વીક એન્ડ

મતદાનની ટકાવારી મોડી જાહેરાત પાછળ રાજરમત?

ફોર્મ ૧૭સી: વાદ-વિવાદની ભીતર

કવર સ્ટોરી -અમુલ દવે

ચૂંટણી પંચના વડા કમિશનર રાજીવ કુમાર

લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કાના ડેટા પ્રકાશિત કરવામાં વિલંબને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચને રાહત આપી છે. એક એનજીઓની અરજી પર કોર્ટે ચૂંટણી પંચને તેની વેબસાઈટ પર લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનની ટકાવારીનો ડેટા અપલોડ કરવા અંગે કોઈ નિર્દેશ આપવાનો ઈન્કાર કરી દીધો છે. લોકસભા ચૂંટણીના મતદાનના ૪૮ કલાકની અંદર દરેક મતદાન મથક પર થયેલા મતોનો ડેટા વેબસાઈટ પર અપલોડ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી થઈ હતી. ચૂંટણી પંચે તેના સોગંદનામામાં કોર્ટને કહ્યું કે આ રીતે ડેટાને સંપૂર્ણ રીતે સાર્વજનિક કરવાથી ચૂંટણી પ્રક્રિયાને નુકસાન થશે.એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં ચૂંટણી પંચે આ દાવો કર્યો હતો. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે ફોર્મ ૧૭સીના સંપૂર્ણ ખુલાસાથી ગેરરીતિ થઈ શકે છે. તેનાથી સમગ્ર ચૂંટણીપ્રક્રિયાને નુકસાન થશે.સુપ્રીમ કોર્ટે તત્કાળ કોઈ દરમિયાનગીરી કરવાની ના પાડી હતી. અદાલતે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી ચાલુ છે ત્યારે એ દરમિયાનગીરી ન કરી શકે. જસ્ટિસ દિપાંકર દત્ત અને સતિષચંદ્ર શર્માની વેકેશન બેન્ચે કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન હાથ દૂર રાખવાનો અભિગમ અપનાવો પડે. આ અરજી અગાઉ વિચારાધીન માટે રહેલી મુખ્ય પિટિશન સાથે નિયમિત બેન્ચ સાંભળશે.

ચૂંટણી પંચે કહ્યું કે વેબસાઈટ પર ફોર્મ ૧૭ સી (દરેક મતદાન મથક પર પડેલા મતોનો ડેટા) અપલોડ કરવો યોગ્ય રહેશે નહીં. ચૂંટણી પંચે એવો પણ દાવો કર્યો હતો કે પ્રથમ બે તબક્કામાં મતદાનના અંતિમ આંકડાઓમાં ૫ થી ૬ ટકાના વધારા અંગેના આક્ષેપો ભ્રામક અને પાયાવિહોણા છે.પંચે એમ પણ કહ્યું હતું કે ચૂંટણીના છેલ્લા બે તબક્કામાં પ્રક્રિયામાં ફેરફાર કરવો એ ચૂંટણીપ્રક્રિયામાં હસ્તક્ષેપ સમાન છે અને તે બંધારણની કલમ ૩૨૯ (બી) હેઠળ હશે (સંસદ અથવા વિધાનસભાની ચૂંટણીઓ બોલાવવામાં આવશે નહીં. ચૂંટણી અરજી સિવાય પ્રશ્ર્ન). ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને એમ પણ કહ્યું કે ઉમેદવાર અથવા તેના એજન્ટ સિવાય અન્ય કોઈ વ્યક્તિને ફોર્મ ૧૭ સી આપવાનો કોઈ કાનૂની આદેશ નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અરજદાર ચૂંટણીના સમયગાળા દરમિયાન અરજી દાખલ કરીને અધિકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, મતદાનમથક મુજબ મતદાનની ટકાવારીનો ડેટા તેની વેબસાઇટ પર સીધો અપલોડ કરવાની માંગણી કરવામાં આવી છે. ચૂંટણી પંચે કહ્યું કે ૧૯મી લોકસભાની ચૂંટણી પહેલાથી જ ચાલી રહી છે. સાત તબક્કામાંથી, પાંચ તબક્કા પહેલાથી જ સમાપ્ત થઈ ગયા છે, જયારે બાકીના બે તબક્કા ૨૫ મે અને ૧ જૂનના રોજ થવાના છે.

