વીક એન્ડ

વિશેષ: જોજો, ભારતમાં વસંત ફક્ત પુસ્તકોમાં જ રહી ન જાય!

  • એસ.ચૌધરી

સુંદર અને ભવ્ય માળો બનાવવા માટે પ્રખ્યાત ફિન્સ વીવર, ખૂબ જ દુર્લભ પક્ષી છે, જેની સંખ્યા હવે વિશ્વમાં 1000થી પણ ઓછી છે. આ પક્ષી તાજેતરમાં ઉત્તરાખંડના તરાઈ વિસ્તારમાં 44 વર્ષ પછી જોવા મળ્યું હતું અને તે પણ ફેબ્રુઆરીમાં, સામાન્ય રીતે તે માર્ચ-એપ્રિલમાં જોવા મળે છે. બીજી તરફ હરિપુરા અને બૌર જળાશયોમાં જે પક્ષીઓનો કલરવ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ બંધ થઈ ગયો, જે યુરોપ અને મધ્ય એશિયામાંથી નવેમ્બરમાં આવે છે અને માર્ચના અંત સુધી અહીં રોકાય છે.

Also read : ભાત ભાત કે લોગ: એક માતાએ લખ્યું: `બી અ ગુડ બોય!’ ને અમેરિકન મહિલાઓનું ભાગ્ય પલટાઈ ગયું!

આ વર્ષે તેઓ ફેબ્રુઆરીની શરૂઆતમાં જ પરત ફરી ગયા છે. કેમ? કારણ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ તેરાઈના તાપમાનમાં ગત વર્ષની સરખામણીમાં 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો. સામાન્ય રીતે આ પ્રદેશમાં ફેબ્રુઆરીમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે અને ઘણીવાર તે ઘટીને 6-8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, પરંતુ આ વખતે મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. દેખીતી રીતે જ ક્લાઈમેટ ચેન્જ પક્ષીઓની સ્થળાંતર પદ્ધતિમાં ફેરફાર કરી રહ્યું છે.

પરંતુ તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં શિયાળાનો સમયગાળો સતત ઘટી રહ્યો છે. હદ તો એ છે કે ફેબ્રુઆરીમાં એપ્રિલ જેવું હવામાન લાગે છે -શુષ્ક અને અધિક તાપમાન. જાણે સમય પહેલા વસંત આવી ગઈ હોય અને તે પણ બહુ ઓછા સમય માટે. તેથી, હવામાન નિષ્ણાતો કહે છે કે ભારતમાં વસંત ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. જો આવું થાય, જેની પ્રબળ સંભાવના છે, તો વસંતની તે કવિતાઓનું શું થશે જે કહે છે – `કુદરતના આશીર્વાદ છે વસંતનો ખજાનો.’ નોંધનીય છે કે યુરોપિયન યુનિયનના કોપરનિકસ પ્રોગ્રામમાંથી ઉપલબ્ધ સેટેલાઇટ ડેટા દર્શાવે છે કે ઓન રેકોર્ડ જાન્યુઆરી 2025 સૌથી ગરમ મહિનો હતો,

જેણે જાન્યુઆરી 2024ના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યા, જો કે આ બિલકુલ અપેક્ષિત નહોતું, કારણ કે પેસિફિકમાં જે અલનીનોની સ્થિતિ છે, તેનાથી વૈશ્વિક તાપમાન ઠંડું થઈ જાય છે. જાન્યુઆરી 2025 માટે સરેરાશ વૈશ્વિક સપાટીનું હવાનું તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સ્તર કરતાં 1.75 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. ઉત્તરી કેનેડા, રશિયા અને સ્કેન્ડિનેવિયન દેશોમાં તફાવત વધુ નાટકીય હતું, 6 ડિગ્રી સેલ્સિયસથી વધુ.

ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી) અનુસાર, 1901 પછી જાન્યુઆરી 2024 ઓન રેકોર્ડ ત્રીજી સૌથી ગરમ જાન્યુઆરી હતી. સરેરાશ 18.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ચોથું સૌથી સૂકા તાપમાન સાથે. આનો અર્થ એ થયો કે જાન્યુઆરી 2025 માં સરેરાશ તાપમાન લગભગ 20 સેલ્સિયસ રહેશે અને પરિણામે તે તાજેતરના ઇતિહાસમાં સૌથી સૂકો શિયાળો મહિનો હશે. પરંપરાગત રીતે, વસંત ઋતુ માર્ચ અને એપ્રિલમાં આવે છે, પરંતુ જ્યારે ફેબ્રુઆરીમાં જ એપ્રિલ જેવા તાપમાનનો અનુભવ થઈ રહ્યો છે, જેની પુષ્ટિ વૈશ્વિક હવામાન નિરીક્ષણ એજન્સીઓ દ્વારા પણ કરવામાં આવી છે, ત્યારે તે સંકેત આપે છે કે હવામાન પરિવર્તનનાં પરિબળો શિયાળા અને ઉનાળા વચ્ચેના સમયગાળાને સતત પુન:વ્યાખ્યાયિત કરી રહ્યા છે.

નિષ્ણાતોના મતે, આ વલણ વિસંગતતાઓથી ભરેલું છે – એ સંકેત છે કે ભારતની આબોહવા ધીમે ધીમે પરંતુ મૂળભૂત રીતે બદલાઈ રહી છે, જે ટૂંક સમયમાં દેશની પરંપરાગત વસંત ઋતુને ભૂતકાળની વાત બનાવી શકે છે. વસંતના લુપ્ત થવાના વિનાશક પરિણામો હશે. એવું પ્રોફેસર અંજલ પ્રકાશ કહે છે. તેઓ ભારતીય ઈન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક પોલિસી, ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (હૈદરાબાદ)માં સંશોધન નિયામક છે અને યુએન બોડી આઇપીસીસી (ઇન્ટરગવર્નમેંટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ) રિપોર્ટના લેખક પણ છે. તેઓ કહે છે, `બદલાતી ક્લાઈમેટ પેટર્નથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે એક સમયે કૃષિ ક્ષમતા અને વિકાસનું પ્રતીક ગણાતું વસંત જોખમમાં છે.’

આ ફેરફારો પરંપરાગત ચોમાસા ચક્રને અસર કરી રહ્યા છે. વસંતને ટૂંકું કરે છે અને તેની નરમ લાક્ષણિકતાઓ બદલે છે. તેની અસર માત્ર આબોહવા પર જ નહીં પરંતુ કૃષિ, જૈવવિવિધતા અને સાંસ્કૃતિક પ્રથાઓ પર પણ પડે છે. આ તમામ જોખમ હેઠળ છે. આ ખરાબ અસરોને ટાળવા માટે, તાત્કાલિક સંકલિત પગલાંની જરૂર છે જેથી ઋતુઓની લયને સાચવી શકાય. ફેબ્રુઆરી માટે આઇએમડી એ એવી આગાહી કરી છે કે સમગ્ર દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે, જ્યારે બંને મહત્તમ અને લઘુતમ તાપમાન સરેરાશ કરતાં વધુ રહેશે. સ્કાયમેટના મેટરોલોજી અને ક્લાઈમેટ ચેન્જના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવત કહે છે કે આપણે જલ્દી વસંત જોઈ શકીએ છીએ અથવા એવું પણ શક્ય છે કે વસંત બિલકુલ ન આવે.

Also read : અરાઉન્ડ ધ વર્લ્ડ : પાલ્મિટોસ પાર્કનાં ઓલમોસ્ટ આઝાદ પક્ષીઓ…

ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું હતું, પરિણામે ઓછી હિમવર્ષા અને શિયાળામાં ઓછો વરસાદ થયો. આ સિવાય, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વથી ભેજવાળા પવન ઉત્તરથી ઠંડા પવનને અવરોધિત કરે છે, જેના કારણે લઘુતમ તાપમાન પણ સામાન્યથી ઉપર રહ્યું. હિમાલય સૌથી વધારે પ્રભાવિત થયો છે, ઐતિહાસિક દૃષ્ટિએ હિમવર્ષા ઓછી થઈ છે. જમ્મુ કાશ્મીરમાં ક્ષેત્રિય હવામાન વિભાગના મુખ્તાર અહમદ કહે છે કે અહીં તો હિમવર્ષા થઈ જ નથી. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6 થી 8 ડિગ્રી વધુ છે. શિયાળો ઓક્ટોબરથી માર્ચ સુધી ચાલતો હતો, હવે તે ઘટીને માત્ર ડિસેમ્બર અને જાન્યુઆરી સુધી થઈ ગયો છે. યુરોપની થિંક ટેન્ક ક્લાઈમેટ સેન્ટ્રલનું કહેવું છે કે તાજેતરના દાયકાઓમાં ફેબ્રુઆરીમાં ગરમીનો દર ઝડપથી વધ્યો છે, જેના કારણે શિયાળા પછી અચાનક ઉનાળો આવી રહ્યો છે એટલે કે વસંત મધ્યમાંથી ગાયબ થઈ ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button