અરાઉન્ડ ધ વર્લ્ડ : સાન ઓગસ્ટિન – સ્પેનમાં પણ અમેરિકા પીછો નથી છોડતું…

- પ્રતીક્ષા થાનકી
અમેરિકાનો સોટ પાવર આખી દુનિયા પર છેલ્લી સદીમાં એવો ફરી વળ્યો છે કે ત્યાંની બ્રાન્ડ્સ, ત્યાંની લાઇફ-સ્ટાઇલ, ત્યાંનું મીડિયા, બધું જ બધે જ જોવા મળી જાય છે. અને એવામાં હાલમાં ચાલી રહેલ જટિલ આંતરરાષ્ટ્રીય પોલિટિકલ માહોલમાં સાશિયલ મીડિયા એકો-ચેમ્બર્સમાં જે પણ વાંચવા કે સાંભળવા મળે છે તેના પર શંકા થાય છે. ખાસ તો એટલા માટે પણ કે બધે જ ઓપિનિયનની ભરમાર છે, પણ રોજ ઊઠીને પચાસ લોકોનાં અલગ અલગ અભિપ્રાયો મેળવીને કશું નવું જાણવા, સમજવા કે વિચારવા તો ભાગ્યે જ મળે છે. એવામાં માહિતી ક્યાંથી આવે છે, તેનો સોર્સ શું છે, તેની ઇમ્પેક્ટ શું છે, અને મારા અંગત ખૂણા સાથે તેને કંઇ લેવા-દેવા છે કે કેમ, એ પોઇન્ટ ઓફ વ્યુથી ચાલીને કોન્ટેન્ટ ક્નઝ્યુમ કરવાનું નક્કી કરેલું છે તે માનસિક શાંતિ માટે ઘણું ફાયદાકારક નીકળ્યું છે. ખાસ કરીને ન્યૂઝનું ડાયેટ એકદમ જરૂરિયાત અને પસંદગી સાથે ક્યુરેટ કરીને પણ બિનજરૂરી સ્ટે્રસથી દૂર રહી શકાય છે. અમેરિકાને લગતા ન્યૂઝ આજકાલ એ જ કેટેગરીમાં આવે છે. જોકે અમેરિકન ન્યૂઝ મર્યાદામાં મેળવો એનો અર્થ એ નહીં કે અમેરિકાથી છટકીને ક્યાંય જઈ શકાય.
સ્પેનિશ કનેરિયન ટાપુઓ પર પણ અમેરિકન વેસ્ટર્ન સ્ટાઇલ એક ગામ બનાવીને તેને થીમ પાર્કમાં ફેરવી દેવામાં આવેલું જોવા મળ્યું. તેના વિષે પહેલાં જ્યારે વાંચેલું ત્યારે એક સાથે ક્લિન્ટ ઇસ્ટવૂડની ફિલ્મો, હાલમાં બનેલી સાયન્સ ફેન્ટસી `વેસ્ટ વર્લ્ડ’ અને 2014માં કરેલા લાંબા અમેરિકન પ્રવાસમાં જોયેલાં વેસ્ટર્ર્ન સ્ટાઇલ ગામ, બધું યાદ આવી ગયું. માસપાલોમાસ પાસે સાન ઓગસ્ટિન ગામ પહોંચવામાં તો અમને વાર ન લાગી, પણ ત્યાં જઈને અમે તરત જ કોઈ ફિલ્મ સેટ પર પહોંચી ગયાં હોઈએ એવું લાગતું હતું. આમ જોવા જાઓ તો માટા ભાગના અમેરિકન ફિલ્મ સ્ટુડિયો ટૂર્સમાં યુરોપના ખૂણાંઓ રિક્રીયેટ કરવાનો પ્રયત્ન દેખાય છે. એ જોતાં ઓલમોસ્ટ આફ્રિકા નજીક આ ટચૂકડા ટાપુ પર એક જુનવાણી અમેરિકન કાઉબોય ટાઉન જોઈને નવાઇ લાગે તે સ્વાભાવિક છે.
હવે એક દિવસમાં અમે અહીંથી ઘર તરફ પાછાં નીકળવાનાં હતાં. ક્રિસમસનો જર્મન માહોલ અમારી રાહ જોઈ રહૃાો હતો. એવામાં છેલ્લા દિવસે માસપાલોમાસ અને લા પાલ્મા વચ્ચે અમારે જેટલું પણ જોવાનું બાકી હતું તે બધું જોવા નીકળી પડ્યાં. અહીં હજી ઘણી હાઇક બાકી રહી જવાની હતી. એટલું જ નહીં, અહીં રાત્રે એસ્ટ્રોનોમી બિલ્ડિગની ટેકરી જોવાનું પણ શક્ય નહોતું બન્યું. ખાસ તો અહીં રાતનું અંધારું જરા વધ ુપડતું ઘેરું હોય છે. એવામાં એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી જ તે તારાઓ અને ચંદ્ર દેખાતો હતો તે જોવાની અલગ મજા હતી. ઘણા લાંબા સમય પછી, કે કદાચ ફિલ્મોની બહાર પહેલી વાર અહીં તૂટતો તારો પણ જોવા મળ્યો હતો. છતાંય આખો દિવસ સાઇટસીઇંગમાં ચાલ્યા પછી રાત્રે એવું ઠૂસ થઈ જવાતું કે ફરી ઘોડે ચડીને એસ્ટ્રોનોમિકલ અનુભવો કરવા જવાની એનર્જી જ નહોતી બચી.
