વીક એન્ડ

આ તો રાક્ષસણી છે…

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

મારા એક કરીબી મિત્રએ જાપાનીઝ છોકરી સાથે લગ્ન કરેલું અને પછી જાપાન માઈગ્રેટ થઈ ગયો. તેણે કપલ ફોટો મોકલાવેલા. ખૂબ સુંદર, નાજુક અને નમણી છોકરી. જાપાનીઝ હતી એટલે આપણે માની જ લઈએ કે વિવેકી પણ હશે જ. એકવાર મોડી રાત્રે એનો ફોન આવ્યો જાપાનથી. જાતભાતની અનેક પ્રકારની વાતો વચ્ચે મેં એને પૂછ્યું કે એલા તારી બાયડી કેવી છે સ્વભાવે ને બધી રીતે. મને કે આમ તો સારી છે . . . તેનો અચકાટ પારખીને પૂછ્યું કે આમ તો સારી છે તો બીજી રીતે કેવી છે. પછી એણે એક ચકિત કરી દે તેવી વાત કરી. એના જ શબ્દોમાં કહું તો લગન પછી અમે બહુ ફરતા, એકવાર એણે કોઈ ફ્લોટિંગ રેસ્ટોરામાં સાંજનું ડિનર બુક કરાવેલું. બોટમાં આવેલા આ રેસ્ટોરાંમાં દરેક ટેબલ સામે રસોઈ બનાવવા માટે આગવો રસોયો પણ હોય, જે તમારી ફરમાઈશ મુજબની વાનગી બનાવીને પીરસે. તે દિવસે મારી વાઈફે જાપાનીઝ ભાષામાં કોઈક વાનગીનો ઓર્ડર આપ્યો અને અમારો રસોયો ગયો અને પાણી ભારેલી કાચની એક પેટીમાં બે ત્રણ જીવતી માછલીઓ લાવ્યો અને અમારી સામે જ જીવતી માછલીઓ વઘારીને પીરસી દીધી. મારી બાયડી મને કબૂતરી જેવી ભોળી લાગતી હતી, પરંતુ આ તો જીવતા માછલાં ખાઈ જાય એવી રાક્ષસણી છે !
અમેરિકામાં અને યુરોપના ઘણા દેશોમાં મરીન પાર્ક આવેલા છે. મરીન પાર્ક એટલે પ્રાઈવેટ મરીન અમ્યુઝમેન્ટ પાર્ક જેઓ દરિયાઈ જીવોનું પ્રદર્શન કરતાં હોય અને એક મોટા હોજમાં વિવિધ ડોલ્ફિન્સના કરતબો અને ખેલ પણ દેખાડાય. સન. ૧૯૯૩માં એક અંગ્રેજી મૂવી આવેલું ફ્રી વિલી. આ ફિલ્મમાં એમ્યુઝમેન્ટ પાર્કમાં કેદ એક કીલર વ્હેલ અથવા ઓરકા નામે ઓળખાતી વ્હેલ માછલી અને એક કિશોરની મિત્રતાની અને એ વ્હેલ માછલીને એ કિશોર કેવી રીતે પાર્કની કેદમાંથી આઝાદ કરાવીને સમુદ્રમાં મુક્ત કરે છે તેની હૃદયસ્પર્શી કહાની છે. આ ઓરકા દેખાવે પણ એકદમ સુંદર અને ગમી જાય એવી હોય છે. એવું લાગે જાણે ચળકતા પ્લાસ્ટિકનું બનેલું સુંદર બલૂન ન હોય. ઓરકા એ ફિલ્મથી ખૂબ લોકપ્રિય બનેલી, પરંતુ ફિલ્મમાં જેટલી સુંદર દેખાય છે તેટલી જ ખતરનાક આ માછલી છે. તો ચાલો આજે ભોળી કબૂતરી જેવી દેખાતી આ રૂપસુંદરીની હકીકતો જાણીએ.

ઓરકા અથવા તો કીલર વ્હેલ તરીકે જાણીતી આ માછલી હકીકતે વ્હેલ માછલી નથી, પરંતુ માનવ મિત્ર તરીકે ઓળખાતી ડોલ્ફિનની જ એક જાતિ છે. ઓરકા ડોલ્ફિનની તમામ જાતિઓમાં સૌથી વિશાળકાય ડોલ્ફિન ગણાય છે. તો તેને કીલર વ્હેલ કેમ કહેવામાં આવે છે તેનો એક નાનકડો ઈતિહાસ છે. વર્ષો પૂર્વે કોઈ જહાજના ખારવા ઓરકાને સાચી વ્હેલનો શિકાર કરતાં જોઈ ગયેલા અને તેમણે તેનું નામ ‘વ્હેલ કીલર’ પાડી દીધું. વર્ષોપરાંત બે શબ્દોનો આ સમૂહ ઉલટાવાઈ ગયો અને ઓરકા કીલર વ્હેલ બની ગઈ! પણ ખાલી શબ્દોની હેરાફેરી તેના નામ પાછળ કારણભૂત નથી, પરંતુ તેનો સ્વભાવ અને શિકાર કરવાની ઝનૂની છતાં આયોજનબદ્ધ પદ્ધતિના લીધે પણ તે કીલર વ્હેલ બને છે.

