વીક એન્ડ

વેર- વિખેર -પ્રકરણ ૨૭

અરે, વાહ… મારાં સાસુમા… અરે, તમે તમારા હક માટે મારા સસરા સાથે લડો છો ને! આપણા અધિકાર માટે તો લડવું જ જોઈએ. મને તમારા પર માન છે!

કિરણ રાયવડેરા

‘મેં તારી બધી વાત માની એટલે જ આજે હું જીવતો છું.હવે તું જીદ લઈને બેઠી છો અને મન ડર છે કે તને એકલી મૂકીશ તો બબલુ તને જીવવા નહીં દે.’
ગાયત્રી પ્રત્યુત્તર વાળ્યા વિના નીચું જોવા લાગી. થોડી પળો બાદ ઊંચું જોઈને હાથ જોડીને યાચતી હોય એ ઢબે એણે કહ્યું :
‘કાકુ, પ્લીઝ… આપણે એ વિષય પર ચર્ચા ન કરીએ તો?’

‘ઓકે… ઓકે…’ જગમોહન ધૂંધવાઈ ગયો હતો પણ ગાયત્રી પર ખીજ ઉતારવાને બદલે એણે વિકલ્પ સૂચવવાનું પસંદ કર્યું.

‘ઠીક છે, તું મારે ત્યાં ન આવે તો કાંઈ નહીં, પણ તું મારી દીકરી રેવતીને ત્યાં તો રહી શકે છે? તને સંકોચ પણ નહીં થાય, અને મારો જમાઈ જતીનકુમાર એક આઈટમ છે. કદાચ તારી હાજરીથી એને મદદ મળી રહેશે. સાચું કહું તો તને એક પેશન્ટ મળી જશે.’
‘નો પ્લીઝ, હું નિરાશ્રિતની જેમ તમારા કોઈ સગાવહાલાને ત્યાં નહીં રોકાઉં.’ ગાયત્રી નારાજ થઈ ગઈ.

‘ફાઈન… ફાઈન… પણ મારી પાસે હજી એક આઈડિયા છે.’ જગમોહન બોલ્યો, પછી હસતાં હસતાં ઉમેર્યું :
‘ગાયત્રી, આજે તો તારા ફિલ્મી હીરોની જેમ મારા દિમાગમાં એક પછી એ આઈડિયા આવતા રહે છે.’
જવાબમાં ગાયત્રી ફિક્કું હસી.

‘હવે મારો બીજો પ્લાન સાંભળ. જો તું તારી દીકરીને ત્યાં પણ ન રહેવાની હો તો ઈન્સ્પેકટર પરમારના ક્વાર્ટર્સમાં રહી શકે છે? થોડું વધુ બોલે છે પણ માણસ
ભલો છે.’

ગાયત્રીના ગળે વાત ઊતરતી હોય એવું લાગ્યું. પોલીસ ઈન્સ્પેકટરનું ઘર સૌથી
વધુ સુરક્ષિત ગણાય. પોલીસ ક્વાર્ટર્સ પર ઍટેક કરતાં પહેલાં બબલુ બે વાર વિચાર કરશે.

‘ઠીક છે કાકુ, પરમારને ત્યાં રહેવા
હું તૈયાર છું પણ આપણી સમસ્યા
ચોવીસ કલાક પૂરતી નથી. બબલુને
તો તક મળશે ત્યારે આપણા પર હુમલો કરશે તો શું આપણે સતત નાસતાં કે
છુપાતાં રહેવાનું? વળી, તમારી સલામતીની વ્યવસ્થા શું?’ ગાયત્રી ચિંતિત સ્વરે
બોલી.

‘યસ, યુ હેવ અ પોઈન્ટ.’ જગમોહન બબડ્યો અને ખિસ્સામાંથી સેલ કાઢીને ફોન જોડ્યો.
‘કબીર, હવે તને ડિસ્ટર્બ કરવાનો મારો વારો છે!’

‘બોલ જગ્ગે, બોલ. મને હતું જ કે તું ફોન કરીશ. ઈનફેક્ટ, મારે જ તને કહેવાની જરૂર હતી કે હવે પછીનો આપણો પ્લાન, આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. બબલુથી સંભાળવાનું તને કહ્યું પણ એમાંથી કેમ બચવું એ તો કહ્યું નહીં.’

જગમોહનને આ જ કારણસર કબીર ગમતો હતો, એ સ્પષ્ટપણે વિચારી શકતો હતો. વળી, કંઈ પણ કહેવા પહેલાં એ સમજી ગયો હતો.

‘હા, કબીર, હું પણ એ જ વિચારતો હતો. ગાયત્રીને તો હું ઈન્સ્પેકટર
પરમારને ત્યાં મોકલાવી દઉં છુ. પણ પછી શું અમારે આ રીતે અન્ડરગ્રાઉન્ડ જ રહેવાનું?

‘ના, જગ્ગે, મેં એ વિશે વિચારી રાખ્યું છે. થોડી વાર પહેલાં જ મેં ઈન્સ્પેકટર શિંદે સાથે વાતચીત કરી લીધી છે. એ લગભગ બારેક વાગ્યાની આસપાસ ગાયત્રી મહાજનને ત્યાં તમને લોકોને મળવા આવશે અને તમારી સુરક્ષા અંગનો પ્લાન સમજાવશે, જગ્ગે, ટ્રસ્ટ હીમ. એ ખૂબ જ બાહોશ માણસ છે. એ જે કહે એ કરજે.’
‘ડન… પણ તું ક્યારે આવે છે?’

‘બહુ જ જલ્દી જગ્ગે… બહુ જ જલદી…’ કહીને કબીરે લાઈન કાપી નાખી.
જગમોહનને લાગ્યું અમુક મિત્રો
જાણે હંમેશાં આપણી મદદ કરવા જિંદગીના દરેક મોડ પર હાથ મોકલાવીને ઊભા
હોય છે.

એણે ગાયત્રીને કબીર સાથેની વાતચીતનો સાર કહી સંભળાવ્યો.
‘આ તમારો મિત્ર ગજબ છે. હિન્દી ફિલ્મમાં પણ દરેક હીરોને આવો એક નિ:સ્વાર્થ મિત્ર હોય જે સતત હીરોને મદદરૂપ થતો હોય…’ ગાયત્રીના ચહેરા પર ફરી હાસ્ય ફેલાઈ ગયું.
‘ગુડ, ગાયત્રી, તું ગંભીર રહેવાને બદલે ફિલ્મોની વાતો કરીશ તો મને ગમશે.’

ગાયત્રી ખડખડાટ હસી પડી. એ જ વખતે બીજી બારીનો કાચ તૂટયો. ફરી એક પથ્થર ઘરની દીવાલ સાથે અથડાઈને નીચે પડ્યો.

જગમોહન અને ગાયત્રી બંને એકબીજાની સામે જોતાં રહ્યાં. આ બબલુએ કોઈ સામાન્ય ટપોરીની જેમ પથ્થરબાજી શરૂ કરી છે કે શું? બારી પાસે જવાનો કોઈ અર્થ નથી, પથ્થર ફેંકવાવાળો ત્યાં ઊભો નહીં જ હોય.
જગમોહને એ પથ્થરને ઉપાડ્યો. એની શંકા સાચી પડી. સાથે એક મેસેજ પણ હતો. જેમાં લખ્યું હતું:
‘હવે મારી પાસે ફક્ત બાવીસ કલાક બચ્યા છે.’


‘આવો… આવો… જમાઈરાજ…’ જતીનકુમારને જોઈને પ્રભાએ મીઠો
આવકાર આપવાનો પ્રયાસ તો કર્યો પણ અંદરથી એને પહેલી વાર ધિક્કાર છૂટતો હતો.

‘હા, હા, સાસુમા બોલાવે અને અમે ન આવીએ એવું બને? હું તો કહું છું કે એટલો પ્રેમ હોય તો અમે અહીં જ રહી જઈએ. આમેય તમારી પાસે ભગવાનું દીધેલ બધું છે.’
રેવતી જતીનકુમારને કોણી મારીને ચૂપ કરે એ પહેલાં જ શબ્દો તીરની જેમ નીકળી ગયા હતા. પ્રભાએ જાણે સાંભળ્યું જ ન હોય એવો ડોળ કરીને કહ્યું: ‘આ તો થયું પાંચ-છ દિવસથી જતીનકુમારનું મોઢું નથી જોયું એટલે ઈચ્છા થઈ આવી.’

જે વ્યક્તિ ગમતી ન હોય એની સાથે ઈચ્છા વિરુદ્ધ પ્રેમનો ઢોંગ કરીને વાત કરતા રહેવું અઘરું છે, પ્રભાને લાગ્યું. જગમોહનની સાથે તો આ રીતનો ઢોંગ કરવાનું વરસોથી છોડી દીધું હતું. પણ જગમોહન પતિ હતો. જ્યારે આ નફ્ફટ માણસ એની દીકરીનો પતિ છે, એટલો ફરક છે.

‘સાસુમા, શા માટે જુઠ્ઠું બોલો છો? પેલા કૈલાશે તમારી સામે મારા વિરુદ્ધ ચાડી ખાધી હશે, એટલે તમે હાંફળાંફાંફળા થઈને
મને બોલાવી લીધો. અરે, સાસુમા, ધંધો કરવો હોય તો કેપિટલની તો જરૂર પડે ને…’ જતીનકુમારે મોઢામાં રાખેલાં તમાકુને ચગળતાં કહ્યું.

‘હા, પણ જતીનકુમાર, તમે જગમોહનને વાત કરી હોત તો… એ જરૂર તમને લોનની વ્યવસ્થા કરી આપત.’ પ્રભાએ જતીનકુમારને માઠું ન લાગે એનું ધ્યાન રાખતા કહ્યું.

‘એ શું બોલ્યાં… સાસુમા, હું અને સસરા સામે હાથ ફેલાવું? અરે મારી કોઈ ઈજ્જત-બિજ્જત છે કે નહીં? અરે આ ગામમાં અમારા ખાનદાનનું નામ છે. એમ કંઈ હું સસરા સામે ભીખ તો ન જ માંગું!’ જતીનકુમાર પછી તરત જ રેવતી સામે જોઈને તાડૂક્યા: ‘અરે તું ક્યારની કોણી શેની માર્યા કરે છે… હું તો
સાસુમાને સમજાવું છું કે તમારી જેમ અમારી પણ ગામમાં ઈજ્જત છે.’

રેવતીની આંખમાં આંસુ તગતગી ઊઠ્યાં. આ માણસને એકલો મુકાય નહીં અને સાથે આવીએ તો અપમાનજનક સ્થિતિમાં મુકાવું પડે. બાકી મમ્મી… એ કોઈનું સહન ન કરે પણ મારે ખાતર કરી રહી છે.
‘તમારી વાત સાચી છે. જતીનકુમાર, સસરા સામે હાથ ન ફેલાવાય. પણ આ તો કૈલાસ આપણા કરણનો મિત્ર છે એટલે…’
પ્રભાને સૂઝતું નહોતું કે આ માણસ સાથે કેવી રીતે વાત કરવી.

નિર્લજ્જતાની સામે તર્કસંગત વાતોનો કોઈ અર્થ નથી.

‘અરે, સસરા સામે હાથ ન ફેલાવાય
એ સાચું પણ સસરો તો હાથ ફેલાવીને જમાઈને આપી શકે ને? શું એના માટે
પણ મારે જ કહેવાનું? મારા સસરાને
મારી કોઈ ફિકર જ નથી… અરે એમને તો એમની લાડકીની પણ ચિંતા નથી!’ જતીનકુમારે સાસુમાની આંખમાં આંખ પરોવીને કહ્યું.

હું જાણું છું કે મારા ગ્રેટ શ્વસુરે પોતાના વસિયતનામામાં પણ મારા માટે એક ફૂટી કોડીની જોગવાઈ નથી રાખી. જે માણસ જીવતાં કંઈ નથી કરતો એ મર્યા બાદ પણ શું કરવાનો! અરે કંઈ નહીં તો તમારી દીકરીને સાચવું છું એના ભરણપોષણ પેટે તો થોડા છૂટા કરો. બાકી એક વાત કહી દઉં, ગામમાં અમારા ખાનદાનની બહુ જ આબરૂ છે, એમ અમે સસરા સામે હાથ ન ફેલાવીએ.’
પ્રભા સમસમી ગઈ. ઓહ, તો વાત વસિયતનામા સુધી પહોંચી ગઈ છે. જમાઈરાજને વિલ વિશે કેવી રીતે ખબર પડી? કોણે એમને કહ્યું કે વસિયતનામામાં એમના માટે કોઈ જોગવાઈ નથી?

પ્રભાને પોતાને ખબર નહોતી કે જગમોહન દીવાનના વિલમાં શું લખ્યું
છે. એણે કોઈ દિવસ જાણવાની દરકાર નહોતી કરી. જે વ્યક્તિ જીવતી હોય એના વિલનો વિચાર કરવો એ વાત જ જુગુપ્સાપ્રેરક હતી.

રેવતી વચ્ચે પડી, ‘તમે મમ્મીને આરામ કરવા દો, એમની તબિયત ઠીક નથી. મમ્મી, તું જા થોડો આરામ કર… અમે નીકળીએ.’
‘અરે તું મને અહીંથી હંમેશાં કાઢવાની કેમ કોશિશ કરે છે? આ મારું પણ ઘર છે. તું જો મને ન પરણી હોત તો હું પણ જગમોહન દીવાન જેવો મોટો માણસ થઈ શકત. મારાં કમભાગ્ય કે તું મને ભટકાઈ.’
તમારાં સદ્ભાાગ્ય કે હું ભટકાઈ નહીંતર કોઈ ફૂટપાથ પર પડયા હોત… રેવતી આગળ વિચારી ન શકી. વર તરફ કડવાશ છે પણ એમના તરફ આટલું ઝેર રાખવું યોગ્ય નથી.
એ ચૂપ રહી.

‘હા, તો બોલો સાસુમા, શું વિચાર કર્યો?’ જતીનકુમારે વાત ચાલુ રાખી.
‘શેનો?’ પ્રભાને સમજાયું નહીં. આ માણસે કયો પ્રશ્ન પૂછ્યો હતો જેના ઉત્તરની એ રાહ જોઈ રહ્યો છે?

‘અરે, વાહ… મારાં સાસુમા… ભગવાનના માણસ છે. અરે તમે તમારા હક માટે મારા સસરા સાથે લડો છો ને! આપણા અધિકાર માટે તો લડવું જ જોઈએ. મને તમારા પર માન છે, સાસુમાં.’
પ્રભા ચૂપ રહી.

એવું લાગતું હતું કે કદાચ જતીનકુમાર કહે છે કંઈક, પણ એમનો ઈશારો કોઈ બીજી જ તરફ છે.
‘એટલે તમારી પાસે જ હું શીખ્યો છું…. આપણા અધિકાર માટે આપણે લડવું જ જોઈએ.’ જતીનકુમારના ચહેરા પર ખંધું હાસ્ય રમતું હતું. મોંમાં તમાકુનો ગલોફો, દાઢી કર્યા વગરનો ચહેરો અને લુચ્ચું હાસ્ય. જતીનકુમાર બીભત્સ લાગે છે. પ્રભા આગળ વિચારી ન શકી.

‘જમાઈરાજ, ફોડ પાડો તો સારું. તમે કયા અધિકારની વાતો કરો છો?’ પ્રભાએ હિંમત કરીને પૂછી નાખ્યું.

‘અરે,વાહ,જાણે તમને ખબર જ નથી. સાસુમા, સસરાનું આટલું મોટું સામ્રાજ્ય હોય અને મારે બહારથી ઉછીના લેવા પડે. પ્લીઝ તમે મને મારો હિસ્સો આપી દો એટલે મારે વારંવાર બીજા પાસે બિઝનેસ લોન લેવી ન પડે.’

પ્રભાને લાગ્યું એને ચક્કર આવી જશે.


‘ગાયત્રી, હવે ઘડિયાળ જોવાનું બંધ કર… આજે ઘરમાં બધી ઘડિયાળ બંધ કરી દે. બબલુ આપણને વારંવાર સમયનું ભાન કરાવ્યા કરશે.’ જગમોહનનું શરીર ક્રોધથી કાંપતું હતું.
‘તમે શાંત પડો… આ સમય ગુસ્સો કરવાનો નથી.’ ગાયત્રીએ સમજાવવાની કોશિશ કરી.

‘ગાયત્રી, ઈન્સ્પેકટર શિંદે તો બાર વાગ્યે અહીં આવે છે. પણ હવે તું મને એ સમજાવ કે તું એમ શા માટે બોલી હતી કે તું નિરાશ્રિતની જેમ મારે ઘેર રહેવા નથી માગતી?’ જગમોહનનો ગુસ્સો ગાયત્રી પર ઊભરાતો હતો. ‘ગાયત્રી, એક વાર તારી વ્યવસ્થા કરી દઉં તો મારી ચિંતા ટળે.’

‘કાકુ, મારી આ પરિસ્થિતિમાં હું ક્યાંક દયાનું- સહાનુભૂતિનું પાત્ર બનું એવું હું નથી ઈચ્છતી. આજે મારી સ્થિતિ એવી છે કે મારે બીજાની મદદ લેવી પડે અને એ મને ખટકે છે. મારી સુરક્ષાની-મારા ઘરની- મારી નોકરીની ચિંતા હું કરીશ.’

‘ગુડ… ગાયત્રી, મને તારું સ્વમાન ગમે છે… હવે ધ્યાનથી એક વાત સાંભળ… મેં તને અગાઉ પણ કહ્યું હતું કે મારા ઘરને તારા જેવી વ્યક્તિની જરૂર છે… હવે મારી એક બીજી અને આખરી ઓફર ફરી સાંભળી લે.’

જગમોહન સામે જોવા લાગી ગાયાત્રી.
‘ગાયત્રી, હું તને બધો અધિકાર આપવા તૈયાર છું. તને મારા સ્તર પર લાવી દેવા તૈયાર છું જેથી તું દયાને પાત્ર ન રહે. હું તને પાવર ઑફ એટર્ની આપી દેવા તૈયાર છું, જેથી આજ પછી તું પણ માલિક બની જઈશ. બોલ મંજૂર છે? ગાયત્રી, આ રમત નથી, આ ઓફર છે. આ સહાનુભૂતિ નથી, આ સોદો છે… બોલ, ગાયત્રી? કહીને જગમોહન દીવાને ગાયત્રીના પ્રત્યુત્તરની રાહ જોઈ. બારી વાટે બીજો પથ્થર
વીંઝાતા જગમોહન અસ્વસ્થ થઈ ગયો હતો. પથ્થર સાથે બબલુએ ફરી એક ચિઠ્ઠી મોકલાવી હતી. મારી પાસે ફક્ત બાવીસ કલાક બચ્યા છે..! ઉશ્કેરાઈને જગમોહન ચિલ્લાયો હતો:
‘ગાયત્રી, હવે ઘડિયાળ જોવાનું બંધ કર. બબલુ, આપણને વારંવાર સમયનું ભાન કરાવ્યા કરશે.’ (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી