સ્પોર્ટ્સમૅનઃ જૂના જોગીઓ વેસ્ટ ઇન્ડિઝની નવી ટીમ તૈયાર કરવા કમર કસે છે…
લૉઇડ, રિચર્ડ્સ, હેઇન્સ, લારા, ચંદરપૉલ, સૅમી જેવા કૅરિબિયન મહારાથીઓનું એક જ મિશન: વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં નવા પ્રાણ પૂરો!

મહાન ક્રિકેટર સુનીલ ગાવસકર માર્ચ, 1987માં અમદાવાદમાં પાકિસ્તાન સામેની મૅચ દરમ્યાન ટેસ્ટ ક્રિકેટમાં 10,000મો રન બનાવનાર વિશ્વના પહેલા જ ખેલાડી બન્યા હતા.
અમદાવાદના એ જ ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ પર આગામી બીજી ઑક્ટોબરે શરૂ થનારી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં જો વેસ્ટ ઇન્ડિઝની ટીમના પર્ફોર્મન્સમાં મોટું પરિર્વતન જોવા મળે તો માનજો કે ક્લાઇવ લૉઇડ, સર વિવિયન રિચર્ડ્સ, બ્રાયન લારા, ડેસ્મંડ હેઇન્સ, શિવનારાયણ ચંદરપૉલ તેમ જ ડૅરેન સૅમીએ ભેગા મળીને કૅરિબિયન ક્રિકેટમાં સુધારો લાવવા તાજેતરમાં જે નિર્ણયો લીધા એનું જ આ પરિણામ હશે.
વાત એવી છે કે દોઢ મહિના પહેલાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ જમૈકામાં કિંગસ્ટનના એ મેદાન પર ઑસ્ટે્રલિયા સામેની ટેસ્ટના બીજા દાવમાં માત્ર 27 રનમાં ઑલઆઉટ થઈ ગઈ જે મેદાન પર 1930માં (95 વર્ષ પહેલાં) વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટરો પોતાની સૌપ્રથમ ટેસ્ટ-સિરીઝની એક મૅચ રમ્યા હતા.
જે સ્થળ ઐતિહાસિક ટેસ્ટ-શ્રેણીનું સાક્ષી હોય ત્યાં ટેસ્ટ જગતના સૌથી નીચા 26 રનના (ન્યૂ ઝીલૅન્ડના) ટીમ-સ્કોરનો 70 વર્ષ જૂનો સૌથી ખરાબ વિક્રમ એક રન માટે તૂટતા રહી ગયો હોય તો એ ઘટનાથી કૅરિબિયન ક્રિકેટના ધુરંધરો ચિંતામાં મુકાઈ જાય એ સ્વાભાવિક છે.
એટલે જ દિગ્ગજ કૅરિબિયનો જુલાઈ 2025માં ટ્રિનિદાદમાં ગંભીર ચર્ચા માટે એકત્રિત થયા હતા. તેમણે અનેક નાના-મોટા વિષયો પર ચર્ચા કરી હતી. વાસ્તવમાં વેસ્ટ ઇન્ડિઝના અનેક ટાપુઓ ક્રિકેટના ક્ષેત્રે વેરવિખેર થઈ ગયા છે એ બધાને ફરી એક કરવાનો પણ આ પ્રયાસ હતો.
ક્લાઇવ લૉઇડ ઍન્ડ કંપનીના જૂના જોગીઓના મતે યુવાન ખેલાડીઓથી સજજ નવી કૅરિબિયન ટીમમાં સુધારો લાવવા વિશે 100 જેટલા મુદ્દા છે જેના પર આગળ જતાં ચર્ચા જ થવી જોઈએ અને યોજના-વ્યૂહરચના નક્કી થયા પછી એનો અમલ થવો જ જોઈએ.
લૉઇડના નેતૃત્વમાં મહાન ખેલાડીઓએ યુવા ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝને ગુમાયેલું ગૌરવ પાછું અપાવી શકે, ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોનું ધોરણ પણ ઊંચું લાવી શકે તેમ જ કૅરિબિયન ક્રિકેટમાં ખૂબ પૈસા લાવી શકે એના પર જુલાઈમાં ચર્ચા કરી હતી.
ક્લાઇવ લૉઇડ બે વન-ડે વર્લ્ડ કપ જીતનાર કૅપ્ટન છે, જ્યારે ડૅરેન સૅમીના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝ ટી-20ના બે વિશ્વ કપ ટાઇટલ જીત્યું છે. મીટિંગના બાકીના ખેલાડીઓના કૅરિબિયન ક્રિકેટમાં બહુ મોટા યોગદાનો છે.
વેસ્ટ ઇન્ડિઝની ટીમ હાલમાં ખાસ કરીને રૉસ્ટન ચેઝ તથા શાઇ હોપના નેતૃત્વમાં રમે છે. ટેસ્ટ તથા મર્યાદિત ઓવર્સ માટેની કૅરિબિયન ટીમના ખેલાડીઓમાં જૂના જોગીઓ જેવા કૌશલ્યનો મોટો અભાવ છે.
