. એ પોતાના પરિવાર, મિત્રો અને અન્ય અગત્યના લોકો સાથે સંબંધોને મધુર બનાવવા પર ધ્યાન આપે છે. એ બધા સાથે મળીને મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરે છે અને અનુભવો પણ શૅર કરે છે. મનોચિકિત્સકોના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે લોકો સાથે હળતાં-મળતાં રહેવાથી આનંદ-ખુશીમાં વધારો થાય છે – તણાવ ઘટે છે અને લાંબું આયુષ્ય ભોગવી શકાય છે.
મનપસંદ પ્રવૃતિ: પોતાની રુચિ અને જે પસંદ હોય એ વસ્તુ પર સફળ વ્યક્તિ વધુ ફોકસ કરે છે. પોતાની પ્રોફેશનલ લાઇફની સાથે પોતાની મનપસંદ ઍક્ટિવિટી-પ્રવૃતિ પણ કરે છે. આનાથી રોજબરોજના કામમાંથી બ્રેક મળે છે. એનાથી મન-મગજ હળવાશ અનુભવે છે. આ રીતે વધુ સારી રીતે કામ કરવા માટે તૈયાર થઈ જવાય છે. નવી સ્કિલ્સ શીખવાની સાથે નવા લોકો સાથે પણ પરિચય થાય છે.
સમાજસેવા: આવા લોકો હંમેશાં સમાજ માટે કાંઈક કરવાની ઇચ્છા રાખે છે. એમનું એવું માનવું હોય છે કે પોતાને મળેલી સફળતા માટે એ પોતે એકલા જ ભાગીદાર નથી. એની પાછળ લોકોનો સાથ-સહકાર, તક અને સગવડોનો લાભ મળ્યો છે. એથી જ કેટલાક લોકો તો ખાસ સમય ચોરીને પણ સમાજમાં યોગદાન આપવા માટે દોડી જાય છે. સમાજ માટે ઉપયોગી થવાથી પોતાનું જીવન માનવતાની ફોરમથી મહેકી ઊઠશે.
સ્વનું પ્રતિબિંબ: જીવનની ભાગદોડમાં વ્યક્તિ પોતાની જાતને સમય આપવાનું વિસરી જાય છે. એથી જ્યારે પણ સમય મળે ત્યારે સફળ વ્યક્તિ પોતાની જાતને વધુ નિખારવા પર ભાર આપે છે. એ કાં તો મેડિટેશન-ધ્યાન કરે કે પછી કાં પોતાના વિચારોને એક કાગળ પર ઉતારે છે. આવાં સેલ્ફ-રિફલેક્શનથી પોતાની લાગણીને સમજવાનો, પોતાના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને વધુ પ્રગતિના માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે. પોતાની ભૂલોનું વિશ્લેષણ કરીને એને સુધારવાનો આ મોકો હોય છે.
નિરાંતથી બેસવું: કેટલીક વખત એવું પણ બને છે જ્યારે સફળ વ્યક્તિ પોતાના વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને નિરાંતથી બેસે છે અને કોઈ પ્રવૃત્તિઓ નથી કરતાં. એનો અર્થ એમ નથી કે એ આળસુ બની જાય છે. એ માત્ર પોતાના દિમાગમાં ચાલતા વિચારોના ઘોડાપૂરને દોડવા દે છે. એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે કોઈ પણ કામ કર્યા વગર માત્ર નિરાંતે બેસી રહેવાથી પણ ક્રિએટિવિટી-સર્જકતાને વેગ મળે છે. એની સાથે એ કોઈ પણ સમસ્યાને સચોટતાથી ઉકેલવામાં પણ મદદ મળે છે. એથી બારી સામે એકીટશે જોઈને નિરાંતે બેસી રહેવું એ કોઈ અપરાધ નથી. એવે વખતે દિમાગ અલગ રીતે કામ કરવા માટે વિચારી રહ્યું હોય છે.
નવું શીખવું: જીવનમાં કાંઈક નવું શીખવા માટે કોઈ સમય કે તકની રાહ ન જોવાની હોય. જ્યારે સમય મળે ત્યારે વિચાર કર્યા વગર શીખી લેવું જોઈએ. વ્યક્તિગત વિકાસ માટે સતત નવું શીખતાં રહેવામાં સફળ વ્યક્તિઓ માને છે. એ વર્કશોપ્સ અટેન્ડ કરે છે, નવા કોર્સ શીખે છે અથવા તો જે વિષય પસંદ હોય એના વિશે વાંચન કરે છે. પર્સનલ ડેેવલપમેન્ટથી નવી કળા શીખવાની સાથે જ્ઞાનમાં પણ વધારો થાય છે. નવી ટેક્નોલૉજીથી પરિચય થાય છે. આવી પ્રવૃતિ તમારી સફળતામાં યોગદાન આપવાની સાથે આત્મ-વિશ્વાસમાં પણ વધારો કરે છે.
આરામ: જીવનમાં ગમે એટલી ભાગદોડ કરીએ, સખત પરિશ્રમ કરીએ, પરંતુ છેવટે
તો શરીરને આરામની જરૂર તો હોય જ છે. તન અને મનને પણ આરામ મળવો જોઈએ. નિંદર પૂરી થવી જોઈએ. દિવસ દરમિયાન પણ થોડો આરામ કરી લેવો જોઈએ. સતત કામ કરવાનું ટાળીને શારીરિક-માનસિક ચુસ્તી માટે પણ આરામ કરવો જરૂરી છે.