વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ- હેમંત વાળા

સ્થાપત્યનાં વિવિધ અંગોનું આયોજન રસપ્રદ હોય છે. ક્યાંક આ અંગો મજબૂતી માટે ઉપયોગમાં લેવાય છે તો ક્યાંક પ્રતીકાત્મક રજૂઆત માટે. મકાનના ઉપયોગમાં આ અંગો ક્યાંક અતિ જરૂરી જણાય આવે છે તો ક્યાંક એમ લાગે છે કે તેનું સંયોજન માત્ર ચોક્કસ પ્રકારની અનુભૂતિ માટે જ હોય છે. કેટલાંક અંગોના નિર્ધારણમાં સ્થાનિક આબોહવા મહત્ત્વની બની રહે તો અમુક કિસ્સામાં પ્રવર્તમાન શૈલીનું પ્રભુત્વ હોય. સ્થાપત્યના અંગોની રચનામાં ક્યારેક સામગ્રી તો ક્યારેક તકનીક, ક્યારેક અગ્રતાક્રમ તો ક્યારેક વિગતિકરણ મહત્ત્વના બની રહે. વાસ્તવમાં સ્થાપત્યનું પ્રત્યેક અંગ વિવિધ ભૂમિકા ભજવતું હોય છે. અહીં એક શ્રેણીના વિવિધ પ્રકારના અંગની રચના પાછળ મુખ્ય હેતુ એક હોય પણ તેની અસરનો વિસ્તાર બહુ આયામી રહે છે. સ્તંભ અર્થાત થાંભલો સ્થાપત્યનું આવું જ એક મહત્ત્વનું બહુઆયામી અંગ છે.

સ્તંભ અથવા થાંભલો એ મૂળમાં મકાનની મજબૂતાઈ માટેનું અંગ ગણાય. તે મકાનના ભારવાહક માળખામાં આવતું વજન લંબીય દિશામાં નીચેની તરફ તબદીલ કરે છે. મકાનની છત કે માળનો ભાર આડા મોભ – બીમ પર થઈને સ્તંભ ઉપર આવી, ત્યાંથી જમીનમાં પાયા મારફતે ફેલાઈ જાય છે. મકાન નિર્ધારિત સમય સુધી ટકી રહે તેની માટે આ પ્રકારની વ્યવસ્થા બહુ જરૂરી છે. મકાનની મજબૂતાઈ માટે માળખાકીય થાંભલો મહત્ત્વનો છે. થાંભલાની બનાવટમાં વાંસ, લાકડું, ઇંટ, પથ્થર, કોન્ક્રીટ, લોખંડ કે ક્યારેક માટી પણ વપરાય છે. ઝૂંપડીમાં થાંભલાની બનાવટમાં વાંસ કે લાકડું પ્રયોજાય તો સામાન્ય મકાનમાં લાકડું કે ઈંટનો વપરાશ જોવા મળે છે. મહત્ત્વના સામાજિક, ધાર્મિક કે પરંપરાગત મકાનોમાં જ્યાં ભવ્યતાની અનુભૂતિ જરૂરી ગણાય ત્યાં પથ્થરનો ઉપયોગ થતો હોય છે. સમયમાં થાંભલાની બનાવટમાં કોન્ક્રીટ તથા લોખંડનું મહત્તમ ઉપયોગ થાય છે.

દીવાલ એ મકાનનો ભાર એક રેખામાં જમીન સુધી પહોંચાડે છે જ્યારે થાંભલો આ ભાર એક નાના વિસ્તારમાં ફેલાવે છે. આ માટે દીવાલની રચના કરતા થાંભલાની રચનામાં વધુ મજબૂતાઈ જરૂરી બને. ઇજનેરી અભિગમ પ્રમાણે થાંભલો સીધો ઊભો હોય તો તેની મજબૂતાઈ માટે પ્રમાણમાં ઓછી સામગ્રી જોઈએ. પણ આજના યુગમાં ત્રાસા થાંભલા પણ પ્રયોજવામાં આવે છે. આ પ્રકારની રચના કરવા માટે સામાન્ય રીતે થાંભલાઓને ચોક્કસ રીતે ગોઠવી માળખું તૈયાર કરાય છે. એક રીતે જોતાં સ્પેસ ફ્રેમ અથવા ઊભા ટ્રસ્ટના સિદ્ધાંત પ્રમાણેની આ રચના હોય છે. થાંભલાનો આકાર મુખ્યત્વે તેની સામગ્રી પર આધાર રાખે. સમગ્રતામાં જોતા એમ કહી શકાય કે સામાન્ય રીતે થાંભલો ચોરસ, લંબચોરસ, ગોળ, ઈંડાકાર કે બહુ કોણીય હોઈ શકે. આ આકારના કેટલાક મૂળભૂત ફાયદા છે. વળી, સામાન્ય રીતે થાંભલા એકલાં હોય તે રીતે ગોઠવવામાં આવે છે પણ ક્યારેક તેની જરૂરી મજબૂતાઈ કે ઇચ્છનીય દૃશ્ય અનુભૂતિ માટે તેને જોડમાં પણ રખાય છે. વાંસ જેવી રચનામાં ત્રણ કે તેથી વધુ વાંસના સમૂહને પરસ્પર જોડી તેમાંથી થાંભલો બનાવાય છે.

ક્યારેક થાંભલો દીવાલ સાથે જડી પણ દેવામાં આવે છે. માળખાકીય રચનામાં થાંભલો મહત્ત્વનો હોવાથી તેનું નિયમિત અંતરે હોવું ઇચ્છનીય બને છે. આનાથી મકાનના ભારને જમીનમાં તબદીલ કરવાની વ્યવસ્થામાં ચોકસાઈ આવી શકે.
થાંભલો મૂળમાં માળખાકીય રચના હોવાથી તેની બનાવટમાં સાદગી જોવાં મળશે. તે છતાં પણ ઐતિહાસિક કે સ્મારકીય કે ધાર્મિક કે પ્રતીકાત્મક મકાનોમાં ખાંભલા પર કોતરણી કરી તેને રમ્ય બનાવાય છે. આ કોશિશમાં ક્યારેક શિલ્પકળા પણ ગૂંથાઈ જાય છે. ઈંટોમાંથી બનાવાયા થાંભલા પર જો પ્લાસ્ટર કરવાનું ન હોય તો ઇંટોની ગોઠવણીમાં ગાણિતિક શિસ્ત પ્રયોજાય છે. વળી થાંભલાની સપાટી પર ગીસી પાડી તેની લંબિયતાનો અનુભૂતિમાં વધારો કે ઘટાડો શક્ય બને છે. જો આ ગીસી ઊભી હોય તો તેની લંબાઈ વધુ જણાય અને આડી ગીસીથી થાંભલો ઓછો ઊંચો લાગે છે. થાંભલાની જાડાઈ પણ નીચેથી ઉપર તરફ ઓછી કરી તેને સતત ઘાટ અપાય છે.

થાંભલાની નીચેના ભાગમાં સામાન્ય રીતે ઓટલી જેવી પરંપરાગત રચના કરાતી હોય છે. સાથે સાથે સાથે ઉપરના ભાગમાં શીર્ષ અથવા કેપિટલ બનાવાતું. વળી આ થાંભલા સાથે ગોઠવાયેલા ત્રાંસિયાથી તે ઉપરના ભાગમાં દૃશ્ય નાટકીયતા આવતી. આમ થાંભલાને સ્થાપત્યમાં રસપ્રદ બનાવવાના વિવિધ સફળ પ્રયોગો થયા છે. ભારતીય સ્થાપત્યમાં વિજયનગરના વિઠ્ઠલ મંદિરમાં તો થાંભલામાં રચાયેલ નાની નાની થાંભલીઓ પર પથ્થર અથડાવવાથી સંગીતના સ્વર પણ સંભળાય છે. તો હોયસાલા શૈલીનાં મંદિરોમાં મોટા અગ્નિકૃત ખડકને લેથ પર ચડાવી તેમાંથી એક શૈલીય સ્તંભ ઘડી કઢાયા છે.

ફતેપુર સિક્રીના દીવાને ખાસમાં વચ્ચેના મુખ્ય સ્તંભ પર મુખ્ય આસન સ્થાપવામાં આવ્યું છે. વળી ઇલોરાના કૈલાસ મંદિરમાં આવેલા અલાયદા વિશાળ સ્તંભથી જે તે સ્થાનને પ્રતીકાત્મક રીતે અપાર મહત્ત્વ અપાયું છે. વિજય-સ્તંભ સમાન અલાયદા વિશાલ સ્તંભ બનાવીને ઇતિહાસના કોઈ ઉલ્લેખનીય પ્રસંગની યાદ કાયમ કરવાનો પણ પ્રયત્ન કરાયો છે. ભારતીય સ્થાપત્યના ઇતિહાસમાં આવા અનેક દાખલા છે જેનાથી સ્થાપત્યમાં થાંભલાનું મહત્ત્વ સમજી શકાય. સ્થાપત્યની દ્રષ્ટિએ જોતા સ્તંભ એ કેન્દ્ર સ્થાપિત કરે છે. જો આ સ્તંભ ચારે બાજુ મોકળાશ વચ્ચે – અવકાશની વચમાં હોય તો તેનાથી તે સ્થાનમાં એક પ્રકારની નાટકીયતા આવે છે. આવા સ્તંભ વડે જગ્યા કે ઓરડાના મનોવૈજ્ઞાનિક ભાગ પડી શકે. થાંભલો એ દેખીતી સ્થિરતા આપવાનું કામ પણ કરે છે, પરંતુ તેની મનોવૈજ્ઞાનિક ભૂમિકા પણ ઉલ્લેખનીય રહી છે. તેમાં વપરાયેલ સામગ્રી તથા તેના વિગતિકરણના પ્રકારથી થાંભલો જુદા જુદા પ્રકારના સંદર્ભ સ્થાપિત કરી શકે. કેટલીક વાર તો થાંભલાના પ્રકાર થકી સ્થાપત્ય શૈલી નિર્ધારિત થતી હોય છે. એકંદરે સ્થાપત્યમાં સ્તંભ કે થાંભલો બહુમુખી પ્રતિભા સંપન્ન થાંભલો, માત્ર થાંભલો ન રહેતા દૃશ્ય અનુભૂતિ તથા પ્રતીકાત્મક રજૂઆતનું સાધન બની રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button