વીક એન્ડ

ટાઇમ પાસ

ટૂંકી વાર્તા – સુમંત રાવલ

હું બાલ્કનીમાં ઊભો ઊભો રોજની મુજબ હાઇવે પર થતી વાહનોની ચહલપહલ જોઇ રહ્યો હતો. આ વેરાન વિસ્તારમાં સમય પસાર કરવાનું આ એકમાત્ર સાધન હતું. જુદાજુદા પ્રકારનાં દોડતા વાહનોને જોવાં, તેના વિવિધ પ્રકારના હોર્નના અવાજો સાંભળવા એ અમારું મનોરંજન હતું અમારું એટલે – મારું, મારી પત્ની પારુલ અને મારા સાત વરસના પુત્ર રાકુનું. ક્યારેક હાથમાં ધજા લઇને પગપાળા જતા શ્રદ્ધાળુનો જયનવાદ સંભળાતો, ત્યારે અમારું મસ્તક પણ શ્રદ્ધાથી ઝૂકી જતું. નજીકમાં પચીસ કિલોમીટર દૂર માતાજીનું એક મંદિર હતું. લોકો પોતાની માનતા, બાધા આખડી વગેરે પૂરી કરવા ચાલીને જતા હતા. આસપાસ ચાર કિલોમીટરના વિસ્તારમાં ખેતરો હતાં. ઝાડી હતી, ક્યાંક ક્યાંક ખેતર વચ્ચે વિલાયતી નળિયાંવાળાં કાચાં મકાનો હતાં, બાકી સુનકાર હતો. બાકી સૂનકાર હતો. હા, અમારા બંગલાની સામે સામે હાઇવેની પાછળ, બજરંગ હોટેલનું છાપરું હતું. છાપરા પર ડિશ એન્ટેના હતું, પાસે એક પેટ્રોલ પમ્પ હતો, જ્યાં રાતે રોશની ઝબૂકી ઊઠતી હતી.

અમારા બંગલાની બાલ્કનીમાં સામસામી ત્રણ ખુરશીઓ ગોઠવાયેલી રહેતી. રોજ સાંજે અમે ત્રણે એ ખુરશી પર બેસી ભૂતકાળને યાદ ર્ક્યા કરતા હતા. છાપુ વાંચતા, રેડિયો સાંભળતા, ગીતો ગાતા, જોક્સ કહેતા, બાયનોક્યુલર આંખો પર ગોઠવી દૂરનાં દશ્યોને નજીકથી જોઇ લેતા. પણ હવે અમારી પાસે દિલ બહેલાવવા કશું બચ્યું નહોતું. ધોબી જે રીતે ભીના કપડાંને નિચોવી લે તે રીતે નિચોવી લીધું હતું. હવે અમે ત્રણેય સૂકાં કપડાં જેવા હતા. રાકુને લેવા રોજ સવારે સ્કૂલ બસ આવતી. તે સ્કૂલ ચાલ્યો જતો, હું અને અને પારુલ રહી જતા. બંગલાની બહાર પડેલી ફિયાટને ઉદાસ આંખે જોયા કરતા હતા. છેલ્લાં ચાર વરસથી એકલતાની પીડા વેઢારીને અમે અંદરથી ચૂર ચૂર થઇ ગયાં હતાં. આ રોડ, આ વાહનો, આ બજરંગ હોટેલ, પેટ્રોલ પમ્પ, સાંકડી પુલ… દશ્યો પણ એક સરખાં અને અવાજો પણ એક સરખા!

