વીક એન્ડ

ટમેટું પાછું ચૌદ રૂપિયે કિલો થતા ધોલાઇ થઇ!!

વ્યંગ – બી. એચ. વૈષ્ણ્વ

શહેરમાં એક જગ્યાએ હાથ સાફ કરવાનો સમારોહ ચાલી રહ્યો હતો. અમને ખબર છે તમારું માઇન્ડ સેટ છે! એ પણ વન સાઇડેડ! (આમ પણ તમે કાગ ભૂશંડી મહારાજ એટલે કાગડા જેવા દેખાવ છો!! વિદેશમાં તો ક્રોવ એટલે કાગડા અટક વાળી વ્યક્તિ હોય છે ન્યૂઝીલેન્ડમાં માર્ટિન ક્રોવ નામની વ્યક્તિ ક્રિકેટર હતી!!) પ્રાચીન સમયમાં રાજકુમારોને પારંગત બનાવવા ચોસઠ કળાનું શિક્ષણ આપવામાં આવતું હતું, જેમાં ચૌર્ય કળાનો પણ સમાવેશ થતો હતો. અલબત્ત, ચોરકળાનું સૈદ્ધાંતિક અને પ્રેકટિકલ શિક્ષણ રાજગુરુ આપતા હતા કે નિષ્ણાત વ્યવસાયી ચાર્લ્સ શોભરાજ જેવા સ્વનામધન્ય ચોરની સેવા આઉટ સોર્સિંગથી લેવામાં આવતી હતી તે વિશે ક્યાંય પ્રકાશ કે ઇવન અંધકાર પર પાડવામાં આવેલ નથી!!!
એક શહેરના ચોરાહા પર હાથાપાઇ થઇ રહી હતી, જેના પર હાથસફાઇના દાવ ખેલાતા હતા તે અબળા ન હતી. અલબત્ત, દાવ લેવામાં અબળા પણ સક્રિય રીતે સામેલ હતી!! તમને એમ થાય કે શહેરમાં આવી ઘટના સામાન્ય કહેવાય. વર્તમાનપત્રો કે છેલ્લા ચોવીસ કલાકમાં બનેલા બનાવોની પ્રેસનોટ પોલીસ કંટ્રોલરૂમનાઓ તરફથી જારી કરવામાં આવે તેમાં પણ તેની છીંકણી લગારે લેવાઇ ન હોય! અરે રૂકો. સબૂર કરો! વેઇટ ફોર એ વેહાઇલ! મારી સાથે ઘટના સ્થળે ચાલો!! બિચારું માસુમ ગડદાપાટું -ઢીંકાપાટુ ( બંને શબ્દ સમાનાર્થક છે. શા માટે શબ્દનો વેડફાટ કરો છો, મિ. ગિરધરલાલ ગરબડીયા? તમારા લીધે લેખકો વગોવાય છે!!)
એક નંબર – મારો સાલ્લાને !
બીજો નંબર- બરાબર છે. કૂટો સાલાને!! કેટલાય દિવસથી ટીવી, રેડિયો, પેપરમાં બધી જગ્યા લઇ જતો હતો.
ત્રીજો નંબર – હઅમ્મ આપણી પ્રગતિની કોઇ છીંકણી લેતું ન હતું! અર્થતંત્રને તેજી આપણે પણ રાતદિવસ જોયા વિના ઉધામા ઉત્પાત કરતા હતા!! પણ, આપણો ગજ વાગતો ન હતો!!
એક નંબર- બહુ ચડી વાગ્યો હતો. કમળના કાર્યકર (સાહેબ સુદ્ધાં પણ કાર્યકર ગણાય છે!) જેમ ચડી વાગ્યો હતો!! હવે પેલા પ્રદેશ મહામંત્રીની માફક વેતરાય ગયો!?
બીજો નંબર- ભાઇ કહે છે ને કે ઝાઝા ઉપાડાં થોડાં માટે. વંટોળમાં ઊંચે ચડેલ કાગળિયું ભફામ દઇને હેઠે પડે છે. મંત્રી થયેલ મહાનુભાવ માર્ગદર્શક મંડળમાં અનિચ્છાએ સેટ થાય છે!!
ચોથો નંબર-ચડતી એની પડતી નક્કી છે!!
ત્રીજો નંબર-પાવલીની પડતર નથી!! એની ચોરી કરવા બાઉન્સર રાખવા પડે. હદ થઇ ગઇ!! આપણી કોથમીર તો આંટાલુણમાં ગઇને? ડુંગળી માટે ક્યારેય એસપીજી કમાંડો કે એનએસજી તૈનાત કરવી પડી??
