ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : સેમ્પલિંગ આપશે નવા ઘરાક

સમીર જોશી

ક્યારેક મીઠાઈ કે ફરસાણની દુકાનમાં અથવા સૂકા નાસ્તાની દુકાનમાં જઈએ ત્યારે દુકાનવાળા આપણને અચૂક નવી આઈટમ ચાખવા આપે. તમે તે સમયે કદાચ ન પણ ખરીદો, છતાં પણ એ તમને સેમ્પલ ચખાડે. આ એમની પ્રોડક્ટનું સેમ્પલિંગ કરવાની રીત છે.

સેમ્પલિંગ માર્કેટિંગમાં એક મહત્ત્વનું પાસું ગણાય છે. મોટાભાગે આ વ્યૂહરચના નવા પ્રોડક્ટના લોન્ચ વખતે અજમાવવામાં આવે છે. આના બીજા પ્રકારોમાં સવારમાં ન્યૂઝ પેપરની સાથે શેમ્પૂની સેશે (નાનું પેકેટ) જોડેલી હોય, મોલમાં અમુક પ્રોડક્ટ તમે વાપરો પછી તમારો અભિપ્રાય માગે. સુપર માર્કેટમાં ખાદ્ય પદાર્થ ચાખો, કોઈ રિસોર્ટ અથવા હોટેલ તમને 2 રાત્રી 3 દિવસનું પેકેજ ફ્રીમાં આપે, OTT પ્લેટફોર્મ તમને એક મહિનો ફ્રી સબસ્ક્રિપ્શન આપે, વગેરે.

તાજેતરમાં એક નવા પ્રકારનો સેમ્પલિંગ આઈડિયા જાણવામાં આવ્યો. વિદેશમાં એક નામી સોસની કંપની જે મેયોનીઝ પણ વેચે છે તેનું સેમ્પલિંગ કર્યું. આપણને સોસ અને પિઝા પર છાંટવાના ઓરેગાનો, પેપર વગેરે ભેગા કરવાની આદત હોય છે. આ કંપનીએ કહ્યું તમે કોઈ પણ આવા બચેલા સેશે લઈને આવો અને અમે તમને તેની બજાર કિંમતનું મેયોનીઝ સેશે ફ્રી આપીશું. આમ સેમ્પલિંગના પણ નવા નવા રૂપો જોવા મળે છે. અહીં મુદ્દો તમને ફ્રીમાં આપવાનો નથી હોતો, પણ એમનો હેતુ બ્રાન્ડની અવેરનેસ વધારવી અથવા બ્રાન્ડને કન્સિડરેશન સેટમાં લાવવી અથવા નવા પ્રોડક્ટનો અભ્યાસ તમારા દ્વારા કરવો હોય છે.

આ પણ વાંચો: બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : વ્યૂહરચનાને કઈ રીતે અમલમાં મૂકવી એ જાણો…

આપણે જાણીયે છીએ કે ગ્રાહકો નવા પ્રોડક્ટ કે નવી બ્રાન્ડ જલ્દીથી નથી અપનાવતા. એ તે બ્રાન્ડ જોશે પણ તરત નહિ ખરીદે. આવા સમયે સેમ્પલિંગ કામ કરે છે. આજના ઓનલાઇનના જમાનામાં જયારે તમે ઓનલાઇન શોપિંગ કરો છો ત્યારે ઘણીવાર તમને તેની સાથે ફ્રી પ્રોડક્ટ મોકલવામાં આવે છે. આનો ફાયદો તે કે, પ્રોડક્ટ ઘરમાં આવ્યું હોવાથી ગ્રાહક એકવાર વાપરશે અને જો ગમી ગયું તો ખરીદશે. જો ના ગમ્યું તો બ્રાન્ડ એને ના ગમવાનાં કારણ પૂછી તેમાં સુધારા વધારા કરશે. આમ, બ્રાન્ડ માટે ફ્રી સેમ્પલિંગ રિસર્ચ અને ગ્રાહકો મેળવવા તેમ બંને કામ કરે છે.

