
સ્પોર્ટ્સમૅન – અજય મોતીવાલા
રિષભ પંતની ખંતને સલામ. ઉત્તરાખંડના હરિદ્વારમાં જન્મેલા ભારતના આ ફાઇટરને ઈજા સાથે જાણે બહુ લેણું છે. જોકે દરેક ઘા થયા બાદ ઘાયલ શેરની જેમ લડવાની આ વિકેટકીપર-બૅટ્સમૅનની વૃત્તિ ખાસ કરીને છેલ્લા બે દિવસથી યુવા વર્ગના કરોડો લોકો માટે પ્રેરક બની રહી છે. ફુલ્લી ફિટ હોય ત્યારે સમરસૉલ્ટની સ્ટાઇલમાં સેલિબ્રેશન કરવું કે પછી ગંભીર ઈજાને અવગણીને મેદાન પર આવીને ટીમ માટે લડવું એ પંત માટે હવે સાવ સામાન્ય વાત છે.
ઘાયલ થયા પછી પણ દિલનો અવાજ સાંભળીને અને મન મક્કમ કરીને ફરી રમવું એવું પંતે પહેલી વાર નથી કર્યું. 2020-’21માં સિડનીમાં પંતને કોણીમાં બૉલ વાગ્યો હતો અને તે હાથ મૂવ પણ નહોતો કરી શક્તો એમ છતાં પેઇનકિલર લઈને પહેલાં તો તે નેટમાં પ્રૅક્ટિસ કરવા ગયો હતો અને પછી મૅચમાં પોતાના નિર્ધારિત સ્થાન કરતાં ઉપરના ક્રમે બૅટિંગ કરવા આવ્યો હતો અને એક સત્રમાં 97 રન કરીને ટેસ્ટને ડ્રૉ કરાવી હતી.
મૅન્ચેસ્ટરમાં ચાલી રહેલી સિરીઝની ચોથી ટેસ્ટમાં પંતને સર્જરીવાળા જમણા પગમાં બૉલ વાગતાં ફ્રૅક્ચર થયું હતું અને તેણે વધુ રમીને પગને વધુ મુશ્કેલીમાં મૂકવાનું જોખમ વહોરીને છેક 11મા નંબરે નહીં, પણ ટીમને જરૂર હતી એ સમયે બૅટિંગ કરી હતી. મૅચને ડ્રૉમાં લઈ જવાની હોય કે ટીમને જિતાડવાની હોય એવી સ્થિતિ પણ નહોતી.
ભારતનો સ્કોર છ વિકેટે 314 રન હતો અને બોલર્સને બોલિંગમાં બહુ સારી મૂવમેન્ટ પણ મળતી હતી. એ સંજોગોમાં પંત મૅન્ચેસ્ટરમાં હજારો પ્રેક્ષકોના સ્ટૅન્ડિંગ ઑવેશન વચ્ચે મેદાન પર આગમન કર્યું અને 148 વર્ષની ટેસ્ટ ક્રિકેટના લડાકુ ખેલાડીઓમાં પોતાનું નામ લખાવી દીધું હતું.
બુધવારે પંતને ક્રિસ વૉક્સના યૉર્કરમાં રિવર્સ સ્વીપ મારવા જતાં પગમાં બૉલ વાગ્યો ત્યાર પછી પળવારમાં પગનો નીચેનો ભાગ સુજી ગયો હતો. તે ચાલી નહોતો જ શક્તો, જમીન પર પગ પણ નહોતો મૂકી શક્તો એટલી તેની ઈજા ગંભીર હતી. તેને જોઈને જ બધાને ખાતરી થઈ ગઈ હશે કે તેને પગમાં ફ્રૅક્ચર થયું છે.
ગુરુવારે સવારે સાથી ખેલાડીઓ પ્રૅક્ટિસ માટે મૅન્ચેસ્ટરના સ્ટેડિયમ તરફ આવવા રવાના થયા હતા ત્યારે પંતને વધુ સારવાર અને સ્કૅન માટે હૉસ્પિટલમાં જઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટર તો તેને પાંચથી છ અઠવાડિયા પૂરો આરામ કરવાની સલાહ આપી હતી, પરંતુ પંતે તેમને જરૂર કહી દીધું હશે કે મારે ગમે એમ કરીને ફરી બૅટિંગ કરવી છે એટલે કંઈક એવું કરો કે હું મેદાન પર ઊતરીને પિચ સુધી પહોંચી શકું અને ક્યારેક રન દોડી શકું.
પંત મૂન બૂટમાં ફરી રમવા આવ્યો અને હાફ સેન્ચુરી પૂરી કર્યા બાદ 54 રનના સ્કોર પર આઉટ થઈને પાછો આવ્યો ત્યારે પણ તેને પ્રેક્ષકોએ ઊભા થઈને તેની લડાયક શક્તિને બિરદાવી હતી.પંતને ડિસેમ્બર, 2022માં ગંભીર કાર અકસ્માત નડ્યો હતો અને શરીરના અનેક ભાગોમાં તેને ઈજા થઈ હતી. જમણા પગમાં તેણે ત્રણ જગ્યાએ સર્જરી કરાવી હતી અને `વિલ પ્લે અગેઇન’ના દૃઢ નિર્ધાર બાદ (ઘણા દિવસો સુધી કાખઘોડીની મદદથી ચાલ્યા બાદ) કુલ 635 દિવસે મેદાન પર તેણે કમબૅક કર્યું હતું.
