ઈકો-સ્પેશિયલ: ટ્રમ્પ: ટૅરિફ પે ટૅરિફ મિયાં ગીરે પર તંગડી તો ઊંચી!

-જયેશ ચિતલિયા
કોઈ પણ દેશના ખરા-મજબૂત વિકાસ માટે એક પાવરફુલ, વિઝનરી અને કંઈક અંશે ડિકટેટર જેવો લીડર નિમિત્ત બને છે તેમ કોઈ પણ દેશના વિનાશ માટે પણ એક લીડર નિમિત્ત બને છે, અમુક લીડર માત્ર પોતાના દેશને જ નહીં, વિશ્વને પણ વિનાશ તરફ ધકેલવામાં નિમિત્ત બને છે.
અતિશયોકિત તો ભલે અતિશયોકિત લાગે, પણ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ હાલમાં જે ભૂમિકા ભજવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા આ શખસ અમેરિકાને કઈ તરફ લઈ જશે એ ભાખવું તો કઠિન છે. આમ છતાં, હાલના એમનું વલણ, વર્તન અને નિર્ણયોને ધ્યાનમાં રાખીએ તો એ અમેરિકાના વૈશ્વિક વર્ચસ્વને તોડવા નિમિત્ત બનશે કે વર્ચસ્વ વધારવામાં એ સવાલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
અલબત્ત, આ બધું તરત નહીં થાય, મહાસત્તા તરીકે અમેરિકા હજી ય ઘણો મજબૂત દેશ છે. તેની પાસેની ટેલેન્ટ, જાયન્ટ કંપનીઓ, કરન્સી મેનેજમેન્ટ, શસ્ત્રોની શક્તિ ભરપૂર છે, પણ યાદ રહે, લીડરોના ખોટા નિર્ણયો લાંબે ગાળે ઘણી બાબત પર પાણી ફેરવી શકે છે. કોઈ પણ બાબતનો અતિરેક થાય ત્યારે આમ જ બને.
આજે વિશ્વનો સામાન્ય માનવી પણ અમેરિકાના અને ખાસ કરીને ટ્રમ્પના તેવર અને એની અસરોની પીડા જોઈ શકે છે. કઈ રીતે વિવિધ દેશ મશ્કેલીમાં મુકાઈ રહયા છે અથવા મુકાઈ શકે છે તે જોઈ-સમજી શકે છે. આ સંભવિત મુશ્કેલીઓ એટલે મોંઘવારી, બેરોજગારી, હાલાકી, શોષણ, દબાણ, અન્યાય, લાચારી, વિવાદો, ઈત્યાદિ ઈત્યાદિ વિવિધ કટોક્ટીનો કપરો આ સમય છે.
આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ: હવે યુએસ-ચીન આમને-સામને: આ વેપાર યુદ્ધમાં ભારતને લાભ થવાની કેટલી આશ…?
અત્યારે અમેરિકા સામે ઊભા રહેવાનો- લડવાનો છે, ઝૂકી જવાનો નહીં. ડૉલરની દાદાગીરી બહુ ચાલી, હજી પણ ચાલી રહી છે. જોકે આ સામે હવે જે રીતે ટૅરિફના વિષયમાં અતિરેક થયો છે એ વિવિધ દેશોને એક કરવાની કવાયત શરૂ કરી શકે. આ કવાયત પણ ચુપચાપ ચાલશે, કારણ કે હાલને તબકકે અમેરિકા સામે બાથ ભીડવા કોઈ એક જ દેશ કાફી નથી, તેમ છતાં ચીને આ પડકાર ઝીલ્યો છે અને અમેરિકાને ટૅરિફને લઈને લલકાર્યુ પણ ખરું, પણ પરિણામે ચીન સામે અમેરિકાએ જુદી જ પલ્ટી મારી છે.
આવા બધા માહોલ વચ્ચે આપણે ટ્રમ્પના છેલ્લા કેટલાક દિવસના નિર્ણયો અને તેના આડેધડ ફેરફારો જોઈએ તો ટ્રમ્પની અસ્થિરતા આંખે ઉડીને વળગે છે.
આ ટ્રમ્પ અમેરિકાને પણ અસ્થિરતા તરફ લઈ જાય તો નવાઈ નહીં. આનું ભાન થતા ટ્રમ્પે તેવર બદલવા પડયા. આ માટેના વાસ્તવિક કારણો સમજવા જેવા છે.
ચીન સામે અમેરિકાની નબળાઈ…
જે ચીન સામે અમેરિકા જોરશોરથી બાથ ભીડવાની વાત કરે છે, તેની સામે તેણે તરત જ નિર્ણય ફેરવી નાંખ્યો હતો, અલબત્ત, યુએસ ઝૂકી ગયું નહી, પણ કૂણું જરૂર ચોકકસ પડયું છે.
આમ પણ ચીન ઘણી બાબતમાં અમેરિકાને પણ હંફાવે એમ છે. થોડી ઝલક જોઈએ તો…
2024માં યુએસમાં માત્ર પાંચ જહાજ બન્યા હતા, જેની સામે ચીનમાં 1800 જહાજ બન્યાં… આજે પણ લેપટોપ, સોલાર પેનલ્સ, અને સિલિંગ ફેન મોટર્સ બનાવવામાં પણ ચીન અમેરિકા કરતાં ઘણું આગળ છે. અમેરિકા ઉત્પાદનમાં ઘણું પાછળ યા નહીંવત છે, તે મહદઅંશે વિશ્વનો મોટો આયાતકાર દેશ છે. અત્યારે ટૅરિફનો હુમલો કરવા પાછળનું તેનું કારણ પણ એ ગણાય છે કે તે ચીન બધી ચીજો બનાવવામાં સર્વોપરી બની જશે.
આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ : શૅરબજારના સોદા: નકલી ટે્રડિગ એપ્સ વત્તા વોટ્સએપથી સાવધાન
માત્ર પ્રોફિટ પાછળની દોટ ભારે પડી. વાસ્તવમાં અમેરિકાએ નફો કમાવાનું જ લક્ષ્યમાં રાખીને પોતે જ ફેકટરીઝ ચીન, વિયેતનામ, મેકિસકોમાં વાળી છે, જયાં તેને સસ્તા લેબર્સ મળે, ઊંચું માર્જીન મળે અને ઊંચા સ્ટોક પ્રાઈસ મળે, બાકી અત્યારે તો યુએસ મોટેપાયે ડ્રોન્સ પણ બનાવી શકે એમ નથી. હવે અમેરિકાએ એ બધી ફેકટરી પાછી લાવવા માગે છે માટે ચીનના માલો પર ઊંચા ટૅરિફ નાખવાનું નકકી કર્યુ. જોકે થયું એવું કે ટેરિફને લીધે શેરબજાર તૂટયું, જેનું નુકસાન પણ અમેરિકાને થઈ રહયું છે.
જેમાં પણ ટ્રમ્પે મિયાં ગીરે પર તંગડી ઊંચીની જેમ ટ્રમ્પ કહે છે કે મને શેરબજારની ચિંતા નથી.
પણ એ પછી બોન્ડ માર્કેટ તૂટી, બોન્ડ યિલ્ડ (વળતર) ઊંચા જવા લાગ્યા, જે ફાઈનાન્સિયલ માર્કેટની પલ્સ ગણાય. બોન્ડ માર્કેટ તૂટે એ અમેરિકાને પોષાય નહીં. યુએસ બોન્ડ માર્કેટ 40 ટ્રિલિયન ડોલરની (રૂ.336 લાખ કરોડ) છે, જે શેરબજારથી પણ ઘણી મોટી ગણાય. બોન્ડ માર્કેટ તૂટવાનું કારણ અમેરિકાની ટ્રેડ ડેફિસિટ અને બજેટ ડેફિસિટ પણ ગણાય, જેને લીધે લોકોને લાગ્યું કે આ દેવાદાર દેશ તો પહેલેથી જ છે. હવે તે બોન્ડસનું રિપેમેન્ટ કરવામાં પણ નબળું પડી શકે એવો ભય વધી ગયો.
અહી એ નોંધવું બહુ જ મહત્ત્વનું છે કે અમેરિકા બોન્ડ માર્કેટ પર બહુ મોટો આધાર રાખે છે. બેંકોં રોજબરોજની પ્રવાહિતા માટે તેનો ઉપયોગ કરે છે.
કંપનીઓ તેના સ્ટાફની સેલેરી આપવા, મ્યુચ્યુઅલ ફંડસ અને પેન્શન ફંડસ તેમના ભંડોળના પાર્કિંગ માટે તેનો ઉપયોગ કરે છે. જો બોન્ડ માર્કેટ તૂટે તો અમેરિકાની દશા બેસી જાય. 2008 જેવી કટોકટી ઊભી થઈ જાય અને એટલે જ અમેરિકન પ્રેસિડન્ટ પર દબાણ આવ્યું છે અને એમને ટૅરિફને હાલ 90 દિવસ માટે રોકી દેવાની સલાહ અપાઇ. આમ અમેરિકામાં ભલભલા લીડરે બોન્ડ માર્કેટ સામે શરણાગતિ સ્વીકારવી પડે છે. અહીં એ પણ નોંધવું જરૂરી છે કે યુએસનું જાહેર દેવું 34.5 ટ્રિલિયન ડૉલર જેટલું છે, જે નાગરિકદીઠ એક લાખ ડૉલર થાય. ભારતનું નાગરિક દીઠ દેવું 2200 ડૉલર અંદાજાય છે.
આમ ભારત સહિત કોઈ પણ દેશ માટે સબક એ છે કે ઔદ્યોગિક પાયો મજબૂત હોવો વધુ જરૂરી છે. ફાઇનાન્સિયલ માર્કેટ નેશનલ પોલિસી નકકી કરી શકે નહીં. આર્થિક યુધ્ધ થાય કે મિલિટરી યુધ્ધ, કોઈ પણ યુધ્ધમાં જીત મેન્યુફેકચરિંગની થાય છે. ભારત ઉત્પાદન ક્ષેત્રના આ રાહ પર છે. આમ છતાં, હવે ભારતે પણ પોતાને વધુ મજબૂત બનાવવા ભરપૂર મહેનત કરવાની છે.