વીક એન્ડ

ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૧૯)

એ દશેદશ આગેવાનો પકડાવા કરતાં આપઘાત કરીને મરી જવાનું વધુ પસંદ કરશે. તેઓ પકડાય તો તેમની ઈજ્જત આબરૂ પર પાણી ફરી વળશે અને તેમનું સાચું સ્વરૂપ પામીને, તેઓના પર થૂંકશે. આવી ભયંકર માનહાનિ અને અપમાન સહન કરતા કરતા તેઓને મોતને ખોળે જવાનું ગમશે

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
થોડીવાર સુધી ભારે-ભરખમ ચુપકોદી, કાળજું કોરી ખાતી ભેંકાર અને ડરામણી ખામોશી હોટલમાં છવાયેલી રહી. સૌ કાંઈ ચુપ રહેતા હતા.
‘દિળઆખાન…!’ છેવટેરદાર સરદાર બોલ્યા ‘ અહીં આવો,’ ઇધળઆખાન ત્યાં બેઠો બેઠો જ બરાડ્યો, ‘ સરદાર…તમારા અવાજમાં મારા પ્રત્યે રૂવાબનો ટોન છે. તમે તમારા બીજા ચમચાઓની જેમ મને નહિ બોલાવી શકો. હું કોઈનો હુકમ કે આદેશ સહન કરી શકું તેમ નથી.’
‘ અરે ભલા માણસ !’ સરદાર પડી ગયેલા સ્વરે બોલ્યો, ‘ મારો અવાજ જ એવો છે. પણ એમાં તમારે માઠું લગાડવાની જરૂર નથી. આવો મારી સાથે આવો.’ કહીને આગળ વધ્યો.

દિલાવરખાન તેની પાછળ ચાલ્યો. રૂસ્તમ તથા એના સાથીઓ પણ જવા લાગ્યા. સરદારના ચહેરા પર ઊંડી-ઘેરી ચિંતા અને પરેશાની છવાઈ ગઈ હતી એ તેઓ સૌ સ્પષ્ટ રીતે જોઈ શક્યા હતા. કદાચ નાગપાલના આગમનનો જ એ પ્રભાવ હતો. હોટલ પાછળના એક કમરામાં તેઓ સૌ પ્રવેશ્યા, સરદારે બારણાને બંધ કર્યું. થોડી પળો સુધી ચુપકીદી છવાઈ ગઈ. મોત જેવો સન્નાટો ત્યાં છવાઈ ગયો.

પછી સરદારે જ એ ચપકીદી તોડી. દોસ્તો…! એ બોલ્યો, ‘નાગપલ નામનો એ માનથી અત્યંત ભયાનક છે, અચ્છા અચ્છાનાં પાણી એણે ઉતારી નાંખ્યા છે. આ માનવી હવે એકદમ જ, છેલ્લા ત્રણ મહિનાથી દેશદ્રોહી પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોની પાછલ પડી ગયો છે. આજ સુધીમાં કોઈ જ કામમાં એ નિષ્ફળ નથી ગયો. થોડા દિવસો પહેલાં મુંબઈમાં તેને મારી નાંખવાનો D.O.A. તરફથી પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ એ નિષ્ફળ નીવડ્યો. મુંબઈમાં મશહુર દાદા કલ્લુ પહેલવાનને તેના પાંચ સાથીઓ સહિત માત્ર બે જ મિનિટમાં ધૂળ ચાટતા કરી મૂક્યા હતા. અત્યારે એ લોકો મુંબઈની જેલમાં સડે છે. આપણી સ્થિતિ અત્યારે ઘંટડીના બે પળ વચ્ચે ફસાયેલા કાંકરા જેવી થઈ છે. આવતા અઠવાડિયામાં D.O.A. જે સૌથી મોટા અને મુખ્ય દશ આગેવાનો છે. તેઓની અહીં ચંદ્રનગરમાં જ એક મિટિંગ ભરવાની છે. અને આ મિટિંગ ખુદ ઉ.ઘ.અ. એ પોતે જ ગોઠવી છે.ખૂબ જ જરૂરી સલાહ તેમજ અહીંનું કામકાજ કેવી રીતે ચાલે છે. એ જોવા માટે તેમનો એક અમેરિકન એજન્ટ નંબર બે અહીં આવી રહ્યો છે. મોટી પંચાત એ છે કે નાગપાલ અહીં મોજૂદ છે. અને આ મિટિંગને રદ કરવાની કે તેનું સ્થળ ફેરવવા અંગે જાણી જશે તો પછી અહીંના દશેદશ આગેવાનો પકડાઈ જશે. એ દશેદશ આગેવાનો પકડાવા કરતાં આપઘાત કરીને મરી જવાનું વધુ પસંદ કરશે. તેઓ પકડાય તો તેમની ઈજ્જત આબરૂ પર પાણી ફરી વળશે અને તેમનું સાચું સ્વરૂપ પામીને, તેઓના પર થૂંકશે. આવી ભયંકર માનહાનિ અને અપમાન સહન કરતાં કરતાં તેઓને મોતને ખોળે જવાનું ગમશે. તેઓ દશેદશ નાગપાલનો કાંટો નીકળી જાય તેમ ઈચ્છે છે, કારણ કે એશિયાભરમાં એક જ માણસ એવો છે કે જેના નામ માત્રથી તેઓ ધ્રુજે છે. ભારતમાં ફેલાયેલી અંધાધૂધી પાછળ આ દશેદશનો હાથ છે, એ વાત નાગપાલ પણ જાણે છે. મને લાગે છે કે કોઈપણ રીતે તેને આગમી મિટિંગની ગંધ મળી ગઈ છે અને એટલે જ તે એકાએક અહીં આવી પહોંચ્યો છે!’

