વીક એન્ડ

ક્લોઝ અપ : સ્વાદિષ્ટ વાનગીઓના કડવા-તૂરા વાદ-વિવાદ-વિખવાદ…

  • ભરત ઘેલાણી

જેનો સ્વાદ જીભને વળગી ચૂક્યો છે એવી અનેક જાણીતી રસઝરતી વાનગીઓથી લઈને ચીજ-વસ્તુઓ નિરંતર વાદ-વિવાદમાં અટવાતી રહે છે, જેના સંતોષકારક ઉકેલ માટે અમલમાં મુકાયેલો GI ટેગ શું છે?

વિખ્યાત હાસ્યલેખક તારક મહેતા સાપ્તાહિક ચિત્રલેખા’ માટે કોલમ લખતાદુનિયાને ઊંધાં ચશ્માં’. 43 વર્ષ સુધી અવિરત પ્રગટ થતી એ કોલમમાં એક પાત્ર હતું પાવડર ગલીના સમાજ સેવક એવા ચંદુલાલ. આ ચંદુલાલ ખાણી-પીણાના જબરા શોખીન. મુંબઈની કઈ ગલ્લીઓમાં કઈ વાનગી ચાખવા-ઓહિયો કરવા જેવી છે એના ચંદુલાલ હરતાં-ફરતાં જ્ઞાનકોષ ‘. આ જ કોલમ પર આધારિત આજે છેલ્લાં 17 વર્ષથી ટીવી પર આવતી લોકપ્રિય નીવડેલો આસિત મોદી સર્જિત શોતારક મહેતા કા ઊલ્ટા ચશ્મા..’ માં `ગોકુળધામ સોસાયટી’ના એક ડોકટર અને એનો ચિરંજીવ પણ જબરા ખાઉધરા છે. એમનો સ્વાદપ્રેમ શ્રોતાઓને હાસ્ય પીરસે છે.

Also read : ભાત ભાત કે લોગ : અજાણ્યાનું પર્સ તમારા હાથમાં આવી જાય તો?

આપણી ટચૂકડી જીભ સાથે સ્વાદ પણ સંકળાયેલો છે. એને લઈને આ એક ચીની કહેવત પણ જાણીતી છે : `મોટાભાગના લોકો પોતાની કબર જીભથી ખોદતા હોય છે..’ અર્થાત, વધુ પડતો સ્વાદનો ચટાકો માણસને મોત તરફ ધકેલે છે. બીજી તરફ, ભૂખ્યા પેટની આગે અનેક દેશમાં બળવો જગાડ્યા છે. સો વાતની એક વાત, આદિકાળથી અત્યાર સુધી અવનવી વાનગી અને સ્વાદ માનવમાત્ર માટે જીવનનું એક અવિભાજ્ય અંગ બની રહ્યાં છે.

આજે તો જગતભરના કેટલાંય શહેર-નગરની ઓળખ સુધ્ધાં ત્યાંની વાનગી-ફરસાણને લીધે બની છે. ઉદાહરણ તરીકે, મુંબઈના વડા-પાંઉ…સુરતનો લોચો… જામનગરની કચોરી, રાજકોટના પેંડા, કચ્છની દાબેલી વડોદરાનો ચેવડો… ઈત્યાદિ ઈત્યાદિ ..આવી રસઝરતી વાનગીઓની તો નામાવલિ હજુય લંબાવી શકાય…

ખેર, જેમ અન્ન માટે યુદ્ધ ખેલાયાં છે તેમ જગતભરમાં કઈ વાનગી મૂળ ક્યાંની એ લઈને કડવા વાદ-વિવાદ થયા છે અને આજે પણ વાર-તહેવારે એ ચાલતાં જ રહે છે.

