વીક એન્ડ

સ્પોર્ટ્સમૅનઃ ટી-20નો તાજ જીતવા 20 દેશની દોડ: કયો દેશ પહેલી વખત 300 રન ફટકારશે?

અજય મોતીવાલા

2011માં ભારતે મેન્સ વન-ડે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું અને આપણે એમએસ ધોનીની કૅપ્ટન્સીમાં ચૅમ્પિયન બન્યા ત્યાર બાદ ઘરઆંગણે વિશ્વકપની ટ્રોફી જીતવાનો અવસર 2025માં મહિલા ક્રિકેટરોએ અપાવ્યો હતો જેમાં હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં અને સ્મૃતિ મંધાનાની વાઇસ-કૅપ્ટન્સીમાં આપણે પહેલી વખત વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ જીત્યા હતા, પરંતુ ટી-20ના ફૉર્મેટમાં આપણે ક્યારેય હોમ-ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપનું ટાઇટલ નથી જીતી શક્યા જેનો સુવર્ણ અવસર આ વખતે મળી રહ્યો છે.

આજે ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેમાં ભારતનો પ્રથમ મુકાબલો (સાંજે 7.00 વાગ્યાથી) વાનખેડે સ્ટેડિયમમાં અમેરિકા સામે થશે. રવિવાર, આઠમી માર્ચે ફાઇનલ રમાશે. 20 દેશ ટી-20ના આ મહાસંગ્રામમાં ભાગ લેશે અને ટી-20 વર્લ્ડ કપમાં પહેલી જ વખત 300 રનનો ટીમ-સ્કોર જોવા મળશે તો નવાઈ નહીં લાગે. શ્રીલંકાનો સ્કોર (2007માં કેન્યા સામે 6/260) ટી-20 વર્લ્ડ કપનો અત્યાર સુધીનો હાઇએસ્ટ ટીમ-સ્કોર છે.

જોકે આ વખતે મૅચો ભારત અને શ્રીલંકાની બૅટિંગ-પિચો પર રમાવાની હોવાથી તેમ જ આઉટફીલ્ડ ફાસ્ટ રહેવાના હોવાને કારણે ભારત, ઑસ્ટે્રલિયા, ન્યૂ ઝીલૅન્ડ જેવી સારી ટીમો માટે 300 રન સુધી પહોંચવું બહુ મુશ્કેલ કામ નથી. ભારત બબ્બે ટી-20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે, પણ અગાઉ આ મેગા ટૂર્નામેન્ટનું યજમાન બનવાનો લાભ આપણને એક જ વખત મળ્યો હતો. 2016માં વેસ્ટ ઇન્ડિઝની ટીમ આપણે ત્યાંથી ટ્રોફી જીતીને પાછા ગયા હતા.

2024માં આપણે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે આયોજિત ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી રોહિત શર્માના સુકાનમાં જીત્યા હતા અને હવે સતત બીજી ટૂર્નામેન્ટ જીતવાનો સમય આવી ગયો છે અને એ પણ એવરગ્રીન અને સ્ટાર બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવની સફળ કૅપ્ટન્સીમાં. ભારત સતત બીજી ટૂર્નામેન્ટમાં ટ્રોફી જીતવા માટે હૉટ-ફેવરિટ છે. જો ભારત આ વખતે પણ ચૅમ્પિયન બનશે તો આ વર્લ્ડ કપની લાગલગાટ બે ટ્રોફી તથા કુલ ત્રણ ટાઇટલ મેળવનાર જીતનાર પ્રથમ દેશ બનશે.

ટી-20ના વિશ્વકપનો 2007માં ઉદય થયો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ક્યારેય એક વર્લ્ડ કપમાં એકસાથે 20 ટીમે ભાગ નહોતો લીધો, પણ આ વખતે એ હકીકત છે. યજમાન ભારત અને શ્રીલંકા સહિત કુલ 20 દેશ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. પાંચ-પાંચ દેશને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા છે. પહેલી વખત 20 દેશ રમવાના છે ત્યારે પહેલી વાર આ સૌથી ટૂંકા ફૉર્મેટનો વિશ્વકપ આરંભ પહેલાં જ મોટા વિવાદમાં ફસાયો છે.

આવું અગાઉ ક્યારેય કોઈ ટી-20 વર્લ્ડ કપમાં નહોતું બન્યું. બાંગ્લાદેશે ભારતમાં પોતાની મૅચો રમવાનો ઇનકાર કર્યો એટલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ બાંગ્લાદેશને ટૂર્નામેન્ટની બહાર કર્યું જેના પ્રત્યાઘાતમાં પાકિસ્તાને ભારત સામેની કોલંબોની 15મી ફેબ્રુઆરીની મૅચનો બહિષ્કાર કરવાનું નાટક શરૂ કરી દીધું હતું.

