ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૭)
દિલાવરખાનનો ચહેરો બેહદ ઊતરી ગયો હતો અને આંખોમાં આવનારા મોતના ઓછાયા તરવરતા હતા. ચહેરા પર કારમો ભય છવાયો હતો, હતાશા અને ઘેરી નિરાશાના કારણે એની આંખો ચકળવકળ થતી હતી
કનુ ભગદેવ
(ગતાંકથી ચાલુ)
ચારેયે અલગ અલગ હેરકટીંગ સલુનોમાં જઈને દાઢી-મૂછ મૂંડાવી નાંખ્યાં, તૈયાર વસ્ત્રો ખરીદ્યાં અને શહેરની સામાન્ય હોટલમાં આશરો લીધો.
ગામડિયો પહેરવેશ દૂર થયો હવે તેઓ શહેરી પોશાકમાં હતા. દાઢી-મૂછને બદલે ક્લીનશેવ ચહેરો હતો. બુશશર્ટ અને પેન્ટમાં તેઓ હવે તદ્દન જુદા જ લાગતા હતા.
એ દિવસે તેઓ ચારેય સાંજે એકઠા થયા અને પછી એમ શાંત વિસ્તારમાં મકાન શોધી કાઢ્યું ધીમે ધીમે કરીને તેઓએ બે-ત્રણ માસમાં દાગીનાઓ વેચી નાખ્યા. દેખાવ ખાતર એક ઓફિસ લીધી અને એકસ્પોર્ટ-ઈમ્પોર્ટનું પાટિયું મારી દીધું.
શરીફાઈની આડમાં તેઓ પોતાની પ્રવૃત્તિ ચલાવવા લાગ્યા…
એક વખત તેઓ ધોળે દહાડે એક બૅન્ક પર ત્રાટક્યા પરંતુ ત્યાં સફળ થવાને બદલે તેમણે ખિસિયાણા થઈને નાસભાગ કરવી પડી. પોલીસ સાથે ઝપાઝપી થઈ. એક ગોળી દિલાવરખાનના ગાલ સાથે ઘસાઈ, લાંબો ઘસરકો પાડીને પસાર થઈ ગઈ. તેઓ ધડાધડ ગોળીઓ છોડતા નાસી છૂટ્યા. પોલીસ સાથે થઈ રહેલા ધીંગાણા વખતે બૅન્ક સામેની ઈમારતના પહેલા માળ પર પોતાનો સ્ટુડિયો ચલાવતા એક ફોટોગ્રાફરે તેઓની તસવીર ખેંચી લીધી.
પોલીસની ભીંસ વધતી ગઈ. દિલાવરસિંહ પોતાના સાથીઓ સાથે એક શહેરમાંથી બીજા શહેરમાં ભટકતો રહ્યો. એના નામ પરનું ઈનામ, હવે તેની છેલ્લી તસવીર સાથે એક લાખ રૂપિયાનું જાહેર કરવામાં આવ્યું.
દિલાવરખાન હવે મરણીયો થયો હતો. પોલીસમાં પોતે ઝડપાશે તો અચૂક ફાંસી થવાની એ વાત તે બરાબર સમજતો હતો. સારાએ દેશમાં એને ભયંકરતા સાથે તે પ્રસિદ્ધ થઈ ગયો હતો અને અનેક શહેરો તથા ગામડાંઓની પોલીસ તેને શોધતી હતી. એના અવગુણોના તેમજ એની પ્રવૃત્તિઓનો ખ્યાલ આવતાં વિસ્તારપૂર્વક અહેવાલો દરરોજ એના ફોટાઓ સાથે દેશભરનાં વર્તમાનપત્રોમાં છપાતા હતા અને દેશના ખૂણેખૂણે એનું નામ છપાઈ ગયું હતું. એના ઉત્પાતથી લોકો ત્રાસી ગયા હતા.
એક પછી એક દિવસ આ શયતાન ડાકુ મુંબઈમાંથી અચાનક જ પોલીસના હાથે ઝડપાઈ ગયો અગાઉ મુંબઈમાં પણ તે કાળોકેર વર્તાવી ગયો હતો.