મમતાદીદીનાં પશ્ચિમ બંગાળની વાત કરીએ તો બાબુમોશાયના ચિરપરિચિત લાંબાં-પહોળાં ગોળ ઉચ્ચારમાં કહીએ તો રોસ્શોગુઉલ્લા’ કેશોંન્દેશ’ કે પછી મિસ્ટી દોઈઈ’ જેવી ત્યાંની મીઠાઈ તો જગવિખ્યાત છે,પણ જેવી રસગુલ્લાની વાત આવે અને જેવા બંગાળીબાબુ પોરસાઈને કોલર ઊંચા કરીને કહે :એ તો આમાર …!’ કે તરત જ પાડોશી ઉત્કલ રાજ્ય એટલે કે ઓરિસ્સા એના વિરોધમાં બાંયો ચઢાવે કે `રસગુલ્લા તમારા શાના?એ તો અમારી શોધ છે! ‘ આમ રસગુલ્લા જેવી મધુરી વાનગી માટે એ બન્ને રાજ્ય વચ્ચે કડવી કચકચ થતી રહે છે.

આવા જ કડવા-તૂરા વિવાદમાં ઈડલી પણ સંડોવાયેલી છે. આપણી ફાસ્ટ ફૂડ ગણાય એવી ઈડલી હકીકતમાં દક્ષિણ ભારતની નહીં, પણ મૂળ ઈન્ડોનેશિયાની વાનગી છે એવો વિવાદ એક જાણીતા ઈતિહાસવિદે પુરાવા પેશ કરીને જગાડ્યો છે. ઈડલી સાથે સંકળાયેલું સાંભાર પણ ઘણા સમયથી વિવાદમાં સળવળે છે. સાંભાર પણ મૂળ સાઉથની વાનગી નથી, પણ એનાં મૂળ મહારાષ્ટ્રમાં છે.

Also read : મસ્તરામની મસ્તી : ના, હું તો ગાઈશ જ…

આજે સુપરહિટ પુરવાર થયેલી વિક્કી કૌશલની ફિલ્મ છાવા’ (મરાઠીમાં સિંહનું બચ્ચુ) જે શિવાજીના પુત્ર સંભાજી પર આધારિત છે. એ મરાઠી રાજવી સંભાજીના રસોયાએ એક વાર દાળમાં ભૂલથી કોકમની સાથે એવું કોઈ દ્રવ્ય ઉમેરી દીધું કે એ દાળના સ્વાદ-સોડમ પર રાજવી મરાઠાભાઉ ઓવારી ગયા પછી એનું નામ સંભાજી પરથીસાંભાર’ પડી ગયું !

(આવી લોકકથા છે! )

જોકે આવી જ તકરાર ને રકઝક લખનવી- હૈદરાબાદી અને ક્લકત્તી બિરયાની-પુલાવના મૂળ માટે સતત ચાલ્યા જ કરે છે. હૈદરાબાદની અનેક રેસ્ટોરાં તો બિન્ધાસ્ત દાવો કરે છે કે અમારી હૈદરાબાદી બિરયાની જ અસ્સલ છે… બાકી બધાની કહેવાતી બિરયાની તો પુલાવ માત્ર છે..!

આવા વાદ-વિવાદના સંતોષકારક ઉકેલ માટે કેન્દ્ર સરકારે એક વિશેષ એજન્સીની સ્થાપના કરી છે, જે કોઈ પદાર્થ-વસ્તુ-વાનગીનું ઐતિહાસિક-ભૌગોલિક મૂળ શોધી નિર્ણય લઈને એને GI Tag એટલે કે `જ્યોગ્રોફિક આઈડેન્ટિફિકેશન’ તરીકે ઓળખાતો એક ચોક્કસ નંબર આપે છે. આવો GI Tag નિકાસકર્તાની વસ્તુ-વેચાણ માટે મહત્ત્વનો ગણાય છે. કોઈ વસ્તુ-પ્રોડકટ મૂળ કયાંની છે એની પૂરતી ચકાસણી પછી અપાતો આવો GI Tag બધાને બંધનકર્તા છે અને એ માન્ય રાખવો પડે છે.
આવા ટેગનો ખાસ ફાયદો એ છે કે આપણી સ્વદેશી વસ્તુ-ઉત્પાદનને એના દ્વારા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માન્યતા મળે છે ને પાછળથી અન્ય કોઈ દેશ એની પેટન્ટ પર દાવો નથી કરી શકતું (જેવું અગાઉ હળદર- આંબળા-લીમડાનાં આયુર્વેદિક ઉત્પાદનો સહિત મૂળ ભારતીય યોગ-આસનોને લઈને જબરા વિવાદ જાગ્યા હતા!)

