વીક એન્ડ

અશ્વિનનું એરાપલ્લી પ્રસન્ના જેવું જ થયું?

સ્પોટર્સ મૅન – યશવંત ચાડ

1960ના દાયકામાં ઑફ-સ્પિનના શહેનશાહ પ્રસન્નાની અવગણના થઈ હતી
સ્પિન-લેજન્ડ અશ્વિનએ પણ નિરાશ હાલતમાં ભારતીય ક્રિકેટને ગુડબાય કહેવું પડ્યું છે.

આ પણ વાંચો : સ્પોર્ટ્સ મૅન: ગુકેશ, ધ ગ્રેટ : ભારતમાં ૨૪ વર્ષે ફરી આનંદોત્સવ

બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની પાંચ મૅચવાળી શ્રેણીની ત્રીજી ટેસ્ટ બાદ બન્ને ટીમ 1-1ની બરાબરીમાં હતી ત્યારે ભારતના વિશ્ર્વવિખ્યાત ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિનએ સિરીઝની અધવચ્ચેથી મેદાન છોડીને ટેસ્ટ-ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરીને કરોડો ક્રિકેટ રસિકો ઉપરાંત ટીમના સાથી સભ્યોને આશ્ર્ચર્યચકિત કરી દીધા. ચોંકાવી દીધા એમ કહીશું તોપણ ખોટું નથી.

ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ટીમ-મૅનેજમેન્ટમાં કૅપ્ટન રોહિત શર્મા, વાઇસ-કૅપ્ટન જસપ્રીત બુમરાહ, હેડ-કોચ ગૌતમ ગંભીર તેમ જ આ ટૂરમાં હાજરી આપનાર ભારતીય પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત આગરકરનો સમાવેશ છે. અશ્ર્વિન ટીમનો સિનિયર ક્રિકેટર હતો.

વર્તમાન ક્રિકેટમાં તેની ગણના સર્વશ્રેષ્ઠ સ્પિનર તરીકે થાય છે. ઑસ્ટ્રેલિયાનો ટોચનો ઑફ-સ્પિનર નૅથન લાયન પણ જાહેરમાં કહી ચૂક્યો છે કે અશ્વિનની બોલિંગ પરથી તેને ઘણું નવું શીખવા મળ્યું છે. એવી ધારણા છે કે આવા લેજન્ડરી ક્રિકેટર (અશ્ર્વિન)ને સાનમાં નહીં, પરંતુ આમનેસામને જ કહી દેવાયું હશે કે અશ્વિન, હાલના પ્રવાસમાં ટીમ પસંદ કરતી વખતે રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદર પછી ટીમના ત્રીજા સ્પિનર તરીકે તારી ગણતરી થશે.

બની શકે કે અશ્વિનએ મરજી ન હોવા છતાં હથિયાર હેઠાં મૂકી દીધાં હશે અને ઓચિંતી નિવૃત્તિ જાહેર કરી દીધી હશે. આના પરથી સીધું તારણ નીકળે છે કે વિશ્વના હાલના સર્વશ્રેષ્ઠ સ્પિનરની ભારતીય ટીમમાં કશી જ કિંમત કે તેની જરૂર નથી? આવું જ જો છે તો પછી અશ્વિનની હાલત 1960-1970ના દાયકાના સર્વશ્રેષ્ઠ ઑફ-સ્પિનર એરાપલ્લી પ્રસન્ના જેવી જ થઈ કહેવાય.

ક્રિકેટના ચાહકોને યાદ હશે જ કે એરાપલ્લી પ્રસન્નાએ 1967-’68ના ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન ચાર ટેસ્ટમાં પૂરી પચીસ વિકેટ ઝડપીને તરકીબોવાળી અને ચાતુર્યભરી બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા. તેમણે એ પ્રવાસની પચીસ વિકેટ બાદ તરત જ ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસમાં ત્રણ ટેસ્ટમાં 24 વિકેટ, એમ કુલ મળીને સાત ટેસ્ટમાં 49 વિકેટ લીધી હતી. મન્સૂર અલી ખાન પટૌડીના સુકાનમાં રમાયેલી આ મૅચોમાં પ્રસન્નાએ કમાલ કરી નાખી હતી.

ઑસ્ટ્રેલિયા ખાતેની સિરીઝમાં ભારત 0-4થી હારી ગયું હતું, પરંતુ પ્રસન્નાની પચીસ વિકેટ સિરીઝના તમામ બોલર્સમાં હાઇએસ્ટ હતી. ભારતના જ લેફ્ટ-આર્મ પેસ બોલર રુસી સુરતી 15 વિકેટ સાથે બીજા નંબરે હતા અને ઑસ્ટ્રેલિયાના લેગ-સ્પિનર 13 વિકેટ સાથે છેક ત્રીજા નંબરે હતા. ભારત ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડમાં 3-1થી ટેસ્ટ-શ્રેણી જીતી ગયું હતું અને એ વિજયમાં હાઇએસ્ટ 24 વિકેટનું સૌથી મોટું યોગદાન પ્રસન્નાનું જ હતું. ભારતના જ મહાન લેફ્ટ-આર્મ સ્પિનર બિશનસિંહ બેદી 16 વિકેટ સાથે બીજા નંબરે હતા અને કિવી ફાસ્ટ બોલર ડિક મૉટ્ઝ 15 વિકેટ સાથે છેક ત્રીજા સ્થાને હતા.

