વેર વિખેર – પ્રકરણ – ૯૧
– કિરણ રાયવડેરા
‘વિક્રમ, જગ્ગેને કેમ છે હવે?’ ગાડીની પાછળની સીટમાં બેસેલા કબીરે વિક્રમને ફોન લગાવ્યો. કમિશનર રવિ શ્રીવાસ્તવના ફોને એના શરીરની બધી શક્તિ જાણે હરી લીધી હતી. કમિશનરે લાલબઝારના ઈન્ટરોગેશન સેલમાં જ ગાયત્રીની સામે જ કબીરને ફોન કરીને જણાવ્યું હતું કે પોલીસના સંકજામાંથી ભાગવા જતાં કુમાર ચક્રવર્તીએ પાટા ક્રોસ કરવાની કોશિશ કરી હતી ત્યારે એ એક લોકલ ટ્રેન સાથે અથડાઈને જીવલેણ રીતે ઘાયલ થયો હતો. ‘રવિ,’ કબીર શિથિલ સ્વરે કમિશનર સાથે વાત ચાલુ રાખી હતી, આ કેસમાં કુમાર ચક્રવર્તી એક મહત્ત્વની કડી હતો.
હવે એના મૃત્યુ બાદ ગાયત્રીને બચાવવાનું મુશ્કેલ થઈ જશે. એટલું જ નહીં, કુમાર શા માટે જગ્ગેને મારવા ઈચ્છતો હતો એ રહસ્ય પણ હંમેશ માટે અકબંધ રહી જશે.’ ત્યારે કમિશનરે કબીરને ધરપત થાય એવા બે સમાચાર આપ્યા હતા: ‘કબીર, મારે તને બે ખબર આપવાના છે. પહેલા તો એ કે જગમોહનના મોટા સુપુત્ર વિક્રમનાં લક્ષણ કંઈક ઠીક નથી. વચ્ચે એક વિધવાના ચક્કરમાં એ ફસાયો હતો અને એના જ અકસ્માતના કેસમાં એ લોક-અપમાં રહી આવ્યો છે.’ કબીર પાસે આ માહિતી હતી અને એણે જ જગમોહનને આ ખબરથી અવગત કર્યો હતો પણ હમણાં વચ્ચે બોલીને કમિશનરની વાત કાપવાનું એને ઉચિત લાગ્યું નહીં. ‘એટલે વિક્રમને પૂછીશ તો એ કુમાર ચક્રવર્તી વિશે બધી માહિતી આપી દેશે.’ ‘બીજી કઈ ખબર, રવિ?’ કબીરે પ્રશ્ર્ન કર્યો. ‘બીજી ઈન્ફોર્મેશન એ છે કે કુમાર ચક્રવર્તી પાસેથી એક રિવોલ્વર મળી છે.’ ખબર સાંભળતાં જ કબીરના થાકેલા શરીરમાં જાણે ચેતન ઊભરાઈ ગયું હતું.