ચૂંટણી પંચે કોર્ટ સમક્ષ એવી દલીલ પણ કરી હતી કે આ કેસમાં રિટ પિટિશન ૨૦૧૯ થી પેન્ડિંગ છે, પરંતુ ત્વરિત અરજી ‘ઇવીએમથી બેલેટ પેપર સુધીના અભિયાન માટે સમર્થન મેળવવા માટે પૂર્વગ્રહ, શંકા અને પ્રક્રિયાની અખંડિતતા બનાવે છે.’ મતદાન મધ્યે દાખલ કરવામાં આવી છે.

ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે પંચના નિયમો અમને ફોર્મ નંબર ૧૭સીને જાહેર કરવાની પરવાનગી આપતી નથી માટે મતદાન પતે એના ૪૮ કલાકમાં મતદાનના આંકડા આપવાની રીટ અરજી ફગાવી દો.

આપણો દેશ નવી સરકાર ચૂંટી રહી છે ત્યારે મતદાનની સંપૂર્ણ માહિતી ન આપવાથી પંચની વિશ્ર્વસનીયતા અને શાખ પર માઠી અસર પડી છે. આખા વિશ્ર્વમાં ભારતની લોકતાંત્રિક પદ્ધતિ વિશે શંકા ઊભી થઈ છે. ચૂંટણીપંચના ભૂતપૂર્વ આયુકત જેવા કે એસ. વાય. કુરેશી અને અશોક લાવાશાએ કહ્યું છે કે ચૂંટણી પંચનો ૧૭-સી ફોર્મ વેબસાઈટ પર મૂકવાનો ઇનકાર ખોટો છે. કુરેશીએ કહ્યું કે મને ખબર નથી પડતી કે પંચને પ્રથમ તબક્કાની ટકાવારી મૂકવામાં ૧૦ દિવસ જેટલો સમય કેમ લાગ્યો ? અમારા સમયમાં મતદાન પંચે એટલે તરત જ આકંડા જાહેર કરવામાં આવતા. આ આંકડા હંગામી હતા, પરંતુ બીજા દિવસે જ ટકાવારી સુધારીને અંતિમ ટકાવારી જાહેર કરવામાં આવતી. બંને વખતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવતી અને પત્રકારોના સવાલનો જવાબ પણ આપવામાં આવતા હતા.
આ વખતે પંચે કુલ મતની માહિતી ન આપીને ફક્ત મતોની ટકાવારી આપીને પોતાનું નામ ખરાબ કર્યું છે. કુલ મતના આધારે જ ટકાવારી કઢાય છે તો એ નિરપેક્ષ આંકડા છે. આ આંકડા જાહેર કર્યા બાદ જ ટકાવારી નીકળે છે તો એ આંકડા કેમ વેબસાઈટ પર મૂકવામાં આવતા નથી. ?

આરટીઆઈ અરજદારને પંચે માહિતી આપી નથી અને કહ્યું કે તમને આ જાણવાનો અધિકાર નથી. કુરેશીએ કહ્યું છે આ તે કેવી મજાક છે? નાગિરકોને મતદાન વિશે સવાલ કરવાનો અધિકાર છે. આ કંઈ પંચની અંગત જાગીર નથી.