પ્રસન્નાએ ઉપરાઉપરી બે મુશ્કેલ પ્રવાસમાં અસાધારણ પર્ફોર્મ કર્યું હતું. જોકે 1971માં અજિત વાડેકર સુકાની તરીકે નીમવામાં આવ્યા હતા, જ્યારે શ્રીનિવાસ વેન્કટરાઘવનને ઉપ-સુકાનીપદ સોંપાયું હતું. ભારતીય ટીમનું સંતુલન જાળવવાનો આશય હોવાનું ત્યારે કહેવાયું હતું. વાડેકરને ટીમની બૅટિંગ પર પૂરો ભરોસો નહોતો.

વેન્કટરાઘવન ઉપસુકાની હોવા ઉપરાંત કાબેલ ઑફ-સ્પિનર હતા અને ઉત્કૃષ્ટ ફીલ્ડિંગ પણ કરતા હતા તેથી વિશ્ર્વના શ્રેષ્ઠ ઑફ-સ્પિનર પ્રસન્નાનો ભોગ લેવાયો હતો અને હાલમાં એનું પુનરાવર્તન અશ્ર્વિન સાથે થતું જોવા મળ્યું એ દુ:ખદ છે.

આ પણ વાંચો : ફોકસ ઃ છોલે ભટૂરેની સ્વાદિષ્ટ સફર…

પ્રસન્નાની બોલિંગની વિશેષતાની વાત કરીએ તો તેઓ અફલાતૂન ફ્લાઇટમાં ઍક્શન બદલ્યા વગર ઝડપ અને લેન્ગ્થમાં ફેરફાર કરી બૅટરને થાપ દેતા એ 1969માં બ્રેબૉર્ન સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં મેં નજરે જોયું હતું. એ પ્રસંગે મને ઇયાન ચૅપલ સાથે કૉમેન્ટરી બૉક્સમાં વાતચીત કરવાની તક મળી ત્યારે ઇયાને મને કહ્યું હતું કે તેમણે પ્રસન્ના જેવો ટ્રિકી ‘ચતુર’ સ્પિનર જોયો નથી.

પ્રસન્નાના બૉલમાં ત્યારે ઇયાન ચૅપલ ગજબ રીતે સ્ટમ્પ-આઉટ થયા હતા. પ્રસન્નાના ફ્લાઇટેડ ઑફ સ્પિનમાં બૉલ તેમને દેખાયો જ નહોતો. જોકે બૉલ સીધો વિકેટકીપર ફરોખ એન્જિનિયરના હાથમાં ગયો અને ઇયાન સ્ટમ્પ-આઉટ થતાં સીધા બૅક ટુ ધ પૅવિલિયન થયા હતા.

પ્રસન્ના વિશે અહીં એક ઉલ્લેખ કરવો અસ્થાને નહીં લેખાય. વર્ષો પહેલાં ‘હીરો કપ’ વખતે ચંડીગઢ ઍરપૉર્ટ પર ઓચિંતી મુલાકાત થઈ ત્યારે મેં તેમને પૂછ્યું કે ‘વિકેટો લેવાની તમારી તરકીબ શું હતી અને કૅપ્ટન પટૌડી તમને શું કહેતા હતા?’ એવું પૂછ્યું ત્યારે જવાબમાં ફ્લાઇટેડ બૉલિંગમાં માસ્ટરી ધરાવતા પ્રસન્નાએ મને કહ્યું, ‘50 રન આપી દીધા હોય એમ છતાં પટૌડી મને કંઈ જ નહોતા કહેતા અને મને ગમતી ફીલ્ડિંગ પણ ગોઠવી આપતા હતા.

કારણકે પટૌડી એવું માનતા હતા કે પ્રસન્ના 70 રન આપશે ત્યાં સુધીમાં તેણે ત્રણ, ચાર કે પાંચ વિકેટ ઉપાડી જ લીધી હશે. તેઓ માનતા કે બૅટર મારી-મારીને કેટલા શૉટ મારશે? છેવટે કૅચ આપી જ દેશે યા બીજી રીતે આઉટ થઈ જશે.’

ફરી અશ્વિનની વાત પર આવીએ તો તેની સાથે ટીમમાં સદગૃહસ્થ જેવો વ્યવહાર થયો હશે એટલે કે યથાયોગ્ય મહત્ત્વ નહીં આપવામાં આવ્યું હોય એમ જણાય છે અને કદાચ એટલે જ તેણે ટીમ ઇન્ડિયાને ઓચિંતા જ બાય-બાય કરી કરી દીધી હશે. ખરેખર તો ટીમમાં અશ્વિનની ગણના સ્પેશિયાલિસ્ટ તરીકે કરવી જોઈતી હતી, કારણકે અશ્વિનની સારી બૅટિંગ પણ કરી જાણે છે.

આ પણ વાંચો : સ્પોર્ટ્સ ફીલ્ડ : 42 વર્ષની મિતાલી રાજે હજી લગ્ન કેમ નથી કર્યા?

રવિચન્દ્રન અશ્વિન, તમારો ખૂબ ખૂબ આભાર ક્રિકેટમાં અમને ભરપૂર આનંદ આપવા બદલ. અશ્ર્વિન તારા ભવિષ્ય માટે અમારા સર્વેની શુભેચ્છા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button