વીક એન્ડ

પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા ટચૂકડા જીવો

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

આપણે નાનાં હતાં ત્યારે મેળામાં જતાં અને ત્યાં ચિનાઈ માટીના બનેલા નાના નાના વાઘ, સિંહ, હરણ અને એવાં પ્રાણીઓનાં રમકડાનાં પ્રાણીઓનાં સેટ વેચાતાં. માબાપ બાળકોને આવા સેટ ખરીદી આપે ત્યારે જંગ જીત્યાનો અહેસાસ થતો. આવો સેટ જે બાળક પાસે હોય તે બાળક પોતાને ‘ટોપ ઓફ ધ વર્લ્ડ’ સમજતું અને બાળકોની દુનિયામાં તેની આગવી પ્રતિષ્ઠા રહેતી. ઘરની પાછળ ઊગેલા ઘાસમાં ચિનાઈ માટીની ગાય ચરતી હોય અને વાઘ કે સિંહ એકાએક હુમલો કરે અને એવાં અનેક નાટકો ભજવાતા. આ બાળરમતો આજે ભલે બાલિશ લાગતી હશે, પરંતુ આપણે એ રમતો રમતા હતાં ત્યારે આપણી કલ્પના સૃષ્ટિમાં એ સાચુકલું જ હતું.

કહેવાય છે કે માનવના મનમાં ટચૂકડી વસ્તુઓ માટેનું એક અનોખુ આકર્ષણ હોય છે. આ આકર્ષણ પાછળ પણ મનોવૈજ્ઞાનિક કારણો હોય છે. કહેવાય છે કે માનવીય સુખ, આનંદની લાગણી પાછળ મગજમાં ઓકસીટોક્સિન નામનું હોર્મોન જવાબદાર છે, પરંતુ એ સિવાય આપણે જ્યારે પણ કોઈ ટચૂકડી અને ક્યૂટ વસ્તુ કે જીવ જોઈએ છીએ ત્યારે, આપણાં મગજમાં ડોપામાઈન નામના હોર્મોનનો ઊભરો આવે છે અને તેના લીધે આપણે ખુશ થઈ જઈએ છીએ. તો ટચૂકડા જીવને જોવાથી આવું શા માટે થાય? ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાન ક્ષેત્રે કામ કરતાં ‘સેમ વોન રીશે’ નામના વૈજ્ઞાનિકના સંશોધન મુજબ “માનવનું મગજ સુંદર અને નાની ટચૂકડી વસ્તુઓને પ્રેમ કરવા માટે ડિઝાઇન થયું છે, ટચૂકડી વસ્તુ જોઈને ડોપામાઇન જન્મે છે, જેના લીધે આપણે બાળકોને જોઈને પણ ખુશ થઈએ અને તેની રક્ષા કરવા મજબૂર થઈ જઈએ છીએ. એક બીજા સંશોધનના તારણ મુજબ મહાકાય પ્રાણીઓ કરતાં ટચૂકડા કદના પ્રાણીઓને જીવન ટકાવી રાખવાના જંગમાં વધુ સફળતા પ્રાપ્ત થાય છે.

તો આજે આપણે થોડા એવા પ્રાણીઓનો પરિચય મેળવીએ જેઓ એટલા નાનકડાં અને ટચૂકડાં છે કે તેમને જોઈને આપણું ડોપામાઈન લેવલ વધી જશે.

વિલિયમ્સ ડવાર્ફ ગેકો :

ટર્કોઈઝ અથવા ઈલેક્ટ્રિક બ્લ્યુ ગેકોના નામે પણ ઓળખાતી આ ગરોળી માત્ર ટાન્ઝાનિયાના જંગલોમાં જોવા મળે છે અને તેની કુલ લંબાઈ માત્ર ત્રણ ઈંચ જ હોય છે.

પિગ્મી રેબિટ :

પિગ્મી સસલાની લંબાઈ સરેરાશ ૯ થી ૧૧ ઇંચ જેટલી જ હોય છે. આ સસલું મુખ્યત્વે અમેરિકાના પશ્ર્ચિમ કિનારે રહે છે. તેઓ ઊંચા, ગાઢ સેજબ્રશ નામના છોડની ઝાડીઓમાં રહે છે.

કિટ્ટીઝ હોંગ નોંઝડ બેટ

થાઈલેન્ડ અને બર્મામાં જોવા મળતું આ વડવાગોળ પૃથ્વી પર સૌથી નાનું સ્તનધારી ગણાય છે. તેનું મહત્તમ કદ માત્ર એક થી સવા ઈંચ જ હોય છે.

સ્પેકલ્ડ પેડલોપર ટોર્ટોઈઝ :

ટોર્ટોઈઝ એટલે જમીનનો કાચબો. આપણને એમ જ ખ્યાલ છે કે જમીનના સૂર્ય કાચબા કેટલાય સૈકાઓ સુધી જીવે છે અને મહાકાય હોય છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના લિટલ નામાકલેન્ડ નામના વિસ્તારમાં સૂર્ય કાચબાઓની એક જાત છે સ્પેકલ્ડ પેડલોપર ટોર્ટોઈઝ જે માત્ર ૨.૫ થી ૩.૧ ઈંચ જેટલા જ મોટા હોય છે.

બાર્બાડોસ થ્રેડ સ્નેક :

એના નામ પરથી એની ખાસિયત સમજાઈ જશે. બાર્બાડોસનો વિતની થ્રેડ સ્નેક એટલે કે દોરા જેટલો પાતળો આ સાપ માત્ર ૪.૧ ઇંચ જેટલી જ લંબાઈ ધરાવે છે

લેન્ટર્ન શાર્ક :

શાર્કનું નામ આવે એટલે માણસોનો કોળિયો કરી જતી ખૂનખાર શાર્ક દેખાય, પરંતુ લેન્ટર્ન શાર્ક નામની શાર્કની આ પ્રજાતિ અમેરિકાના પશ્ર્ચિમી દરિયામાં જ જોવા મળે છે. આ શાર્ક માત્ર ૮ ઈંચની જ હોય છે. તેની વિશેષતા એ છે કે તેનું શરીર અંધારા દરિયામાં ચમકે છે તેથી તેનું નામ લેન્ટર્ન શાર્ક છે.

એટ્રુસ્કેન શ્રુ :

શ્રુ એટલે છછુંદર. વિશ્ર્વની તમામ પ્રકારના છછુંદરોમાં આ છછુંદરી માત્ર દોઢ ઈંચની જ થાય છે, આખો દિવસ ખાધા કરે છે અને વિશ્ર્વની એકમાત્ર ઝેરી છછુંદરી છે.

મોન્ટે આઈબેરિયા એલ્યુથ :

ટચૂકડાં જીવોની અત્યાર સુધીની આપણી યાદીમાં સૌથી નાનો જીવ જો કોઈ હોય તો તે આઈબેરિયાનો આ દેડકો છે જેનું કદ માત્ર ૦.૪ ઈંચ જ છે. રંગબેરંગી આ દેડકાને જંગલમાં શોધી કાઢવો એ પણ એક પડકાર જ ગણાય છે.

પિગ્મી મર્મોસેટ :

પિગ્મી એટલે ટચૂકડું એવો અર્થ છે, અને આપણો મર્મોસેટ વાંદરો ખરેખર જ ટચૂકડો છે. તેની લંબાઈ ૪ થી લઈને ૬ ઈંચ જેટલી જ હોય છે. માનવની આંગળી પર લટકી શકે એટલો નાનો હોય છે.

બી હમીંગ બર્ડ :

ચે-ગુવેરા અને ફિડલ કાસ્ટ્રોની ધરતી એવા ક્યુબામાં આંગળીના માત્ર બે વેઢા જેટલું એટલે કે સવા બે ઈંચનું હમીંગ બર્ડ એટલે કે ફૂલસૂંઘણી નામનું પંખીડું જોવા મળે છે. પાંચ પૈસાના એલ્યુમિનિયમના સિક્કા જેટલું વજન ધરાવતું આ પંખીડું હવામાં સ્થિર રહેવા માટે એક સેકંડમાં ૨૦૦ વખત પાંખ ફફડાવે છે, મતલબ કે તમે આંખનો પલકારો મારો એટલી વારમાં એની પાંખો ૪ વાર ફફડાવી લે છે! આને કહેવાય ચકલી નાની ને ફૈડકો મોટો . . .

બ્રુકેસિયા માઈક્રા :

મડાગાસ્કરની કેમેલિયન જાતિની આ ગરોળી માત્ર એક જ ઈંચ જેવડી થાય છે. અને માનવના અંગૂઠા પર બેઠી હોય તો પણ સાવ નાની એવી લાગે છે.

મેડમ બર્થીઝ માઉસ લેમર સમગ્ર વિશ્ર્વમાં માત્ર મડાગાસ્કરમાં જોવા મળતું મેડમ બર્થીઝ માઉસ લેમર નામનું વાંદરું સાચા અર્થમાં ટચૂકડું છે. તેની કુલ લંબાઈ ૩.૬ ઈંચ જ છે. જસ્ટ ઈમેજીન સાડા ત્રણ ઈંચનું વાંદરું તમારી આંગળીએ વળગેલું હોય તો કેટલું વહાલું લાગે?

વર્જીન આઈલેન્ડ ડવાર્ફ સ્ફાએરો :

કેરેબિયન ટાપુઓમાં ડોમિનિકન રિપબ્લિકના જારાગુઆ નેશનલ પાર્કમાં જ જોવા મળતી ગરોળીની આ જાતિ માત્ર ૦.૬ ઈંચ એટલે કે અરધા ઈંચથી સહેજ જ મોટી થાય છે.

બલૂચિસ્તાન પિગ્મી જરબોઆસ :
આ લાંબી પૂંછડી વાળા એક ઉંદરનું નામ છે જે પાકિસ્તાને પચાવી પાડેલા બલુચિસ્તાનમાં વસે છે. કાંગારૂ ઉંદરોની પ્રજાતિનું આ ઉંદરડું માત્ર ૧.૭ ઈંચ જેટલું જ મોટું થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button