મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
જે જે વાંચકો પરિણીત હશે એમને આ સુરસુરિયા શબ્દનો અર્થ ખબર જ હશે પણ આ શબ્દ દિવાળી વખતે તરત જ ધ્યાનમાં આવે. જો આ શબ્દનો સૂક્ષ્મ અર્થ ન જોતા સાચો અર્થ જાણવો હોય તો આ વખતની ચૂંટણીનું પરિણામ ત્રણ દિવસ પછી- ૪ જૂને આવે ત્યારે વધુ જાણવા મળશે આપણે જેને ધડાકો માન્યો હોય તે ભૂંડે હાલ હારે એટલે તેને સુરસુરિયું થઈ ગયું ગણાય.
બીજી વાત એ કે મારી પેઢીના બાળપણ સુધી જવું પડે કેમ કે આર્થિક રીતે સધ્ધરતા આવ્યા પછી લોકો ન સળગે એ ફટાકડાઓને ફેંકી દેતા હોય છે , પણ અમારા વખતે ૧૦ કે ૧૨ રૂપિયાના ફટાકડા જ લઈ આપવામાં આવતા એટલે એક પણ ફટાકડો ફૂટે નહીં એ ન ચાલે. પછી આવા સુરસુરિયા થયેલા ફટાકડા ભેગા કરીને એકાદ છાપાના કટકામાં ભડકો કરી તેમાં વચ્ચે આ સુરસુરિયા મૂકી અમે ફટાકડાથી પણ વધારે આનંદ લીધો છે. અમારો ચૂનિયો પોતાના જ નહીં , પણ આજુબાજુમાં કોઈ ફટાકડા ફોડતા હોય અને ન ફૂટે તો તરત જ ઝડપ મારીને લઈ લેતો.
એક વખત અમારા પાડોશમાં કોઈએ લક્ષ્મી છાપ ટેટો ફોડ્યો. થોડી વાર રાહ જોઈ પણ ન ફૂટ્યો એટલે ચૂનિયાએ સીધો ઉપાડીને ખીસ્સામાં મૂક્યો એવો જોરદાર અવાજ થયો અને એની પાછળ જ ચૂનિયાનો ટેટાના અવાજ નાનો પડે એવો અવાજ આવ્યો. મેં જઈને જોયું તો ચૂનિયાના લેંઘાનો એક પાયચો જ ગુમ હતો!
આ તો ભલું થજો ભગવાનનું કે ખાલી પાયચાથી જ પત્યુ . બાકી સુરસુરિયાની લ્હાયમાં દાઝી જવાય તો??? એટલે હારી ગયેલા ઉમેદવાર ક્યારેક ફેર મત ગણતરીમાં જીતી જાય તો હાલત બગડી જાય.
આમ તો સુરસુરિયા ગમે તે ક્ષેત્રમાં થતા હોય છે. કોલેજમાં સાથે ભણતી છોકરીએ સ્માઇલ આપ્યું હોય અને ભાઈ એટલાં ખુશ થઈ ગયા હોય કે ‘આપણું હવે ગોઠવાવામાં જ છે. જેવો મેળ પડે એટલે તરત જ આખા ગ્રુપ વચ્ચે એટમબોમ્બ ફોડવો છે કે જુઓ, કોલેજની સૌથી સુંદર છોકરી મારી સાથે છે! ’
આ બોમ્બ ફોડવાની તૈયારીમાં કોફી, પિઝા, બર્ગર, રોજ છોકરીના મોબાઇલમાં રિચાર્જ, લોંગ ડ્રાઇવ, એકાદ વાર મેસેજ ન પહોંચે ત્યાં તો નવો ફોન છોકરીને આપી દીધો હોય, ક્રેડિટ કાર્ડના બેય ખૂણા ઘસી નાખ્યા હોય અને દિલ રોજ બોલતું હોય કે ‘મારો મુકામ તારી હથેળીમાં’ પણ જ્યારે મોબાઇલ હાથમાં આવે, પોતાનો નંબર ડાયલ કરે અને લખેલું આવે કે ‘રાજુ સેવાભાવી’ ત્યારે રાજેશને ખબર પડે કે આ તો સુરસુરિયુ થઈ ગયું.
ચૂંટણી હોય અને નેતાની આજુબાજુમાં ઓછામાં ઓછા ૨૦૦ કે ૩૦૦ માણસની ભીડ હોય. એક પછી એક વાતો કરતા હોય કે ‘આ સમાજના અગ્રણી સાથે વાત થઈ ગઈ છે. આખો સમાજ તમને જ મત આપવાનો છે. મેં ૫૦૦૦૦ રોકડા આપી દીધા છે’. ત્યાં બીજો બોલે ‘સામેના એરિયામાં તો એવી ગોઠવણ કરી છે કે સામા પક્ષના કોઈને અંદર પણ નથી આવવા દેતા. બોલો, ખાલી ૨૦૦૦૦ રૂપિયા ખર્ચીને એક ગેટ બનાવી દીધો ત્યાં તો આપણી વાહ વાહ થઈ ગઈ છે’ સભા સંબોધનોમાં એટલી બધી તાળીઓ પડતી હોય કે નેતાશ્રી એમ જ માને આ વખતે તો હું જ છું. મત પડે અને મત ગણતરી શરૂ થાય એ વચ્ચેના ગાળામાં તો કેટલાય ફટાકડા ખરીદી લીધા હોય, પણ જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે ખબર પડે કે કુટુંબના કુલ સભ્યો ૫૦ છે , પણ કુલ મત ૪૮ કેમ મળ્યા? હવે આને કહેવાય સુરસુરિયા… !