પોલીસ વિભાગની મશિનરી જોરશોરથી ઘૂમવા લાગી. તાબડતોબ એની ફાઈલ તૈયાર કરવામાં આવી. એના ત્રણ સાથીઓ હજુ સુધી અદૃશ્ય જ હતા. તેઓનો પત્તો ક્યાંય નહોતો.
લગાતાર ચાર મહિના એકધારો કોર્ટમાં તેનો કેસ ચાલ્યો. છેક ઉપરથી મુંબઈ પોલીસને કડક આદેશ હતો કે જેમ બને તેમ દિલાવરખાનનો કેસ જલ્દી પૂરો કરવો બીજા શહેરની પોલીસ તથા કાયદાને તેની શોધ હતી. પરંતુ ત્યાં એજે લઈ જવાનો સમય જ ન આવ્યો.
અને આજે…?
-આજે દિલાવરખાનના કેસનો અંતિમ ચુકાદો હતો.
અને ન્યાયધીશો એકસો એકાવન પાનાના લાંબા ચુકાદામાં જણાવ્યું :
‘પિંજરામાં ઊભેલો શખસ કાનૂન તથા જ્યુરીના સદ્ગૃહસ્થોની નજરે સંપૂર્ણ ગુનેગાર છે અને તેથી તે મૃત્યુ ન પામે ત્યાં સુધી હું તેને ફાંસીના ગાળીએ લટકાવી રાખવાનો હુકમ
કરું છું.’
કોર્ટમાં ગણગણાટ વ્યાપી ગયો.
સૌની નજર આરોપીના પિંજરામાં ઊભેલા દિલાવરખાન પર સ્થિર થઈ.
પ્રેક્ષકોની આગલી હરૌળમાં નામાંકિત વકીલો, બેરિસ્ટરો, સી.આઈ.ડી. ચીફ ઈન્સ્પેક્ટર બમનજી, નાગપાલ, દિલીપ અને બીજા અગ્રગણ્ય નાગરિકો બેઠા હતા.
દિલાવરખાનનો ચહેરો બેહદ ઊતરી ગયો હતો અને આંખોમાં આવનારા મોતના ઓછાયા તરવરતા હતા. ચહેરા પર કારમો ભય છવાયો હતો, હતાશા અને ઘેરી નિરાશાના કારણે એની આંખો ચકળવકળ થતી હતી.
સાથે જ એના ચહેરા પર ઊંડો પશ્ર્ચાત્તાપ છવાયેલો દેખાતો હતો. ફાંસીની સજાનો અમલ સત્તર તારીખે થવાનો હતો અને સત્તર તારીખને હજુ દશ દિવસની વાર હતી.
અચાનક કોર્ટરૂમમાં ફેલાયેલા ગણગણાટને કાપતો-ચીરતો મોઢેથી ધ્રુસકા ભરતો એક ઊંચો અવાજ બહાર ફેલાયો…
પ્રેક્ષકો, બમનજી અને નાગપાલ સુધ્ધાં ચમકી ગયા.
‘સાહેબ, આપે મને ફાંસીની સજા કરી, મને એનો અફસોસ નથી. મને સો વખત સાંસીએ લટકાવો તો પણ એ સજા ઘણી ઓછી છે. હું નરાધમ છું, રાક્ષસ છું, જાનવર કરતાં વધુ બદતર છું. મારી આપને એક જ અરજ છે : નામદાર! મને આજે જ હમણાં જ મારી નાંખો. દશ દિવસ પછી આવનારા મોતની કલ્પના કરતો કરતો હું હું ક્યાંક પાગલ બની જઈશ. હે ખુદા! મેં આ શું કર્યું ? નહિ, હું જીવવાનો લાયક જ નથી…મને મારી નાંખો, મારી નાંખો, મારી નાંખો…
એનાં ધ્રુસકાં અને રૂદન વધતાં ગયાં. આંખોમાંથી આંસુની ધાર ખરબચડા, ઝખળવાળી પર વહેતી હતી. એનો દેખાવ કોઈને પણ તેના પ્રત્યે કરુણા ઉપજાવનારો હતો.
અચાનક એણે હાથે બંધાયેલી હાથકડીને જોરથી પોતાના જ કપાળમાં ઝીંકી. કપાળમાંથી લોહીની ધાર વહેવા લાગી. કોર્ટમાં ખળભળાટ વ્યાપી ગયો.
આજુબાજુમાં ઊભેલા બે સિપાહીઓએ તેના બંને હાથ પકડી લીધા.
‘ઓર્ડર…ઓર્ડર!’ ન્યાયધીશે ટેબલ પર હથોડી અફાળી.
વળતી જ પળે કોર્ટમાં ચુપકીદી ફેલાઈ ગઈ.
‘કેદીને અહીંથી લઈ જાઓ’ ન્યાયધીશે હુકમ કર્યો.
બન્ને પોલીસોના પહેરા હેઠળ દિલાવરખાનને આરોપીના પિંજરામાંથી બહાર લાવવામાં આવ્યો. ચાલતાં ચાલતાં અચાનક દિલાવરખાનનો પગ લથડ્યો અને તે જમીન પર ગબડી પડવાની પોઝિશનમાં આવી ગયો. પોલીસોએ તેના બાવડા પકડવા માટે હાથ લંબાવ્યા.
અને પછી એક અણધાર્યો બનાવ બન્યો. દિલાવરખાન અચાનક ઊછળ્યો આંખના પલકારામાં એણે એક પોલીસના હાથમાંથી ભરેલી બંદૂક આંચકી લીધી. કોઈને કશોયે ખ્યાલ આવે એ પહેલાં જ તે એક જ કૂદકે ન્યાયધીશની પાછળ પહોંચી ગયો, અને ગરદન પાછળ બંદુકની નાળ ભરાવી દીધી.
‘ખબરદાર…!’ એણે જોરથી ત્રાડ પાડી, ‘જો કોઈ પણ મને શુટ કરવાનો કે પકડવાનો પ્રયાસ કરશે તો પછી મારું જે થવાનું હોય તે થાય, પણ ન્યાયધીશસાહેબની લાશને હું અહીં જ ઢાળી દઈશ…’
લોકો અવાક બની ગયા.
ફક્ત ગણતરીની સેકંડોમાં મામલો પલટાઈ ગયો હતો.
પળભરમાં પહેલાંના ગરીબ-ગાય જેવા દિલાવરખાનનો દેખાવ અને દિદાર બન્ને બદલાઈ ગયા હતા.
એની આંખો હિંસક રીતે ચપરાશ મારતી હતી.
ઘડી પહેલાં જે આંખો પારાવાર પશ્ર્ચાતાપથી ઊભરતી હતી, ત્યાં હવે વરૂ જેવી ખૂની ચમક છવાયેલી અતી. ચહેરો કે જે નિરાધાર અને અનાથ જેવો હતો, તે અત્યારે ભયંકર પિચાશ જેવો બની ગયો હતો.
ચાર-પાંચ પોલીસો ભરી બંદુકે આગળ વધ્યા. પરંતુ એમને બમનજી તથા નાગપાલે અટકાવી દીધા. નાગપાલ કિંકર્તવ્યમૂઢ જેવો બની ગયો હતો. શું કરવું ને શું નહિ, એની જ મૂંઝવણમાં જાણે તે અટવાતો હોય એવું લાગતું હતું. અલબત્ત મનોમન ધૂંધવાતા રોષના કારણે ચહેરો ખેચાયેલો હતો અને આંખોમાં લોહી ઊતરી આવ્યું હતું.
‘ખબરદાર…’ એણે બંદૂકની નાળને જોરથી ન્યાયધીશની ગરદનમાં ભરાવી દીધી. પછી ગરજતા અવાને બરડ્યો. ‘મને અહીંથી જવા દેવામાં જ ન્યાયધીશસાહેબની સલામતી છે.’ એણે બંદુકના ઘોડા પર આંગળી ગોઠવી.
એના ચહેરા પર દૃઢ નિશ્ર્ચયની રેખાઓ સ્પષ્ટ રીતે ચમકતી હતી અને એ જોતાં ખૂબ જ સરળતાથી સમજી શકાય એવી વાત હતી કે તે જે કંઈ બોલે છે તેનો અમલ કરતાં લગીરે નહિ અચકાય. મુંબઈના ઈતિહાસમાં કદાપિ ન બન્યો હોય એવો બનાવ બની ગયો હતો.
‘દિલાવરખાન…!’ બમનજીએ બરાડો નાંખ્યો.
‘બુમો ના પાડ જાડિયા!…તારા પર તો મને જૂની દાઝ છે. પરંતુ અત્યારે તારી સાથે હિસાબ ચૂક્તે કરવાનો મને સમય નથી, ભવિષ્યમાં વાત…!’
એ જ પળે નાગપાલ કાળઝાળ રોષથી થરથરતો ઊભો થયો…
દિલાવરખાનની બંદૂકમાંથી ધડાકો થયો…અને પછી લોકોએ જોયું. નાગપાલ કપાળ દબાવતો નીચે ફસડાઈ પડ્યો. ગોળી એના લમણાને ઘસાઈને અલોપ થઈ ગઈ હતી. નાગપાલને થયેલા જખમ માંથી લોહી નીકળતું હતું.
દિલીપ એક જ કૂદકે ઊભો થયો.
‘ખબરદાર…!’
આ વખતે અવાજ અદાલતના ખંડના પ્રવેશદ્વાર તરફથી આવ્યો હતો. પછી આંખના પલકારામાં પણ લાંબા તંગા ભીમકાય માનવીઓ પોતાના હાથમાં રિવોલ્વરો અથડાવતા ધરી આવ્યા.
‘જાલમસિંહ…’
‘વિક્રમ…’
‘મન્સુર…’
ટપોટપ કરતા એક સાથે ત્રણ નામો એમ પોલીસ ઈન્સ્પેક્ટરના મોંમાંથી સરી પડ્યાં, બમનજી ઊભો થઈને બરાડ્યો :
‘પકડીલો…એ બદમાશોને!…તેઓ દિલાવરખાનના સાથીઓ છે અને…’
‘એય પારસા…’ દિલાવરખાન જોરથી બરાડ્યો, ‘જીભડો મોંમાં રાખી લે નહિ તો સૌથી પહેલાં હું તને જ તારા ખોદામજી પાસે મોકલી આપીશ.’
એ જ પળે જાલમસિંહ ન્યાયાધીશના ટેબલ સમક્ષ ધસી આવ્યો. એણે દિલાવરખાને કહ્યું, ‘દિલાવર તું બહાર જા. અહીંનો મામલો હું સંભાળી દઈશ.’ અને પછી તેના કાનમાં તે કશુંક ગણગણ્યો.
દિલાવરખાને પેલા સિપાઈને પોતાની બેડીઓ ખોલવાનો હુકમ કર્યો. તે બેડી પહેરેલી સ્થિતિમાં બન્ને હાથે બંદુકને પકડીને આગળ વધ્યો. કોર્ટમાં મોજૂદ રહેલા એક એક માનવી, જાણે તેમના પર કોઈક ગેબી જાદુની લાકડી ફરી ગઈ હોય એ રીતે યત્રવત્ બેસી રહ્યા હતા. કોઈનામાં સામનો કરવાના હોશ નહોતા, હિંમત નહોતી અને જો એનો પ્રયાસ કરવામાં આવે તો ન્યાયાધીશસાહેબનો જીવ જોખમાય તેમ હતું. આ સ્થિતિ પોલીસ પણ બરાબર સમજતી હતી. એટલે તેઓ મનોમન ક્રોધનો ઘૂંટડો ગળીને લાચારવશ બેસી રહ્યા હતા.
દિલાવરખાન ખસ્યો કે તરત જ તેનું સ્થાન જાલમસિંહે લીધું. જાલમસિંહની રિવોલ્વરની નળી મેજિસ્ટ્રેટની ગરદન પાછળ ભરાઈ ગઈ. મેજિસ્ટ્રેટ થરથરતા હતા અને તેમનો જીવ તાળવે બંધાયો હતો. આંખો ચકળવકળ થતી હતી… અને ચહેરા પર આવી પડનારા મૃત્યુની આશંકા છવાયેલી હતી.
એકમાત્ર તેઓનો જીવ બચાવવા માટે જ દિલીપ, બમનજી તથા બીજા પોલીસો મનોમન સમસમમીને બેસી રહ્યા હતા. નાગપાલને વાગેલી ગોળીથી તે લગભગ બેહોશ જેવો થઈ ગયો હતો એની આંખો ચકળવકળ ફરતી હતી અને એનું માથું દિલીપના ખોળામાં હતું.
દિલાવરના બન્ને સાથીઓમાંથી એક દિલાવરખાનના હાથની બેડીઓ પેલા સિપાઈએ પોલી નાખી કે તરત જ તે હાથમાં બંદૂક સાથે કુદ્યો અને ઝપાટાબંધ દ્વાર તરફ નાઠો. કોઈએ તેને રોક્યો નહિ…કોઈએ તેને ટોક્યો નહિ.
વંટોળિયાની જેમ તે હરણફાળ ભરતો બહાર નીકળીને કોર્ટના કમ્પાઉન્ડમાં આવ્યો. એ જ પળે સામેથી આવી રહેલો એક ઈન્સ્પેક્ટર તેની સામે ધસ્યો.
દિલાવરખાનની આંખોમાં જનૂન ઉભરાયું. એની આંગળી બંદુકના ઘોડા પર દબાઈ અને એક પ્રચંડ ધડાકો થયો. વળતી જ પળે સામેથી ધસી આવતો ઈન્સ્પેક્ટર બન્ને હાથે પેટ દબાવતો નીચે ફસડાઈ પડ્યો. એના બન્ને હાથ તથા પેટ લોહીલુહાણ થઈ ગયા. કદાચ ગોળી પેટમાં વાગી હતી. કમ્પાઉન્ડમાં ફેલાયેલા માણસોમાં નાસભાગ થઈ પડી.
દિલાવરખાને સામે ઊભેલી એક મોટર તરફ દોટ મૂકી. એની એની આંખો પ્લેટ પર જડાઈ ગઈ, “ઇઈ.ડ-૨૯૯૯ ઇે બબડ્યો. એના સાથીઓ એના કાનમાં આ મોટર વિષે જ તેને સૂચના આપી હતી. કદાચ તેઓ તેને છોડાવવા માટે જ કોર્ટમાં ધસી આવ્યા હતા.
દિલાવરખાને ઝડપથી બારણું ઉઘાડ્યું. બંદુકને એણે બાજુમાં રાખી. સ્ટાર્ટર-કી ઘુમાવીને એણે સેલ્ફ દબાવ્યું.
કાર એક આંચકા સાથે સ્ટાર્ટ થઈ અને પછી હીચકોલ ખાતી આગળ વધીને કમ્પાઉન્ડની બહાર નીકળી સડક પર આવી ગઈ. દિલાવરે વળતી જ પળે ગીઅર બદલ્યા… કાર ભયાનક રીતે આંચકા ખાઈને રાક્ષસી ગતિએ સડક પર ધસમસવા લાગી.
- * *
ધડાધડ કરતી એની રિવોલ્વરમાંથી ગોળી છૂટવા લાગી. ત્રણેય ગોળીઓ દિલાવરખાનના સાથીઓના હાથને આબાદ રીતે નિશાન બનાવી ગઈ, તેઓના હાથમાંથી રિવોલ્વરો સરડી પડી બમનજી જંગલી ગેંડાની જેમ બેહદ ઉશ્કેરાયેલો હતો. કદાચ દિલાવરખાન છટકી ગયો હોવાથી તે ઉશ્કેરાઈ ગયો હતો. જાલમસિંહ પર નિશાન તાકતી વખતે એણે એટલો વિચાર ન કર્યો કે જો જરા પણ ગફલત થશે તો ગોળી જાલમસિંહને બદલે ન્યાધીશને વાગી જશે. પરતું સદ્ભાગ્યે ગોળી જાલમસિંહને જ વાગી.
ત્રણેયના હાથમાંથી રિવોલ્વરો સરકી જવાથી તેઓ હેબતાઈ ગયા. પછી તેઓ નાસવા લાગ્યા. પરંતુ ત્યાં સુધીમાં તે પ્રેક્ષકો તેમજ પોલીસોનું ટોળું તેમના તરફ ધસી ગયું. ત્રણેયને પકડી લેવામાં આવ્યા, આ દરમિયાન દિલીપે નાગપાલના જખમ પર પાટો બાંધી દીધો હતો.
તે હવે સ્ફૂર્તિમાં લાગતો હતો…
બંને ઊભા થઈને જાલમસિંહ પાસે પહોંચ્યા. ત્રણેયના હાથમાં બેડી પહેરાવી દેવામાં આવી હતી. થોડી પળો સુધી નાગપાલ ચુપચાપ જાલમસિંહ સામે આંખોમાંથી આગ વરસાવતો ઊભો રહીને તાકી રહ્યો. પછી એનો હાથ ઊંચો થઈને હવામાં લહેરાયો. વળતી જ પળે એ હાથ એક પોલાદી મુક્કામાં ટ્રાન્સફર થઈને જાલમસિંહના જડબા પર લોખંડી હથોડાની ચોટની ગરજ સારતો, ધડામ કરતો ભીષણ પ્રહારના રૂપમાં આંધીના વેગથી વીજળિક ગતિએ ઝીંકાયો.
તીવ્ર અને ગહન પીડાના કારણે જાલમસિંહના કંઠમાંથી ચીસ સરી પડી. એની આંખો સામે ધડીભર અંધકાર છવાઈ ગયો. આજ સુધી એને ઘણીવાર આવા પ્રસંગોમાંથી પસાર થવું પડ્યું હતું અને કેટલીએ વાર માર ખાધો હતો. પરંતુ નાગપાલ તરફથી રસીદ થયેલા મુક્કાઓ તેને ખળભળાવી મૂક્યો…
એનું જડબું મૂળમાંથી હચમચી ગયું. બન્ને દંતાવલિ વચ્ચે એની જીભ દબાઈ અને પછી લોહી નીતરતી હાલતમાં ચાર-પાંચ દાંત એના ઉઘાડા મોંમાંથી બહાર ફેકાયા.
બમનજી તે ઘડાઘડ કરતો એ લોકોને મેથીપાક જ જમાડવા લાગી ગયો હતો. માંડ માંડ એને તથા એના ક્રોધને શાંત પાડવામાં આવ્યો. દિલાવરખાન પાછળ એની વર્ષોથી મહેનત હતી. એ કાળી મહેનત પર દિલાવરખાનના નાસી જવાથી પાણી ફરી વળ્યું હતું અને એટલે જ તે ઉશ્કેરાયો હતો.
કોર્ટ બરખાસ્ત કરવામાં આવી.
ન્યાયધીશસાહેબને પૂરતા સંરક્ષણ નીચે તેમના નિવાસસ્થાને લઈ જવાયા. એમને અણધાર્યા બનાવથી ઘણો માનસિક આઘાત થયો હતો.
જાલમસિંહ તથા તેના બન્ને સાથીદાર તાબડતોબ પોલીસલોકઅપમાં લઈ જવામાં આવ્યા.
આ દરમિયાન પોલીસ એક જોરદાર કામગીરી બજાવી. દિલાવરખાનની નાસી જવાની સૂચના ચારે તરફ ટેલિફોન તેમજ વાયરલેસથી આપવામાં આવી. જે ઈન્સ્પેક્ટરને દિલાવરખાને કોર્ટના કમ્પાઉન્ડમાં પેટ પર ગોળી મારી હતી, તેણે ત્રુટક અવાજે કારનો નંબર જણાવ્યો. પછી એ બેહોશ થઈ ગયો હતો. એને સારવાર માટે હૉસ્પિટલે લઈ જવામાં આવ્યો…