‘રવિ, ફેન્ટાસ્ટિક હવે આ રિવોલ્વરથી એ પુરવાર થઈ શકશે કે જગ્ગે પર ગોળી કોણે ચલાવી હતી, ગાયત્રીએ કે કુમારે?’ ‘એકઝેકટલી, મારા બે માણસ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા છે. ત્યાંથી એ લોકો જગમોહન દીવાનના શરીરમાંથી નીકળેલી બુલટેનો કબજો લેશે. ગાયત્રીની અને કુમારની રિવોલ્વર તો આપણી પાસે જ છે. બસ, થોડી વારમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.’ કમિશનર રવિ શ્રીવાસ્વત ખુશ જણાતા હતા. જોકે કબીરને કમિશરની ‘દૂધનું દૂધ’ વાળી ઉક્તિ બહુ રૂચી નહોતી. ‘રવિ, કાલે સવાર સુધી જો મને રિપોર્ટ મળી જાય તો ગાયત્રીને જામીન મળી શકે.’ કબીરે કહ્યું. કબીરની વાત સાંભળીને કમિશનરે પ્રશ્ર્ન કર્યો: ‘કબીર, તું તો આ છોકરીને પહેલીવાર મળ્યો છે. વ્હોટ મેક્સ યુ સો કોન્ફિડેન્ટ કે ખૂન આ છોકરીએ નથી કર્યું?’ ‘રવિ, ગાયત્રીએ જગમોહનને બચાવવા ગોળી છોડી હોય, જે એક્સિડેન્ટલી જગ્ગેને વાગી ગઈ હોય. પણ એ જગ્ગેનું ખૂન કરવા ઈચ્છે એ થિયરી હું માનવા તૈયાર જ નથી. તું એને મારો અનુભવ કહે કે પછી મારી છઠ્ઠી ઈન્દ્રિય…’
‘જો તને આટલો વિશ્ર્વાસ હોય તો આપણે ગાયત્રીને બચાવવી જોઈએ.’ કમિશનરે કહ્યું હતું. કબીરે પણ ગાયત્રીને કમિશનર સાથેની વાતચીતનો સાર સંભળાવીને દિલાસો આપ્યો હતો: ‘ડોન્ટ વરી, ગાયત્રી, કુમાર નહીં તો કુમારની રિવોલ્વર કદાચ તને બચાવવામાં કામ લાગે.’ ‘લાલબઝારથી અલીપુર જગમોહન દીવાનના ઘરે પાછા ફરતી વખતે એણે વિક્રમને ફોન જોડ્યો હતો અને પૂછયું હતું: જગ્ગેને કેમ છે હવે?’ કરણ આગળ સીટમાં બેઠો હતો અને જતીનકુમાર કબીરની પડખે બેઠા હતા. કબીરે બંનેને કારમાં બેસવાની સૂચના આપી હતી. ‘પપ્પાને હજી હોશ આવ્યા નથી. એમની સ્થિતિ જેમની તેમ છે. હા, પોલીસના બે માણસ આવ્યા હતા. મારા ખ્યાલથી પપ્પાના શરીરમાંથી બુલેટ નીકળી હતી એને ઈન્વેસ્ટિગેશન માટે લેવા આવ્યા હતા.’ ‘હા, કમિશનર સાથે મારે વાતચીત થઈ ગઈ છે. હવે વિક્રમ, તું મને પ્રમામિકપણે એક વાત કહે, આ કુમાર ચક્રવર્તી કોણ હતો?’ કબીરે પૂછયું. ‘અંકલ, હતો એટલે? શું એ હવે હયાત નથી?’ વિક્રમના અવાજમાં છુપાયેલી ખુશીને કળવી બહુ અઘરું નહોતું. ‘ના, એ મૃત્યુ પામ્યો છે. બટ ટેલ મી એ કોણ હતો? તારે એની સાથે શું સંબંધ હતો?’ કબીરના સ્વરમાં રહેલી મક્કમતાની અસર વિક્રમ પર થઈ. ‘અંકલ, કુમાર ચક્રવર્તી શ્યામલી ચક્રવર્તીનો પતિ હતો.
એ બંને નાણાંભીડમાં આવ્યાં હોવાથી કુમારે મૃત હોવાનું અને શ્યામલીએ વિધવા હોવાનું નાટક કર્યું હતું. બંનેએ મળીને મને છેતર્યો હતો.’ વિક્રમે નિખાલસતાપૂર્વક કબૂલાત કરી દીધી. કબીરને પૂછવાની ઈચ્છા થઈ આવી કે બંનેએ મળીને તને છેતર્યો કે તું શ્યામલીની મોહજાળમાં ફસાયો હતો, પણ શ્યામલીનો ઉલ્લેખ હમણાં અસ્થાને ગણાશે એવું વિચારીને એ ચૂપ રહ્યો. ‘કુમારને તારી સાથે દુશ્મનાવટ હોઈ શકે પણ એ જગ્ગેને શા માટે મારવા ઈચ્છે?’ કબીરે બીજો પ્રશ્ર્ન કર્યો. ‘મને આ જ પ્રશ્ર્ન મૂંઝવે છે. કદાચ એણે ધાર્યું હોય કે મને મારવા કરતાં મારા પપ્પાને મારીને એ મને વધુ પીડા આપી શકશે…’ વિક્રમના સ્વરમાં હતાશા હતી. ‘હં… અ…’ બોલીને કબીર ચૂપ રહ્યો. વિક્રમની વાત એના ગળે ઊતરતી હતી. ‘અંકલ, હવે મને કહો ને કે કુમારનું મૃત્યુ કેવી રીતે થયું?’ વિક્રમે આતુરતાથી પૂછયું. ‘પોલીસથી ભાગવા જતાં એનો અકસ્માત થયો. એની વે, જગ્ગેની સ્થિતિમાં કોઈ પરિવર્તન લાગે તો ફોન કરજે.’ વિક્રમ ઓ.કે. બોલે એ પહેલાં કબીરે લાઈન કાપી નાખી. ‘સાળાસાહેબ, ખુશ તો બહોત હોગે તુમ!’ જતીનકુમાર ફિલ્મી અંદાજમાં ગણગણ્યા. કબીરને હસવું આવ્યું પણ એણે ગંભીરતા જાળવી રાખી. ‘કરણ’, કબીરે અચાનક કરણને પ્રશ્ર્ન કર્યો: તે જગ્ગેની પિસ્તોલ શા માટે ચોરી હતી?’ ‘કરણ ડઘાઈ ગયો: મેં…? પપ્પાની પિસ્તોલ ચોરી?’ અંકલ, તમને કોણે કહ્યું?’ ‘કરણ, નાટક કરવાની જરૂર નથી, ગાયત્રી પાસે જે રિવોલ્વર મળી આવી છે એ જગ્ગેની પિસ્તોલ છે. ગાયત્રીએ મને કહ્યું કે એ પિસ્તોલ એને તારા ડ્રોઅરમાંથી જગ્ગેની ડાયરી શોધતાં મળી હતી.’ કબીરે સ્પષ્ટતા કરી. ‘મારા ડ્રોઅરમાંથી…? અંકલ, ગાયત્રીની ક્યાંક ભૂલ થાય છે. હું શા માટે પપ્પાની રિવોલ્વર ચોરું? અને જો મેં ચોરી જ હોય તો એને હું મારા ડ્રોઅરમાં રાખું એટલો બેવકૂફ તો નથી જ…’ ‘કરણ, જો ગાયત્રી કોર્ટમાં એમ જુબાની આપે કે રિવોલ્વર એને તારા કબાટમાંથી મળી આવી હતી તો તું મુશ્કેલીમાં આવી શકે…’
કરણની ગરદનમાં નાખેલો ગાળિયો કબીરે વધુ કસ્યો. ‘અંકલ, ધીસ ઈઝ એબ્સર્ડ. ગાયત્રીને જે કહેવું હોય તે કહે પણ મેં પપ્પાની રિવોલ્વર ચોરી નથી.’ કરણના અવાજમાં રહેલો સચ્ચાઈનો રણકો કબીરને સ્પર્શ્યો. ‘કબીરભાઈ,’ જતીનકુમારે વાતની શરૂઆત કરી. કબીરને પોતાના નામ પાછળ ભાઈનું સંબોધન વિચિત્ર લાગતું હતું. ‘એક રિવોલ્વર ચોરવાની શું સજા હોઈ શકે…?’ કરણ અને કબીર બંને જતીનકુમારની વાત સાંભળીને ચોંકી ઊઠયા. ‘તમે ચોરી શેના માટે કરો છો એના પર નિર્ભર કરે છો. જો ખૂન કરવા માટે હથિયાર ચોર્યું હોય તો…’ કબીરે જાણી જોઈને વાક્ય અઘરું મૂક્યું. ‘ના, ભાઈ ના, ખૂન કરવા માટે નહીં પણ લોઢાની વસ્તુને ભંગારમાં વેચીને બે પૈસા ઉપજે એ ઈરાદાથી ગુનો કર્યો હોય તો…?’ જતીનકુમાર નિર્દોષભાવે પૂછતા હતા. કબીરને લાગ્યું કે પિસ્તોલને ભંગારમાં વેચવાનો ગુનો કદાચ એને પહેલીવાર સાંભળ્યો હતો. ‘કબીરભાઈ,’ જતીનકુમારે પોતાનું બયાન ચાલુ રાખ્યું. કબીરને થયુંં કે જો એ એને ભાઈ કહીને બોલાવશે તો એને ટોકીને ના પાડી દેશે. મને સસરા પર થોડી દાઝ હતી એટલે ખીજમાં આવીને મેં જ એમના કબાટમાંથી રિવોલ્વર ચોરી હતી. ત્યારે ઈરાદો હતો કે કોઈ કબાડીને ત્યાં વેચી આવીશ પણ પછી મોકો ન મળતાં કરણના ડ્રોઅરમાં સંતાડી દીધી હતી. ત્યારે મને કરણનો કમરો રહેવા માટે આપ્યો હતો.’
જતીનકુમારે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી. ‘જય હો, જમાઈબાબુ, જય હો…’ કરણ કડવાશથી બોલ્યો : ‘આવતા જન્મ જો તમે મનુષ્ય અવતાર ધારણ કરવાના હો તો મને કહેવડાવી દેજો. હું ચોર્યાસી લાખ ફેરામાંથી કોઈ પણ એક ફેરો પસંદ કરી લઈશ પણ માનવરૂપ તો નહીં જ અવતરું. ક્યાંક તમારી સાથે ભેટો થઈ જાય તો…?’ કબીરના ચહેરા પર હાસ્ય ફેલાઈ ગયું. એણે જતીનકુમાર સામે જોઈને કહ્યું: તમે એવા હથિયાર સાથે ચેડાં કર્યાં છે જે હથિયારથી ખૂન કરવાનો પ્રયાસ થયો છે. એટલે આમ જોવા જાવ તો આ એક સંગીન જુર્મ ગણી શકાય. પણ આપણે એના વિશે પછી વાત કરીશું. હાલ, તો તમારા માટે ફક્ત એક જ સજા… ભાઈસાબ, મને કબીરભાઈ કહીને નહીં બોલાવતા…’ ‘હવે તમને ભાઈ કહે એ બીજા, હું નહીં, કબીરભાઈ.’ જતીનકુમાર ગેલમાં આવીને બોલી ઊઠયા. કબીરનું મોઢું કટાણું થઈ ગયું. કરણે વિષય બદલતાં કહ્યું: ‘કબીર અંકલ, પપ્પાએ ડાયરીમાં જે આત્મહત્યા વિશે ઉલ્લેખ કર્યો હતો એ એમણે આ સ્ટેશનમાં કરવાની કોશિશ કરી હતી.’
રવીન્દ્ર સદન મેટ્રો સ્ટેશન પાસેથી ગાડી પસાર થતાં કરણે કહ્યું: ‘આ જ સ્ટેશનમાં એમનો મેળાપ ગાયત્રી સાથે થયો હતો.’ ‘સ્ટેશનમાંથી બચાવ્યા અને ઘરે મારવાની કોશિશ કરી.’ જતીનકુમાર બોલ્યા. ‘ના, જમાઈબાબુ, ગાયત્રી ખૂન કરે જ નહી.ં એણે રિવોલ્વર પણ જગ્ગેને બચાવ કરવા જ પોતાની પાસે રાખી હતી.’ ‘સાહેબ, જ્યારે છોકરીને બચાવવાની વાત હોય ત્યારે બધા માણસો ગળગળા શા માટે જતા હશે?’ કરણને લાગ્યું કે જતીનકુમારે છમકલું કરવાની જરૂર નહોતી. ‘જતીનકુમાર,’ કબીરે ગંભીર સ્વરે જવાબ આપ્યો, ‘ખૂન માટે જે હથિયાર વપરાયું હોય એને આઘુંપાછું કરવાની સજા કાબેલ વકીલ હોય તો ઓછામાં ઓછી પાંચ વરસ તો અપાવી શકે…’ ‘ના, ભાઈ ના… તમતમારે ગળગળા થઈને કે હૃદયફાટ રુદન કરીને છોકરીને બચાવો, મારા બાપુજીનું શું જાય છે? હા, ભાઈસાહેબ, ગાયત્રીએ ખૂન નથી કર્યું બસ…’ કરણ એના ચહેરા પર ફેલાતા સ્મિતને છુપાવવા બારી બહાર જોવા લાગ્યો. કબીરની આંખ ઘેરાતી હતી. સફરનો થાક હવે વર્તાતો હતો. એ સીટ પર માથું ઢાળીને આંખ બંધ કરીને પડ્યો રહ્યો. તંદ્રામાં એને જગ્ગેનો અવાજ સંભળાતો હતો- ‘કેમ દોસ્ત, દારૂ પીને ધમાલ નથી મચાવવી…?’ કબીર અંકલ સાથે મુલાકાત થયા બાદ ગાયત્રીને સારું લાગતું હતું. દૂર ક્યાંક આશાનું કિરણ પ્રગટયું હોય એવો અનુભવ થતો હતો. ઉપરાંત, કમિશનરે પણ પૂછપરછ ખૂબ નરમાશથી કરી હતી.
‘મિસ ગાયત્રી મહાજન,’ કમિશનરે કહ્યું હતું: ‘કોણ જાણે કેમ કબીરને ભરોસો છે કે તમે આ હત્યાના પ્રયાસમાં સંડોવાયેલાં નથી, હા, તમારા હાથમમાં રિવોલ્વર હતી એ જ મુદ્દો તમારી વિરુદ્ધ જાય છે, પણ જો તમારા અને જગમોહન દીવાન ઉપરાંત ત્રીજી વ્યક્તિની ઘટનાસ્થળે હાજરી આપી હતી એ પુરવાર થઈ શકે તો તમે દીવાનના બચાવ માટે હથિયારો ઉપયોગ કર્યો હતો એ સાબિત કરવું સરળ થઈ શકે.’ ગાયત્રીએ હકારમાં માથું હલાવ્યું હતું. કબીરે એને કહી દીધું હતું કે કુમાર ચક્રવર્તી નામનો દાઢીવાળો શખ્સ મૃત્યુ પામ્યો હતો. ત્યારથી એ વધુ હતાશ થઈ ગઈ હતી. ‘ડોન્ટ વરી, મિસ મહાજન, મને કબીરના જજમેન્ટમાં વિશ્ર્વાસ છે. એટલે મને ખાતરી છે કે તમે નિર્દોષ છો. કાલે સવારે તમને કોર્ટમાં લઈ જવામાં આવશે. મારી કોશિશ એ જ રહેશે કે તમને જામીન મળી જાય. ખૂનનો મામલો છે એટલે મારે તમને લોક-અપમાં રાખવા પડે છે. નહીંતર ક્યારનાંય છોડી મૂકયાં હોત…’ કમિશનર રવિ શ્રીવાસ્તવના વ્યવહારથી પ્રભાવિત થઈ ગઈ હતી. પોલીસવાનમાં એને જ્યારે અલીપુર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી ત્યારે દરેક પોલીસ ઑફિસર એની સાથે નમ્રતાપૂર્વક વાત કરતા હતા. થાણામાં પણ ઓ.સી. સન્યાલ સાહેબે એને રહેવા માટે ખાસ કેબિનની વ્યવસ્થા કરી આપી હતી. ‘ઉપરથી ઓર્ડર છે.’ ગાયત્રીએ પૂછયું તો સન્યાલ સાહેબે હસીને જવાબ આપ્યો. સન્યાલ સાહેબને તો ઉપરથી’ ઓર્ડર આવી ચૂક્યો હતો. ગાયત્રીએ બારીની બહાર દેખાતા આકાશ તરફ નજર નાખીને વિચાર્યું- એના માટે ઉપર’થી શું ઓર્ડર હશે?’ શું એને કાલે જામીન મળશે કે પછી… (ક્રમશ:)