વીક એન્ડ

આતંકવાદીઓનાં આ નવાં શસ્ત્રો વધુ ખતરનાક છે !

આ ડિજિટલ યુગમાં આતંકવાદી ગ્રુપ્સ એમની હિંસક પ્રવૃત્તિઓ માટે વોટ્સએપ-ફેસબુક-યુટ્યૂબ - એક્સ ,ઈત્યાદિ જેવાં સોશિયલ મીડિયાનો સચોટ ઉપયોગ કરે છે. એટલુ જ નહીં, ભેદી ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સ અને આધુનિક શસ્ત્રોની હેરાફેરી પણ કરે છે. આ ખતરનાક સાયબર ટેકનોલોજી પર હવે કડક અંકુશ મેળવવાનો સમય આવી ગયો છે.

કવર સ્ટોરી – પ્રથમેશ મહેતા

‘નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ’ (એનઆઈએ)એ છત્રપતિ સંભાજીનગરમાં ‘ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરીયા’ (આઈએસ)નું વોટ્સ એપ મોડ્યુલ નેસ્તનાબૂદ કરી નાખ્યું. આમાંથી એ વાતનો ખ્યાલ આવે છે કે આપણા રોજિંદા વપરાશમાં લેવાતા સોશિયલ મીડિયા જેવાં કે વોટ્સએપનો આતંકવાદી ઉપયોગ કરે છે અને ભોળા તરૂણોને ગેરકાયદે કૃત્યમાં સહભાગી કરવા આમંત્રિત કરે છે. આમાં મળેલા અમુક તરુણો ત્યાં ‘આઈએસ’ને જઈને મળવાના હતા. આ ઘટસ્ફોટ બતાડે છે કે સામાન્ય જનતાએ કેટલું સાવધાન રહેવું પડશે.

વોટ્સએપ, ફેસબુક, ટેલિગ્રામ, યુ- ટ્યુબ ચેનલ જ નહીં, પરંતુ ડાર્ક વેબસાઈટનો આતંકવાદ માટે દુરુપયોગ કરવામાં આવે છે.

સામાન્ય જનતાને પોતાની કટરવાદી વિચારસરણીના પ્રભાવ હેઠળ લાવવા અને એને માન્યતા અપાવવા આતંકવાદીઓ આખા જગતમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. અનેક સુશિક્ષિત યુવાન આતંકવાદી સંગઠનના ખોટા પ્રચારના શિકાર બને છે. આ યુવાનો પોતાનો દેશ છોડીને આતંકવાદી સંગઠનમાં જોડાય છે. ભારતમાં પણ આવા અનેક દાખલા જોવા મળ્યા છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ‘એનઆઈએ’ અને ‘એન્ટિ ટેરરિઝમ સ્કવોડ’ (એટીએસ)એ અનેક ટેરર મોડ્યુલને ખતમ કર્યા છે. સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ભરતી કરવાનું કૃત્ય આતંકવાદી સંગઠનો કરે છે. આતંકવાદી કૃત્યો કરવા માટે માનવબળ મેળવવા સોશિયલ મીડિયાના માધ્યમનો દૂરુપયોગ કરવામાં આવે છે. ડાર્ક વેબના માધ્યમથી હથિયારની ખરીદી અને નાણાંની લેવડદેવડ પણ થાય છે. ડાર્ક વેબ ઈન્ટરનેટનો એક એવો ગુપ્ત ભાગ છે,જ્યાં સુધી આપણે સામાન્ય સર્ચ એન્જિન દ્વારા પહોંચી શકાતું નથી . આ માટે ‘ટોર’ જેવું બ્રાઉઝર વાપરવું પડે. આના દ્વારા વપરાશકારની ઓળખાણ સંપૂર્ણપણે છુપાવી શકાય. અનેક ઓનલાઈન ગુના, ગેરકાયદે ટ્રાન્ઝેકશન આ જ માધ્યમથી થાય છે. ડાર્ક વેબનો પડકાર દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને છે.
ડાર્ક વેબ પહેલાં પણ સોશિયલ મીડિયાનો દુરુપયોગ અનેક આતંકવાદી સંગઠનોએ કર્યો હતો. અલ કાયદા જેવા સંગઠનને આની મદદથી અનેક સમર્થક મળ્યા હતા. હવે આઈએસના પ્રચાર કરવા માટે અનેક ઘટક સક્રિય છે અને વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક ફિલ્મ , ક્લિપ તૈયાર કરીને યુ ટ્યુબ પર મૂકીને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવે છે. ટ્વિટરનો પણ આ જ રીતે મોટા પ્રમાણમાં દુરુપયોગ કરવામાં આવે છે.

૨૦૧૫ના ‘બ્રુકિંગ સ્ટડી રિપોર્ટ’માં કહેવામાં આવ્યું છે કે આયએસના સમર્થકો દ્વારા ૪૬,૦૦૦ એકાઉન્ટ ચલાવામાં આવતા હતા. સપ્ટેમ્બર ૨૦૧૪માં સર્વાધિક એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યા હતા. અનેક વાર હેશટેગ અને ક્યારેક બીજાના હેશટેગ હેક કરીને કામ કરવામાં આવ્યું. દાખલા તરીકે, ‘વિશ્ર્વકપ’ હેશટેગ વાપરીને આયએસએ ઉદામવાદી પ્રચાર સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યો હતો. હેશટેગ મારફતે પ્રસારિત કરાયેલી માહિતીને વિશ્ર્વકપ સાથે કોઈ સંબંધ નહોતો. ‘આઇએસે’ એ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાને ઈસ્લામિક વિચારધારાના ખરા પ્રતિનિધિ તરીકે ઉપસાવ્યું હતી. ‘આઇએસે’ પોતાને બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી હતી.