આ વ્યૂહરચનાં વર્ષોથી અત્યંત સફળ સાબિત થઈ છે. એક પ્રોડક્ટ સેમ્પલિંગ સ્ટડીના રિપોર્ટ અનુસાર, પ્રોડક્ટ અજમાવનાર35% લોકોએ તે જ દિવસે પ્રોડક્ટ ખરીદી હતી. આનું કારણ, સેમ્પલિંગ ગ્રાહકોને ઉત્પાદનની ગુણવત્તાનો અનુભવ કરવાની તક આપે છે. આ કારણોસર, ઉપભોક્તાઓને ઉત્પાદન વિશે જાણવા માટે તમારી સેલ્સ સ્ટોરી અથવા માર્કેટિંગ પર આધાર રાખવાની જરૂર નથી. એ સ્વતંત્ર રીતે જાણી શકે છે અને જે વધુ શક્તિશાળી હોય તે ગ્રાહકનાં મન પર કાયમી છાપ મૂકી જાય છે. જો યોગ્ય રીતે આ પ્રવૃત્તિને દોરવામાં આવે તો પ્રોડક્ટ સેમ્પલિંગ માર્કેટિંગ વ્યૂહરચના સૌથી અસરકારક વેચાણ તકનીક બની શકે છે. માટે જયારે આ પ્રવૃત્તિ ચલાવીએ ત્યારે તેને એવી જગ્યાએ ચલાવો જ્યાંથી ઉપભોક્તા તરતજ ઉત્પાદન ખરીદી શકે. ઉદાહરણ તરીકે કોઈ મોલમાં કે સુપર માર્કેટમાં વગેરે.

સેમ્પલિંગની વ્યૂહરચના બ્રાન્ડની અવેરનેસ ઊભી કરે છે અને અપેક્ષિત ગ્રાહકોમાં તે બ્રાન્ડ પ્રતિ રસ જગાવે છે. આમાં તમારું રોકાણ બ્રાન્ડ પ્રમોટ કરતાં બીજાં માધ્યમો કરતાં ઘણુ ઓછું હોય છે. અને મહત્ત્વનું એ છે કે તે ડાયરેક્ટ કસ્ટમરને પહોંચે છે. આ ઉપરાંત જો લોકોને આ પ્રોડક્ટ ગમશે એ તેના વિષે અન્ય લોકોને જણાવશે.આમ વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી થશે તે નફામાં. લોકોનો વિશ્વાસ આ પ્રવૃત્તિ દ્વારા જીતી શકાય છે.

આ પણ વાંચો: બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : નવું વર્ષ… નવી યોજનાઓ… નવું જોમ

આ પ્રવૃત્તિના બીજા ફાયદાઓ જોઈએ તો પોઈન્ટ ઓફ પરચેઝ પર પ્રોડકટ્નું વેચાણ થાય છે. કોઈ ગ્રાહક આ સેમ્પલિંગને મ્હાણી રહ્યો છે અને સ્ટોરમાં ફરી રહ્યો છે ત્યારે એના મગજમાં તમારું ઉત્પાદન તાજું છે અને જો એ સમયે પ્રોડક્ટનું ડિસ્પ્લે થયું છે ત્યાં પહોંચશે ત્યારે પ્રથમ તમારા ઉત્પાદન વિશે વિચારવા માટે પ્રેરિત થશે.

આ જ રીતે, સેમ્પલિંગની વ્યૂહરચના ગ્રાહકને જાળવી રાખવામાં મદદ કરે છે. માર્કેટર્સ તરીકે, આપણે બધાએ સમજવું જોઈએ કે એક્વિઝિશન અર્થાત સંપાદન એ બધી જ વ્યૂહરચનાનો અંત નથી. તમે આ સેમ્પલિંગ પ્રવૃત્તિ થકી શું મેળવવા માગો છો તેની સ્પષ્ટતા કેળવો. ગ્રાહકોને સેમ્પલ્સ મળે પછી એમના સંપર્કમાં રહી અપડેટ્સ મેળવો. આ આખી પ્રવૃત્તિનું અગત્યનું પાસું છે.

અહીં સૌથી મહત્ત્વની વાત એટલે આ પ્રવૃત્તિ દ્વારા બ્રાન્ડને પહેલેથી જ ગ્રાહકોનો લાઈવ ડેટા મળે છે. આપણે આજે ડેટાની શું કિંમત છે તે જાણીયે છીએ. આ ડેટાના સહારે તમે ગ્રાહકને વધુ સારી રીતે જાણી શકશો અને એ અનુસાર તમારા પ્રોડક્ટમાં જોઈતો બદલાવ લાવવા ઉપરાંત એને અનુરૂપ તમારું કોમ્યુનિકેશન પણ બનાવી શકશો. આમ સેમ્પલિંગની આવી વ્યૂહરચના બ્રાન્ડ અવેરનેસની સાથે લાંબાગાળાનો ગ્રાહક પણ તમને મેળવી આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button