ભૂતપૂર્વ કમિશનર અશોક લવાશાએ કહ્યું કે લોકોને ચૂંટણીપંચ અને ઈવીએમ પર શંકા જાગી છે, કારણ કે પંચે જે વિગતો આપવી જોઈએ એ આપતી નથી. ફોર્મ નંબર ૧૭સી એ કોઈપણ પોલિંગબૂથમાં થયેલા મતદાનની વિગતો હોય છે. ચૂંટણી અધિકારી આ ફોર્મની એક પ્રત દરેક પક્ષના પોલિંગ એજન્ટ અને ઉમેદવારને આપે છે. આની એક પ્રત સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ સાથે રાખવામાં આવે છે. ઈસીના મેન્યુઅલમાં લખવામાં આવ્યું છે કે ચૂંટણી અધિકારીએ કાર્બન કોપી પણ રાખવી. મતગણતરી વખતે પડેલા મત અને ગણેલા મતને ટેલી કરવામાં આવે છે. હું નથી માનતો કે મતોના ડેટામાં ઘાલમેલ થાય છે, કારણ કે ક્રોસ ચેકની રીતો રાખવામાં આવી છે. શંકા એટલા માટે ઉદભવે છે કારણ કે જરૂરી માહિતી પંચ આપતી નથી. પંચ એમ ન કહી શકે કે અમે પોલિંગ એજન્ટને ૧૭સી ફોર્મ આપીએ છીએ અને એની વિગત લઈને લોકો જાણી શકે છે ક્યાં મતદાર ક્ષેત્રમા ંકેટલા મત પડ્યા છે. લોકો આ કામ ન કરી શકે અને પંચે આમ કરવું જોઈએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વિશે ટિપ્પણી કરી છે. મોદીએ કહ્યું છે કે વિરોધ પક્ષો ત્રીજા તબક્કો પત્યા ત્યારથી ઈવીએમ પર દેકારો મચાવવાનું અને મતદાનના આંકડા સામે સવાલો ઊભા કરવાનું શરૂ કર્યું છે. વિરોધ પક્ષોનો હેતુ બહાનું કાઢવાનો જ નહીં, પરંતુ ભારતીય લોકશાહીને લાંછન લગાડવાનું છે. વિપક્ષો મતની ટકાવારી પર છાતી કુટી રહ્યા છે. આ તો ભારતીય લોકશાહીને બેઆબરૂ કરવાની રણનીતિછે. ભારતની ચૂંટણી પ્રક્રિયા પારદર્શી છે. ભારતના લોકોએ સમજવું જોઈએ કે આ ઈવીએમની બાબત નથી, પરંતુ ભારતીય લોકશાહીને બદનામ કરવાની છે. આ કાવતરાનો બીજો હેતુ એ છે કે હું ત્રીજી વાર વડા પ્રધાન બન્યા બાદ હું સાચા લોકતાંત્રિક દેશોના સિનિયર વડાઓની ક્લબમાં સામેલ થઈશ. ઇવીએમ સામે સવાલો ઊભા કરનારાઓ તેમની ગણતરી કરી રહ્યા છે.

હવે આપણે જોઈએ કે ફોર્મ નંબર ૧૭સીમાં શું છે. આ ફોર્મમાં અનેક માહિતી હોય છે. આમાં પોલિંગબૂથના કોડ નંબર, નામ, મતદાતાઓની સંખ્યા (૧૭એ), રદ થયેલા મતો અને મતદાનનો અંતિમ નંબર હોય છે.

આ ફોર્મનો બીજો ભાગ અતિશય મહત્ત્વનો છે. આની ભૂમિકા મત ગણતરીના દિવસે આવે છે. જ્યારે બધા ઉમેદવારને મળેલા મતને મતદાનના દિવસે પડેલા મતો સાથે તપાસવામાં આવે છે, જેથી મતોમાં કોઈ ઘાલમેલ કે ગોલમાલ કે અનિયમિતતા ન થાય.

ફોર્મ નંબર ૧૭સીમાં નીચેની માહિતી હોય છે. ૧) દરેક બૂથના ઇલેક્ટરલ ૨) એ બૂથના નોંધણી કરાવી હોય એ મતદાતાની સંખ્યા ૩) જે લોકોએ મત નથી નાખ્યો એની સંખ્યા ૪) જે મતદાતાઓને મત આપવાની છૂટ નથી અપાઈ એ નંબર ૫) કેટલા મત પડ્યા (આ આકંડો ઈવીએમમાંથી મળે છે) ૬) શું પડેલા મત કુલ પડેલા મત ઓછા મતદાન ન કરનાર સંખ્યા જેટલા થાય છે.કે નહીં. ૭) મતદારપત્રની વિગતો (મળ્યા, અપાયા અને ન ઉપયોગમાં લેવાયા કે પાછા અપાયા) ૮) પેપર સીલની માહિતી
પોલિંગ ઓફિસર આ માહિતી પૂરે છે અને બૂથના પ્રીસાઈડીંગ ઓફિસર એ ચકાસે છે.