દિલાવરખાન ખડખડાટ હસ્યો, એની આંખોમાં ખોફનાક શયતાની ચમક પથરાઈ ગઈ, ‘ નાગપાલ! હા…હા…હા…’ એ મગતરાથી તમે આટલા બધા ડરી ગયા છો? હદ કરી તમે…! ચૂડી પહેરો ચૂડી…! તમારાથી કશું એ નહિ થાય… ! અરે બેવકૂફો…!’ એને અવાજ બેહદ ભયાનક બની ગયો ‘ એ નાગપાલ હોય તો હું પણ દિલાવરખાન છું … જો તમે લોકો મને સાથ અને સહકાર આપી શકો તો હું ખાત્મો કરાવી શકીશ, બોલો મંજૂર છે? મારી યોજનામાં સહમત થાઓ તો પછી જોઈ લો મારો સપાટો…!’

‘દિલાવર ખાન…!’ સકદાર કડવા અવાજે બોલ્યો, ‘ અત્યારે તમે નાગપાલનો ખાત્મો કરવાનું કહો છો પણ એ જ્યારે અહીં થોડીવાર હતો ત્યારે તમારી આ બહાદુરી ક્યાં ગઈ હતી? ખોટું લાગે તો માફ કરજો, પરંતુ એ વખતે તમે મિયાની મીં દડી જેવા બની ગયા હશે.’

‘સાચી વાતમાં હું કદીય ખોટું નથી લગાડતો.’ દિલાવરખાને કહ્યું, ‘ હુંરુ વખતે થોડીવાર પૂરતો એકદમ જ તેને જોઈને ગભરાઈ ગયો હતો.
પરંતુ એનું કારણ તમે જાણો છો?- એ મને ઓળખી ગયો હતો.મુંબઈની કોર્ટમાં મેં તેના પર ગોળી ચલાવી હતી. પરંતુ પછી તમે જોયું તેમ મેં એના મોં પર સંભળાવી દીધું હતુ. એક વાત ચોક્કસ છે. તે અહીં મને પકડવા માટે નહિ, પરંતુ દેશદ્રોહીઓની શોધમાં આવ્યો છે. હવે તમે જ કહો છો કેD.O.A. .ના અહીં ભારત ખાતેના દસેદશ આગેવાનો એનાથી ધ્રુજે છે અને ખોફ ખાય છે. તેઓને એકમાત્ર નાગપાલનો જ ભય છે અને જો નાગપાલનો કાંટો કેમેય કાઢી શકાય તો તેઓ ચેનનો શ્ર્વાસ લઈને નિરાંતે પોતાની બંસી બજાવી શકે તેમ છે. તમે કહેતા હો તો એ દશેદશની સામે હું નાગપાલને પસાવીને લઈ આવું. અને પછી ભલેને એ દશેદશ પોતાના જ હાથેથી નાગપાલને રિબાવી રિબાવીને મારી નાંખે.

તમારે કે મારે શા માટે નાગપાલને આંગળી અડકીડવી જોઈએ? આપણે તેને મારીઓ સરદાર! અને પાછળથી જો કોઈ સરકારી બખેડો ઊભો થયો, તો નાહકના જ આપણે ફસાઈ પડીએ, જ્યારે એ દશેદશ તો બેફિકર થઈ જાય. અને તેઓને કશુંએ ન થાય, આ તો ” જલેબી જમે જગુભાઈ અને ભરે ભગુભાઈ. એના જેવો ઘાટ થયો. તેઓના જીવનભરના સુખને ખાતર આપણો નાગપાલને ખતમ કરી નાંખીએ. પછી પકડાઈએ તો એ દશમાંથી કોઈ જ આપણે છોડવવા ન આવે. એના કરતાં આપણે જ નાગપાલને ફસાવીને એ દશેયને તેના કબજો સાંપી દઈએ. પછી ભલે તેઓ પોતાના હાથે સૂટ કરી નાંખે. કહી દિલાવર ચુપ ગયો અને પોતાના કથનની ત્યાં હાજર રહેલાઓ પર શી પ્રતિક્રિયા થઈ છે, એ જાણવા માટે સૌના ચહેરા પર નજર દોડાવી.

થોડી પળો સુધી ભારે તોલદાર ખામોશી ત્યાં પથરાયેલી રહી અને પછી એ ખામોશી રૂસ્તમે જ તોડી:
‘ સરદાર, દિલાવરની વાત સાચી છે. નાગપાલનો ખાત્મો કર્યા પછી જો આપણે ઝડપાઈ જઈએ તો પછી કોઈ જ આપણને છોડાવવા માટે નહિ આવે. અને એમાંય આ તો બધી કરોડપતિઓના ઓલાદ છે…! વાણિયા, બ્રાહ્મણ, સુથાર વિગરેની જેમ અલગ અલગ જાતો છે. એ જ રીતે આ પૈસાદારોની પણ અલગ જાત છે. સ્વાર્થ હોય ત્યાં સુધી તેઓ પૂંછડી પટપટાવતો આવશે અને સ્વાર્થ સરી ગયા બાદ સામે પણ નહિ જુએ.’
‘હં…’ સરદાર ઊંડા વિચારમાં ડૂબી ગયો.

થોડીવાર પછી એણે માથું ઊંચું કર્યું, પળ બેપળ માટે ત્યાં એકઠા થયેલા પોતાના સાથીઓ તરફ નજર દોડાવી, પછી બોલ્યો,
‘દોસ્તો…તમારો શું મત છે?

‘દિલાવરખાન સાચું કહે છે સરદાર…!’ બધાએ એકસાથે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો.

‘ ઠીક છે.’ એ દિલાવરખાન તરફ કર્યો,‘ તું નાગપાલને કેવી રીતે તારી જાળમાં ફસાવીને ખેંચી લાવીશ?

‘એ હું કહું છું, પરંતુ તે પહેલાં મારી બે શરતો છે. પહેલી વાત! તમારી મુંબઈની શાખા તરફથી મને સ્વિટઝરલેન્ડનો પાસપાર્ટ તેમજ વીસાની વ્યવસ્થા કરી આપવાની ખાતરી અપાઈ હતી. હું માંગુ છું કે એ બંને વસ્તુઓ મને કયારે મળશે? એટલે કે પાસપોર્ટ તથા વીસા…! બીજુ, ત્યાંની બેન્કમાં પણ મોટી રકમ મારા નામે મૂવાની વાત હતી.! તો એ કામ ક્યારે પૂરું થઈ જશે? ખોટું નહિ સરદાર! હું ખૂબ જ સ્પષ્ટતામાં માનું છું કામ પતી ગયા પછી આ દુનિયામાં કોઈ કોઈની સામે નથી જોતું. મને એનો ખૂબ અનુભવ તઈ ગયો છે. મારા ત્રણ સાથીઓ અત્યારે મુંબઈની જેલમાં સડે છે મુંબઈની D.O.A. .ની શાખાના એજન્ટનંબર વન, કે જે એક કરોડપતિ છે અને જેણે મને અહીં તમારી પાસે મોકલ્યો હતો. એણે વચન આપ્યું હતું કે તે જેલમાં સડતા મારા ત્રણેય સાથીઓને છોડાવવાનો પ્રયાસ કરશે. પરંતુ હજી સુધઈએ અંગે કશું થયું નથી. સરદાર…! આ કરોડપતિઓ કદી કોઈના થયા નથી ને થવાના નથી . તેઓ મા૬ પોતાનો સ્વાર્થ સરે ત્યાં સુધી જ સંબંધો રાખે છે. પછી ખલાસ! તમને તેનો એક જ દાખલો આપું! સાંભળો, અને ખુદાને હાજર રાખીને હું જેવાત કરવાનો છું તે સાચી જ કરીશ. મુંબઈમાં સ્થિત એક કરોડપતિએ પોતે જ મને ઓફર કરી કે ‘દિલાવરખાન, હું આ ઉ.ઘ.અ.ની જાળમાંથી છટકવા માંગુ છું. જો તમે તમારી સાથે સ્વિટ્ઝરલેન્ડ રહેવા દો તો હું મારા બાકીના નવેનવ સાથીઓને છોડીને રાતોરાત ભારતમાંથી નાસી જવા તૈયાર છું. હું હવે એ લોકો સાથે કામ કરવા નથી માંગતો.’ દિલાવરખાન કહેતો ગયો, ‘સરદાર, મારી આ વાત કદાચ તમે નહિ માનો પણ મેં કહ્યું તે સાચું જ છે, અને તમારી પાસે જૂઠું બોલવાનું મને કોઈ કારણ નથી કે લાભ નથી એટલે જ હું ફરીફરીને કહીશ કે આ કરોડપતિઓ કદી કોઈના નથી થયા. તમારી જાણ ફાતર સાંભળી લો, મુંબઈના એ દશમાંથી મેં જે એકની વાતકરી તેનું નામ રતનલાલ છે. બોલો શું કહેવું છે તમારે?

ત્યાં બેઠેલાઓમાં સન્નાટો ફરી વળ્યો. દિલાવરે રતનલાલનો ભાંડો ફોડી નાખ્યો. તેની અસર બોમ્બ ફાટવા જેવી થઈ હતી.
સરદાર એકદમ ઉભો થઈ ગયો… અને બરાડ્યો… ‘હું… હું એને એકલાને નહી છટકવા દઉં… ! મને પણ ઉ.ઘ.અ.નો ભય સતાવે છે!’
‘પરંતુ તમે થોડા જ કરોડપતિ છો?’ દિલાવરખો કહ્યું.

સરદાર થોડીવાર સુધી એની સામે તાકી રહ્યો, પછી ધીમા અવાજે બોલ્યો, ‘હા, કમભાગ્યે એ દરમાંથી એક હું છું.’
‘તમે…તમે? કરોડપતિ…?’ દિલાવર તો ઠીક, ખુદ રૂસ્તમ તથા તેના સીથીઓની આંખો પણ હેરતથી ફાટી પડી.
‘હા…એ દશમાંથી એક હું છું… અને તે મારી કમનસીબી છે.’

‘પણ એક પરોડપતિ…’ આવા સામાન્ય ગુંડા જેવા? ક્યાં કરોડપતિ અને કયાં એક નાનકડા ગામનો ગુંડો! તમારો પહેરવેશ, તમારો ધંધો… આ બધું તદ્દન સામાન્ય છે.’
‘દોસ્તો…? આ બધું ઉ.ઘ.અ.ના આદેહને આભારી છે. બાકી કલકત્તામાં મારી બે મોટી ફેક્ટરીઓ છે. ભવાનીપુર તેમજ હેરીસન રોડ પર મારી બે આલીશાન બિલ્ડિંગો છે. તમે કદાચ નહિ જાણતા હો, પણ દર મહિને હું અહીં બેઠો બેઠો દશવીસ હજાર રૂપિયા કમાઉં છું. અફસોસ…! હું ઉ.ઘ.અ.ની જાળમાં ફસાયો. મારી નબળાઈનો લાભ ઉઠાવીને તેઓ મને છેલ્લાં ચારેક વર્ષથી બ્લેક મેઈલ કરી રહ્યા છે. એમનો આદેશ ન માનું તો મારી આબરૂના તેઓ કાંકરા કરી નાંખે તેમ છે. પૈસેટકે પણ હું અંદરખાનેથી ઘાઈ ગયો છું. મારી પત્ની તથા બાળકો-મિત્રો વિગેરે એમ જ માને છે. કામકામ અંગે અવારનવાર બહારગામ જઉં છું. તેઓ સૌ કલકત્તામાં રહે છે અને મહિને-બે મહિને તેઓને મળી આવું છું. મારે માથે તમે જે ટાલ જુઓ છો તે નકલી છે. જે મૂછો જુઓ છો તે પણ બનાવટી છે. લો જુઓ…’ અને એણે રબ્બરનાં પાતળા બારીક પડવાળી, ચામડી કલરની બનાવટી ટાલ ખેંચી કાઢી. અને પછી મૂછો પણ… આટલું દૂર કરતાં જ સરદારનો ચહેરો બદલાઈ ગયો. હવે એને માથે સુંદર વાંકળિયા ખૂબસૂરત વાળ ચમકતા હતા. મૂછો વગરનો એનો ચહેરો પણ આકર્ષક લાગતો હતો. થોડીવાર બાદ સરદારે ફરીથી મૂછો તથા બનાવટી ટાલ ધારણ કરી લીધી. પછી બોલ્યો, ‘હું પોતે પણ ત્રાસી ગયો છું. ઉ.ઘ.અ. ખૂબ જ ભયંકર સંસ્થા છે અને એના સંચાલકો પણ બેહદ ક્રૂર છે. ખેર, દિલાવરખાન…!’ નાગપાલને તમે કંઈ રીતે તમારી જાળમાં ફસાવવા માંગો છો એ વિષે સ્પષ્ટતાથી કહો. કદાચ નહિ જાણતા હો પરંતુ હું ઇ.અ. પાસ-ગ્રેજ્યુએટ છું. પરંતુ ખૂનો પણ કરાવ્યાં છેપ અને એ ખૂનો કરતી વખતની તસવીરો તેમજ એકરારપત્ર પણ લખાવ્યા છે. મારા માટે એ બધી સામગ્રી મોતના પરવાના જેવી છે. તમારા સૌના પર ભરોસો મૂકીને આજે પહેલી જ વાર મારી જાતને તમારી પાસે ખુલ્લી પાડી છે. માટે તમારા પરનો ભરોસો તૂટે નહિ એટલું તમે સૌ ધ્યાન રાખજો.’
‘સમજ્યો…!’ દિલાવરખાન બોલ્યો તો હવે શું કરવું છે?’

‘ઉ.ઘ.અ.નો એજન્ટ નંબર બે કે જે અમેરિકન છે તે અહીં આવે ત્યારે આપણે નાગપાલને સોંપી દઈએ.’
‘કબૂલ છે.’ દિલાવરખાન બોલ્યો, ‘હવે મારી સ્કીમ સાંભળો. એ કહેતો હતો કે અહીં ચંદ્રનગરમાં દેશદ્રોહી પ્રવૃત્તિઓ ચાલી રહી છે હું તેને મળીને કહીશ કે જો મારા બધા જ ગુનાઓ માફ કરવામાં આવે. સાથે જ ઈનામ તરીકે એક મોટી રકમ સરકાર આપે તો ઉ.ઘ.અ.ના ભારત ખાતેના દશેદશ માણસોનાં નામ-સરનામાં અને તેઓ ખરેખર જ દેશદ્રોહીઓ છે, આગેવાનો છે, એવા દસ્તાવેજી પુરાવાઓ સોંપવા તૈયાર છું.’
‘શું…?’ સરદારનો અવાજ ફાટી ગયો.
‘મારી વાત તો સાંભળળો!’ દિલાવરખાન બોલ્યો, ‘તમારા કહેવા પ્રમાણે ઉ.ઘ.અ.ના એજન્ટ નંબર સહિત અહીંનાં દશેય એજન્ટોની મિટિંગ ભરાવાની છે. બીજા અર્થમાં એ દશેદશ પરોડપતિઓ અહીં ચંદ્રનગરમાં આવશે જ ખરું ને?’
‘હા…’
‘તો બસ! તમારા સહિત દશેય એજન્ટો અને ઉ.ઘ.અ.નો એજન્ટ નંબર બે એક નિશ્ર્ચિત દિવસે અગાઉથી જ બલકે રાતના બાર વાગ્યા પછી મારા ઘેર ચુપકીદીથી આવી પહોંચજો. એ આખી રાત, ઉપરાંત બીજો આખો દિવસ તમે મારા મકાનમાં જ વિતાવજો બીજા દિવસની રાત્રિએ લગભગ બાર વાગ્યે હું તેને મારા ઘેર દસ્તાવેજી પુરાવાઓ સોંપવાને બહાને બોલાવીશ. અને પછી.
દિલાવરે વાક્ય અધૂરું મૂક્યું.
‘પછી…?’ રૂસ્તમે ઊખડી ગયેલા શ્ર્વાસે પૂછ્યું.
‘પછી એ જાણે ને બાકીના આઠેય કરોડપતિ અને પેલો અમેરિકન જાણે…! આપણે નાગપાલ પર હાથ જથી ઉઠાવવો. એ કામ પેલા બાકીના નવ પર-સોરી હું ભૂલ્યો-મુંબઈનો રતનલાલ નાગપાલની હત્યામાં ભાગ નહિ જ લે, એટલે આઠ જણ પર છોડી દઈએ. ઉ.ઘ.અ.નો સૌથી ભયંકર દુશ્મન એશિયાભરમાં માત્ર આ નાગપાલ જ છે. મને લાગે છે કે પેલો અમેરિકન તથા બાકીના આઠેય જણ નાગપાલ પર મોત બનીને તૂટી પડશે.’
‘પરંતુ રાત્રે બાર વાગ્યે તું નાગપાલને બોલાવીશ તો તેને કોઈક ષડયંત્ર હોવાની શંકા નહિ આવે?’
‘ના નહિ આવે…’ દિલાવરખાન મક્કમતાથી બોલ્યો, ‘હું એને કહીશ કે ધોળે દિવસે બોલાવવામાં મારા જીવનનું જોખમ છે. હું પોતે જ ઉ.ઘ.અ.નો માણસ છું. પરંતુ હું એ લોકોને બેવફા નીકળીશ એવી તેઓને મારા પર શંકા આવી છે. આથી દિવસના સમયે બોલાવવામાં જોખમ છે.’
‘પરંતુ અમે બધા મળીને અગિયાર માણસો તમારા ઘેર ૨૬ કલાક અગાઉ રહીશું તો કોઈને શંકા નહિ આવે?’
‘ના, ગીની તથા એનો બાપ બહારગામ ગયા છે. આખા મકાનમાં મારા સિવાય કોઈ જ નથી. ઉપરાંત તમે એ મકાન જોયું હશે. તે ઉજ્જડ અને છૂટાછવાયાં મકાનોવાળી કોલોનીમાં છે. રાત્રે બાર વાગ્યે તમે લોકો પાછળના ભાગે પાઈપ પર ચડીને ઉપર આવી પહોંચજો. હું બારી ઉઘાડી રાખીશ.’
‘કદાચ મારી લો કે નાગપાલ સહમત નહિ થાય તો?’
‘એ થશે જ…!’ દિલાવરખાજ દૃઢ અવાજે બોલ્યો, ‘તે ખૂબ જ નીડર અને આંધળાં સાહસો ખેડનાર માનવી છે. મને ૯૯ ટકા ખાતરી છે કે તે મારી જાળમાં ફસાઈ પડશે. મારી વાત સાંભળીને એ માનશે કે હવે મારે ગુનાખોરી છોડી દેવી છે જેલ તથા ફાંસીની સજાથી ડરી ગયો છું… વિગેરે…વિગેરે… બાકીનો એક ટકો આપણે ખુદા પર છોડવો પડશે. મારી વાત પૂરી થઈ. હવે શરતો સાંભળો. નાગપાલને સોંપી દીધી બાદ મને પૂરા પાંચ લાખ રૂપિયા જેટલી કિંમતના પાઉન્ડની નોટો અગર એટલી જ કિંમતનું સોનું જોઈશે. એ મળે તો આ જોખમ ઉઠાવવા તૈયાર છું. તમે ઉ.ઘ.અ.ના એજન્ટો સાથે વાટાઘાટ તેઓ આવે ત્યારે કરી લેજો. પછી જ આ સ્કીમ હું અમલમાં મૂકીશ.’
‘પરંતુ હું મારા સિવાય બાકી જે નવ આસામીઓ છે એમાં કોઈને યે નથી ઓળખતો…’ સરદાર બોલ્યો, ‘તો પછી મારે ફાઈનલ કેવી રીતે કરવું?’
‘એ હું તમને જણાવું છું.’ દિલાવરે કહ્યું, ‘તમારી મિટિંગમાં જ તમે સૌ ઉ.ઘ.અ.ના બહારથી આવનારા એજન્ટ નંબર બેને વાત કરજો. તેને કહેજો કે જો અમે નાગપાલને તમને સોંપી દઈએ. એ નાગપાલ કે જેને ખતમ કરવા માટે તમે લોકો ઘણા પ્રયાસો કરી ચૂક્યા છો (વાંચો લાસ્ટ-બુલેટ) તેને સોંપી દઈએ. તો તમે અમને દશેયને છોડી શકશો? અમારી વિરુદ્ધના પુરાવાઓ પાછા આપી શકશો? મને ખાતરી છે કે તે તરત જ હા પાડશે.’
‘વાત વિચારવા જેવી છે. સરદાર બબડ્યો, પછી કહ્યું. ‘પણ દિલાવરખાન! મને એક વાત ખટકે છે. તમે અત્યારે તો અમારી પાસે નાગપાલને ફસાવવાની વાત કરો છો. પણ તેની પાસે પહોંચ્યા બાદ તેને મળીને એને ફસાવવાને બદલે ઊલટા અમને ફસાવશો તો…? સ્પષ્ટતા માટે દુ:ખ લગાડશો નહિ. પણ તમારા પર આવી શંકા મને ઊપજે તે સ્વાભાવિક જ છે.’
દિલાવરખાન હસ્તો, પછી સરળ અવાજે બોલ્યો, ‘તમારી શંકા એકદમ વાજબી છે. પરંતુ સાંભળો, અપરાધવૃત્તિ મારી પ્રકૃતિ સાથે આજકાલ કરતાં વર્ષોથી વણાઈ ગઈ છે અને પ્રકૃતિ માણસની ક્યારેય નથી બદલાતી. કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. મારે શરીફ નથી બનવું. તમે પોતે ન એક શરીફ અને ઈજ્જતદાર માણસ હતા. આજે તમારા હાથમાં શું આવ્યું એ શરીફાઈથી? અને એક બીજી વાત કહું : હું ડાકુ છું, ચોર છું, ધાડપાડુ અને ખૂની છું. પરંતુ બેઈમાન નથી. એક રીતે તો ઉ.ઘ.અ.નો હું આભારી છું કે મને મુંબઈમાં બચાવવામાં આવ્યો. એ અહેસાન મારાથી કેમ ચુલાય? હવે છેલ્લી વાત! તમને જો મારા પર રજમાત્ર પણ શંકા હોય કે હું નાગપાલ સાથે ભળી જઈને તમને સૌને ફસાવી મારીશ. તો આપણે આ પ્રકરણ નહીં જ બંધ કરીએ. તમે લોકો ખુશીથી તમારું કામ કરો અને મારા જેવું જે કામ હોય તે મને સોંપતા રહો. નાગપાલ ગયો જહન્નમમાં…! મારે શું કામ છે?’ અને એણે બેદરકારીથી ખભા ઉછાળ્યા.
‘ઠીક છે. અમને તમારા પર ભરોસો છે. આપણી અત્યારની આ મિટિંગ પૂરી થાય છે. તમે સૌ હવે જઈ શકો છો. બધું જ નક્કી થયે હું તમને જણાવીશ દિલાવરખાન…’
‘ભલે…’
અને સૌ ત્યાંથી બહાર નીકળ્યા.
ફ ફ ફ
ઉ.ઘ.અ.ની મિટિંગ ચંદ-નગરમાં જ ભરાઈ ગઈ. તેમાં ભાગ લેવા માટે ભારતમાં વસતા દશેદશ કરોડપતિઓ ઉપરાંત અકેરિકન એજન્ટ હતા. આ મિટિંગ રાત્રે દશ વાગ્યે ચંદ્રનગરની એક જૂની ખખડધજ ઈમારતમાં આવેલા એક ભૂગર્ભ ખંડમાં યોજાઈ હતી. સરદારે પેલા અમેરિકન એજન્ટ નંબર બે અને નાગપાલ વિષે વાતો કરી, અને દિલાવરખાનનો પ્લાન સમજાવી દીધો. એ અમેરિકન એજન્ટ વાસ્તવમાં ઉ.ઘ.અનો માણસ હતો અને ચીરાગઅલીનો ખાસ પરિચિત હતો… નાગપાલ વિષે એણે બધું જ સાંભળ્યું હતું. અરે… એના નામ માત્રથી તે ચમકી ગયો હતો. એણે આખીયે યોજના વિચાર્યાં બાદ પેકિંગ ખાતે ટ્રાન્સમીટર પર સંપર્ક સાધીને સાંકેતિક ભાષામાં ત્યાંની વડાને વાત કરી અને ત્યાંથી ઓર્ડર છૂટ્યો. ‘નાગપાલ જો હાથમાં આવતો હોય તો એ દશેદશ માણસોની ઈજ્જતનો હુરીયો બોલાવતારા તમામ પુરાવાઓ તેમને સોંપી દેવામાં આવશે, અને એટલું જ નહીં ઉ.ઘ.અની સંસ્થામાંથી તેઓને માનસહિત જવા દેવામાં આવશે. પછી એમના પર કોઈ જ બંધન નહીં રહે. બધું નક્કી થઈ ગયું અને સાત દિવસ પછી એક ઈટાલિયન ભારતમાં આવી પહોંચ્યો. તે પણ ઉ.ઘ.અનો એજન્ટ હતો. પેલા દશેય મહાનુભવોનો ભાંડો ફોડી નાંખનારા દસ્તાવેજ, તસ્વીરો અને એકરારપત્રો લઈને તે આવ્યો હતો. ચંદ્રનગર આવીને એણે પેલા અમેરિકનને એ બધી સામગ્રી સોંપી દીધી, પછી એ ચાલ્યો ગયો.’


ઉપરોક્ત ઘટના પછી બીજે જ દિવસે સરદારે દિલાવરખાનને બોલાવ્યો.
‘મેં બધું નક્કી કરી લીધું છે.’ સરદાર બોલ્યો, આ તમારા બનાવટી નામનો પાસપોર્ટ, પરમીટ, વીમા! સ્વીઝરલેન્ડની બેન્કમાં તમારા નામે હાલ તુરત બે લાખ પાઉન્ડ જમા કરાવી દેવામાં આવ્યા છે. આ રહી તેની રસીદ. એણે ત્રણેય વસ્તુઓ દિલાવરખાનના હાથમાં મૂકી દીધી. પછી બોલ્યો, પાસપોર્ટમાં જે તસ્વીર અને નામ સરનામું છે, એ વ્યક્તિ સાચેસાચ જ જીવે છે… તમારે એના મેકઅપમાં જવાનું છે. અમારો-મેક-અપમેન તમારો બેહદ કુશળતાથી આબેહુબ આ તસ્વીરમાં છે એવો ચહેરો બનાવી આપશે. એ માણસને અમે એક સ્થળે નજરકેદ રાખી દીધો છે…’
પાસપોર્ટ, બેન્કની રસીદ તથા પરમીટ જોઈને દિલાવરખાન પ્રસન્નતાયી ઊછળી પડ્યો.
‘વેરી ગુડ…!’ એ બોલ્યો, ‘તો એનો અર્થ એ કે મારે હવે નાગપાલ પાસે જવું જોઈએ!’
‘હા, ક્યારે જશો?’
‘મારા સાંભળવા મુજબ એ આજે સવારે કલકત્તા ગયો છે, ત્યાંથી કાલે પાછો ફરશે.’
‘તો પછી કાલે સવારે જ તમે એને મળીને બધો પ્રોગ્રામ યોજના પ્રમાણે ગોઠવી નાંખો.’
‘ભલે…’ એ ઊભો થયો.
‘જાઓ…’
દિલાવરખાનના ગયા પછી સરદારે રૂસ્તમને નજીક બોલાવ્યો, ‘સાંભળ રૂસ્તમ!’ એ બોલ્યો, ‘કોણ જાણે કેમ મને આ માણસમાં ભરોસો નથી. કદાચ એ સાચે જ નાગપાલ સાથે ભળી જશે તો આપણો ખેલ ખલાસ!’
‘મને એવુ નથી લાગતું. છતાં એક એનો ઉપાય છે. આપણી પાસે અદ્યતન બનાવટનું પોકેટ ટેપરેકોર્ડર છે… એનું માઈક્રોફોન ખૂબ જ શક્તિશાળી છે. નાગપાલ અહીંના સરકારી ગેસ્ટ હાઉસમાં રહે છે. એના કમરામાં જ હું માઈક્રોફોનને નજરે ન ચડે એવા સ્થાને છુપાવી દઈશ… રેસ્ટ હાઉસનો માળી આપણો જ માણસ છે. છતાં હું જારે રેસ્ટ હાઉસની છત પર જઈને અગાઉથી જ બધું ગોઠવી દઈશ. એ લોકોની વાતચીતનું રેકોડિંગ થઈ જશે. દિલાવરખાન જો આપણી સાથે દગો રમ્યો હશે તો તરત જ આપણને ખબર પડી જશે-એ સંજોગોમાં આપણે જ તેને ખતમ કરી નાંખીશું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button