વેરનાં વળામણાં: કેટલાં રોચક ને કેટલાં ફસામણાં?!

ક્લોઝ અપ – ભરત ઘેલાણી
માનવમાત્રની જન્મજાત વૃત્તિ ઈર્ષા અને લાલચ છે, જે અમુક સંજોગોમાં વેરમાં પલટાઈ જાય ત્યારે કેવાં કેવાં અણધાર્યાં પરિણામ સરજી શકે છે બેવફા ગર્લફ્રેન્ડ કોઈ સાથે સહશયન કરે છે એ તસવીરથી લીધું વેર… સિમેન્ટ ભરેલી કાર… સિમેન્ટ જેવું સોલિડ વેર!
પ્રેમ ' અને
વેર’ આ બન્ને બબ્બે અક્ષરના શબ્દ છે. આ બન્ને ઉત્તર-દક્ષિણ જેવા બે અંતિમના શબ્દ છે. આ બન્ને તદ્દન વિરોધાભાષી શબ્દ છે. એકમેકને પ્રેમ થાય તો હિમાલય -એવરેસ્ટ જીતી લાવે અને બન્ને વેર પર ઊતરી આવે તો એકમેકને સાત સમંદર -પાતાળમાં ગરક કરી નાખે.
આપણે અનેક યાદગાર પ્રેમ-કહાણી સાંભળી છે માણી છે. વેરના અમુક ઐતિહાસિક કિસ્સા પણ આપણે જાણીએ છીએ. જોકે, પ્રેમ જેટલી સહજતાથી છલકાઈ જાય એવું વેરનું નથી. કાં તો એ તરત જ એક પ્રતિક્રિયા રૂપે રોષની સાથે પ્રગટે, જે અંતિમ કક્ષાનું હોય અથવા તો મનમાં એ ઘૂંટાયા કરે અને પછી એ નિશ્ચિત સમયે નક્કર યોજના મુજબ એવી રીતે ત્રાટકે કે સામેવાળાને સ્વપ્નેય અંદેશો ન હોય..! પત્ની કે પછી પતિ એના જીવનસાથી સાથે બેવફાઈ કરે અને પછી ગુસ્સે ભરાઈને પતિ પોતાની પત્નીને પતાવી દે કે પછી પત્ની પોતાના ધણીની હત્યા કરે-કરાવે..આ થયું ક્રોધની પરાકાષ્ઠા રૂપી વેર.
ઈન્સ્ટન્ટ વેરના કેટલાક કિસ્સામાં મોટા ભાગે વૈરી તરત જ પરખાઈ જાય છે અને પછી સજા પણ પામે છે. બીજે છેડે પૂરતી વિચારણા પછી વેર લેવાની જડબેસલાક યોજના બને પછી બદલો લેવાય (બની શકે કે આવી કોઈ ઘટનામાં કદાચ વૈરી છટકી પણ જાય !) આવા ઠંડા કલેજે લેવાયેલા વેરના કેટલાક કિસ્સા જાણવા જેવા છે, જેમકે..
આ કિસ્સો મુંબઈનો છે, જેમાં એક મહિલા પુત્રીઓને જન્મ આપતી હતી, પણ પતિને પુત્રની ઈચ્છા હતી એટલે પત્નીને સતત ત્રાસ આપતો હતો અને બીજા લગ્ન કરવાની ધમકી પણ આપતો હતો. એનાથી કંટાળીને પત્નીએ પતિને ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો, પણ એમાં પત્નીને સફળતા ન મળી એટલે ગિન્નાઈને પતિને પતાવી નાખવા પોતાના એક ઓળખીતા મંદિરના પૂજારીને બે લાખ રૂપિયાની સોપારી આપી.