આજે પહેલી મૅચ પાકિસ્તાનની

ભારત સામેની 15મી ફેબ્રુઆરીની કોલંબોની મૅચ રમવા વિશે પોતાનો જ ધજાગરો કરી રહેલું પાકિસ્તાન શનિવાર, સાતમી ફેબ્રુઆરીએ કોલંબોમાં નેધરલૅન્ડ્સ સામે રમશે. સવારે 10.30 વાગ્યે આ પ્રારંભિક મૅચનો ટૉસ થશે અને 11.00 વાગ્યે પ્રથમ બૉલ ફેંકવામાં આવશે. પાકિસ્તાનની તમામ મૅચો શ્રીલંકામાં રમાવાની છે. ફાઇનલ માટે બે સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જો પાકિસ્તાન ફાઇનલમાં નહીં હોય તો એ મુકાબલો અમદાવાદમાં યોજાશે અને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચ્યું હશે તો એ મૅચ કોલંબોમાં રમાશે.

ભારતમાં છઠ્ઠી વખત મેન્સ વર્લ્ડ કપ

ભારતમાં અગાઉ પાંચ વખત પુરુષોના વિશ્વકપના આયોજન થયા હતા. 1987, 1996, 2007 અને 2011માં વન-ડેનો તથા 2016માં ટી-20નો વર્લ્ડ કપ ભારતમાં રમાયો હતો. જોકે એમાંથી માત્ર 2011માં યજમાન ભારત તાજ જીત્યું હતું.

આ 20 દેશ વર્લ્ડ કપમાં રમશે

ભારત, શ્રીલંકા, ઑસ્ટે્રલિયા, ન્યૂ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, અમેરિકા, કૅનેડા, નામિબિયા, સ્કૉટલૅન્ડ, નેધરલૅન્ડ્સ, આયરલૅન્ડ, નેપાળ, યુએઇ, ઇટલી, ઓમાન અને ઝિમ્બાબ્વે.

કયા ગ્રૂપમાં કઈ ટીમ

ગ્રૂપ-એ: ભારત, અમેરિકા, પાકિસ્તાન, નામિબિયા, નેધરલૅન્ડ્સ
ગ્રૂપ-બી: ઑસ્ટે્રલિયા, આયરલૅન્ડ, ઓમાન, શ્રીલંકા, ઝિમ્બાબ્વે
ગ્રૂપ-સી: ઇંગ્લૅન્ડ, ઇટલી, નેપાળ, સ્કૉટલૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ
ગ્રૂપ-ડી: અફઘાનિસ્તાન, કૅનેડા, ન્યૂ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, યુએઇ

વર્લ્ડ કપનું ફૉર્મેટ શું છે

20 ટીમને પાંચ-પાંચના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ પોતાના ગ્રૂપમાં દરેક સામે એક મૅચ રમશે. ચારેય ગ્રૂપની ટોચની બે-બે ટીમ સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચશે. એ રાઉન્ડમાં ચાર-ચાર ટીમના બે ગ્રૂપ પડશે. એમાં ટોચના બે-બે સ્થાને રહેનારી ટીમ સેમિ ફાઇનલમાં જશે.

મૅચ ટાઇ થશે તો શું

જો કોઈ મૅચ ટાઇ થશે તો સુપર ઓવરથી પરિણામ લાવવામાં આવશે. જો સુપર ઓવરમાં પણ બન્ને ટીમ એકસરખી હશે તો વધુ સુપર ઓવર રમાશે અને એ મૅચનું પરિણામ ન આવે ત્યાં સુધી એ ઘટનાક્રમ ચાલુ રહેશે.

વરસાદ કે બીજી અણધારી સ્થિતિ હશે તો?

ભારતમાં થોડાં વર્ષોથી કમોસમી વરસાદની સંભાવના રહેતી હોય છે. શ્રીલંકામાં પણ આવું બની શકે. જો લીગમાં કે સુપર-એઇટ રાઉન્ડમાં કોઈ મૅચ વરસાદ કે નબળા પ્રકાશને કારણે ખોરવાઈ જશે તો પરિણામ માટે બન્ને ટીમની પાંચ-પાંચ ઓવર રમાઈ હોવી જોઈશે. સેમિ ફાઇનલ અને ફાઇનલમાં રિઝલ્ટ માટે ઓછામાં ઓછી 10 ઓવરનો નિયમ લાગુ પડશે.

ભારતની લીગ મૅચો ક્યાં, ક્યારે

(1) શનિવાર, 7મી ફેબ્રુઆરીએ અમેરિકા સામે વાનખેડેમાં
(2) ગુરુવાર, 12મી ફેબ્રુઆરીએ નામિબિયા સામે દિલ્હીમાં
(3) રવિવાર, 15મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે કોલંબોમાં (વિવાદ હેઠળ)
(4) બુધવાર, 18મી ફેબ્રુઆરીએ, નેધરલૅન્ડ્સ સામે અમદાવાદમાં
નોંધ: શનિવાર, 21મી ફેબ્રુઆરીએ સુપર-એઇટ રાઉન્ડ શરૂ થશે.

ભૂતકાળમાં કયો દેશ ક્યારે ટી-20 વર્લ્ડ કપ જીત્યો

2007: ભારત
2009: પાકિસ્તાન
2010: ઇંગ્લૅન્ડ
2012: વેસ્ટ ઇન્ડિઝ
2014: શ્રીલંકા
2016: વેસ્ટ ઇન્ડિઝ
2021: ઑસ્ટે્રલિયા
2022: ઇંગ્લૅન્ડ
2024: ભારત

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button