તો ચાલો . . . કીલર વ્હેલના અચરજભર્યા થોડા પાસા અંગે જાણીએ ? સૌપ્રથમ અચરજ એ છે કે અગાઉ કહ્યું તેમ ઓરકા એ વ્હેલ નથી પરંતુ ડોલ્ફિનની એક જાતિ છે. બીજું અચરજ એ છે કે ઓરકામાં હજારો વર્ષ દરમિયાન આવેલી ઉત્ક્રાંતિ માનવમાં આવેલી ઉત્ક્રાંતિ જેવી, એટલે કે કલ્ચર એટલે કે સંસ્કૃતિ આધારિત ઉત્ક્રાંતિ છે. અલ્યા . . . આ સંસ્કૃતિ આધારિત ઉત્ક્રાંતિ એ વળી શું બલા છે? તો ચાલો સમજીએ, ઓરકા પેટની આગ ઠારવા માટે જૂથમાં શિકાર કરે છે. ઓરકાનું દરેક જુથ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દરિયાઈ જીવોના શિકાર કરે છે. આમાં અચરજ ભરી વાત એ છે કે દરેક જૂથની જીનેટિક સંરચના અલગ અલગ ઘડાય છે, વાણી, વ્યવહાર અને વર્તણૂક પણ અલગ અલગ જોવા મળશે. પૃથ્વી પરના તમામ જીવોમાં માનવ સિવાય એક ઓરકા જ એવું પ્રાણી છે જેની ઉત્ક્રાંતિ સંસ્કૃતિ આધારિત છે.
પૃથ્વીના મોટા ભાગના જીવો મૃત્યુ સુધી પ્રજનન કરી શકે છે, માત્ર માનવને છોડીને ઓરકા જ એવો જીવ છે જેની માદા એક ચોક્કસ શારીરિક ઉંમર બાદ પ્રજનન ક્ષમતા ગુમાવી બેસે છે. મતલબ કે માનવમાં માદા એક ચોક્કસ ઉમરે મેનોપોઝમાં આવીને પ્રજનન ક્ષમતા ગુમાવે છે, એમ માદા ઓરકા પણ ઉમરના એક ચોક્કસ પડાવે મેનોપોઝમાં આવે છે. ત્યાર બાદ એ માદા પ્રજનન કરીને બચ્ચા જણવાને બદલે પોતાના જૂથના યુવાધનને જીવનની કળાઓમાં મહારથ હાંસલ કરવામાં શિક્ષકની ભૂમિકા ભજવે છે !

ઓરકા જૂથમાં રહેતો જીવ છે અને તેના જૂથને પોડ કહેવામાં આવે છે. દરેક પોડની અલગ અલગ ભાષા છે. આયલા… તો ગુજરાતી ભાષી ઓરકા કાલે સવારે મરાઠી બોલતી ઓરકાથી દરિયામાં અલગ રાજ્ય બનાવશે? અને હા પંજાબી ઓરકા તો પાછી ખાલિસ્તાનની માગ કરીને ઉત્પાત મચાવશે…? મસ્તી અપાર્ટ પણ હકીકત એ છે કે દરેક ઓરકાના સમુદાયને પોતાની આગવી ભાષા હોય છે. વધુમાં માનવને બાદ કરતાં ઓરકા એકમાત્ર એવું પ્રાણી છે જે પૃથ્વીના તમામ સમુદ્રોમાં સૌથી વધુ ફેલાયેલો જીવ છે. શાર્ક અને બીજી હજારો જાતની માછલીઓની જેમ ઓરકા સમુદ્રમાં સુગંધ ઓળખી શકતી નથી. માનવ, હાથી અને ત્યાર બાદ ઓરકાનું દિમાગ યાને બ્રેઇન યાને મગજ સૌથી મોટા કદનું હોય છે.

આપણી હિરોઈન ઓરકાની હિંમતની વાત કરીએ તો… આપણે સૌ જાણીએ છીએ કે સમુદ્રનું સૌથી ખૂંખાર પ્રાણી છે ગ્રેટ વ્હાઈટ શાર્ક. પરંતુ આપણી હિરોઈનની સામે સમુદ્રી દૈત્ય ગણાતી ગ્રેટ વ્હાઈટ શાર્ક પણ થરથરે છે! સમુદ્રમાં શાર્ક જે વિસ્તારમાં કાયમી રહેતી હોય છે તે વિસ્તારમાં ભૂલથી પણ જો ઓરકાનું કોઈ જૂથ માત્ર પસાર થતું હોય તો પણ ત્યાંની તમામ શાર્ક પેલેસ્ટીનિયનોની જેમ એ વિસ્તાર છોડીને રફુ ચક્કર થઈ જાય છે!

અંતે ઓરકાની શિકારક્ષમતાનું એક ઉદાહરણ જોઈએ. એક સીલ ઓરકાથી બચવા આર્કટિક સમુદ્રમાં તરતી એક મોટી બરફની પાટ પર ચડી જાય છે. ઓરકાનું જૂથ ઘણા પ્રયત્નો કરે છે પણ આ સિલબેન બચી જ જાય છે. અંતે તમામ ઓરકા એકસાથે ડૂબકી મારીને દૂરથી આ બરફની શીલા તરફ પૂર ઝડપે ધસી આવે છે અને પાણીમાં ઊભું થયેલું એક વિશાળ મોજું બરફની આ પાટને ઉથલાવી નાખે છે. અને ઓરકાનું એ જૂથ ખાઈ-પીને લહેર કરે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત