વીક એન્ડ

વેર – વિખેર પ્રકરણ ૯

કિરણ રાયવડેરા

‘કાકુ, તો મારી એક વાત માનો. મને ખૂબ જ તરસ લાગી છે. ગળામાં શોષ પડ્યો છે. જિંદગી આખી તરસ્યા હરણની જેમ ગાળી છે. હવે મરતી વખતે તરસ્યા નથી મરવું.’ ગાયત્રીએ એક જેમ હાથ ગળા પર ફેરવતાં કહ્યું. એના અવાજમાં સચ્ચાઈ છલકાતી હતી. જગમોહનને આશ્ચર્ય થયું : માગી માગીને આ છોકરીએ પાણી જ માગ્યું.!

‘કાકુ, તમારું નામ કેટલું સરસ છે. એવું લાગે જાણે કોઈ મોટા ઈન્ડસ્ટ્રિયાલીસ્ટનું નામ હોય- જગમોહન દીવાન. ખેર, મારું નામ છે ગાયત્રી- ગાયત્રી મહાજન. ઉંમર ૨૩ વરસ.બાય ધ વે, કાકુ પણ તમે તમારા નામ સાથે ઉંમર કેમ જોડી?’ ગાયત્રીએ પૂછ્યું.
કારણ તો મને ખબર નથી પણ કદાચ એટલા માટે કે હું કેટલા વરસે મરવા જઈ રહ્યો છું એ કહેવા માટે હું ઉંમર બોલ્યો હોઈશ’ જગમોહને કબૂલ્યું.

‘સાચી વાત છે કાકુ. આજે આપણે બંને એવી ક્ષણે મળ્યાં છીએ જ્યારે આ સંદર્ભમાં આપણી ઉંમરને એક નવો જ અર્થ મળી રહે છે. તમે હવે ૪૮ વરસના નહીં થઈ શકો અને હું ચોવીસ સુધી નહીં પહોંચી શકું

જગમોહન એ છોકરીને જોતા રહ્યો. એની મોટી ગોળ આંખોમાં જાણે એક આખી દુનિયા સમાયેલી હતી. ચહેરો લાંબો અને તેજસ્વી હતો. માથાનાં વાળ કાળા અને શેમ્પુ કર્યા હોય એવા ફ્રેશ લાગતા હતા.

કોઈ આત્મહત્યા કરવા નીકળે તો વાળને શેમ્પુ કરીને નીકળે? એક તર્કહીન વિચાર એના દિમાગમાં ઝબકારો કરી ગયો.

શા માટે નહી? એ પણ તો નાહ્યો હતો ને! કોઈ સભાનતાથી આ ક્રિયાઓ ન કરતું હોય, રોજના ક્રમમાં એ વણાઈ જતી હોય.

‘નામ તારું ગાયત્રીમજાનું છે,પણ હું એમ નહીં કહી શકું કે નાઈસ ટુ સી યુ… કેમ કે થોડી વાર બાદ આપણે બંને હતાં ન હતાં થઈ જશું. હા, એટલું જરૂર કહીશ કે તને મળીને આનંદ તો જરૂર થયો. તારામાં- તારી વાતચીતમાં એક તાજગી તો છે જ. હવે સાંભળ, હવે ટ્રેન આવી જશે, બંને પોતપોતાની પોઝિશન લઈ લઈએ. બંને એકબીજાથી થોડાં દૂર ઊભાં રહી જઈએ.’ જગમોહનનો અવાજ ઘોઘરો થઈ ગયો હતો.

‘કાકુ, ડન, તમે કહેશો એ પ્રમાણે જ કરશું, પણ મને હમણાં એક વિચાર આવ્યો. કાકુ, દરેક મરતા માણસની આખરી ઈચ્છા પૂછવાનો એક શિરસ્તો હોય છે. આપણે એ નિયમ નહીં નિભાવીએ?’ ગાયત્રીના ચહેરાને જગમોહને ધારીધારીને જોયો. ગાયત્રી ગંભીર હતી. ‘ઈચ્છા તો જાણી લઈશું, તો પછી ઈચ્છાની માયામાં ક્યાં બંધાવું?’

‘શું કાકુ, આવી નિરસ વાત કરો છો! શક્ય છે કે આપણે એકમેકની ઈચ્છા પૂરી કરી શકીએ!’ ગાયત્રીના અવાજમાં સહ્હેજ જીદ રણકતી હતી.

જગમોહન વિચારમાં પડી ગયો, છતાં બોલ્યો: ‘સાંભળ, ગાયત્રી હું એવી ઉંમરે પહોંચી ગયો છું કે હવે કોઈ ઈચ્છા રહી નથી. કોઈ ઈચ્છા અધૂરી રહી જાય તો મને અફોસસ નથી. કોઈ મહેચ્છા રહી જતી નથી અને એટલે જ આપઘાતનો નિર્ણય લીધો છે. તારી ઈચ્છા બોલ. જો હું પૂરી કરી શકીશ તો મને જરૂર આનંદ થશે.’

‘કાકુ, તો મારી એક વાત માનો. મને ખૂબ જ તરસ લાગી છે. ગળામાં શોષ પડ્યો છે. જિંદગી આખી તરસ્યા હરણની જેમ ગાળી છે. હવે મરતી વખતે તરસ્યા નથી મરવું.’

ગાયત્રીએ એક જેમ હાથ ગળા પર ફેરવતાં કહ્યું. એના અવાજમાં સચ્ચાઈ છલકાતી હતી.
જગમોહનને આશ્ચર્ય થયું : માગી માગીને આ છોકરીએ પાણી જ માગ્યું.!

એણે આજુબાજુ નજર દોડાવી. પ્લેટફોર્મ પર પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. પાણી માટે પગથિયાં ચડીને ફરી ઉપર આવવું પડે. ત્યાં મિનરલ વોટરની બોટલ મળે કદાચ. પણ એ દોડીને જાય તો પણ સમયસર પાછો નહીં ફરી શકે. હવે એકાદ મિનિટ બાકી હતી.

‘રહેવા દો, કાકુ… હવે સમય રહ્યો નથી.. ફરી હું તમારા પ્લાનમાં અંતરાય ઊભા કરું છું.’ ગાયત્રીએ નિષ્ઠાપૂર્વક કહ્યું.

‘ના,ના, મોડા ભેગુ વધું મોડું. શો ફરક પડે છે.? ૪૭ વરસ નીકળી ગયાં તો પછી બીજી પંદર-વીસ મિઇનિટ વધુ ! ડોન્ટ વરી, આપણે આ ટ્રેન પણ મિસ કરીશું. હું તારી આખરી ઈચ્છા જરૂર પૂરી કરીશ. હું પાણીની બોટલ લઈને આવું છું. તું અહીં ઊભી રહેજે.’ કહીને જગમોહન ચાલવા માંડ્યો.

‘અરે કાકુ, તમે એકલા નહીં જાઓ. હવે જ્યારે છેલ્લી મિનિટો આપણે સાથે ગાળવાની છે તો તમે મને છોડીને જશો? હું પણ સાથે આવું છું.! ’

જગમોહને ખભા ઉછળ્યા અને ગાયત્રીને સાથે ચાલવા ઈશારો કર્યો.

‘થેન્ક્યૂ કાકુ…’ કહી ગાયત્રી ઝડપભેર જગમોહન સાથે થઈ ગઈ.

‘આ ક્યારનું કાકુ…કાકુ રટણ કર્યા કરે છે?’

‘તમને નથી ગમતું કાકુ? મને તો બહુ જ ગમે છે.’

‘હા, પણ કાકુ એટલે શું, કાકા જ ને?’

‘ના, કાકુ એટલે કાકુ…કાકુ એટલે ઘણું બધું…કાકુ એટલે ઘણા બધા સંબંધો…ઘણી બધી આત્મીયતા…ઘણું બધું વહાલ… અને ઘણો બધો લાડ… કેમ કાકુ, તમને આ સંબોધન ન ગમ્યું?’

જગમોહન ચૂપ રહ્યો.

આટલાં વરસોમાં પહેલી વાર એ આ શબ્દો સાંભળી રહ્યો હોય એવું લાગતું હતું. લાડ, વહાલ, આત્મીયતા? કુદરતે ઠીક ખેલ શરૂ કર્યો છે. નવલકથાનું છેલ્લું પાનું આવી ગયું છે અને વાર્તામાં એક વળાંકની શરૂઆત કરી નાખી. હવે એક પાનામા આ વળાંક કેમ સમાવવો?

‘કેમ કાકુ ચૂપ છો?’

‘ના, કંઈ નહીં બસ…એમ જ, જો પાછળ જો… આપણી ટ્રેન આવી પહોંચી!

ગાયત્રી પાછળ જોઈને ખીલખીલાટ હસી પડી. જગમોહનને લાગ્યું કે ગાયત્રીનું નિર્દોષ હાસ્ય એવું છે જાણે કોઈ મોતીના હારમાંથી મોતી વેરાઈને નીચે પડતાં હોય!

‘વાંધો નહીં કાકુ, પાણી પીને આપણે ફરી મોરચો સંભાળી લેશું? ઈરાદો બુલંદ હશે તો આવી અનેક ટ્રેન આવશે પણ તરસ્યા મરી જશું તો આત્મા અવગતિએ જશે!’

‘ગાયત્રી, હવે આપણને થોડી મિનિટો વધુ મળી છે તો મને એ કહે કે એવું શું બન્યું કે તું એક મિનિટ પણ જીવવા નહોતી માગતી?’ જગમોહનની જિજ્ઞાસા ઊછળી પડી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં.

‘જીવવા નહોતી માંગતી નહીં. જીવવા નથી માંગતી.’ ગાયત્રીએ સુધાર્યું.

‘ઓહ સોરી, રાઈટ યુ આર! તું તો મારી જેમ હજી પણ જીવવા નથી માંગતી. તો જો વાંધો ન હોય તો પ્લીઝ..’

એ જ પળે એક યુવાન પગથિયાં ઊતરતાં ઊતરતાં ગાયત્રીને ધક્કો મારીને આગળ નીકળી ગયો. ગાયત્રી પડતાં પડતાં રહી ગઈ. જગમોહને એને ન સાંભળી લીધી હોત તો એ સીડી પર પડી જાત.

જગમોહન ઉશ્કેરાઈને પેલા યુવાન પાછળ દોડ્યો. પેલાનું કાંઠલું ઝાલીને જગમોહન બરાડ્યો: ‘ક્યો… દિખાઈ નહીં દેતા ક્યા!’

‘શું તમે પણ! ટ્રેન પકડવાની ઉતાવળમાં હશે. તમે તો એને મારી બેસેત.’ ગાયત્રીએ જગમોહનને ઠંડા પાડવાની કોશિશ કરી.

‘આઈ એમ સોરી ગાયત્રી. એણે જે રીતે તને ધક્કો માર્યો એ સહન ન થયું. સામાન્ય રીતે હું જલદી ગુસ્સે નથી થતો.’

‘આપણે પસાર થઈ રહ્યાં છીએ એ સામાન્ય નહીં અસામાન્ય સંજોગો છે. એની વે, હવે ગુસ્સો થૂંકી દો. આપણે પાણી પીશું?’

જગમોહને સ્ટોલમાંથી પાણીની એક બોટલ ખરીદીને ગાયત્રીના હાથમાં મૂકી. એને આશ્ર્ચર્ય થતું હતું કે એણે આજે પહેલી વાર આ રીતે મગજનું સંતુલન ગુમાવ્યું હતું. કમાલની વાત એ હતી કે એને પેલા યુવાનને ધમકાવવાની મજા પડી હતી.

‘હાશ…’ ગાયત્રીએ પાણીનો એક મોટો ઘૂંટડો પીને જગમોહન સામે જોયું, ઘણી વાર સામાન્ય વસ્તુ કેટલો સંતોષ અને આનંદ આપી જાય છે, ખરું ને? આપણને કદાચ આ
આનંદ અને સંતોષ મેળવતાં ન આવડ્યા?’

ગાયત્રી ગંભીર થઈ ગઈ.

‘હલ્લો…’ જગમોહને ગાયત્રીના ચહેરા સામે ચપટી વગાડીને એને તંદ્રામાંથી જગાડી.

‘મિસ ગાયત્રી મહાજન, હવે ગંભીર થવાની જરૂર નથી. તમે તમારી વાર્તા સંભળાવવાનાં હતાં, રાઈટ?’

‘ઓકે મિ. જગમોહન દીવાન, તમને જેમ મારી વાત સાંભળવામાં રસ છે. એમ મને પણ તમારી સ્ટોરી સાંભળવાની ઈચ્છા છે.’ ગાયત્રીની આંખમાં ફરી પેલું તોફાનીપણું ઊભરાઈ આવ્યું.

‘ના… ગાયત્રી, હવે આપણી પાસે એટલો સમય નથી. બંને વાર્તા સંભળાવશું તો ફરી મોડું થઈ જશે. એક પછી એક ટ્રેન મિસ થતી જશે. આત્મહત્યામાં આવતીકાલ નથી હોતી. એમાં કાં તો આજ હોય છે. અથવા ફરી કદી નહીં!’ જગમોહન મક્કમપણે બોલી ગયો.
‘ઓ.કે. કાકુ આપણે એક ગેમ રમીએ. એક નિર્દોષ રમત. ફ્ક્ત બે કલાક માટે. તમે તમારી જિંદગીના બે કલાક મને આપી શકશો?’

‘ગાયત્રી, તું શું કહે છે એ મને સમજાતું નથી. સ્પષ્ટતા કરે તો સારું!’ જગમોહન અકળાયો હતો.

તો સાંભળો કાકુ, તમારે મારી વાત સાંભળવી છે. મારે તમારી દાસ્તાન સાંભળી છે. હવે જ્યારે મરવાનું નક્કી જ છે તો બંને જણા એકબીજાને પોતાની કહાની સંભળાવીને કેમ ન મરીએ! આમેય જિંદગીમાં ઘણું મોડું થઈ ગયું છે. બે કલાક વધુ વેડફાશે તો કોઈ આભ નહીં તૂટી પડે! તો કાકુ, રમત શરૂ કરીએ? બે કલાકનો ખેલ. પછી ખેલ ખલાસ!’ ગાયત્રી હાથ લંબાવ્યો.

એણે અચાનક ગાયત્રીનો હાથ પકડી લીધો. ‘ઓકે, ડન… ગાયત્રી… ફક્ત બે કલાક… પછી ખેલ ખલાસ… તો બોલ, હવે આ ખેલની શરૂઆત ક્યાંથી કરીશું?’

જગમોહનને જાણે-અજાણ્યે કશીક મજા પડતી હતી અને કશીક મીઠી મૂંઝવણ થતી હતી, અનોખો અનુભવ થતો હતો. એણે અચાનક ગાયત્રીનો હાથ પકડી લીધો અને બોલ્યો: ઓકે ડન, ગાયત્રી, ફક્ત બે કલાક… પછી ખેલ ખલાસ… તો બોલ હવે આ ખેલની શરૂઆત ક્યાંથી કરીશું?’

અમે બે કલાકની રમત રમવાનું નક્કી કર્યું છે કે કુદરત અમારી સાથે ગેમ રમે છે, જગમોહન વિચારતો હતો. વરસો બાદ આજે જીવનલીલા સંકેલવાનો નિર્ણય કર્યો. આખી રાત જાગીને ઈરાદો મજબૂત બનાવ્યો, વ્યવસ્થિત પ્લાન બનાવ્યો, મેટ્રો સ્ટેશન પર આત્મહત્યા કરવા આવી પહોંચ્યો કે… આ માથાફરેલ છોકરી ભટકાઈ ગઈ.

ગાયત્રીને મરવાની ઉતાવળ, એટલે કહે કે થોભી જાઓ, પહેલાં મને મરવા દો.

હવે જ્યારે પાણી પીવાઈ ગયું અને તરસ શમી ગઈ કે બંનેને એકબીજાની વાતો સાંભળવાની તલપ જાગી ગઈ.

‘ગાયત્રીએ પ્રસ્તાવ મૂક્યો – કાકુ, આપણે એક ગેમ રમીએ, એક નિર્દોષ રમત… માત્ર બે કલાક માટે. હવે જ્યારે મરવાનું નક્કી કર્યું છે તો બંને જણા એકબીજાને પોતાની કથની સંભળાવીને કેમ ન મરીએ ! બે કલાકનો ખેલ… પછી ખેલ ખલાસ !’

જગમોહને તરત જ પ્રસ્તાવ સ્વીકારી લીધો. ‘ડન… પણ માત્ર બે કલાક… બોલ હવે આ ગેમની શરૂઆત ક્યાંથી કરીશું ?’

ગાયત્રી વિચારમાં પડી ગઈ.

જગમોહન એને ઢંઢોળીને ઉઠાડતો હોય એમ હચમચાવી નાખી. ‘યસ મિસ ગાયત્રી મહાજન, ગેમ રમવાનો પ્લાન ફોક કર્યો કે શું? ઉપર જવાની ઉતાવળ છે ?’ જગમોહનને ગમ્મત સૂઝી.

‘મરવાની ઉતાવળ તો છે, પણ તમારી વાત સાંભળવાની વધુ તાલાવેલી છે અને મારી કહાણી કહેવાની ઝંખના પણ છે. એ બહાને છેલ્લે છેલ્લે થોડાં હળવાં તો થવાય.’ ગાયત્રીએ ગંભીર મુદ્રામાં જ જવાબ આપ્યો.

‘હા, પણ શરત એ જ કે આ બે કલાક દરમિયાન બંનેએ વાત કહેતાં, સાંભળતાં હસતા રહેવાનું. એક સેક્ધડ માટે પણ ઉદાસ નહીં થવાનું. ઓકે ?’

‘ઓકે… કાકુ, એ તો હું વિચારતી હતી કે આપણે ક્યાંથી શરૂઆત કરીશું. બાકી, હું તો અકારણ પણ હસી શકું છું.’ કહીને ગાયત્રી ફરી ખડખડાટ હસી પડી.

જગમોહનને સવારના બાલ્કનીમાં ઊભા રહીને નિહાળેલું સૂર્યોદયનું અલૌકિક દૃશ્ય યાદ આવી ગયું. ગાલને ભીના કરી નાખતી ઝાકળયુક્ત હવા, કલરવ કરતાં પંખીઓનું અર્ધવર્તુળાકાર ઉડ્ડયન અને લાલચોળ થતી પૂર્વ દિશા.. બધું ગાયત્રીના હાસ્યે યાદ કરાવી દીધું.

એક સેકંડ માટે જગમોહનના મનમાં વિચાર આવી ગયો કે આટલું નિર્મળ અને નિર્દોષ હાસ્ય ધરાવતી હજી જીવનના ઉંબરે ઊભેલી વ્યક્તિ મોતની વાત કેમ કરતી હશે ! પણ એ પ્રશ્ર્ન હોઠ સુધી આવી જાય એ પહેલાં જ જગમોહન એને ગળી ગયો. ઉતાવળ નથી કરવી. બે કલાકમાં તો બધી સ્પષ્ટતા થઈ જશે.

‘કાકુ, હવે તમે ગંભીર થઈ ગયા. સાંભળો, આપણા માટે આ જગ્યા અશુભ ગણાય, તો પછી આખરી બે કલાક અહીં શા માટે ગાળવા? આપણે બહાર નીકળીને ખુલ્લી હવામાં વાતો કરીએ ? બે કલાકમાં તો પાછું અહીં જ આવવાનું જ છે ને ! મંજૂર છે કાકુ ?’

‘હા, પણ એક નુકસાન થશે.’ જગમોહન વિચાર કરતાં બોલી પડ્યો.

‘તમે હજી ફાયદા-નુકસાનની વાત કરી શકો છો. બાય ધ વે, કયું નુકસાન કાકુ ?’

‘આપણે ટિકિટ ફરી લેવી પડશે. જૂની ટિકિટ તો ગઈ…’ કહીને જગમોહન હસી પડ્યો.

‘કાકુ, તમે હસો છો ત્યારે કેવા બાળક જેવા નિર્દોષ લાગો છો. એવું લાગે જાણે પહાડ પરથી કોઈ ઝરણું ધોધ બનીને નીચે પડતું હોય. કેવી શુદ્ધતા, કેવી પવિત્રતા !’

જગમોહન સ્તબ્ધ થઈ ગયો.

જે એણે કહેવું હતું એ ગાયત્રી કહી રહી હતી. કેટલાં વરસે કોઈએ જગમોહનના હાસ્યની પ્રશંસા કરી. નાનો હતો ત્યારે પિતા કહેતા, મારો દીકરો હસે ત્યારે ફૂલ ઝરે. આજે ત્રીસ-ચાલીસ વરસો પછી આ છોકરી એના હાસ્યનો ઉલ્લેખ કરતી હતી. એના આંખના ખૂણા ભીંજાય એ પહેલાં જગમોહન બોલી ઊઠ્યો : ‘ગાયત્રી, તું જો મારી પ્રશંસામાં કાવ્ય રચીશ તો હું ગાંડાની જેમ સતત હસતો જ રહીશ. પછી અહીં લોકો મારા પર હસશે.’

બંને ખિલખિલાટ હસી પડ્યાં.

કેટલાં વરસે… કેટલાં વરસે એ આટલું મોકળા મને હસ્યો હતો. જાણે મણનો ભાર મન પરથી ઊતરી જતો હોય!

એણે ગાયત્રી સામે જોયું. ઘટ્ટ નીલા રંગનું ટોપ, આછા આસમાની રંગનું જીન્સ. ખભાને થપથપાવતા રહેતા કાળાભમ્મર વાળ, સદાય ભીની રહેતી જાણે સ્ફટિકની બનેલી આંખો, બુદ્ધિ અને નિર્દોષતાનો સુમેળ દર્શાવતા વંકાતા હોઠના ખૂણા! (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button