રિષભ પંતના ફાઇટિંગ સ્પિરિટે 2002માં અનિલ કુંબલની લડાયક ઇનિંગ્સની યાદ અપાવી છે. 23 વર્ષ પહેલાં ઍન્ટિગામાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ દરમ્યાન બૅટિંગ દરમ્યાન જડબું તૂટી ગયા પછી કુંબલેને ડૉક્ટરે સર્જરી કરાવવાની સલાહ આપી હતી. કુંબલેએ ઑપરેશન માટે બેંગલૂરુ પાછા આવવાની યોજના ઘડ્યા પછી એને બાજુ પર રાખીને અને પેઇનકિલર લઈને તે પ્રેક્ષકોના સ્ટૅન્ડિંગ ઑવેશન વચ્ચે મેદાન પર ઊતર્યો હતો અને બ્રાયન લારાની વિકેટ લઈને ઇતિહાસમાં પોતાનું નામ લખાવી દીધું હતું. જો કુંબલેએ ત્યારે એ લડત ન બતાવી હોત તો એ ટેસ્ટ ડ્રૉમાં ન ગઈ હોત અને ભારતે પરાજય જોવો પડ્યો હોત.
પટૌડીએ એક આંખ ગુમાવ્યા પછી શાનદાર કેરીઅર માણી
(1) ભારતના ભૂતપૂર્વ સુકાની મન્સૂર અલી ખાન પટૌડી 1961માં 20 વર્ષના હતા ત્યારે તેમને ગંભીર કાર અકસ્માત નડ્યો હતો. વિન્ડસ્ક્રીનનો કોચ તેમની જમણી આંખમાં જતાં તેમણે કાયમ માટે એ આંખની દૃષ્ટિ ગુમાવી હતી. જોકે તેમણે ક્રિકેટમાં કરીઅર બનાવવાનો દૃઢ સંકલ્પ રાખ્યો અને આજે તેમનું નામ ભારતના ટોચના બૅટ્સમેનોમાં તેમ જ શ્રેષ્ઠ કૅપ્ટનોમાં લેવામાં આવે છે.
(2) એપ્રિલ, 1983માં બાર્બેડોઝમાં મોહિન્દર અમરનાથને બૅટિંગ દરમ્યાન ખતરનાક ફાસ્ટ બોલર માલ્કમ માર્શલના બાઉન્સરમાં બૉલ મોં પર વાગ્યો હતો એમ છતાં મોહિન્દરે બે કલાક સુધી બૅટિંગ કરી હતી અને 80 રન કર્યા હતા. કૅરિબિયનોને કદાચ ત્યારે જ ભારતીયોની લડાયક તાકાતનો અણસાર મળી ગયો હશે. જૂન, 1983માં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ફાઇનલમાં હરાવીને વર્લ્ડ કપ જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો.
(3) 2010માં મોહાલીમાં ઑસ્ટે્રલિયા સામેની ટેસ્ટમાં વીવીએસ લક્ષ્મણને પીઠમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. પહેલા દાવમાં તેણે 10મા નંબરે બૅટિંગ કરી હતી અને ફક્ત બે રન કર્યા હતા. બીજા દાવમાં ભારતે જીતવા 216 રન કરવાના હતા. લક્ષ્મણ સાતમા નંબરે બૅટિંગ કરવા આવ્યો હતો. ત્યારે ભારતે 76 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
124મા રને ભારતે આઠમી વિકેટ પણ ગુમાવી દીધી હતી અને લક્ષ્મણ દોડી પણ નહોતો શક્તો કે પગ આસાનીથી મૂવ પણ નહોતો કરી શક્તો એ હાલતમાં તેણે મિચલ જૉન્સન, શેન વૉટસન, બેન હિલ્ફેનહૉસ, ડગ બૉલિન્જર અને નૅથન હૉરિટ્ઝ જેવા જાણીતા બોલરનો સામનો કરીને 182 મિનિટ સુધી ક્રીઝ પર ટકી રહીને 79 બૉલમાં અણનમ 73 રન કર્યા હતા અને ભારતને એક વિકેટના માર્જિનથી રોમાંચક અને યાદગાર વિજય અપાવ્યો હતો.
(4) 2021માં સિડનીમાં નવા વર્ષની ટેસ્ટમાં ઑસ્ટે્રલિયા સામેની ટેસ્ટના બીજા દાવમાં ભારતે 407 રન કરવાના હતા. ભારતે 277 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. રવિચન્દ્રન અશ્વિન પીઠના અસહ્ય દુખાવા છતાં બૅટિંગમાં આવ્યો હતો અને પિચ પર હનુમા વિહારી સાથે જોડાયો હતો.
હનુમા વિહારીને ત્યારે પગના સ્નાયુઓ ખેંચાઈ જવાની ગ્રેડ-ટૂ પ્રકારની તકલીફ થઈ હતી. એ ઈજા એવી હતી જેમાં ખેલાડીએ તાબડતોબ રમવાનું છોડીને થોડા અઠવાડિયા આરામ કરવો પડે, પરંતુ હનુમા અઢી કલાક રમ્યો હતો અને 237 મિનિટની ઇનિંગ્સમાં તેણે 161 બૉલમાં અણનમ 23 રન કર્યા હતા. તેની સાથે અશ્વિન 190 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 128 બૉલમાં 39 રન પર અણનમ રહ્યો હતો અને તેમણે બન્નેએ મૅચ ડ્રૉ કરાવી હતી.
આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅન: લૉર્ડ્સમાં ભારતે બ્રિટિશરોને 1932થી લડત આપી છે