કરોડપતિ બનવું છે? આ રીતે ફાઇનાન્સિયલ પ્લાનિંગ દ્વારા કરો સપનું સાકાર…
આ માટે તમે સૌથી પહેલાં એસઆઇપીમાં અમુક ચોક્કસ રકમ જમા કરીને એક મોટું ફંડ તૈયાર કરી શકો છો. આને કારણે તમારા ખિસ્સા પર પણ બોજો નહીં પડે અને તમારું ઈન્વેસ્ટમેન્ટ પણ સિક્યોર થઈ જાય છે.
ફોકસ -નિધિ ભટ્ટ
સામાન્યપણે એવું કહેવાય છે કે દરેક વ્યક્તિએ જેટલું જલદી બને એટલું જલદી રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ માટે આપણામાંથી કેટલાક લોકો એક્સપર્ટ પાસેથી પોતાની ઈનકમ અને રિસ્કની ક્ષમતાના હિસાબે રોકાણ કરવાની સલાહ પણ લેતા હોય છે. આવામાં જો તમે પણ રિટાયરમેન્ટ સુધી તમારા માટે એક કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરવા માગો છો તો અમે અહીં તમારા માટે કેટલાક સિમ્પલ ફંડા લઈને આવ્યા છીએ જેને ફોલો કરીને તમે કરોડપતિ બની શકો છો.
આ માટે તમે સૌથી પહેલાં એસઆઇપીમાં અમુક ચોક્કસ રકમ જમા કરીને એક મોટું ફંડ તૈયાર કરી શકો છો. આને કારણે તમારા ખિસ્સા પર પણ બોજો નહીં પડે અને તમારું ઈન્વેસ્ટમેન્ટ પણ સિક્યોર થઈ જાય છે. હવે તમને એવો સવાલ થશે કે આખરે કેટલા પૈસા જમા કરવા પડશે કે એક કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. ચાલો જોઈએ…
આ છે એસઆઇપીમાં પૈસા રોકવાની સાચી પદ્ધતિ…
જો તમે એક કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માટે તમે એસઆઇપીમાં રોકાણ કરવા માંગો છો તો તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે…
જો તમે એક કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરવા માગો છો તો એ માટે તમારે એક ફિક્સ ટાઈમફ્રેમ તૈયાર કરવી પડશે. જો તમે કોઈ ટ્રાઈમફ્રેમ ફિક્સ નહીં કરો તો તમારે દર મહિને કેટલા પૈસાનું રોકાણ કરવાનું છે, નક્કી કરવામાં સમસ્યા થઈ શકે એ છે.
એસઆઇપીમાં રોકાણ કરતી વખતે તમારે મોંઘવારીનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમે એક કરોડનું ફંડ ૧૦ વર્ષ બાદ માટે તૈયાર કરવામાં માગો છો તો તમારે એ સમયની મોંઘવારીનો અંદાજો પણ લગાવવો પડશે. એ સાથે તમારે એ પણ વિચારવું પડશે કે એ સમયે તમારા માટે આ એક કરોડ રૂપિયાનું ફંડ પૂરતું હશે કે નહીં એ એ સમયની મોંઘવારી પર આધાર રાખતું હશે.
તમે આજના હિસાબે એક કરોડ રૂપિયાનું ફંડ ૧૦ વર્ષ બાદ માટે તૈયાર કરવાનું વિચારી રહ્યા છો. પરંતુ દર વર્ષે મોંઘવારીનો દર સાત ટકા વધે છે ત્યારે એક કરોડ રૂપિયા નહીં પણ ૧,૯૬,૭૧,૫૧૪ રૂપિયાની જરૂર પડશે. એ સમયે તમારા એક કરોડ રૂપિયાની વેલ્યુ ઓછી થઈ જશે. હવે તમે એ જ હિસાબે પોતાની મંથલી એસઆઇપી કેલ્ક્યુલેટ કરી શકો છો.
જો તમે ઉપર જણાવેલી ગણતરીને ધ્યાનમાં રાખશો તો ૧૦ વર્ષમાં એક કરોડ રૂપિયાની વેલ્યુ જેટલું ફંડ ઊભું કરવા માટે તમારે દર મહિને ૭૦,૫૦૦ રૂપિયા જમા કરવા પડશે અને ત્યારે જઈને તમે ૧,૯૬,૪૫,૩૩૮ રૂપિયાનું ફંડ તૈયાર કરી શકશો. જેમાં એસઆઇપી પર તમને વર્ષે રિટર્ન ૧૫ ટકા કેલ્ક્યુલેટ કરવામાં આવ્યું છે.