બ્રાયન લારાએ કહ્યું, `અગાઉ ઘણી વાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ સર્વોપરી કહેવાતી હતી, પણ થોડા વર્ષોથી કૅરિબિયન ટીમ અન્ય દેશોની સરખામણીમાં પણ નથી આવતી.
અગાઉ દરેક ખેલાડીમાં સર્વોત્તમ સ્તરનું કંઈકને કંઈક કૌશલ્ય હતું એટલે અમે મૅચો અને સિરીઝો જીતતા હતા. જોકે રમતમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. નવી-નવી ટેક્નોલૉજી આવ્યા કરે છે અને દરેક ખેલાડી વિશેનું વિશ્લેષણ પણ ઊંડાણપૂર્વકનું હોય છે.
આ સંજોગોમાં સતત સ્પર્ધાત્મક બની રહેવું મુશ્કેલ થઈ ગયું છે. અમારા યુવાન ખેલાડીઓમાં કૌશલ્ય નથી એવું હું નથી કહેતો, પણ અગાઉ જેવી સર્વોત્તમ સ્તરની કુશળતા તો નથી જ.’
એક સમય હતો જ્યારે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર્સ (માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, ઍન્ડી રોબર્ટ્સ, જોએલ ગાર્નર)થી ક્રિકેટજગત કાંપતું હતું અને એ જ અરસામાં ડેસ્મંડ હેઇન્સ, ગોર્ડન ગ્રિનિજ, વિવ રિચર્ડ્સ, ઑલ્વિન કાલિચરણ, સર ગૅરી સોબર્સ, ક્લાઇવ લૉઇડ, બૅકસ, લૅરી ગોમ્સ, ડેવિડ મરે વગેરે બૅટ્સમેનો ભલભલા બોલિંગ-આક્રમણને નબળું પાડી દેતા હતા.
જોકે જુલાઈમાં જમૈકાના કિંગસ્ટનમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે જે શર્મનાક પર્ફોર્મ (10/27) કર્યું એ ઘટના કૅરિબિયનોના સુવર્ણકાળથી સાવ વિપરીત છે. પૅટ કમિન્સની ઑસ્ટે્રલિયન ટીમ સામે રૉસ્ટન ચેઝના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝની બૅટિંગ લાઇન-અપ પત્તાનાં મહેલની જેમ તૂટી પડી હતી.
27 રનના એ ટૂંકા દાવમાં ખુદ રૉસ્ટન સહિત સાત બૅટ્સમેનના ઝીરો હતા અને વેસ્ટ ઇન્ડિઝના ટોચના છ બૅટ્સમેનોના રનનો સરવાળો માત્ર છ રન હતો જે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી જ વખત બન્યું હતું.
આ સૌથી ખરાબ દેખાવે વેસ્ટ ઇન્ડિઝના મહારથીઓની ઊંઘ ઉડાડી નાખી છે. શુભમન ગિલના સુકાનમાં ભારતીય ટીમ ઑક્ટોબરમાં અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થનારી બે મૅચની ટેસ્ટ શ્રેણીમાં વધુ સારી તૈયારી સાથે રમવું પડશે.
ભારતીયો યાદ રાખી લે, ઑસ્ટે્રલિયા સામે 27 રનની નામોશીથી હતાશ થયેલા વેસ્ટ ઇન્ડિઝના ટેસ્ટ ખેલાડીઓ લૉઇડ ઍન્ડ કંપનીના દિગ્ગજોની યોજનાના એકાદ-બે પ્રકરણનો બરાબર અમલ કરવા કમર કસીને રમશે.
ત્રણ ફૉર્મેટમાં વેસ્ટ ઇન્ડિઝ આઠ, નવ અને છઠ્ઠા નંબરે
વેસ્ટ ઇન્ડિઝનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સમયે દબદબો હતો. માર્શલ, હોલ્ડિંગ, રોબર્ટ્સ, ગાર્નર અને કૉલિન ક્રૉફ્ટ જેવા ખૂંખાર ફાસ્ટ બોલર્સનો વારસો કોર્ટની વૉલ્શ, કર્ટલી ઍમ્બ્રોઝ, ડૅરેન સૅમી, જેસન હોલ્ડર, જેરૉન ટેલર, કીમાર રૉચ વગેરેએ સંભાળ્યો.
જોકે હાલમાં કૅરિબિયન ક્રિકેટની જે હાલત છે એ અગાઉ ક્યારેય નહોતી.ટેસ્ટ-ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ આઇસીસી રૅન્કિંગમાં આઠમા નંબરે, વન-ડેમાં નવમા નંબરે અને ટી-20માં છઠ્ઠા નંબરે છે. ટેસ્ટ અને વન-ડેમાં બાંગ્લાદેશ હવે વેસ્ટ ઇન્ડિઝથી બહુ દૂર નથી.
આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅન: ક્રિકેટને રાષ્ટ્રીય રમત ઘોષિત કરવાનો સમય આવી ગયો છે