ફ્લૉપ વિરાટ-રોહિતની ખોટી તરફેણ ભલે કરો, પણ પુજારા-રહાણેને અન્યાય તો ન જ કરો
ઑસ્ટ્રેલિયા ખાતેના પાંચ ટેસ્ટ-મૅચના લાંબા પ્રવાસ માટે બન્ને ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટને સિલેક્ટ કરવા જ જોઈતા હતા
સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલા
‘ચેતેશ્ર્વર પુજારા માટે ટેસ્ટ ટીમમાં વહેલાસર જગ્યા બનાવો. તેના માટે કોઈ જગ્યા ન થતી હોય તો પણ ગમે એમ કરીને બનાવો. ઑસ્ટ્રેલિયા જેવી કસોટીભરી અને અત્યંત મહત્ત્વની ટેસ્ટ-ટૂરમાં પુજારા તો હોવો જ જોઈતો હતો.’
ભારતના ભૂતપૂર્વ બૅટર અને વિકેટકીપર રૉબિન ઉથપ્પાએ બે દિવસ પહેલાં આવું કહ્યું. સિલેક્ટર્સ માટે તેની આ કમેન્ટ એક ટકોર છે તેમ જ આંખ ઊઘાડનારી પણ છે. અનેક ભારતીય ક્રિકેટપ્રેમીઓ ઉથપ્પાની આ ટિપ્પણી સાથે સહમત થતા જ હશે.
મુદ્દાની વાત એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવો દિગ્ગજો ઉપરાઉપરી ટેસ્ટ-ઇનિંગ્સમાં ફ્લૉપ જતા હોય, ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડની સાધારણ ટીમ સામે ૦-૩થી હારી જતા હોય અને હોમ-સિરીઝમાં ટેસ્ટ-મૅચને પાંચમા દિવસ સુધી પણ જો ખેંચી ન શક્તા હોય તો ટેસ્ટ ટીમમાં તેમની હાજરી કોઈને પણ ખૂંચે. બીજી બાજુ, સવાલ એ છે કે બે ટેસ્ટ સ્પેશિયલિસ્ટો ચેતેશ્ર્વર પુજારા અને અજિંક્ય રહાણેને સવા વર્ષથી ફરી ટેસ્ટ રમવાનો મોકો જ નથી અપાયો.
Also read: ઓળખી લો, આવા છે આ વિક્રમવીર ડોનલ્ડ ‘ધ તોફાની’ ટ્રમ્પ….!
તેમને ઑસ્ટ્રેલિયા જેવા અગત્યના પ્રવાસ માટે કેમ પસંદ ન કરવામાં આવ્યા? ત્યાં આપણી ટીમ પાંચ-પાંચ ટેસ્ટ રમવાની છે અને (ન્યૂ ઝીલૅન્ડ સામેની તાજેતરની ૦-૩ની હારને ધ્યાનમાં લઈએ તો) ઑસ્ટ્રેલિયામાં આપણી ટીમની શું હાલત થશે એની કલ્પના કરીએ તો ડરી જવાય છે.
સીધી વાત છે…વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્ર્વર પુજારા અને અજિંક્ય રહાણે આ ચારેય બૅટરની છેલ્લી ૧૦-૧૦ ટેસ્ટ-ઇનિંગ્સના પર્ફોર્મન્સની તુલના જોઈશું તો ખાતરી થઈ જશે કે વિરાટ-રોહિતની ભલે તરફેણ થઈ રહી હોય, પરંતુ પુજારા અને રહાણે સાથે અન્યાય તો થઈ જ રહ્યો છે. વિરાટ-રોહિતને જો નબળા ટેસ્ટ પર્ફોર્મન્સ છતાં ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવે તો પુજારા-રહાણેને કેમ નહીં?
૨૦૨૪ના વર્ષમાં અનુક્રમે વિરાટ અને રોહિતની બૅટિંગ-સરેરાશ (૨૨.૭૨ તથા ૨૯.૪૦) ખૂબ જ નબળી છે. તાજેતરમાં ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે સ્પિનર્સ રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર અને રવિચન્દ્રન અશ્ર્વિને ટીમ ઇન્ડિયાને વિજય અપાવવા કોઈ કસર બાકી નહોતી રાખી અને કિવી બૅટર્સને વારંવાર મુસીબતમાં મૂકી દીધા, પણ તેમને બૅટર્સનો કોઈ સપોર્ટ નહોતો મળ્યો. રોહિત અને વિરાટ સહિતનો ટૉપ-ઑર્ડર છાશવારે શરૂઆતમાં જ સાફ થઈ જતો હતો. ટીમનું ઓપનિંગ
જ સારું ન હોય અને મિડલ-ઑર્ડરમાં બાજી સંભાળી શકે એવા ભરોસાપાત્ર બૅટર ન હોય તો વાઇટ-વૉશ જેવી નામોશી ન થાય તો બીજું શું થાય!
ઑસ્ટ્રેલિયા ખાતેની લાંબી ટૂર માટે પુજારા અને રહાણેને પસંદ ન કરીને બીસીસીઆઇએ સંકેત આપી દીધો છે કે તેઓ હવે આ બે ટેસ્ટ-બૅટિંગ સ્પેશિયલિસ્ટને બાજુ પર રાખીને આગળનું વિચારવા માગે છે. જોકે જેમના પર મદાર રાખવામાં આવી રહ્યો છે એ બે દિગ્ગજ (વિરાટ-રોહિત) પણ છેલ્લી કેટલીક ટેસ્ટ-મૅચોમાં ક્યાં સારું રમી શક્યા છે.
