ટ્રેકિંગ: જોમભરી, પણ જોખમી હોબી
કેટલાક શોખ ખરેખર ઉત્તેજના -રોમાંચ જગાડે એવા હોય છે, પણ એની સાથે જોખમ પણ ભરપૂર હોય છે. નાની સરખી ભૂલ અને નજર હટી તો દુર્ઘટના ઘટી.. ની જેમ ખરેખર એવું ટ્રેકિંગ જીવલેણ પણ નીવડે..
કવર સ્ટોરી – નિધિ ભટ્ટ
બે દિવસ પહેલાંની આ દુર્ધટના વિશે તમે વાંચ્યું- જાણ્યું પણ જશે. મુંબઈ -માટુંગાની ગુજરાતી યુવતી આન્વી કામદારએ આવા જ ટ્રેકિંગ દરમિયાન જાન ગુમાવ્યો હતો. આન્વી ટ્રાવેલ-ઈન્ફ્યુલેસર તરીકે જાણીતી હતી. એ પોતાના ગ્રુપ સાથે રાયગઢ – માણગાવના જાણીતા કુંભ વોટર ફોલના પ્રવાસે ગઈ હતી. કહે છે કે અહીં રીલ્સ બનાવવા ને સેલ્ફી લેવાના ઈરાદા સાથે ગયેલી આન્વીનો અહીં પગ લપસતા એ ઊંડી ખીણમાં ફંગોળાઈ ગઈ હતી
આવી દુર્ઘટના વારંવાર બનતી નથી. આમ છતાં આ હોબી -જોખમી રમત તમને ઘણી પ્રસિદ્ધિ અપાવે છે પરંતુ તમારી એક ભૂલ તમારો જાન લઈ શકે છે. આથી આમાં ઘણી સાવધાની રાખવી જરૂરી છે.
આ એખ સાહસિક પ્રવૃત્તિ છે. ટ્રેકિંગ કરવો એ એક લહાવો છે, પરંતુ આમાં અમુક ટિપ્સ અને ટ્રિક્સ તમારે આત્મસાત કરવી જોઈએ. આ ટ્રેકિંગને સલામત અને સુરક્ષિત બનાવશે.
યોગ્ય જગ્યાની પસંદગી કરો
ટ્રેકિંગ માટે સૌથી પહેલા યોગ્ય સ્થળની પસંદગી કરો. જો તમે ચોમાસામાં ઊંચા પહાડો પર જવાનું પસંદ કરો તો તમારા માટે મુશ્કેલી ઊભી થશે. ટ્રેકિંગમાં સમતલ જગ્યાની પસંદગી કરી શકાય. સફર દરમિયાન નાની ટેકરીઓનો વાંધો નથી. જોકે પૂર કે લેન્ડસ્લાઈડનો ડર હોય તો જોખમ ન લેવું જોઈએ. ધોધમાર વરસાદમાં બહાર ન નીકળો
હંમેશા ગ્રૂપમાં નીકળો
જો તમે ગ્રુપ સાથે ટ્રેકિંગમાં નીકળો તો આના ઘણા ફાયદા છે. તમને વધુ મજા આવશે અને કોઈ મુસીબતમાં પડો તો તાત્કાલિક સહાય મળશે. એક બીજાના હાથ પકડીને કઠીણમાં કઠીણ ટ્રેક પણ પાર કરી શકાય છે. દોસ્તો ટ્રેકિંગ દરમિયાન એકમેકને મદદ કરે છે.
વોટરપ્રૂફ બેગ
જો તમે મૉન્સુનમાં ટ્રેકિંગ કરવા નીકળો તો વોટરપ્રુફ બેગની જરૂર પડશે. જો તમે એના વિના નીકળશો તો તમારો બધો સામાન ખરાબ થઈ જશે. તમારી મજા બગડી જશે. તમારી પાસે વોટરપ્રૂફ બેગ ન હોય તો એક પ્લાસ્ટિક કવર કેરી કરો અને વરસાદ પડે તો એને ઢાંકી શકો. આ થઈ કેટલીક પ્રાથમિક ટિપ્સ… આમ છતાં સૌથી એક માત્ર અગત્યની સલાહ -સૂચન એ છે કે વરસાદના સમયે સોશિયલ મીડિયા પર દુનિયાને દેખાડી દેવાના’ સાહસથી દૂર રહો.