સંયુકત રાષ્ટ્રસંઘના રિપોર્ટ પ્રમાણે લગભગ ૨૫,૦૦૦થી વધારે યુવાનો આને લીધે આઈએસને મળ્યા. આઇએસે આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા પર આવા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે આ એકાઉન્ટ પર બંદી મુકાય કે અલગ નામથી નવું એકાઉન્ટ શરૂ કરવામાં આવે છે. આથી આનો વ્યાપક ઉપયોગ થાય એ સમયનો તકાજો છે.
ઈન્ટરનેટ પર અનેક વેબપેજ, ડેટા અને સર્વર હોય છે. એનો સામાન્ય લોકો ગૂગલનું સર્ચ એન્જિન કે યાહુનો ઉપયોગ કરે છે. આ માહિતી તો હિમશિલાના દૃશ્ય ભાગ જેવી હોય છે. ઈન્ટરનેટના અથાગ સાગરમાં ‘ડાર્ક વેબ’ આવો ભાગ હોય છે જે ખાસ વેબ બ્રાઉઝરને જ મળે છે. સાયબર સ્પેસના ‘ડાર્ક વેબ’નો ભાગ ક્રિપ્ટો એકાઉન્ટ, ઓનલાઈન બેન્કિંગ એક્સેસ અને ઈ-વેલેટને સમાવી લે છે. ‘ડાર્ક વેબ’ મુખ્યત્વે નેટવર્ક સુરક્ષા, સાયબર ગુનાખોરી, મશીન લર્નિંગ અને કેફીદ્રવ્યોના વેપાર આ ઘટકોમાં વ્યાપેલો છે.

સાલ ૨૦૨૩માં ડાર્ક વેબના ૨૫ લાખ વિઝિટર હતા. આ મુખ્યત્વે ટોર દ્વારા મુલાકાત લેતા હતા. આતંકવાદી સંગઠન ‘ડાર્ક વેબ’નો ઉપયોગ કરીને હેતુ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. આઈએસે પોતાના વ્યવહાર પાર પાડવા સુરક્ષા યંત્રણાની નજરથી કેવી રીતે બચવું એનું પ્રશિક્ષણ સભ્યોને આપે છે. આઈએસ, અલ કાયદા, હમાસ અને હિજબુલ્લાહ નવા સભ્યો મેળવવા, ફંડ મેળવવા, હુમલાનું આયોજન કરવા અને હિંસાચાર ભડકાવવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કરે છે
ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ (આઇએસકેપી) તેના માસિક ‘વોઈસ ઑફ ખોરાસન’માં જણાવ્યું છે કે ઈસ્લામિક સ્ટેટના સમર્થકોએ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીને તગડું ફંડ મેળવ્યું. સાલ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન હમાસને ૪૧ મિલિયન અમેરિકન ડૉલર અને પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદને ૯૩ મિલિયન અમેરિકન ડૉલર ક્રિપ્ટો કરન્સીના માધ્યમથી મળ્યા હતા. આવી આર્થિક ગેરરીતિને લીધે જ આતંકવાદીઓ ગેરકાયદે શસ્ત્ર ખરીદી શક્યા હતા.
આખા જગતમાં ડ્રગ્સનો વેપાર ‘ડાર્ક વેબ’ પર ચાલે છે. ઈન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડના ૨૦૨૩ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાગતિક સ્તરે માદક પદાર્થનો વેપાર ડાર્ક વેબ પર ચાલે છે. ઈન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડના ૨૦૨૩ના અહેવાલમાં માહિતી આપવામાં આવી છે કે વૈશ્ર્વિક સ્તરે ડ્રગ્સનું સેવન દક્ષિણ એશિયામાં ૩૯ ટકા છે અને એનું કેન્દ્રબિંદુ ભારત છે.

જાગતિક આતંકવાદી જૂથની કામગીરીના અભ્યાસ પરથી તારણ નીકળ્યું છે કે આતંકવાદી હુમલાના અમુક તબક્કા સામાન્ય છે. આમાં પ્રથમ આતંકવાદી સંગઠનની રચના કરવામાં આવે છે. ત્યાર બાદ માનવબળ સમાજમાંથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભેગું કરવામાં આવે છે. ભાવુક યુવક-યુવતીના માનસમાં કટરવાદનું ઝેર રેડવામાં આવે છે અને એમનું બ્રેનવોશ કરવામાં આવે છે. એમને પોતાના સમાજ-ઘરથી દૂર કરવામાં આવે છે. ત્યાર બાદ એમનો ઉપયોગ આતંકવાદી હુમલામાં કરાય છે.

ટૂંકમાં વધતા જતા આતંકવાદમાં સાયબર ટેક્નોલોજી એનું મહત્ત્વનું પાસું છે એમાં કોઈ બે મત નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button