પ્લાન મુજબ પતિને ખૂબ દારૂ પીવડાવ્યો. પતિ બેહોશ થઈ ગયો એટલે પેલા પૂજારી અને એના સાગરીતે ઘરમાં ઘૂસીને પતિ પર તલવારથી હુમલો કર્યો. પતિ ઢળી પડ્યો એટલે એ મરી ગયો છે એમ માનીને હુમલાખોરો ભાગી ગયા. ઘટનાની જાણ થતા પોલીસ આવી તો જાણ થઈ કે ઘવાયેલો પતિ તો જીવતો હતો. પછી તો એ વિસ્તારના સીસી ટીવી ફૂટેજના આધારે પગે શોધીને પૂજારી અને એના સાથીને પોલીસે ઝબ્બે કર્યા એ બાદ પત્નીએ પણ ગુનો કબૂલી લીધો. આમ ક્ષણિક આવેશમાં લીધેલું વેરનું પગલું એને જ ભારે પડયું. હવે સાંભળો, આમચી મુંબઈનો અજબ વેર વસૂલાતનો ગજબ કિસ્સો
સફળ એવા એક યુવા શ્રીમંત બિઝનેસમેન શ્રીકાન્ત (ઓળખ બદલી છે) ની પત્નીને ન જાણે કયાંકથી જાણ થઈ કે એના રંગીન મિજાજના પતિશ્રીને કોઈ રૂપાળી લલના સાથે ખાનગીમાં ગરમાગરમ `ઈલુ..ઈલુ’ ચાલે છે. સ્માર્ટ પત્ની શ્રેયા (નામ બદલ્યું છે)એ એક ખાનગી ડિટેક્ટિવને કામે લગાડી પેલી યુવતીનો પૂરેપૂરો અત્તો-પત્તો મેળવી લીધો. પતિની માશુકાને શ્રેયાએ એક વાર દૂરથી જોઈ પણ લીધી. એ ખરેખર ખૂબ જ સુંદર હતી પછી તો ઈર્ષા અને વેરનું એવું ખતરનાક કોકટેલ થયું કે શ્રેયાએ લોહીનો છાંટો વહાવ્યા વિના પેલી ફૂટડીનો જ કાંટો ગુપચુપ કાઢી નાખવાનો પ્લાન વિચાર્યો.
ચપટીમાં કામ તમામ કરી આપશું ‘ એવી છાપાંઓમાં જાહેરાતો કરતાં ભૂવા બંગાળી બાબા અને તાંત્રિકોને શ્રેયાએ શોધી કાઢ્યાને વરદી પણ આપી. જોકે, લાખ રૂપિયો ખર્ચવા છતાં બે બંગાળી બાબા એમનો વાદો પૂરો ન કરી શકયા. ઊલ્ટાનું એના પતિ તથા પેલી છોકરીની અફેર વધુને વધુ હોટ થઈ રહી છે એ બાતમી એના જાસૂસ પાસેથી મળતા શ્રેયાના પેટમાં તેલ નહીં-તેજાબ રેડાયો, શ્રેયાને થયું : પેલીની પાછળ પાગલ એનો પતિ ક્યાંક એને જ તલાક દઈને પ્રેમિકાને જ ન પરણી બેસે! આકુળ-વ્યાકુળ ને અધીરી થઈ ગયેલી શ્રેયાએ દિલ્હીની રાજકારણીઓની લોબીમાં એક જાણીતા તાંત્રિકનો પત્તો મેળવી એને પોતાની સમસ્યા ઉકેલવા કહ્યું. પેલા તાંત્રિકે કહ્યું :કામ થઈ જશે. એના માટે મુંબઈમાં 13 દિવસ હોમ-હવન કરવા પડશે 1 લાખ કામ પહેલાં ને 2 લાખ કામ તમામ થઈ ગયા પછી.!’
શ્રેયાએ ફ્લાઈટની ટિકિટ મોકલીને મુંબઈની એક હોટેલમાં રૂબરૂ મુલાકાત ગોઠવી. દિલ્હીવાળા તાંત્રિકે શ્રેયાને બધી વિધિ સમજાવી ને એડવાન્સ માંગ્યાં. શ્રેયાએ જેવું રોકડા લાખ રૂપિયાનું પેકેટ તાંત્રિક તરફ સરકાવ્યું ત્યાં અચાનક પોલીસ ટીમ ત્યાં પ્રગટી ને પેલા તાંત્રિકને ઝડપી લીધો! પોલીસે ઘટનાસ્થળે હાજર શ્રેયાને થોડી પૂછપરછ કરીને જવા દીધી અને દિલ્હીવાળા તાંત્રિકને કસ્ટડી ભેગો કર્યો. શ્રેયા અવાક થઈ ગઈ કે પોતે પતિની પ્રેમિકાને પતાવી નાખવા માટે જે તાંત્રિક વિધી કરાવી રહી હતી એની જાણ પોલીસને કઈ રીતે થઈ ગઈ?!
હકીકતમાં એના પતિ શ્રીકાન્તને થોડા દિવસ પહેલાં જ ખબર પડી ગઈ હતી કે એની પત્ની જ કોઈ બાબા કે કોઈ જાદુ -ટોણાવળાની મદદથી એની પ્રેમિકાને રસ્તામાંથી હટવવાનો પ્લાન ઘડી રહી છે.. મજાની વાત એ હતી કે આ બાતમી શ્રેયાના એક જૂના જાસૂસે જ થોડી રકમ લઈને એના પતિ શ્રીકાન્તને પહોંચતી કરી હતી અને શ્રીકાન્તે પોતાની પત્ની શ્રેયાને પાઠ ભણાવવા જ એક મિત્ર દ્વારા આ પોલીસ રેડ પડાવીને તાંત્રિકનું જ કામ તમામ કરી નાખ્યું! વેર આડું ફાટે ત્યારે આવા જ ગફલા થાય..! આમ તો વેરવૃત્તિ સનાતન છે અને વિશ્વવ્યાપી છે. જોકે આપણા ભારતીય સંસ્કાર અનુસાર પતિ કે પત્ની `પડ્યું પાનું નિભાવી લે’- વેર ન લે ને જતું કરે.
વિદેશમાં એવું નથી. વેર લેવાનું નક્કી કરે તો પાકે પાયે લે. ટેક્સાસનો આ કિસ્સો જાણો
યુવક ડસ્ટન હોલવેને એક મોડી રાતે એની ગર્લ ફ્રેડને મળવાની તીવ્ર ઈચ્છા થઈ.. ગર્લ ફેન્ડ મેરીને સરપ્રાઈસ આપવા એને કહ્યા વગર મેરીને ઘેર પહોંચી ગયો તો એને જ આંચકો લાગ્યો. મેરી એના બેડરૂમમાં કોઈ અજાણ્યા યુવકના આશ્લેષમાં સૂતી હતી! ગુસ્સે ભરાયેલા ડસ્ટનને પહેલાં થયું બન્નેને જગાડીને બેવફા મેરીને જોરદાર ઠપકારું પછી ઠંડા કલેજે વિચાર કરીને એણે લવરના પડખે ગાઢ નિદ્રામાં સૂતેલી મેરીના ફોટા પાડ્યા પેલા બે સૂતા છે અને એમની પાસે પોતે ઊભો છે એવા પુરાવા તરીકે સેલ્ફી પણ ક્લિક કર્યા ને પછી મેરીના બેડરૂમમાંથી ડસ્ટન સરકી ગયો.
ઘેર પહોંચી પોતાની ગર્લફ્રેન્ડના નામ સાથે એની સાથે બેડરૂમમાં સૂતેલા એના અનામી લવરની તસવીરો અને પોતાની આંખે દેખેલી દાસ્તાન ડસ્ટને સોશિયલ મીડિયામાં વહેતી કરી ને ગણત્રીના ક્લાકોમાં તો તહેલકો મચીએ ગયો. બેવફા મેરીની તો વાત જવા દો, પણ રાતે એની સાથે સૂતેલા ગુમનામ યુવાનની પત્ની કે પ્રેયસીએ એની કેવી વાટ લગાડી દીધી હશે એની તો આપણે માત્ર કલ્પના જ કરવી રહી!
હવે આ એક આકરા વેરનોય કિસ્સો જાણી લો. વાત રશિયાના સેન્ટ પીટર્સબર્ગની છે. અહીંના એક જાણીતા ડિપાર્ટમેન્ટ સ્ટોરે પોતાનું સેલ વધારવા અને સુપર સ્ટોરની પબ્લિસિટી કરવા એવું જાહેર કર્યું કે અમારે ત્યાં અમુક-તમુક રકમની ખરીદી કરનાર મહિલા -ગ્રાહક પોતાની સરનેમને બદલે પોતાના નામ સાથે જો અમારા સુપર સ્ટોરનું નામ જોડી દે તો એને અડધા લાખનું રોકડ ઈનામ મળશે અને એ પણ અમુક મહિના સુધી! .
આ લોભામણી યોજનામાં અનેક સ્ત્રીઓ જોડાઈ ગઈ એમાં જ્યુથિકા પણ હતી. એણે અહીંથી ખરીદી કરી અને પેલી યોજના મુજબ ઈનામ મેળવીને પોતાની પતિની અટકને બદલે એણે સુપર સ્ટોરનું નામ જોડી દીધું. આવી બે-ત્રણ મહિના ખરીદી કરીને ઈનામી રકમ મેળવી. જ્યુથિકાના પતિને આ ગમ્યું નહીં. પણ મૂંગા મોઢે એ બધો તાલ જોતો રહ્યો. આ દરમિયાન, જ્યુથિકાએ મેળવેલી ઈનામી રકમમાં પોતાની બચત ઉમેરીને પોતાની ગમતી બ્રાન્ડની એક ફૂટડી કાર એણે ખરીદી. હવે એના પતિનો છૂપો ગુસ્સો ફૂંફાડા મારતો બહાર આવી ગયો. એક રાતે એ સિમેન્ટ કોન્ક્રિટનું મશીન ભાડે લઈ આવ્યો અને ઘરની બહાર પાર્ક કરેલી પત્નીની નવી નક્કોર કાર સિમેન્ટ કોન્ક્રિટથી છલોછલ ભરી દીધી! આને કહેવાય સિમેન્ટ જેવું સોલિડ વેર!
ઈર્ષા સાથે જો વેરનો ગુણાકાર થાય તો એનું પરિણામ કેવું વિસ્ફોટક આવે એની એક ઘટના હમણાં ગયા અઠવાડિયે છત્તીસગઢમાં બની. અહીંના ભિલાઈ સિટીના એક જાણીતા બિલ્ડરને ત્યાં તન્વી (ઓળખ બદલી છે) નામની એક સેક્રેટરી હતી. ન જાણે કેમ પોતાની પત્ની અને એના બિલ્ડર બોસ વચ્ચે અફેર છે એવો શક એના પતિ મૃગાંકને હતો. પત્ની અને એના બોસની બધી હિલચાલ પર એ નજર રાખતો હતો. પોતાનો શક યકીનમાં પલટાતો જતો જોઈને મૃગાંકે બોસ પર વેર લેવાનો પ્લાન ઘડ્યો. `યુટ્યૂબ’ પરથી એણે બોમ્બ બનાવવાની ક્રિયા જાણી લઈ મૃગાંકે એક મિની બોમ્બ બનાવીને તક મળતા ગુપચુપ બોસની કારમાં ગોઠવી દીધો પછી બોસ જ્યારે કારમાં હતો ત્યારે મૃગાંકે રિમોટ ક્નટ્રોલથી બ્લાસ્ટ કર્યો. કારને ભારે નુકસાન થયું, પણ સદભાગ્યે બોસ મામુલી ઈજા સાથે ઉગરી ગયો..પોલીસે આદરેલી તપાસમાં સીસી ટીવીના ફૂટેજ પરથી જાણવા મળ્યું કે કોઈ માસ્કધારી માણસ કારની નીચે કઈંક ફીટ કરી રહ્યો છે..એના દેખાવ પરથી પોલીસને બોસની સેક્રેટરીના પતિ મૃગાંક જેવો લાગ્યો. કડક ઊલત તપાસમાં મૃગાંકે પણ આ ગુનો કબૂલ કરી લીધો.. આમ વેરનાં વળામણાં જેટલાં રોચક લાગે એમ એટલાં જ અકળામણાં અને ફસામણાં બની જાય છે.