ટ્રોલ-ટ્રોલિંગ ને ટ્રોલ ફેસ
કોઈકની નસ ખેંચતી વખતે વિવેકબુદ્ધિ અચૂક વાપરો
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
પ્રાચી નિગમ.
આ નામ ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર ઠીક ઠીક ચર્ચાયું. એ ય પાછું સારી ને ખરાબ એમ બંને રીતે. જો કે એનાથી પ્રાચીએ મેળવેલી સિદ્ધિ જરાય ઓછી અંકાય એમ નથી. તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્યના દસમા ધોરણની બોર્ડ એક્ઝામ્સનાં પરિણામ જાહેર થયાં. એમાં પ્રાચી નિગમ નામની તરુણી ૯૮ ટકાથી વધુ માર્ક્સ લાવીને આખા રાજ્યમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઇ. રિઝલ્ટ્સ જાહેર થયા એ ક્ષણો સ્વાભાવિક રીતે જ પ્રાચી અને એના પરિવાર માટે અત્યંત હર્ષ અને ગૌરવની નીવડી હશે, પણ પછી શું થયું. પ્રાચીની સિદ્ધિના સમાચાર એના ફોટોઝ સહિત સોશિયલ મીડિયામાં વાઈરલ થયા અને મોટી સંખ્યામાં લોકો પ્રાચીની ઠેકડી ઉડાડવા માંડ્યા. એ માટે કારણભૂત બન્યો પ્રાચીનો ચહેરો. બિચારી છોકરીને ચહેરા ઉપર એ પ્રકારની રૂંવાટી છે, કે જાણે કોઈ તરુણને દાઢી-મૂછ ફૂટ્યા હોય. ખાસ કરીને મૂછ તો ફોટોમાં ખાસ્સી સ્પષ્ટ બનીને ઊપસી આવે છે. સો વ્હોટ? એ છોકરીએ દિવસ-રાત મહેનત કરીને અભ્યાસમાં જે સિદ્ધિ મેળવી એની ચર્ચા થવી જોઈએ, એના બદલે સોશિયલ મીડિયા યુઝર્સ એની ખિલ્લી ઉડાવવા માંડ્યા. કોઈકે ફોટો પડાવતા પહેલાં વેક્સિંગ કરાવી લેવાની સૂચના આપી તો કેટલાકે વળી ફોટોશોપ દ્વારા એડિટ કરેલા ફોટા વાપરવાની સલાહ આપી. અમુક પરગજુ સ્વભાવના યુઝર્સે તો વગર માગ્યે પ્રાચીના ફોટોને ફોટોશોપ દ્વારા ક્લિન-શેવ કરીને રિ-પોસ્ટ કર્યો! અને બીજા કેટલાક વળી પ્રાચીને ‘પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ’ને (એક ખાસ પ્રકારની ગાયનેક કન્ડિશન) કારણે ચહેરા પર રૂંવાટી ઊગતી હોવાની ચર્ચા જાહેરમાં કરવા માંડ્યા. બિચારી છોકરી! પોતાની સિદ્ધિને ઉજવે કે સોશિયલ મીડિયા ટ્રોલિંગ પર રડવા બેસે?! એના કુમળા મન પર શું વીત્યું હશે?
અહીં મુદ્દો એ છે કે સોશિયલ મીડિયામાં આ રીતે કોઈ નિર્દોષ-નાદાન છોકરીની ખિલ્લી ઉડાવીને લોકોને શું મળતું હશે પિશાચી આનંદ? ટેકનિકલ ભાષામાં આવા લોકોને ટ્રોલ (Troll) તરીકે ઓળખવામાં આવે છે. સીધીસાદી ગુજરાતીમાં એમને ‘નસ ખેંચું’ કહી શકાય. આવા લોકો સમાજમાં પરાપૂર્વ કાળથી છે, પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે આવા ‘નસ ખેંચુ’ઓને મોકળું મેદાન આપી દીધું છે. કોઈને ઓળખ્યા-જાણ્યા વિના કે રૂબરૂ વાતચીત વિના સાવ અમથા જ ઉતારી પાડવા એ દુનિયાનું સૌથી સહેલું કામ છે.
‘ટ્રોલ’ શબ્દની વ્યુત્પત્તિ અને ઈન્ટરનેટ યુગમાં એનો વિકાસ રસપ્રદ છે. ગુજરાતી ભાષા જે રીતે શૌરસેની પ્રાકૃત ભાષામાંથી ઊતરી આવી છે, એ જ પ્રમાણે ઉત્તરીય જર્મનીની ભાષાઓ ઓલ્ડ સ્કેન્ડિનેવિયન લેન્ગ્વેજ ઉપરથી ઊતરીઆવી છે. સ્કેન્ડિનેવિયન લોકકથાઓમાં ટ્રોલ શબ્દ ખલનાયક માટે વપરાતો. એવો ખલનાયક જે ઓછી બુદ્ધિનો, ઝગડાળુ, અસામાજિક વૃત્તિઓવાળો અને વિશાળ કદનો હોય. આવા ટ્રોલનું મુખ્ય કામ વટેમાર્ગુઓને કનડવાનું.
પોતાના વિશાળ કદ અને રાક્ષસી વૃત્તિને કારણે એમને giant demon તરીકે પણ ઓળખવામાં આવતા. સોળમી-સત્તરમી સદીના અમુક રેફરન્સમાં વળી હલકી માનસિકતા ધરાવતા, બેડોળ વહેંતિયા, એટલે કે ઠીંગણા ugly dwarf) માટે પણ‘ટ્રોલ’ શબ્દ વપરાતો. આમ જુઓ તો પહેલેથી જ ટ્રોલ શબ્દની અર્થછાયા નેગેટિવ અસર ધરાવે છે. પણ ‘ટ્રોલિંગ’ શબ્દ માછલી પકડવાની કેટલીક ટેકનિક્સ માટે પણ વપરાય છે. આ ઉપરાંત કશુંક ખેંચી જવા – તાણી જવાની ક્રિયા દર્શાવવા માટે પણ ટ્રોલિંગ શબ્દ વપરાય છે. જો કે ઈન્ટરનેટના આગમન પછી ટ્રોલ અને ટ્રોલિંગ જેવા શબ્દો ઓનલાઈન ટાંટિયાખેંચ પ્રવૃત્તિ માટે જ વપરાતા રહ્યા છે.
આજની તારીખે ઈન્ટરનેટ ટ્રોલિંગનો ઈશ્યુ એ હદે સેન્સિટિવ બની ચૂક્યો છે, કે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ‘એન્ટી-ટ્રોલિંગ ટેકનિક્સ’ ઉપર કામ થઇ રહ્યું છે. તમે જો ફેસબુક પર કોઈકના એકાઉન્ટને બ્લોક કરો, અને એના કારણ તરીકે ‘હેરેસમેન્ટ’ એટલે કે હેરાનગતિને જવાબદાર ગણાવો તો ‘ફેસબુક’ તરફથી આ વાતને ગંભીરતાપૂર્વક હેન્ડલ કરવામાં આવે છે. જો ‘ફેસબુક’ ને તમારા દાવામાં સચ્ચાઈ જણાય
તો પેલું ટ્રોલિંગ એકાઉન્ટ સસ્પેન્ડ પણ થઇ
શકે છે..
સિક્કાની બીજી બાજુ જુઓ તો ટ્રોલ્સને કારણે સોશિયલ મીડિયા પર અમુક પ્રકારના ફાયદા પણ થઇ રહ્યા છે, એ સ્વીકારવું જોઈએ. મજાની વાત એ છે કે ઘણીવાર સ્વ-પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરનારા સાચા-ખોટા સેલિબ્રિટીઝને ક્ધટ્રોલમાં રાખવા માટે ટ્રોલ્સ બહુ ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને સાહિત્ય અને રાજકારણ બાબતે. (કેટલાક જાણભેદુઓ સાહિત્ય અને રાજકારણને એક જ સિક્કાની બે બાજુઓ સમાન ગણે છે, પણ એ આખો જુદી ચર્ચાનો વિષય છે.) અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે જો તમે તમારી લોકપ્રિયતા વટાવી ખાવાના ચક્કરમાં કોઈક વાતને ખોટી ડંફાસ મારી બેસો કે ખોટી માહિતી રજૂ કરો તો સોશિયલ મીડિયાની ટ્રોલ મંડળી તમારો ઉધડો લઇ નાખે. ઠેર ઠેરથી શોધી કાઢેલી લિંક્સ તેમજ સ્ક્રીન શોટ્સના ધાડેધાડાથી તમારું કમેન્ટ સેક્શન ઉભરાવા માંડે. એ જ પ્રમાણે કોઈ રાજકીય નેતા કે મીડિયા હાઉસ દ્વારા ખોટો દાવો કરવામાં આવે કે પછી ભૂલભરેલી માહિતી આપવામાં આવે તો સોશિયલ મીડિયા પર લોકો બરાબરની ટાંગ ખેંચે છે. આ વાંચીને તમને આવા એકાદ-બે બનાવો ચોક્કસ યાદ આવી જ ગયા હશે એટલે આપણે એનાં ઉદાહરણોની ચર્ચામાં ઊંડા નથી ઊતરવું. અમુક વખતે ‘ક્રાંતિકારી’ અને ‘આતંકવાદી’ વચ્ચે પાતળી ભેદરેખા હોય છે એમ ‘ગુડ ટ્રોલ’ અને ‘બેડ ટ્રોલ’ વચ્ચેની ભેદરેખા પણ અત્યંત પાતળી છે.
-અને છેલ્લે વાત ‘ટ્રોલફેસ’ની. કહેવાય છે કે ટોળાને ચહેરો નથી હોતો, પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારા લોકોની ઓળખ સમો એક ચહેરો લગભગ દોઢેક દશકથી પ્રચલિત છે. કાર્લોસ રેમિરેઝ નામના આર્ટિસ્ટે ૨૦૦૮માં પોતાનું બનાવેલું એક ડ્રોઈંગ ઈન્ટરનેટ પર પોસ્ટ કરેલું, જે પછીથી ‘ટ્રોલ ફેસ’ તરીકે જાણીતું બન્યું. આખી મોં-ફાડ ખોલીને વિચિત્ર પ્રકારનું હાસ્ય વેરતી માનવ ખોપરીના આ ચિત્રને ‘ટ્રોલ ફેસ’ તરીકે ઓળખવામાં આવે છે.
શરૂઆતમાં આપણે જેની વાત કરી એ પ્રાચી નિગમ જેવા નિર્દોષ અને આશાસ્પદ લોકોને જ્યારે વિનાકારણ, થોડી મોજમસ્તી માટે થઈને ટ્રોલ કરવામાં આવે ત્યારે ટ્રોલિંગ ખરા અર્થમાં એક ઝેરીલું દૂષણ હોવાનો અહેસાસ થાય છે. બીજી તરફ નિર્દોષ ટાંટિયાખેંચ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જીવંત રાખે છે (અને ક્યારેક કીટનાશક તરીકે કામ કરે છે) એ પણ એટલી જ સાચી વાત છે. જો તમે ઇચ્છતા હોવ કે સોશિયલ મીડિયાની મજા ટકી રહે ને સાથે કોઈ નિર્દોષ વ્યક્તિ એનો ભોગ ન બને તો કોઈની નસ ખેંચતા પહેલાં વિવેકબુદ્ધિને અચૂક કામે લગાડવી.