કાં તો પછી એક કામ કરો, જેમ સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટી-૨૦ ટીમને યુવા ખેલાડીઓવાળો નવો અવતાર આપવામાં આવ્યો એમ ટેસ્ટ માટે પણ યુવાનિયાઓની ટીમ બનાવી દો. હા, કોઈ પણ ટીમમાં એક-બે અનુભવી ખેલાડી હોવા જ જોઈએ, પરંતુ સતત સારું ન રમતા હોય તેમને પડતા જ મૂકો અને રણજી ટ્રોફી સહિતની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોમાં સારું રમે તો જ પાછા ટેસ્ટ ટીમમાં સમાવો. આશા છે, અજિત આગરકરના અધ્યક્ષસ્થાનવાળી સિલેક્શન કમિટી આ વાતને ખાસ ધ્યાનમાં રાખશે.
વિરાટ કોહલી જો એકાદ-બે સિરીઝ રમીને ઇંગ્લૅન્ડ તેના પરિવાર પાસે જતો રહે અને નવી સિરીઝ કે ટૂર્નામેન્ટના ગણતરીના દિવસો પહેલાં (ખાસ કંઈ પ્રૅક્ટિસ કર્યા વિના) પાછો ટીમ સાથે જોડાઈ જાય અને પછી ફ્લૉપ જાય એવું કેટલો વખત ચાલશે?
નવાઈની વાત એ છે કે ન્યૂ ઝીલૅન્ડ સામે ટીમ ઇન્ડિયાનો ગયા મહિને ઘરઆંગણે રકાસ થઈ રહ્યો હતો એ અરસામાં (પુણેની બીજી ટેસ્ટ દરમ્યાન) ઑસ્ટ્રેલિયાની આગામી ટૂર માટેની ભારતીય ટીમ જાહેર કરી દેવામાં આવી હતી. માર્ચ, ૨૦૨૪માં વાનખેડેમાં રહાણેના નેતૃત્વમાં મુંબઈએ રણજી ટ્રોફીમાં ઐતિહાસિક વિજેતાપદ મેળવ્યું, ગયા મહિને લખનઊમાં રેસ્ટ ઑફ ઇન્ડિયા સામે તેના જ સુકાનમાં મુંબઈએ ઇરાની કપનો મુકાબલો જીતી લીધો અને હાલમાં તેની જ કૅપ્ટન્સીમાં મુંબઈની ટીમ રણજી ટ્રોફીની નવી સીઝનમાં એક પછી એક મૅચ જીતી રહી છે છતાં રહાણેને ઑસ્ટ્રેલિયા મોકલવાનું સિલેક્ટર્સને ઠીક ન લાગ્યું. યાદ છેને, ગયા વર્ષે જૂનમાં ટેસ્ટના વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા સામેની જે ફાઇનલમાં ભારત હારી ગયું એમાં તમામ ભારતીય બૅટર્સમાં રહાણેના ૮૯ રન હાઇએસ્ટ હતા. બીજા દાવમાં તેણે ૪૬ રન પણ બનાવ્યા હતા એમ છતાં તેનો ભૂતકાળ કોઈને યાદ ન આવ્યો. ૨૦૨૧માં વિરાટ (ઍડિલેઇડની ટેસ્ટમાં ભારતનો ૩૬ રનમાં વીંટો વળી ગયો ત્યાર પછી) જ્યારે ઑસ્ટ્રેલિયાથી રવાના થઈને ફૅમિલી પાસે પહોંચી ગયો હતો ત્યાર
બાદ રહાણેની કૅપ્ટન્સીમાં જ ભારતે
કાંગારૂઓની ધરતી પર ૨-૧થી ઐતિહાસિક જીત મેળવી હતી.
Also read: ભાત ભાત કે લોગ : બ્રુસ બન્યો બ્રેન્ડા ને બ્રેન્ડા બની ડેવિડ, પણ આખરે તો…
પુજારા પણ હાલમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સારું રમી રહ્યો છે. ગયા મહિને છત્તીસગઢ સામે તેણે ૨૩૪ રન ફટકાર્યા હતા. એ પહેલાં, મે મહિનામાં ઇંગ્લિશ કાઉન્ટી મૅચમાં તેણે સસેક્સ વતી સેન્ચુરી (૧૨૯ રન) ફટકારી હતી.
ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ ઑસ્ટ્રેલિયા સામેની આગામી ટેસ્ટ-સિરીઝમાં પુજારા અને રહાણેને જરૂર મિસ કરશે. આશા રાખીએ, રોહિત અને વિરાટ ટેસ્ટમાંથી નિવૃત્ત થતાં પહેલાં ઑસ્ટ્રેલિયા ખાતેના તેમના આ સંભવિત છેલ્લા પ્રવાસમાં સારું રમે.
—
ચારેય ટેસ્ટ દિગ્ગજોના છેલ્લા ૧૦-૧૦ ટેસ્ટ-ઇનિંગ્સના રન
વિરાટ કોહલી: ૧, ૪, ૧૭, ૧, ૭૦, ૦, ૨૯ અણનમ, ૪૭, ૧૭ અને ૬.
રોહિત શર્મા: ૧૧, ૧૮, ૮, ૦, ૫૨, ૨, ૮, ૨૩, ૫ અને ૬.
ચેતેશ્ર્વર પુજારા: ૨૭, ૧૪, ૪૨, ૫૯, ૧, ૩૧ અણનમ, ૦, ૭, ૬ અને ૨૪.
અજિંક્ય રહાણે: ૮, ૩, ૪૬, ૮૯, ૧, ૯, ૫૮, ૦, ૨૦ અને ૪૮.