મોર્નિંગ મ્યૂસિંગ : સમાનતા- સ્વતંત્રતા ને શિક્ષણનું ‘ફૂલ’: જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે

-રાજ ગોસ્વામી
આજકાલ એક ફિલ્મ ‘ફૂલે’ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ ફિલ્મ મહારાષ્ટ્રના ક્રાંતિકારી સમાજસેવક મહાત્મા જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફુલેની સામાજિક સુધારણા અને સંઘર્ષ પર આધારિત છે. પ્રતીક ગાંધી આ ફિલ્મમાં મહાત્મા ફૂલેની ભૂમિકા નિભાવી રહ્યા છં, ત્યારે પત્રલેખા (અભિનેતા રાજકુમાર રાવની કુશળ અભિનેત્રી પત્ની) સાવિત્રીબાઈ ફૂલેની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના નિર્દેશક અનંત મહાદેવન અને નિર્માતા રિતેશ કુડેચા પર મહારાષ્ટ્રના બ્રાહ્મણ સમાજનો એવો આરોપ છે કે આ ફિલ્મ જાતિવાદને પ્રોત્સાહન આપે છે. અસ્પૃશ્યતા અને જાતિવાદને નાબુદ કરવા માટે જીવન સંઘર્ષ કરનારા ફૂલે હંમેશાંથી સાહિત્ય અને સિનેમાનો વિષય રહ્યા છે.
1954માં મરાઠી નિર્દેશક પ્રહલાદ કેશવ અત્રેએ ‘મહાત્મા ફૂલે’ નામથી ફિલ્મ બનાવી હતી. 1992માં જન નાયક મંચ દ્વારા મરાઠી લેખક જી. પી. દેશપાંડેના નાટક ‘સત્યશોધક’નું મંચન કરવામાં આવ્યું હતું. ક્ધનડ ભાષામાં પણ એમના પર એક ફિલ્મ બની છે. તે સિવાય બે ટેલિવિઝન સિરીઝ પણ સફળ રહી છે.
મહાત્મા જ્યોતિબા ફૂલેએ રૂઢીવાદી વિચારોવાળા સમાજમાં મહિલાઓનેે સ્વતંત્ર રીતે જીવવા મળે તે માટે ખૂબ કામ કર્યું હતું. જ્યોતિબા ફૂલેનું પૂરું નામ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે છે. એમનો પરિવાર પેશ્વાઓ માટે ફૂલો લાવવાનો કામ કરતો હતો એટલે એ ‘ફૂલે’ કહેવાતા હતા. તે વખતે બાળ લગ્નો, મહિલાઓ અને વિધવાઓનું શોષણ સામાન્ય હતું, પરંતુ જ્યોતિરાવે સમાજની દુષ્ટતા અને શોષણ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ : વિનોદ કુમાર શુક્લાને જ્ઞાનપીઠ એનાયત: સાથે ચાલવાનું જાણતો એક અદનો કવિ
ફૂલે વિશે પ્રાથમિક શાળામાં પાઠ આવતા હતા. એ એક જાણવા જેવા માણસ છે. સિનેમા અને સાહિત્ય મારફતે આજની પેઢીને એમનો પરિચય થાય તે આવશ્યક છે. જાતિ પ્રથા, ઊંચ-નીચ, સ્ત્રી-પુરુષ અસમાનતા અને અંધશ્રદ્ધા સાથે ભારતીય સમાજમાં વ્યાપ્ત આર્થિક-સામાજિક અને સાંસ્કૃતિક ભ્રષ્ટાચાર સામે પરિવર્તનની સદીઓથી જરૂર રહી છે. આ ધ્યેય સાથે આધુનિક યુગમાં મોટા પ્રમાણમાં સફળ ચળવળ ચલાવવાનું શ્રેય જ્યોતિરાવ ફૂલેને જાય છે. વ્યક્તિની સ્વતંત્રતા અને સમાનતા માટેની ચળવળને કારણે એમને ‘આધુનિક ભારતના પ્રથમ દૂરંદેશી નેતા’ પણ માનવામાં આવે છે. બાબાસાહેબ આંબેડકર ખુદ બુદ્ધ અને કબીરની સાથે જ્યોતિબા ફૂલેને પોતાના ગુરુ માનતા હતા.
ફૂલેનો જન્મ પુણેના એક સામાન્ય માળી પરિવારમાં થયો હતો. એમના પરિવાર અને બીજા અન્ય લોકો સાથે શૂદ્ર તરીકે વ્યવહાર થતો હતો અને તેમાંથી છુટકારો મેળવવા માટે ફૂલેએ એમને આધુનિક શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરી હતી.
એમના આ કામમાં પત્ની સાવિત્રીબાઈ ફૂલે અને અન્ય સાથીઓની મદદ મળી હતી. એમણે ઘણી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી. છોકરીઓ માટેની પહેલી શાળા શરૂ કરવાનું શ્રેય પણ એમને જાય છે.
બધાં કામમાં એમને અને પત્ની સાવિત્રીબાઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રૂઢીચુસ્ત સમાજે એમના પર બહુ ત્રાસ ગુજાર્યો હતો અને એમને હડધૂત કરવામાં આવ્યા હતા. એમની હત્યા કરવાનો પણ પ્રયત્ન થયો હતો. ફૂલેનો પ્રભાવ કેવો કે એમની હત્યા કરવા માટે ઘરમાં ઘૂસેલા બે માણસોમાંથી એક પાછળથી એમનો સહયોગી બની ગયો અને બીજાએ સત્યશોધક સમાજ તરફથી પુસ્તકો લખ્યાં!
આ પણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ : સાત સદીઓ પછી પણ દિલ્હીની વાસંતી હવામાં ગુંજતી અમીર ખુસરોની વિરાસત…
જીવનમાં શિક્ષણના અભાવથી થતા નુકસાનને ઉજાગર કરવા માટે ફૂલેભાઉએ ‘શેતકર્યાંચા આસુડ’ પુસ્તકમાં આ માર્મિક પંક્તિઓ લખી હતી;
વિદ્યા બિના મતિ ગયી,
મતિ બિના નીતિ ગયી
નીતિ બિના ગતિ ગયી,
ગતિ બિના વિત્ત ગયા
વિત્ત બિના શૂદ્ર ગયે!
ઇતને અનર્થ એક અવિદ્યાને કિયે!
ફૂલે માનતા હતા કે સામાજિક બદીઓ અને કમજોરીઓનું કારણ અજ્ઞાનતા છે. એ હંમેશાં કહેતા હતા કે બહુજન સમાજે, ખાસ કરીને સ્ત્રીઓએ જો સન્માનિત જીવન જીવવું હશે તો એમણે જ્ઞાની થવું પડશે. તે વખતના રૂઢીચુસ્ત લોકોને એ વાત પસંદ નહોતી કે નીચી જાતિના લોકો શિક્ષણ મેળવે. તેમાંથી જ ફૂલે સામેનો વિરોધ શરૂ થયો હતો.
1868માં એમણે પોતાના ઘરની પાસે પાણીના હોજની સ્થાપના કરી હતી, જેથી અછૂત લોકોને છૂટથી પાણી મળી શકે. ત્યાં કોઈ પણ માણસ ક્યારેય પણ આવીને પાણી પી શકતો હતો.
એમણે અછૂત લોકોને પણ પાણીનું સંરક્ષણ કરવાનું શીખવાડ્યું હતું. ફૂલેએ એક જળ નીતિ પણ બનાવી હતી અને અંગ્રેજોને તેને લાગુ કરવા અનુરોધ કર્યો હતો. એમનું મહત્ત્વનું સૂચન ‘ટેપ-સિસ્ટમ’નું હતું. ઇઝરાયેલમાં આ સિસ્ટમ 1948માં લાગુ કરવામાં આવી હતી. સિંચાઈની આ ટેપ સિસ્ટમથી માત્ર માટી અને ખનીજોને ક્ષીણ થતાં રોકી શકાય છે. એટલું જ નહીં, પાણીનો પણ વધુ ઉપયોગ થઇ શકે છે.
એમણે પોતાની સાથે, પરિવાર સાથે અને એમના સમુદાયના લોકો સાથે થતા દુર્વ્યવહારને જોઈને એ તારણ પર આવ્યા હતા કે પછાત સમુદાયોમાં શિક્ષણના અભાવથી સેંકડો વર્ષોની ગુલામીનો જન્મ થયો છે.
શિક્ષણ ફક્ત એક વર્ગ સુધી સીમિત રહી ગયું છે અને અન્ય લોકોને શાસ્ત્ર જોવાનો પણ અધિકાર નથી… એમણે વિચાર્યું કે જો આપણે બધા માટે શિક્ષણના દરવાજા ખોલીશું, તો પછી ગુલામીનાં બંધનોને દૂર કરી શકાશે. એમણે ખુદના અક્ષરજ્ઞાનના આધારે સમાજમાં આ જાગૃતિ ફેલાવા માટે દસ પુસ્તકો લખ્યાં હતાં. ફૂલે એમના વિચારોને કેવી રીતે લોકો સુધી પહોંચાડતા હતાં તેનો એક રોચક કિસ્સો છે.
એકવાર એ પોતાના મિત્ર જ્ઞાનોબા સાથે પુણેના એક બગીચામાં ફરવા માટે ગયા હતા. ત્યાં એક કુવો હતો.
બગીચાનું પાણી ત્યાંથી આવતું હતું. બપોરે અમુક મજદૂરો ત્યાં બેસીને ખાવાનું ખાવા લાગ્યા. એ જોઇને ફૂલે કુવા પાસે ગયા અને એમાં પાણી કાઢવાની ડોલ ચલાવવા લાગ્યા. સાથે સાથે એમણે ગીત ગાવાનું પણ શરૂ કર્યું.એ જોઈને મજદૂરો હસવા લાગ્યા. ફૂલેએ એમને પૂછ્યું, ‘આમાં હસવા જેવું શું છે? મજદૂરો કામ કરતી વખત હંમેશાં ગીતો ગાતા હોય છે. જે લોકો કામચોર છે તે જ નવરાશના સમયે સંગીત વાદ્યોનો શોખ સંતોષતા હોય છે. અસલી મહેનતકશ તો જેવું કામ કરે તેવું તેનું સંગીત વિકસાવી લે છે.’
ભારતમાં આજે પણ રૂઢીચુસ્તતા, અસમાનતા અને શોષણનું અનિષ્ટ બરકરાર છે. ફૂલેએ દોઢસો વર્ષ પહેલાં સમાજ સુધારણાનું ગીત ગાયું હતું તે આજે પણ એટલું જ સૂચક અને પ્રાસંગિક છે.