આજે સ્થાનિક કહી શકાય એવા 375થી વધુ મૂળ ઉત્પાદકોએ એમની પ્રોડટ્કસ માટે GI ટેગ મેળવ્યો છે. આમ છતાં, 3600થી વધુ ઉત્પાદન એવાં છે, જેને દેશ-વિદેશના વેચાણ વખતે વાપરવા માટે GI સરર્ટિફિકેટ પણ મળ્યાં છે. આના કારણે પણ ઘણી વાર અસલી અને નકલીના ડખા ઊભા થતા રહે છે.

જો કે કેટલીક પ્રોડક્ટસને GI ટેગને લીધે વિદેશમાં અઢળક આર્થિક ફાયદો પણ થયો છે, જેમકે: રાજસ્થાનની હસ્તકળાથી તૈયાર થયેલી સાંગણેરી સાડી-કુર્તા- શર્ટ વિદેશોમાં ધૂમ વેંચાય છે.

ગુજરાત-ખંભાતના ભાલિયા ઘઉની કેનિયા- શ્રીલંકા-ઈન્ડોનેશિયામાં સારી માર્કેટ છે. એ જ રીતે, જલગાંવના કેળાની દુબઈમાં સારી ડિમાન્ડ છે તો આન્ધ્ર-ઓરિસ્સાની અરાકુ તરીકે જાણીતી કોફી ગલ્ફ તેમજ યુરોપમાં લોકપ્રિય છે.

આ બધા વચ્ચે, રસગુલ્લા- કોફી-ચા, કેરી અને ચોખા એક યા બીજા વિવાદ અને વેચાણને કારણે અવારનવાર સમાચારમાં ગાજતાં રહે છે.

Also read : ભાત ભાત કે લોગ : હેલો, હેલો…! શું તમે કોઈને આવો કોલ કરવાની હિમ્મત કરી છે?

ઓરિસ્સા-બંગાળના રસગુલ્લાનો વિવાદ તો એવો જબરો રહ્યો કે સરકારે બન્નેને અલગ અલગ GI ટેગ આપીને એ તકરારનો તો કામચલાઉ ઉકેલ આણ્યો છે. દેશ-વિદેશમાં `દાર્જિલિંગ ટી’ના નામે ઘણા વિવાદ થયા પછી પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કલિમ્પોંગ જિલ્લાનાં ખેતરોમાં કુદરતી રીતે ઊગેલી ચાની પત્તીને જ એ નામ મળે એવો ચુકાદો અપાયો છે.

બીજી તરફ, 40 લાખ ટનથી વધુ જેની તોતિંગ નિકાસ થાય છે એ આપણા ચિરપરિચિત `બાસમતી રાઈસ’ ની પેટન્ટ મેળવવા અમેરિકાની એક તગડી કંપનીએ જબરી ધમાલ કરી હતી, પણ સફળતા ન મળી. આજે આપણા GI ટેગવાળા બાસમતી ચોખા પાડોશી પાકિસ્તાનના રાઈસ સાથે વિદેશોમાં તીવ્ર સ્પર્ધામાં છે.

જેમ ક્રિકેટના મેદાન પર ભારત પાકિસ્તાનની ટીમ સામસામી અથડાય ત્યારે હાર- જીત માટે ખરાખરીની ટકકર થાય એમ `બાસમતી’ ચોખા મૂળ ક્યાંના એનો વિવાદ લાંબા સમયથી ચાલે છે.

જોકે, હમણાં તો આ બન્ને પાડોશી દેશને GI ટેગ સાથે બાસમતી’ પોતપોતાના દેશમાં વેંચવાની અનુમતિ મળી છે. તો થોડા સમયથી મધ્ય પ્રદેશે પણ આ વિવાદમાં ઝુકાવ્યું છે. ભારતના સાત રાજ્યનેબાસમતી’ ચોખાના સત્તાવાર ઉત્પાદક તરીકે GIની માન્યતા આપવામાં આવી છે. હવે આવી જ માન્યતા મધ્ય પ્રદેશ માગી રહ્યું છે!