છેલ્લે દિવસે અમેરિકન ટાઉન જવા માટે અમે બધાં ઉત્સાહમાં આવી ગયેલાં.
ખાસ તો એટલા માટે પણ કે અહીં ઘણી સ્પેનિશ ફિલ્મોમાં અમેરિકન વેસ્ટર્ન તરીકે આ લોકેશન ખરેખર વપરાય છે તે જાણીને વધુ નવાઈ લાગી. એટલા માટે પણ કે આ કોઈ સ્ટુડિયો નહીં પણ ટૂરિસ્ટ માટેનો થીમ પાર્ક છે. ખરેખર ફોકસથી આપવામાં આવતો થિમેટિક અનુભવ આજકાલ બધે જ નજરે પડે છે. એ દૃષ્ટિએ જોવા જાઓ તો ધાર્મિક મેળાઓથી લઈને કલ્ચરલ ગામડાંઓ પણ ઐતિહાસિક કે સ્પિરિચ્યુઅલ થીમ પાર્ક જેવાં જ લાગવા માંડે છે.
અહીં માથાદીઠ 25 યુરો આપ્યા પછી કંઇક નવું અનુભવવા મળે તો સારું એ પણ ચર્ચા થઈ. ખાસ તો એટલા માટે કે અહીં ગાયો, કાઉબોય્ઝ, ઘોડાઓ બધું જોઈને થોડી વારમાં તો રીપીટેટિવ લાગવા માંડયું હતું. તે સમયે પણ એક ખૂણામાં કોઈ ક્રૂ કોઈ સ્પેનિશ પ્રોડક્શન માટે કામ કરી રહી હતી. ત્યાંની મુખ્ય સ્ટ્રીપ પરની પહેલી લટાર દરમ્યાન તો ટેરન્ટિનોની ફિલ્મ `જેન્ગો અનચેઇન્ડ’ પણ યાદ આવી. બાર્બર શોપ, લુહારની વર્કશોપ, પબ, સ્કૂલ, બધું જ પ્રમાણમાં જીવંત લાગતું હતું.
અને દરેક દૃશ્યના બેકગ્રાઉન્ડમાં સતત વેસ્ટર્ન મ્યુઝિક માહોલ જમાવતું હતું. અમારી સાથે ત્યાં પ્રવેશેલાં લોકોએ એકવાર સ્ટ્રીટનું ચક્કર લગાવી લીધું પછી એક સ્કિટની શરૂઆત થઈ. અમે લાઇવ પરફોર્મન્સ જોવા ગોઠવાયાં જ્યાં અમેરિકન કાઉબોય્ઝ પર મેક્સિકન વિલેજર્સનો એટેક થયો અને બંને ગ્રૂપ વચ્ચે ફિલ્મી લડાઈ થઈ.
એક રીતે જોવા જાઓ તો આ ઓલમોસ્ટ વાસ્તવિક લાગતા ગામને સીધું જ સ્ટેજ બનાવી દેવામાં આવેલું. ટાઉન શેરિફ આવીને આ લડાઈ રોકે છે અને સીન પૂરો થઈ જાય છે. આ પહેલાં અમેરિકન સ્ટુડિયોઝની મુલાકાતો લીધી હોવાં છતાં આ પ્રકારનો થીમ પાર્ક પહેલી વાર જોવા મળી રહૃાો હતો. પબની અંદર ચાકૂ ફેંકની ગેમ ચાલી રહી હતી. એક જગ્યાએ કોમેડી શો અને બીજી જગ્યાએ ખાણી-પીણી માટે બૂફે પણ હાજર હતું. અહીં ધારો તો આખો દિવસ વિતાવી શકાય તેમ હતું. અત્યંત ફિલ્મી અડધા દિવસમાં અમે થોડું થાકી પણ ગયેલાં. કદાચ અમે આ પ્રકારના અનુભવ માટે પૂરતાં તૈયાર ન હતાં. અહીં મોટું યંગ ગ્રૂપ લઈને ધમાલ કરવા જવાનો પ્લાન પણ હાથમાં રાખવા જેવો છે. આ પ્રકારનો લાઇવ અનુભવ ઘણો થ્રિલિંગ થઈ ગયો હતો.
બાકીના સમયમાં અમે લા પાલ્માનું ભવ્ય કથિડ્રાલ જોઈને થોડું શોપિંગ કરવા નીકળી ગયેલાં. અહીંનું સ્વાદિષ્ટ ઓલિવ ઓઇલ અને ડોનટ અને કૂકીના હાઇબ્રિડમાં હવે ઘણી મજા આવવા લાગી હતી. એવું કેમ થાય કે જ્યારે કોઈ જગ્યા છોડવાનો સમય આવી ગયો હોય ત્યારે જ ત્યાં પહેલાં કરતાં પણ વધુ મજા આવવા લાગે. ગ્રાન કનેરિયાનો અનોખો અનુભવ દાઢમાં લઈને અમે ઘરે આવ્યાં પછી નેક્સ્ટ વેકેશનનો પ્લાન બનતાં વાર ન લાગી. હવે પાર્ટી જાપાન જવા માટે બુક્ડ છે.