પારુલનો રોજિંદો ઠપકો સાંભળી હું કંટાળી ગયો હતો. શહેરથી દસ કિલોમીટર દૂર ફાર્મહાઉસમાં બંગલો બાંધવા બદલ એ મને ટોક્યા કરતી હતી. હું પણ પસ્તાઇ રહ્યો હતો. કેવો સરસ બંગલો! એક હોલ, ત્રણ બેડરૂમ- ઉપર એક રૂમ. ફર્શ પર કોટા સ્ટોન, દીવાલ પર એક્રેલિક પેઇન્ટ, પાંચસો વારનો ખુલ્લો પ્લોટ અને સો વારનું બાંધકામ ખુલ્લો પ્લોટ, ફરતી કમ્પાઉનડ વોલ, ચાગ, ઝૂલો, લોન, ફુવારો, કારપાર્કિંગ.
શરૂઆતનો આનંદ સમય પસાર થતાં ધીમે ધીમે લુપ્ત થયો ગયો, આનંદ અફસોસમાં પલટાઇ ગયો. પારુલ નાકનું ટેરવું ચડાવતી અને કહેતી તમે તો કવિ છો, પણ અમનેય કવિ બનાવી દીધાં!' તો સંભળાવ તારી લખેલી એકાદ કવિતા?’ હું મજાક કરતો.
કવિતાને બદલે અહીંં તો મરસિયા ગાવાનું મન થાય છે.' તે ચિડાઇ જતી.આ ભૂતબંગલામાં રહીને હુંય ભૂત જેવી બની ગઇ છું. નથી અહીં કોઇ સખીસહેલી કે બે ઘડી બેસી વાતો થઇ શકે!’

કમનસીબે આ માનવવિહોણા વિસ્તરોમાં કેબલ કનેકશન પણ નહોતું. એટલે પારુલને એકતા કપૂરની કોઇ સિરિયલ પણ જોવા મળતી નહોતી, ફેરિયો છાપું બજરંગ હોટેલમાં ફેંકી જતો. ચોકીદારે તે પાછું મોડેથી આપી જતો. એટલે છાપું પણ નવ પછી વાંચવા મળતું. આમ સમાજજીવનથી દૂર ફૅકાઇ ગયા હોય તેવો અનુભવ થયો હતો.
પારુલની તો રોજની ફરિયાદ હતી: સિટીના ફ્લેટમાં રહેતાં હતાં. ત્યાં કેવી લહેર હતી. સાત વાગે છાપું આવી જાય. ચા પીતા પીતાં છાપું વાચવાનું. રાતે ટીવી પર સ્ટાર પ્લસ ચેનલની સિરિયલો જોવાની! નીચે ઊતરો એટલે શાકબકાલુની લારી... કરિયાણાનો સ્ટોર...' ત્યાં તારે બે ડગલાં પણ ચાલવાનું નહોતું. એટલે તું સ્થૂળ બની ગઇ હતી. અહીં તારું વજન ઊતરી ગયું અને કેવી પાતળી બની ગઇ…’ હું મારો પાંગળો બચાવ કરતો હતો. પણ તે મોં બગાડીને સીડી ચડી જતી હતી. મેં ઉપર પણ એક રૂમ બનાવ્યો હતો અને કલાત્મક બાલ્કની મૂકી હતી. સાંજે હાઇવે સુધીની વૉક લેતા, ત્યારે અમારી ત્રણેયની ભૂખાળવી આંખો બજરંગ હોટેલની ચટાકેદાર ડિશ કરતાં કોઇની કંપની શોધતી હતી! પણ અહીં કંપની મળવી મુશ્કેલ હતી. રાકુ, હંમેશાં ટીવી સામે બેસી જતો અને ડીવીડી પર કાટૂંન ફિલ્મો જોયા કરતો. ક્યારેક ગેમની સીડી ચડાવતો અને ઊડતા પંખીને ઠાર કર્યા કરતો. હું ગભરાઇ જતો. ક્યાંક આ એકાંત તેને આક્રમક બનાવી દેશે, એવી દહેશત રહેતી હતી. તેના માટે મેં એક પાલતું કૂતરો લાવી આપ્યો હતો. આમેય આ એકાંતમાં સાવધાનીના એલાર્મ તરીકે કૂતરો પાળવો જરૂરી હતો. રાકુએ તેનું નામ `પપ્પુ’ રાખ્યું હતું. કાફી સમજદાર હતો. સ્કૂલેથી આવ્યા પછી રાકુ આંખો દહાડો પપ્પુ સાથે રમ્યા કરતો હતો. બંને ફાર્મહાઉસની બહાર દોડાદોડ કરતા હતા.

પારુલના મોં પર સદા અવસાદ ઘેરાયેલો રહેતો અને ચોમાસું શરૂ થતું ત્યારે એ અવસાદ વાદળા જેવો ઘાટાટોપ બની જતો હતો. `હવે ચાર મહિનાની જેલ! બંગલા બહાર પગ નહીં મુકાય!’ તે નારાજગી સાથે કહેતી.

બંગલાની આસપાસ નીચાણવાળી જગ્યા હતી. એટલે પાણી જમા થઇ જતું અને એમને વગર ગુનાએ કાળાંપાણીની સજા મળી જતી. પારુલ મને દોષ દેવા લાગતી. માણસને મર્યા પછી કેટલી જમીન જોઇએ- છ ફૂટ...' તેણે ટોલ્સ્ટોલની વાર્તા વાંચી હતી. આ પાંચસો વારનો પ્લોટ અને આ બંગલો કોના માટે?' રાકુ માટે.’
પણ અહીં રહીને રાકુ ગાંડો થઇ જશે, પછી બંગલાનું એ શું કરશે?' તું ચિંતા ન કર. આ દેશનો કોઇ એવો સાચો નેતા પેદા નથી થયો કે વસ્તી નિયંત્રણ માટે ફરજિયાત કાનૂન બનાવે. એટલે વસ્તી વધતી જશે, મકાનો બનતા જશે અને પાંચ વરસ પછી આપણી આજુબાજુ મકાનો બંધાઇ જશે.’ હું તેને હૈયાધારણ આપતો રહેતો અને અમારા અકળામણના દિવસો ધીરે ધીરે ભારેખમ સામાન લાદેલી ઊંટગાડીની માફક પસાર થતા જતા હતા. જોતજોતામાં ચાર વરસ નીકળી ગયાં! પણ આવતું જ નહોતું. કવિ હોવા છતાં મારી પાસે ફિયાટ હતી. હું જાતે ડ્રાઇવ કરી શક્તો હતો. અમે ત્રણેય ફિયાટમાં સવારી કરી નીકળી જતાં. સાઠ કિલોમીટર છેટે દરિયાકિનારે ઊછળતા મોજાંને જોતાં. રાકુ કૂતરાને લઇણે દરિયાકાિનરે દોડતો, હું ફોટા પાડતોા. કોઇ વાર શહેરમાં જતાં. મલ્ટિપ્લેક્સ સિનેમામાં બેસતા. ક્યારેક શોપિંગ, ક્યારેક મોંઘી હોટેલનું ડિનર ક્યારેક ફન વર્લ્ડ. પણ પાછા ફરતા ત્યારે અમારી સાંકડી દુનિયા જોઇ નિસાસો નાખતા. એ જ એકાંતી બંગલો, એ જ વૃક્ષો, એ જ બાલ્કની અને બાલ્કનીમાં એકબીજા સામે મોં રાખી પડી રહેતી ઉદાસ ખુરશીઓ. હવે તો બાલ્કની પણ અમને ખાવા દોડતી હતી. છતાં અઠવાડિયે એકાદ પ્રોગ્રામ ગોઠવી હું અમારી ઉદાસી દૂર કરવા અથાગ પરિશ્રમ કરતો રહેતો હતો. એમ કહો કે નિરાશાના ઉદાસ કોડિયામાં આશાના બુઝાતા દીપકની વાટ સંકોરતો રહેતો હતો. એક વાર મેં મારી એકલતાને બયાન કરતી પંક્તિઓ લખી:
`આ અગાધ સમંદર વચ્ચે ભૂલી પડેલી નાવને વ્યર્થ હલ્લેસાં મારી હું કિનારા તરફ દોરી રહ્યો છું.
વર્ષો વીતી ગયાં.
પણ કિનારો ક્યાં છે?
જે દૂર હરિયાળી વનરાજી નજરે પડે છે તે કિનારો છે?
ના, એ તો છે કેવળ ભ્રમ…
ત્યાં બાળકોના સમૂહની કિલકારીઓ સંભળાય છે… ત્યાં કિનારો છે?
ના, એ તો છે અરણ્યમાં ભૂલ પડેલા કાફલાની ચીસો! ત્યાં- પંખીઓ ઊડાઊડ કરે છે. ત્યાં કિનારો છે?

ના, એ તો તમારી અંદરથી ઊઠતાં ડૂસકાંના અવાજો છે.
અને ખરી પડેલી પાંખોના નિસાસા છે… એ કિનારાને કોઇ ઋષિએ શાપ આપ્યો છે. તમે નજીક જશો તો એ તમારાથી દૂર સરકતો જશે…

તમે ક્યારેય તેના સુધી નહીં પહોંચી શકો!’ મારી વેદનાનો હું કાગળ પર ઠાલવીને હળવો થઇ જતો હતો, પણ પારુલ અને રાકુની વેદનાનું શું? એ તો દિનપ્રતિદિન વધતી જતી હતી. ગઇ કાલે હું અને રાકુ બેઠા હતા. ત્યાં પારુલ આવી પહોંચી.આવ પારુલ, હું આજે તને એક ફિલ્મી ગીત સંભળાવું.મેં વાતાવરણનો ભાર હળવો કરવા માટે કહ્યું.

સંભળાવો... હવે તમારા ગીત સાંભળવા સિવાય છૂટકો નથી.' મેં શરૂ કર્યું:મુઝ કો ઇસ રાત કી તન્હાઉ મેં આવાઝ ન દો…’ મારી અંકરનું દર્દ શબ્દોમાં ઘૂંટાઇને બહાર આવતું ગયું. વાતાવરણ વધુ ભારેખમ બની ગયું. બીજી સવારે મારા ગીતની અસર વાતાવરણમાં થઇ હોય તેમ ધુમ્મસ ઊભરાઇ આવ્યું. સામેની હોટેલ અને પેટ્ર્રોલ પમ્પ પણ દેખાતાં નહોતાં. હેડલાઇટ ચાલુ રાખીને વાહનો ધીમે ધીમે હાઇવે પર પસાર થતાં હતાં. છેવટે દસ વાગ્યે જરા ઉજાસ દેખાયો. ગાઢ ધુમ્મસને લીધેે રાકુને લેવા સ્કૂલ બસ પણ આવી નહોતી. પપ્પુનું બદામી શરીર કંપતું હતું.
`આ કૂતરાને પણ ઠંડી લાગી ગઇ છે. જુઓ કમકમે છે.’ પારુલે કહ્યું. મેં જોયું તો કૂતરાની ચામડી ધ્રૂજતી હતી અને મોંમાંથી ધીમા ઊંહકારા નીકળતા હતા.

`તેને ટાઢ ચડી છે…’ રાકુએ કામળો તેના શરીર પર નાંખ્યો, પણ તોય તેની ઠંડી ન ઊડી.. ખાવાનું પણ છોડી દીધું. ત્રીજે દિવસે તે મરી ગયો. રાકુ તો જોરથી રડી પડ્યો. પપ્પુ! મારો પપ્પુ! તેના શરીર પર હાથ ફેરવતો ગયો અને રડતો ગયો.
બંગલાની પાછળની ટેકરી પર ચોકીદારે ઊંડો ખાડો ર્ક્યો, કૂતરાના દેહને ખાડામાં નાખી, મીઠાની થેલી ઠાલવીને માટી વાળી દીધી. આ અજાણયા ટાપુ પર જહાજ તૂટી જતાં એક અજાણ્યો મુસાફર આવી ચડ્યો, થોડા મહિના અમારી સાથે રહ્યો. પરિચય કેળવ્યો અને ફરી પાછું જહાજ આવી ચડયાં તેમાં બેસીને ચાલી ગયો. ટાપુ પર ફરી અમે એકલા પડી ગયા!

હવે જલદી સિટીમાં ભાડે મકાન શોધો.' પારુલે રડમસ અવાજે કહ્યું,અપાણે માત્ર આપણું જ નહીં, આપણા બાળકનુંય વિચારવું જોઇએ. આપણા રાકુનો સ્વાભાવ બગડતો જાય છે. તેનું મગજ આક્રમક થઇ ગયું છે. ગઇ કાલે એક પંખીને ગિલોલ મારીને નીચે પછાડ્યું, પછી એને તડફતું જોઇ રહ્યો હતો, આજે કાચિંડાની પૂછડી દોરી વડે બાંધીને નચાવતો હતો…’ પણ આ વરસે તો સામે ખેતરમાં એપાર્ટમેન્ટ બંધાવાનું શરૂ થવાનું છે. જમીન પણ એન.એ. થઇ ગઇ. પ્લાન મંજૂર..' મારું વાક્ય અધવચ્ચે તોડી પાડતાં પારુલે કહ્યું, હવે એક દિવસ પણ અહીં કાઢવો અસહ્ય છે. છોકરો પાગલ થઇ જશે...' હું ડરી ગયો. એ રાતે જોરદાર વરસાદનું ઝાપટું પડી ગયું. બંગલા ફરતું પાણી ભરાઈ ગયું. ઉઘાડ નીકળ્યો, તડકો પડ્યો એટલે પાણી સુકાઈ ગયું. પહેલો વરસાદ હતો અને ધરતી તરસી હતી એટલે ધરતી પાણી પી ગઈ. અમે ત્રણેય બાલ્કનીમાં બેઠા બેઠા હાઈવે જોઈ રહ્યા. ત્યાં પુલ પાસે ટોળું થયેલું જોઈ અમે ચમક્યા. નક્કી અકસ્માત! પારુલની આંખો ફફકી ઊઠી. હું અને રાકુ ત્યાં પહોંચી ગયા. મર્સિડીઝ કાર છુંદાઈને પુલની નીચે પડી હતી. બારણું તોડીને અંદરથી એક મૃતદેહને લોકો બહાર કાઢી રહ્યા હતા. દૃશ્ય હૃદયદ્રાવક હતું. મેં આંખો મીંચી દીધી. મને રાકુની ચિંતા થતી હતી. આ પહેલાં તેણે પાલતુ કૂતરાને મરતો જોયો હતો અને રડી પડ્યો હતો. ક્યાંક... મેં જોયું તો રાકુ તો કારની નજીક પહોંચી ગયો હતો. મેં બૂમ પાડી - રાકુ! તેણે ડોક ઘુમાવતા કહ્યું,પપ્પા, ડ્રાઈવર હજી જીવે છે. તેનું શરીર સળવળી રહ્યું છે.’ તે જોઈ રહ્યો હતો. થોડી વારમાં તડફડાટ શમી આવ્યો. બજરંગ હોટેલનો માલિક દોડી આવ્યો. તેણે કપાળ કૂટતાં કહ્યું, લો, ડ્રાઈવર પણ ગયો... કોઈ ન બચ્યું! કુલ ચાર જણ હતા, પતિ-પત્ની અને બાબો!' મને મારો પરિવાર યાદ આવી ગયો. પતિ-પત્ની અને બાબો! ચારેય ખલ્લાસ! હોટેલમાલિક બકવાસ કરી રહ્યો હતોહે બજરંગ બલી, તું રાખે એમ રહીએ. વરસાદને લીધે કાર સ્લિપ થઈ ગઈ. ચારેય ખલ્લાસ!’

એક પછી એક ચારેય મૃતદેહ રોડના કાંઠે ગોઠવી દીધી અને તેની પર સફેદ કપડું ઢાંકી દીધું. કોઈકે ફોન કરી એમ્બ્યુલન્સ મગાવી લીધી. ત્યાં સાઈરન વગાડતી પોલીસવાન આવી પહોંચી અને ભીડને હડસેલતી પંચનામું કરવાને કામે લાગી ગઈ. પોલીસે ખાંખાખોળા કરીને મરનારનાં નામ-સરનામું અને ફોન નંબર શોધી કાઢ્યા. ફોન કરીને મૃતકના પરિવારને માઠા સમાચાર સંભળાવી દીધા. શહેરમાંથી વાહનો લઈને લોકો દૃશ્ય જોવા આવી પહોંચ્યા હતા. છાપાવાળા, ફોટોગ્રાફર, પ્રેસ રિપોર્ટર… જમેલો વધી ગયો. કોઈ મોબાઈલ પર ગીત ગુંજતું હતું. ક્યાંક ચાપાણી પિવાતાં હતાં. હોટેલની ઘરાકી વધી ગઈ. ક્યાંક માવા ખવાતા હતા. વાતો થતી હતી અને ધીમે ધીમે હસવાનો અવાજ પણ સંભળાતો હતો. હોટેલની બાજુમાં તો જાણે વાહનોનું પાર્કિંગ થઈ ગયું હોય તેવું દૃશ્ય હતું. ટુવ્હીલર ગોઠવાઈ ગયાં હતાં.
ન્યુઝ ચેનલ પર પ્રસારણ કરનાર શહેરની લોકલ ન્યુઝ ચેનલના લોકો આવી ગયા હતા. ખભા પર કેમેરો મૂકી એક યુવાન દૃશ્ય ઝડપી રહ્યો હતો. ત્યારે તેની સાથે આવેલી યુવતી મોં પર માઈકપીસ રાખી જાત જાતના સવાલો પૂછી રહી હતી. લાશનું દૃશ્ય કેમેરામાં કેદ કરી લીધા પછી તે ન્યુઝરીડર યુવતી જુદી જુદી વ્યક્તિને પૂછપરછ કરી રહી હતી. બજરંગ હોટેલના માલિકને તેણે પૂછ્યું, આ હોટેલ ક્યારથી છે? આ અકસ્માત કેવી રીતે થયો? આ સાંકડા પુલને પહોળો કરવા સરકાર સમક્ષ રજૂઆત થઈ છે ખરી?' રાકુ સામે કેમેરો આવી ગયો. પેલી યુવતીએ માઈક મોંએ લગાવી પૂછ્યું'શું નામ તારું? તું શું કરે છે? તેં આ દૃશ્ય ક્યારે જોયું? ક્યાં છે તારું રહેણાક?’ કેમેરાનો એંગલ બંગલા તરફ દોરાયો. યુવતી મારી પાસે આવી. ક્યારથી રહો છો અહીં? ચાર વરસથી રહુ છું' મેં કહ્યું. યુવતીએ બયાન આપ્યું:આ બંજર વિસ્તારમાં બજરંગ હોટેલ, પેટ્રોલ પમ્પ તથા ત્રીજો આ નીરવ બંગલો… ત્રણ વસાહત છે… અને સાંકડો પુલ પહોળો કરવાની વખતોવખત રજૂઆત થઈ છે, છતાં સરકારે કોઈ પગલાં લીધાં નથી. પરિણામે ચાર વ્યક્તિએ જીવ ખોવો પડ્યો…’

એમ્બ્યુલન્સ આવી ગઈ. ડેડબોડી ગોઠવાઈ ગઈ અને કર્કશ સાઈરન વગાડતી એમ્બ્યુલન્સ ચાલી ગઈ. કેટલા બધા લોકો જમા થઈ ગયા. જ્યાં ચકલુંય ફરકતું નહોતું ત્યાં માણસો ફરકવા લાગ્યા.

સવારે પુલ નીચેથી વાહનને બહાર કાઢવા માટે ઊંટડા આવી ગયા. સાંકળ વડે બાંધીને ઊંટડા દ્વારા મર્સિડીઝને બહાર કાઢવામાં આવી. અમે ત્રણેય બાલ્કનીમાં ઊભા ઊભા આ દૃશ્ય જોઈ રહ્યા હતાં. મેં છાપામાં નજર નાખી તો ભાડે મકાનની કોલમમાં ત્રણચાર મકાનની જાહેરાત હતી.

શું વાંચો છો?' પારુલે પૂછ્યું. આ ભાડે મકાનની જાહેરાત. ત્રણ-ચર મકાન શહેરમાં ભાડે મળે છે. આજે જ આપણે ત્રણેય જોવા માટે જઈશું…’ મેં કહ્યું.
ના પપ્પા... આપણે હવે શહેરમાં નથી જવું.' રાકુએ ઘોઘરા અવાજે કહ્યું. કેમ?’
મને અહીં ફાવી ગયું છે.' તેણે તરસી આંખો હાઈવે તરફ જોતાં કહ્યું,અહીં મજા છે, ટાઈમપાસ થઈ જાય છે!’
પારુલે વિસ્ફારિત નજરે મારી સામે જોયું. હું ભયભીત થઈ ગયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button