આજે આવી તકરાર માત્ર કિચનમાં તૈયાર થતી વાનગી કે મીઠાઈ પૂરતી મર્યાદિત નથી રહી.

ભોજન કક્ષની બહાર પણ અમુક ચીજ-વસ્તુ મૂળ કયાંની એને લઈને અફરાતફરી જામે છે.

ઉદાહરણ તરીકે, એક ચોક્કસ પ્રકારની ડિઝાઈનમાં બનેલા અને વજનમાં હળવા તેમજ પહેરવામાં સરસ મજાનાં લાગે એવાં ચામડાના ચપ્પ્લ મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની દેન શોધ' ગણાય છે. આ પગરખાંકોલ્હાપુરી ચપ્પલ’ તરીકે જાણીતા છે. મહારાષ્ટ્રનાં સાંગલી-સતારા-શોલાપુરથી લઈને છેક કર્ણાટકમાંય એ જ પ્રકારના બનતાં ચપ્પલ `કોલ્હાપુરી’ તરીકે વેંચાવા લાગ્યા ત્યારે મૂળ કોલ્હાપુરના ચપ્પલ ઉત્પાદકો-વિક્રેતાઓએ પેટન્ટ- ડિઝાઈન- ટે્રડમાર્કસની સરકારી એજન્સીમાં ઉગ્ર વિરોધ નોંધાવીને કોર્ટે ચઢવાની ચીમકી આપી હતી.

આવું જ ચંદેરી સાડીનું છે. મધ્ય પ્રદેશનું ચંદેરી નગર ત્યાંના રેશમ જેવાં કાપડ અને એમાંથી તૈયાર થતી વિશિષ્ટ પ્રકારની સાડી માટે જાણીતું છે. આવી ચંદેરી સાડી પણ વિવાદમાં અટવાઈ છે, કારણ કે મધ્ય પ્રદેશની બહાર સુરત- બનારસમાં અમુક વણાટની સાડીના ઉત્પાદકોને પણ `ચંદેરી સાડી’નો GI ટેગ મળ્યો પછી ચંદેરી નગરના મૂળ સાડી બનાવનારાએ એનો જોરદાર વિરોધ કર્યો છે. આ તકરાર પણ GI એજન્સી સુધી પહોંચી છે.

સાડીને લઈને એક નવી જ ચડભડ પણ હમણાં બહાર આવી છે. પશ્ચિમ બંગાળની ફેમસ `ટાંગાઈ ‘ સાડીને જે GI ટેગ મળ્યો છે એની સામે પાડોશી બાંગ્લાદેશે સખત વિરોધ નોંધાવતા કહ્યું છે કે સાડી મૂળ તો બાંગ્લાદેશના ટાંગાઈ નામના જિલ્લાના કારીગરોની દેન છે માટે અમે GI ટેગના ખરા હક્કદાર છીએ-ભારત નહીં !

આવા જ GI ટેગના વિવાદમાં મૈસૂર અગરબત્તી’ના ખરા ઉત્પાદકો પણ અટવાયા છે. આ બધા વચ્ચે આસ્થાળુઓ માટે અતિપવિત્ર ગણાતા તિપતિ દેવસ્થાનના પ્રસાદ એવાં લાડુને પણ પેટન્ટ GI ટેગની લડાઈમાં અટવાવું પડ્યું છે. કોર્ટ-કચેરીની લાંબી બબાલ પછી તિપતિ દેવસ્થાન અને આન્ધ્ર સરકારને હવે સત્તાવાર GI ટેગનાંદર્શન’ થયા છે..!

Also read : શરદ જોશી સ્પીકિંગ ઃ છાપરા પર વાગતું વાયોલિન…

હમણાં જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના કુંભમેળાને ઐતિહાસિક સફળતા મળી એ જોયા પછી ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશવાળા પણ કુંભમેળો તો મૂળ અમારો !’ એવો દાવો કરીને એના GI ટેગ માટેઢિસુમ… ઢિસુમ’ શરૂ ન કરે તો સારૂ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button