બીજા ભાગમાં દરેક ઉમેદવારને મળેલા મત મતગણતરીના દિવસે લખાય છે. બીજા ભાગમાં દરેક ઉમેદવારને મળેલા મત અને શું બૂથમાં પડેલા મત (પહેલા ભાગ) જેટલા જ ગણાયા છે એ ચેક કરાય છે.

શા માટે ફોર્મ નંબર ૧૭સી મહત્ત્વનું છે?

આ ફોર્મમાં આપવામાં આવેલા ડેટાના આધારે ઉમેદવાર ચૂંટણી પરિણામને અદાલતમાં પડકારે છે. જ્યારે ઈવીએમ અંગે જાતજાતના સવાલો ઊભા થતા હોય ત્યારે આ ફોર્મ ચૂંટણી કૌભાંડને પકડવાનું ઓજાર છે. સુપ્રીમ કોર્ટે હાલમાં એપ્રિલ મહિનામાં જ ઈવીએમની જગ્યાએ બેલોટ પેપર વડે મતદાન કરવાની અરજી કાઢી નાખી હતી. સર્વોચ્ચ અદાલતે ઈવીએમમાં પડેલા મતનું વોટર વેરિફેબલ પેપર ઓડિટટ્રેલ સાથે ૧૦૦ ટકા મિલન કરવાની દાદને પણ ઠુકરાવી દીધી હતી.

વિવાદ શું છે.

ચૂંટણીપંચે પ્રથમ તબક્કા અને બીજા તબક્કાનો ડેટા જાહેર કરવામાં વિલંબ કરતા અને પછી સુધારેલા ડેટામાં મતોની ટકાવારી વધારી દેતા આ વિવાદ થયો છે. પ્રથમ તબક્કાનો ડેટા દસ દિવસ બાદ અને બીજા તબક્કાનો ડેટા મતદાન થયાના ચાર દિવસ બાદ જાહેર પંચના એપ્લિકેશનમાં મુકવામાં આવ્યો હતો. લગભગ એક કરોડ જેટલા મત પંચે વધારી દેતા રાજકીય પક્ષો અને લોકોમાં વિવિધ પ્રકારની શંકા જાગી હતી. તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રા અને કૉંગ્રેસના નેતા પવન ખેડાએ માગણી કરી હતી કે મતદાન થયાના ૪૮ કલાકમાં આ ડેટા જાહેર થવો જોઈએ. જાણીતા એડવોકેટ કપિલ સિબલ અને મનુ અભિષેક સિંઘવીએ આ સામે સવાલો ઊભા કરતાં પંચે સોગંદનામામાં ઈનકાર માટે આપેલા કારણોને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા. કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પંચને આ અંગે થોડા દિવસ પહેલાં પત્ર લખ્યો હતો અને પંચે આનો ઉદ્ધત જવાબ આપ્યો હતો. મહુઆએ તો ફોર્મ નંબર ૧૭સી ઉપરથી પોતાના મતદાર ક્ષેત્રમા ંકેટલા મત પડ્યા એ સોશિયલ નેટવર્કિંગ મીડિયા ‘એક્સ’ (ટિવટર) પર મુક્યા હતા અને કહ્યું હતું કે પંચ શા માટે આ કરી શકતું નથી. ડીએમકેના પ્રમુખ અને તામિલનાડુના મુખ્ય પ્રધાન સ્ટાલિન તો આ બધાથી બે કદમ આગળ નીકળ્યા. એમણે તો દરેક પોલિંગ બૂથના૧૭સી ફોર્મ ભેગા કરીને પોતાની પાસે તૈયાર રાખ્યા છે, જેથી કોઈ ગોટાળો ન થાય. ડીએમકેએ તો પોતાના પોલિંગ એજન્ટને આ વિશે પ્રશિક્ષણ પણ આપ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button