આપણને સમાચાર એવા આવ્યા હોય કે આ વેકેશનમાં સાળી ઘેર રોકાવા આવવાની છે.. એટલાં હોશ સાથે મોંઘા ભાવની મીઠાઈઓ લાવ્યા હોઈએ અને સાળી આવવાના માનમાં ઘરવાળીને પણ એટલી સરસ રીતે સાચવી હોય કે એ પણ ખુશખુશાલ આપણી સાથે ખરીદીમાં આવી હોય અને સાળીને આપવાના ડ્રેસ સાથે પોતાના પણ બે – ત્રણ ડ્રેસ ખરીદી આવી હોય. સાળીને ક્યાં ક્યાં ફેરવીશુ એ લિસ્ટ પણ તૈયાર કરી રાખ્યું હોય અને જેવો દિવસ આવે કે સાસુ, સસરા, કાકાજી, કાકીજી મળીને ૧૫ માણસોનું લશ્કર ઘેર ધામા નાખવા આવી પહોંચ્યું હોય ને બસ ન આવી હોય તો એક સાળી જ.! પૂછતા ખબર પડે કે એ લોકો તો ગ્રુપમાં કાશ્મીર ફરવા ગયા છે ત્યારે દિલમાં એમ થાય કે મારું ભલે સુરસુરિયુ થયું પણ કાશ્મીરમાં બોમ્બ ધડાકો થવો જ જોઈએ
ભારત ગમે તેટલું સારી રીતે વિકાસ કરી રહ્યું હોય પણ છોકરાને વિદેશ મોકલવાની ઘેલછા સતત વધતી જ જાય છે. ખબર પડે કે ભાઈ ૧૦ લાખ રૂપિયામાં ક્યાંય ન ચાલે એવા પાર્સલને અમેરિકામાં સેટલ કરી આપે છે એટલે તરત જ વિચાર્યા વગર ફાઈલ મૂકી દીધી હોય. એડવાન્સમાં ૧૦ લાખ ચૂકવી પણ દીધા હોય અને આશાવાદી તો એટલાં હોય કે ગરમ કપડાની ખરીદી શરૂ કરી દીધી હોય. પતરાનો ટ્રંક વેચીને નવી બેગ ખરીદી લીધી હોય. વિઝા ઇન્ટરવ્યુની તારીખ નજીક આવે ત્યાં તો આખી શેરીમાં પથરાય એવડી ટેટાની સર લાવી રાખી હોય અને જ્યારે ખબર પડે કે ભાઈને આપવામાં આવેલો ઇન્ટરર્વ્યૂનો લેટર પણ ખોટો છે અને વિઝા માસ્ટર ૧૦ લાખ આવા ઘણા પાસેથી ઉઘરાવી પોતાના છોકરાને અમેરિકા મોકલી ચૂક્યા છે ત્યારે ઘેર પડેલી ટેટાની સર પર આંસુઓની ધાર વહી હોય તો પછી બોલો, સુરસુરિયા ન થાય તો શું થાય?!
ગુજરાતી ફિલ્મનો ટ્રેન્ડ એવો શરૂ થયો છે કે ઓછામાં ઓછી ૧૦૦ ફિલ્મ્સના મંડાણ થઈ ચૂક્યા છે. કોઈક સ્ક્રીપ્ટ પર અટકી છે, કોઈનું શૂટિંગ ચાલુ છે તો કોઈનું પોસ્ટ પ્રોડકશન. નવાણીયા પ્રોડ્યૂસરને એવો જ વિશ્ર્વાસ હોય છે કે ૨૫ કે ૩૦ લાખ ખર્ચીને ૫ કરોડ કમાવી લેવાની આથી વધુ સારી તક બીજી હોઈ જ ન શકે. આપણે તો ધડાકાભેર માર્કેટમાં આવીશું એવી આશા હોય પણ જ્યારે ફિલ્મ તૈયાર થઈને હાથમાં આવે ત્યારે ખબર પડે કે આ ફિલ્મને રિલીઝ કરવાની હિમ્મત કોઈ પણ કરી શકે એમ નથી! બે-ત્રણ વર્ષ સુધી પ્રયત્નો કરીને પછી જ ખબર પડે કે આ ફિલ્મની ડીવીડી તૈયાર કરાય અને આડોશ પાડોશ કે મિત્રોને જ બતાવાય. ધડાકાભેરના આવું
એક સુરસુરિયા બહુ ટૂંકા સમયમાં જ જોવા મળશે- તો ચોથી જૂને….!
વિચારવાયુ
EVM નક્કી કરશે કે કોણ ધડાકો અને કોણ સુરસુરિયું?