ચોથો નંબર- ભાઇ, કહેવતમાં કહ્યું છે ને કે ખાલી ઘડો છલકાય ઘણું!!
બીજો નંબર-લુખ્ખાની દાદાગીરી તો જુવો !! પંદર રૂપિયે કિલોથી ત્રણસે રૂપિયે!! સોનું પણ આટલી ઊંચાઇએ ગયું નથી!
એક નંબર-મેકડોનાલ્ડ જેવા મગરમચ્છને ચિત કરી નાખ્યો!! બર્ગરમાંથી હીટ વિકેટ કે સેલ્ફ ગોલ થઇ ગયો!!
ચોથો નંબર- સલાડ, શાક, ગ્રેવા કેટલામાંથી આઉટ થયો. ભલભલાની હવા ટાઇટ કરી નાખેલ.
બીજો નંબર- અમૃતકાળને વિષકાળમા ફેરવવાનું ટુકડે ટુકડે ગૅંગનું કાવતરું હતું !! મને તો બીક લાગેલ કે મણિપુરની હિંસાની જેમ ભાવવધારો અટકશે નહીં અને કિલોએ હજાર રૂપિયા થશે.
એક નંબર- શુભ શુભ બોલો બ્રધર. પરધાન તરીકે ઓળખાતા નેતાને કંઇ પણ ખરીદવા ખિસ્સામાં હાથ નાખવો પડતો નથી. આપણા તો ખિસ્સા મોંઘવારીના લીધે ફાટી ગયા છે. આવક વધવા છતાં બજેટની માફક ડેફિશિયેટ રહે છે!!
ત્રીજો નંબર- પંજાબમાં ભાવવધારાના વિરોધમાં ચડાઇધનેડાનો હાર બનાવેલો!!
ચોથો નંબર-ગુજરાતી સાહિત્યોમાં વિનિપાત નામની નવલિકા પ્રસિદ્ધ છે. એમાં અંતમાં પડે છે ત્યારે સઘળું પડે છે તેમ રહેવાયું છે, જે યથાર્થ છે!!
બીજો નંબર – પોદળો પડે ત્યારે ધૂળ લઇને પડે છે તેમ કહેવાય છે!! આ ભાઇ તો ઊંધા માથે પટકાયા, પરંતુ રાંધણગૅસના બાટલાના ભાવનો ખેલ બગાડ્યો !? કહે છે કે બાટલે બસો રૂપિયા ઘટ્યા, જ્યારે ભાવો ઘટવાનું ચાલું થાય ત્યારે સમજવું મારૂ ચૂંટણું આસપાસ છે તેમ કવિ રમેશ પારેખ કહી ગયા છે!!
ચોથો નંબર- આપણે જ એને ચણાના ઝાડ પર ચડાવી દીધો છે. બુલડોઝરબાબા સરકારની મહિલામંત્રીએ ટમેટાં ન ખાવાની ટમેટરી સલાહ આપેલી. એ તો સારું છે કે પ્રતિભાબેને એની પ્રતિભા દર્શાવતા ટમેટાંના બદલે સફરજન ખાવાની ફ્રાંસની રાણી મેરી આંત્વાઇનની માફક સલાહ ન આપી!!
એક નંબર-ભગવાનનો શુકર માનો કે આપણા લઘરવઘર નાણામંત્રી ટમેટા તો ખાય છે. ભલે ભાવ ઘટાડવા પગલાં ન લીધા. કેમ કે, આ સરકાર પડ્યું પડ્યું પાકે એટલે પીપીટી મોડેલમાં માને છે!! નહિતર લસણ-ડુંગળીના ભાવવધારામાં હું તેનો વપરાશ કરતી નથી તેમ કહી હાથ અધ્ધર કરી દીધેલ !!
ટમેટાંને ટીપવાનો કાર્યક્રમ જારી રહ્યો!! ત્રણસો રૂપિયાની ઊંચાઈએ પહોંચનાર ઉપરથી નીચે પછડાય પછી શું થાય !! ત્રણસો રૂપિયે પહોંચ્યા પછી ચૌદ રૂપિયા ભાવ થાય એનો પ્રભાવ પડે એ સ્વાભાવિક બાબત જ કહેવાય. ટમેટાંને મારી મારીને તેની ગ્રેવી બનાવી દીધી!! ટમેટું ચુપકે ચુપકે રાત દિન બિયા સાથે રસ- પ્યોરી વહેડાવે છે!!!

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker