વીક એન્ડ

વાલ્મીકિનો વાલિયો

આજની ટૂંકી વાર્તા – રમણ મેકવાન

એના ઘર આગળથી પસાર થતા નારણને ઘણી વાર તીરછી નજરે જોઈ લેતી. નારણ રસ્તા સાથે આંખ જડી ચાલ્યો જતો. એણે કદી નજર ઉઠાવી રાહેલના ઘર સામે જોયું ન હતું રાહેલનો પતિ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક હતો. નોકરીના સ્થળે બીજા ગામ રહેતો હતો. શનિ-રવિ અને લાંબી રજાઓમાં ઘેર આવતો, એ સિવાય રાહેલ એકલી રહેતી એને બાળક ન હતું. નારણ પંડે એકલો-વાંઢો હતો. રાહેલના ઘરની એક દીવાલ. છાપરા જેવા ઘરમાં નારણ પડી રહેતો. મજૂરીથી પેટ ભરતો. દિવસના ભાગ્યે જ ઘેર રહેતો. આખો દિવસ સેમશેઢે ચાલ્યો જતો. મજૂરી ન મળે તો ગામબહાર તળાવકાંઠે મહાદેવના મંદિરે દિવસ વિતાવતો. મંદિરના પૂજારી સાથે એને સારું બનતું હતું. પૂજારી સાથે નારણ સત્સંગ કરતો. પૂજારી એને ટંકે ખાવાનું આપતો. ફળિયામાં સૌને નારણ માટે માન હતું. એક તો એ એકલો હતો, હાથે રાંધી ખાતો હતો. કદી કોઈ પાસે હાથ લંબાવતો નહીં. કોઈને એનું કામ બતાવતો નહીં, પણ અટકી આંટીએ બીજાને મદદ કરવા તૈયાર થતો. કામ કરીને એની પાસે કપ ચાનીય આશા રાખતો નહીં. એ નિયમિત મહાદેવના મંદિરે જતો. મંદિરના પૂજારી પાસેથી એને જે જ્ઞાન મળતું એ ફળિયામાં જેને સાંભળવામાં રસ હોય એમને સંભળાવતો. આજ સુધીમાં કોઈએ ફળિયામાં એની બાબતમાં કશી રાડ-ફરિયાદ સાંભળી ન હતી. આથી નારણ ફળિયામાં સૌને ગમતો હતો.

રાહેલ સાધારણ ભીના રંગે હતી. પણ ઘાટીલી હતી. એકવડી ઊંચી સુરાહી જેવી એની ડોક અને નાની-નાની માછલીના તરવરાટ સમી એની કાળી આંખો. રાહેલના માથાના વાળ લાંબા કાળા મુલાયમ હતા. વાળથી રાહેલનું સૌંદર્ય દીપી ઊઠતું. પાછી એ સ્વભાવની હસમુખી, પરગજુ હતી. ફળિયામાં મોટા ભાગના એની પાસેથી પાઈપૈસો, લોટ, ચા, ખાંડ જેવી ચીજો ઉધાર લઈ જતા. રાહેલ કદી મોં બગાડતી નહીં. નવરાશમાં ફળિયાની બધી સ્ત્રીઓ રાહેલ પાસે બેસવા આવતી. આખા ફળિયા સાથે રાહેલને બોલવા-ચાલવાના સંબંધ હતા. માત્ર પાડોશી નારણ સાથે એણે કદી વાત કરી ન હતી.

પણ વાત કરવાનું રાહેલ પાસે દેખીતું કશું કારણ ન હતું. એને નારણ ગમતો ન હતો એવુંય ન હતું. વળી એ એકલી હતી. જુવાન નછોરવી રૂપાળી હતી અને નારણ કુંવારો હતો. પણ નારણ માટે એને એવીય બીક ન હતી. એના ઘર આગળથી પસાર થતા નારણને ઘણી વાર તીરછી નજરે જોઈ લેતી. નારણ રસ્તા સાથે આંખ જડી ચાલ્યો જતો. એણે કદી નજર ઉઠાવી રાહેલના ઘર સામે જોયું ન હતું. ઘણી વખત એ પસાર થતો હોય અને રાહેલ પરસાળમાં ઊભી હોય તો પણ નારણની નજર વંકાઈ નથી. એટલે રાહેલ આ બાબતેય નારણથી નિશ્ચિંત હતી. છતાં રાહેલ એની સાથે વાત કરવાનું ટાળતી હતી. બાકી ફળિયાના બીજા આધેડ-વૃદ્ધો, યુવાન પુરુષો, છોકરાઓ સાથે રાહેલ હસતી, વાત કરતી, રસ્તામાં જતા ઘણા છોકરાઓને એ ચાહીને બોલાવતી. એમની સાથે વાત કરતી. કંઈ કામ પડ્યું હોય તો બતાવતી. પણ પાડોશી નારણ સાથે… કદી નહીં.

અને નારણ પણ એની પાડોશમાં રાહેલ નામની રૂપાળી એકલી સ્ત્રી રહે છે, એની જાણે ખબર જ ન હોય એમ જતો-આવતો. એના છાપરા જેવા ઘરને ખોલી એનું રાંધતો, કૂવેથી પાણી ખેંચી લાવતો, ન્હાતો, ધોતો, લૂગડાં ધોઈ નાખતો. ફળિયાની સ્ત્રી-છોકરીઓ રસ્તામાં ભેટો થતાં નારણ સાથે હસી-મજાક કરી લેતી. એનો રોટલો ટીપી આપવાની કે લુગડાં ધોઈ આપવાની વાત કરતી. ઘણી સ્ત્રીઓ નવરાશમાં નારણ ઘેર હોય તો એની પાસે બેસવા આવતી. બધી સ્ત્રીઓ સાથે નારણ મનભરીને વાતો કરતો પણ રાહેલ સામે એણે નજર માંડી જોયું પણ ન હતું.

ચોમાસું હતું. વરસતા વરસાદમાં પલળતો નારણ મજૂરીએથી ઘેર આવ્યો. નારણ માથાથી પગ સુધી પલળી ગયો હતો અને ટાઢે ચઢી ગયો હતો. ગરમ પાણીએ નાહવાની એને ઈચ્છા હતી, પણ એનું છાપરું દેશી નળિયાનું હતું અને આ વખતે નારણ સમારી શક્યો ન હતો. આથી આખું ઘર ચૂલા સમેત પલળી ગયું હતું. ચૂલા આગળ નાખેલાં લાકડાંય પાણી પાણી હતાં. ચૂલો સળગાવી શકાય એમ ન હતું. ફળિયામાં એની નજીક એકમાત્ર રાહેલ હતી. એણે રાહેલ પાસે ગરમ પાણી માગવાનો વિચાર કર્યો. હજુય ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. નારણે રાહેલનું બારણું ખખડાવ્યું.

રાહેલ બપોરે ખાઈને આડે પડખે થઈ હતી. માંડ આંખ મળી હતી અને નારણે એનું બારણું ખખડાવ્યું. થોડી બેચેની, થોડી નારાજગી સાથે એણે બારણું ખોલ્યું. બારણામાં નારણ હતો. આખા શરીરે પલળી ગયેલો. `બોન મ’ન ટાઢ વાઈ છે. એક ઘડો ગરમ પાણી આલશો?’ કાકલૂદીભર્યા અવાજે નારણ બોલ્યો. અધખુલ્લા બારણામાં રાહેલ ઘેનભરી આંખે ઊભી હતી. થોડી વાર નારણ સામે જોઈ રહી અને કંઈ પણ બોલ્યા વગર બારણું વાસી દીધું. નારણ નિરાશ થઈ ગયો. રાહેલની પરસાળ ઊતરી ગયો. રાહેલ પણ એના મન પરથી ઊતરી ગઈ.

એ પછીના એક વર્ષે ચોમાસાએ લાંબું ખૈઈડ્યું કાઢ્યું. શરૂઆતમાં જેઠના પાછલા પંદરમાં ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ મનમૂકીને વરસ્યો, એ પછી આખો અષાઢ અને શ્રાવણના પંદર દિવસ પસાર થઈ ગયા. આકાશમાંથી ટીપુંય પાણી ન પડ્યું. ખેતરોમાં ઊભા મોલ પાણી વગર કરમાવા લાગ્યા. કૂવા, વાવ, તળાવનાં તળિયાં ઊંડાં ઊતરવાં લાગ્યાં. એકાદી વિધવાના કપાળ જેવા કોરા ધાકોર, વાદળ વગરના આકાશ સામે જોઈ માણસો નિસાસા નાખવા લાગ્યા. કોઈ વખત આકાશ વાદળથી ભરાતું. આથી લોકોને આશા બંધાતી. વરસાદ આવશે, પણ રાત્રે વરસાદ વગર ટટળતા માણસો પર હસતા હોય એમ તારા ટમટમતા અને વરસાદ પડશેની એમની આશા પર વગર વરસાદે પાણી ફરી વળતું.

શ્રાવણ પૂરો થવા આવ્યો હતો. છતાં વરસાદ પડવાની કશી એંધાણી વર્તાતી ન હતી. ઉપરથી અગન વરસતી હતી. માણસો પશુપંખી ત્રાહિમામ્‌‍ પોકારી રહ્યાં હતાં. એમાં કો’કે ગતકડું વહેતું કર્યું `મઘા ચાલે છે. અને મોરનું વાહન છે, આથી દુકાળ પડશે.’ લોકોનાં મોંનું નૂર ઊડી ગયું. સેમસેઢાની મજૂરી બંધ થઈ ગઈ હતી. અનાજ મોંઘું થતું જતું હતું. મજૂરિયાની બૂરી વલે થઈ હતી.
વરસાદ પડે કે ન પડે, રાહેલને કશું અડતું ન હતું. એનો પતિ શિક્ષક હતો. દર મહિને પગાર મળતો હતો. આની અનાજ કે બીજી ચીજવસ્તુ મોંઘી થાય તો પણ એને કશી અસર થવાની ન હતી.

નારણ એકલો હતો. મજૂરી બંધ હતી. છતાં એનેય ચિંતા જેવું ન હતું. મજૂરી ન મળે તો એ મંદિરે પહોંચી જતો અને પેટ ભરી લેતો.મંદિરમાંથી આવતા નારણને ફળિયાનો એના જેવો એક જવાનિયો ભેટી ગયો. બીડી આપી નારણને એણે ઊભો રાખ્યો. ચ્યાંથી આયો નાયણા?'મંદિરેથી સ્તો! આપણું તો એ જ ઘર ગામ જે ગણો એ.’દા’ડો ઉ’ગન મંદિરે નાહ’છ. પણ વરહાત હાતર મા’દેવન કશું કે’છ ખરો?’ઓ' વ! નારણ બોલ્યો.વરહાત વરહાઈ એવું કે’છ.’એમ કીધે વરહતા અશે વરહાત?' પેલો ચીડમાં બોલ્યો.હાહના તારું ડોઝું તો મંદિરે ભરાય છ પણ અમારા જેવાની શી હાલત થાય છે એની ચંત્યા થાય છ ત’ન?’ચંત્યા તો ઘણીયે થાય છ પણ ઉં શું કરું? કાલથી હેંડજે તુય મારી હારે, મંદિરે તારુંય થૈ રે'શે'. નારણે કહ્યું અને પગ ઉપાડ્યો. એટલે જવાનિયાએ એને હાથ પકડી રોક્યો.હાંભર વરહાત ભોગ માગ’છ?’

ભો...ગ! શાનો ભોગ? ચ્યમનો ભોગ? ચેવો ભોગ?' આશ્ચર્ય વ્યક્ત કરતાં નારણે પૂછ્યું.હાંભર!’ જવાનિયાએ નારણના ખભે હાથ મૂક્યો અને ખૂબ જ ભાવથી બોલ્યો, ખાધાપીધા વગર બેહી જવાનું, સમાધિ લઈને એક વખત આવું જ થયું’તું. આખો શાવણ કોરો કાઢી નાખ્યો. માણસ-પહુ બધાં રાન રાન પાન પાન થૈ જયા’તાં. એટ’લ રત્નાપરામાં તારા જેવો એક ભગત હતો એ બેહી જયો અપવાહ પર. વરહાત ના વરહ તાં હુધી અન્નજળ હરામ. અને માનેશ તીજા દા’ડે એટલો બધો વરહાત વરહ્યો ક બાર મઈનાનું હાટુ વારી દીધું.’ નારણ જવાનિયાની વાત ધ્યાનથી સાંભળતો હતો.એક કામ કર. તું એકલો છો, આગરપાછર તા’ર કોઈ નથી. કોઈ ત’ન રડવાવાળુંય નથી, તું બેહીજા અપવાહ પર. ભગવાનનું કરવું અશે ન તારા બેહવાથી વરહાત પડશે તો તું આખા ગામનો દેવ બની જાશ. નારણ, વચાર કરવા ના રેશ.’ બોલી જવાનિયો ચાલ્યો ગયો. નારણ વિચારમાં પડી ગયો. બીજા દિવસે નારણે મંદિરના પૂજારીને વાત કરી, `બાપુ વરહાત નઈ આતા અ’ન મારા ફળિયાના લોક મને અપવાસ પર બેહવાને કે’તા હે. અપવાસ પર બેહવાથી વરહાત પડેગા?’

`જરૂર નારન!’ તેરે મેં બારિશ કે લીએ સચ્ચી સાધના હોગી, અવશ્ય બારિશ પડેગી. ઔર તૂ આલમ મેં દેવ બન જાએગા.’ પૂજારીએ નારણને પ્રોત્સાહન આપ્યું. અને બીજા દિવસથી નારણ ફળિયા બહાર ચોકમાં માતાની દેરી સામે પલાંઠી વાળી બેસી ગયો. આખા ફળિયામાં આશ્ચર્ય અને કુતૂહલ થઈ ગયું. વરસાદ માટે બધા નાના, મોટા, પછાત, સવર્ણ, ગરીબ, તવંગર તડપતા હતા. બધાને વરસાદની જરૂર હતી. ગામમાં ખબર પડી. `વરસાદ માટે નારણ નામે ફળિયાનો એક યુવાન ઉપવાસ પર બેસી ગયો.’ ખબર પડતાં ગામના પાટીદારો અને અન્ય કોમના નારણને જોવા આવ્યા. એના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી.

કોથળાના પાથરણામાં પલાંઠી વાળી બંધ આંખે નારણ ટટ્ટાર ભગવાન બુદ્ધ કે ગાંધીબાપુની મુદ્રામાં બેઠો હતો. આખો દિવસ પસાર થઈ ગયો. શરૂઆતમાં કુતૂહલ અને આશ્ચર્યભર્યા ફળિયાના નાના, મોટા સૌ સાગમટે નારણને જોવા આવ્યા હતા. પણ જેમ જેમ દિવસ પસાર થતો ગયો એમ ભીડ ઓછી થઈ ગઈ. ગામમાંથીય આવતા બંધ થઈ ગયા. દાડો આથમે તો બેચાર જેમનો અડ્ડો મોટા ભાગે ચોકમાં જ રહેતો હતો એવા નવરા જ નારણ પાસે બેસી રહ્યા. આ નારણને સાથ કે હિંમત-સહવાસ આપવા બેઠા ન હતા. પણ નારણની જાસૂસી માટે બેઠા હતા. રાત્રે અંધારામાં નારણ શું કરે છે? કશું ખાય-પીવે છે? એના ઘેર જઈ સૂઈ જાય છે? ઘણા તો સવારમાં નારણ બેઠો ત્યારે જ બોલ્યા હતા `એમ ભુછે રએ વરહાત પડતા હશે? ભગવાનથીય નાયણો મોટો થઈ જ્યો? એક દા’ડો, બે દા’ડા ચ્યાં હુધી એઓએ ભૂખ્યો રે’શે? બે દા’ડા પછી ભુછે ચેમરાશે એટ’લ એની મેતે ઉભો થૈ જશે.’

અને એ નવરા બેઠેલાએ નારણની તપાસ રાખવા આખી રાતનો ઉજાગરો કર્યો. આખી રાત એ જ હાલતમાં હાલ્યાચાલ્યા વગર નારણને એમણે બેઠેલો જોયો આથી એમનો ઉજાગરો માથે પડવા જેવું લાગ્યું. આખા ફળિયામાં નાના, મોટા અને ગામમાંથીય મોટા ભાગના નારણને જોવા આવી ગયા. માત્ર રાહેલ એકલી જ ન આવી. ફળિયામાંથી એક સ્ત્રી રાહેલને બોલાવવા ગઈ `હેંડ રાહલી આવ’છ નાણભઈને જોવા?’ એ સ્ત્રીએ કહ્યું. ના રે ભઈ! એનામાં શું જોવાનું છ. આંય નીતદાડો આંછયો આગર નથી ભચકાતો?’ રાહેલે વડચકું ભરતાં કહ્યું. પેલી સ્ત્રી આશ્ચર્યમાં પહોળી આંખે રાહેલ સામે જોઈ રહી. રાહેલ આગળ બોલી,એમ ભુછે રએ વરહાત પડતો હશે? આ તો ભગવાનને આંટમાં લેવા જેવું. નારણ ભગવાનથીય એને મોટો મા’ન છ?’

બે દિવસ પૂરા થયા. વરસાદ પડવાની કશી એંધાણી જણાતી ન હતી. સમખાવા પૂરતી નાનીઅમથી વાદળીય દેખાતી ન હતી. હવે લોકોમાં નારણ માટે ચટપટી જાગી. `વરસાદ નઈ પડે તો ભલાદમી આ નારણો વગર ફાહુંનો ભુછે-તરસે મરી જશે. અને આખા ફળિયાને એનું પાપ લાગશે.’ ફળિયાવાળાને સમયની ગંભીરતા સમજાવા લાગી. મનોમન કે જાહેરમાં બધા ઈશ્વરને વિનવણી કરવા લાગ્યા. વધા’ર નઈ, ચાર છાંટાય નાછી જા, જેથી બાપળો આ નાયણો ઊગરી જાય.’ નારણના કારણે આખા ફળિયામાં ગમગીની પ્રસરી ગઈ. ફળિયામાં છાશવારે થતા ઝઘડા ઓછા થઈ ગયા. કેટલાકે બીડી, દારૂ પીવાનો બંધ કર્યો. કેટલીક ભાવુક સ્ત્રીઓએ નારણ માટે ચા પીવાની બંધ કરી. નારણ ઉપવાસ પર બેઠો અને આખા ફળિયાનું વાતાવરણ બદલાઈ ગયું.

ઉપવાસનો પાંચમો દિવસ પૂરો થવામાં હતો અને દા’ડો ઢળતાં જ વાતાવરણ બદલાઈ ગયું. જોશભેર પવન ફૂંકાવો શરૂ થયો. એ સાથે આકાશ વાદળથી છવાઈ ગયું અને ઝરમર ઝરમર વરસાદ પડવો શરૂ થઈ ગયો. ફળિયામાં આનંદ આનંદ થઈ રહ્યો. ધીમેથી શરૂ થયેલા વરસાદે જોર પકડ્યું. નેવાં છલકાયાં, ધોધમાર વરસાદ પડ્યો. એની પરવા કર્યા વગર ફળિયાના નાના, મોટા બહાર ચોકમાં નારણ પાસે આવી ગયા.જવાનિયાઓએ નારણને ઊંચકી લીધો. સ્ત્રીઓએ એના ગળામાં ફૂલમાળા પહેરાવી.જવાનિયાઓએ નારણને ખભે બેસાડી ફળિયામાં અને આખા ગામમાં ફેરવ્યો. ગામના આગેવાન ગણાતા એક પાટીદારે નારણને પારણાં કરાવ્યાં. ફળિયામાંથી અને ગામમાંથી સૌએ યથાશક્તિ નારણને આર્થિક દાન આપ્યું. નારણ આખા ગામમાં દેવ' બની ગયો. મોટી ઉંમરના ફળિયાના એક પુરુષે કહ્યું,વાલિયામાંથી વાલ્મી (વાલ્મીકિ) બન્યાનું હાંભર્યું છ પણ આજ હગી આંછ્યોએ જોયું વાલિયામાંથી વાલ્મી બન્યાનું.’

નારણના ઉપવાસથી વરસાદ પડ્યો આથી રાહેલ આશ્ચર્યમાં પડી ગઈ. એણે ફળિયાની સ્ત્રી આગળ કહ્યું હતું `એમ ભુછે રહે વરહાત પડતો અશે?’ એ સ્ત્રીએ રાહેલને યાદ દેવડાવ્યું. રાહેલ ભોંઠી પડી ગઈ. આ સ્ત્રીએ નારણનેય કહ્યું રાહેલ આમ આમ કહેતી હતી. અને નારણ વીફર્યો. એક વખત વરસાદમાં એ પલળીને આવ્યો હતો. એને ટાઢ ચઢી ગઈ હતી. એણે રાહેલ પાસે ગરમ પાણી માગેલું અને ત્યારે રાહેલે બારણું બંધ કરી એના માટે અણગમો બતાવ્યો હતો. અને હવે એણે એના ઉપવાસ માટે આવું કહ્યું. નારણ રાહેલ પર રોષે ભરાયો.

ઉપવાસ છોડે નારણને પંદર દા’ડા જેવું થયું હતું. બપોરનો સમય હતો. ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. અને નારણ રાહેલની પરસાળ ચઢ્યો.રાહેલ ખાધા પછી અંદરના ઓરડામાં આડે પડખે થઈ હતી. બારણું ઠાલું વાસ્યું હતું. હળવો ધક્કો મારી નારણે બારણું ખોલી નાખ્યું અને અંદર દાખલ થયો. બારણું ખૂલવાના અવાજથી રાહેલ જાગી ગઈ. ઓરડામાં નારણને જોઈ ચમકી ગઈ અને બેઠી થઈ ગઈ. ઘરમાંથી બહાર નીકળી જવા ઝડપથી આગળ આવી પણ નારણે એને બાવડેથી પકડી. ઓરડામાં પાછી ધકેલી દીધી. ઓરડા વચ્ચે રાહેલને ધક્કો મારી નીચે ગબડાવી દીધી અને એને ચૂંથી નાખી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button