જાત પર આંધળો વિશ્ર્વાસ રાખીને આ અંધ લોકો ઇતિહાસ રચી ગયા!
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
ફિલ્મ તો આમ એક વિઝ્યુઅલ મીડિયમ છે. તમે આંખો બંધ કરીને સંગીત સાંભળી શકો, પણ ફિલ્મ ન માણી શકો. ટોમી એડિસન ગમે એટલું ઈચ્છે તો ય ફિલ્મ જોઈ શકે એમ નથી, કેમ કે એ અંધ છે, છતાં આ વિરલો ગમતી ફિલ્મો ટેસથી ‘જુએ’ છે અને એ ફિલ્મનાં વિવિધ પાસાઓ વિષે ચર્ચા કરતો વીડિયો પોતાની યુ-ટ્યુબ ચેનલ પર પબ્લિશ પણ કરે છે!
ઠેઠ ૨૦૧૧ થી એ આ રીતે કામ કરી રહ્યો છે. જન્મથી અંધ ટોમીએ પોતાની મર્યાદાઓને સ્વીકારી લીધી છે. ફિલ્મનાં દૃશ્યો એને દેખાતા નથી માટે એ ક્યારેય કોઈ ફિલ્મને વિઝ્યુઅલી ક્રિટીસાઈઝ નથી કરતો. ફિલ્મમાં સિનેમેટોગ્રાફી બહુ મહત્ત્વની છે એ સાચું, પણ એ સિવાયના ય મહત્ત્વના પાસાઓ છે જ ને! દાખલા તરીકે, લેખન. ટોમી હંમેશાં ફિલ્મની કથા-પટકથા વિષે વાત કરવાનું પસંદ કરે છે. એ ઉપરાંત કલાકારો દ્વારા થતી ડાયલોગ ડિલીવરી પણ એક્ટિંગનો મહત્ત્વનો ભાગ ગણાય. ટોમી એક્ટર્સના વોઇસ મોડયુલેશન, ટોન વગેરે વિષે વાત કરવાનું પણ પસંદ કરે છે. ક્યારેક આપણેય આંખે પાટા બાંધીને ફિલ્મ જોવાનો અનુભવ લેવા જેવો છે. સિનેમેટોગ્રાફીને સ્પર્શ્યા વિના, માત્ર સાઉન્ડ્સ અને નેરેશન દ્વારા ફિલ્મ માણવાનો અનુભવ કેવો હોય, એ પણ જાણવું જોઈએ!
ફિલ્મ રિવ્યૂઝ સિવાયનું એક વધુ મહત્ત્વનું કામ ટોમી પોતાની બીજી યુ-ટ્યુબ ચેનલ દ્વારા કરી રહ્યો છે. આ બીજી ચેનલ પર તે દર્શકો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના એ ઉત્તર આપે છે. એક અંધ માણસ દુનિયાને કઈ રીતે અનુભવે છે, એક અંધ બાળકને હસતાં કઈ રીતે શીખવી શકાય, આંધળાઓ રંગો-ઋતુઓ વચ્ચેનો ભેદ કઈ રીતે પારખે છે… વગેરે વાત પર ટોમી ચર્ચા કરે છે. આવી ચર્ચાઓથી નોર્મલ વ્યક્તિઓ કોઈક અંધ વ્યક્તિના ભાવવિશ્વને સરળતાથી સમજી શકે છે. કેટલાક લોકો પોતાની મર્યાદાઓને વળોટીનેય ગજબનું કામ કરી જાણે છે… જે જન્મથી જ અંધ હોય, એમની બીજી ઇન્દ્રિયો (સેન્સિસ) સામાન્ય વ્યક્તિઓ કરતાં જુદી રીતે ટેવાયેલી હોય છે, પણ જે જીવનને મધ્યાહને દૃષ્ટિ ગુમાવે, એનું શું? પોતાની આંખો દ્વારા જે દુનિયા માણી હોય, એ અચાનક જ દેખાતી બંધ થઇ જાય તો કેવી ગૂંગળામણ થાય! આ લોકો જીવનના અણગમતા બદલાવ સાથે કઈ રીતે એડજસ્ટ થતા હશે-પોતાની જાતને કઈ રીતે ગોઠવતા હશે?!
જાણીતી સંસ્કૃત કહેવત છે : ‘પંગુ લંઘયતે ગિરિમ’. સાદી ભાષામાં કહીએ તો ‘મન હોય તો માળવે જવાય.’ , જેનું મન મજબૂત હોય એવા લોકો શારીરિક રીતે અપંગ થઇ ગયા હોવા છતાં માળવા તો શું, ઠેઠ દક્ષિણ ધ્રુવ સર કરી બતાવે! એરિક વિનમેયર નામનો અંધ સાહસિક એવરેસ્ટનું શિખર સર કરી ચૂક્યો છે. રોયલ નેવીમાં કામ કરી ચૂકેલો એલન એલન લોક પણ આવો જ એક વિરલો છે. એલનનું સપનું તો બ્રિટિશ નેવી માટે સબમરીન હાંકવાનું હતું. આ માટે એણે આકરી તાલીમ શરુ કરી, કમનસીબે એમાં અકસ્માત થયો અને એલનને આંખે કાયમી અંધાપો આવી ગયો…આમ જુઓ તો એરિક સંપૂર્ણ અંધ નહોતો થયો, પણ આંખ પર કોઈએ ફ્રોસ્ટેડ ગ્લાસના ચશ્મા પહેરાવી દીધા હોય એવા – સાવ ધૂંધળા અને અસ્પષ્ટ દૃશ્યો એને દેખાતા. એમાં વળી વચ્ચે વચ્ચે બ્લાઈન્ડ સ્પોટ પણ હોય! લગભગ અંધાપા જેવી જ સ્થિતિ, પણ નેવીની ટ્રેનિંગને કારણે એલનનું શરીર ખડતલ અને મન મજબૂત. એટલે અંધાપાથી હારીને ઘરે બેસી જવાને બદલે એલને દોસ્તોના સહારે રખડપટ્ટી શરૂ કરી અને એ રખડપટ્ટી પણ કેવી? ૨૦૦૩ થી ૨૦૧૨ દરમિયાન એરિક ૧૮ મેરથોન દોડ્યો, પર્વતારોહણ કર્યું અને એટલાન્ટિક ઓશન પાર કરનારો પ્રથમ અંધ વ્યક્તિ બન્યો! આટલાથી સંતોષ ન હોય એમ એલન પોતાના બે તંદુરસ્ત મિત્રો અને ગાઈડને લઈને એન્ટાર્કટિકા ખંડના કિનારે જઈ પહોંચ્યો. પ્લાન હતો બરફ આચ્છાદિત વિસ્તારોમાં સ્કિઈંગ કરીને પૃથ્વીના દક્ષિણ ધ્રુવની સફર ખેડવી! ધ્રુવ પ્રદેશના બરફમાં સૂસવાટા મારતા પવન વચ્ચે શરીર પર ખોરાક સહિતની જીવન જરૂરી ચીજોનું વજન (આશરે ૬૦ કિલોગ્રામ!) લાદીને સ્કિઈંગ કરવાનું હોય કે પગપાળા બરફ ખૂંદવાનો હોય, તો ભલભલા પહેલવાનના હાંજા ગગડી જાય…પણ અંધ એલન લોકે આવી વિષમ પરિસ્થિતિમાં પણ પોતાના સાથીદારોના સહવાસે ૯૬૦ કિલોમીટરનો દુર્ગમ પ્રવાસ માત્ર ૩૯ દિવસમાં પૂરો કરી બતાવ્યો! આ સાથે જ એ પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ સર કરનારો પ્રથમ અંધ વ્યક્તિ બન્યો! ઈનામરૂપે ૨૫,૦૦૦ ડોલર્સ જીત્યો એ લટકામાં!
આ તો થઇ અંગત સિદ્ધિઓની વાત, પણ કેટલાક અંધ વ્યક્તિઓ એવી પણ છે, જેમની સિદ્ધિઓ આવનારી પેઢીઓને ય કામ લાગી.
થોડા સમય પહેલા જ આપણે આ કટારમાં આવી બે સ્ત્રી – લૌરા બ્રિજમેન અને હેલન કેલરની વાત કરેલી. ડો. જેકબ બોલોટિનનું નામ પણ આ શ્રેણીમાં જોડી શકાય. પોલેન્ડથી માઈગ્રેટ થઈને અમેરિકા આવી પહોંચેલા બોલોટિન પરિવારને ગરીબીની સાથે સાથે અંધાપાનો ય અભિશાપ! પરિવારમાં કુલ સાત પૈકી ત્રણ બાળક તો જન્મથી જ અંધ! એમાં ૧૮૮૮માં શિકાગો ખાતે જન્મેલો જેકબ પણ ખરો. દૃષ્ટિ નહોતી, પણ જેકબની બાકીની સેન્સિસ ગજબનાક! અંધ લોકો માટેની સંસ્થામાં શિક્ષણ લઈને એણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એનું સપનું તો ડોક્ટર બનવાનું હતું, પણ કઈ મેડિકલ કોલેજ કોઈ અંધ વિદ્યાર્થીને એડમિશન આપવા રાજી થાય? ઊલટાનું લોકો જેકબને ઘેલો ગણીને હસી કાઢતા. ઉપહાસ અને અવગણના વચ્ચેય કોણ જાણે કઈ આંતરિક શક્તિએ જેક્બનું સપનું જીવતું રાખ્યું . અનેક શિક્ષણ સંસ્થાઓના ધક્કા ખાધા પછી નસીબ આડેનું પાંદડું ખસ્યું હોય એમ ‘શિકાગો કોલેજ ઓફ મેડિસિન’ આ અંધ વિદ્યાર્થીનેલ એડમિશન આપવા તૈયાર થઇ. સામે જેકબ પણ સંઘર્ષ માટે તૈયાર હતો. ધગશ- મનોબળ અને ઈશ્વરદત્ત ઈન્દ્રિયઓને પ્રતાપે જેકબ વિશ્વનો પ્રથ અંધ ડોક્ટર બન્યો! ફિઝિશિયન તરીકેનું લાઈસન્સ લઈને તબીબી પ્રેક્ટિસ પણ શરૂ કરી, પણ કોઈ અંધ ડોક્ટર પેશન્ટને તપાસે કઈ રીતે?
જેકબ ભલે જોઈ નહોતો શકતો, પણ હૃદયના ધબકારા સહિતનું ઘણું માત્ર સ્પર્શના આધારે સમજી શકતો. આથી એણે હૃદય અને ફેફસાંના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ ચાલુ કરી. પેશન્ટને પણ આ અંધ ડોક્ટરમાં ગજબનો વિશ્ર્વાસ… એક ઘટના બહુ જાણીતી છે ભણતરના ભાગરૂપે જ્યારે ડો જેકબ ઇન્ટર્નશીપ કરતો હતો, ત્યારે એક યુવતી ઈલાજ માટે એની પાસે આવી. આ યુવતીના ધબકારા માપીને જેકબે જાહેર કર્યું કે યુવતીના હૃદયનો વાલ્વ ખામીયુક્ત છે… વધુ તપાસ કરતા જેકબની વાત સંપૂર્ણપણે સાચી સાબિત થઇ. એ ઘટનાએ ડો. જેકબને ખાસ્સી પ્રસિદ્ધિ અપાવી અને પેશન્ટ્સ એક અંધ ડોક્ટર પપર આંધળો વિશ્ર્વાસ કરતા થઈ ગયા ! ડોક્ટર તરીકે સફળતા મેળવનાર જેકબે પછી તો ઘણા દેશનો પ્રવાસ કર્યો અને પોતાના પ્રવચનો દ્વારા અંધાપા અંગે લોકોમાં જાગૃતિ આણવાનું કામ કર્યું. ડો. જેકબે વિશ્વની પ્રથમ એવી સ્કાઉટ ટુકડી બનાવી, જેના તમામ સભ્ય અંધ હોય! ઉમદા ડોક્ટર તરીકે લોકોનો પુષ્કળ પ્રેમ પામનાર ડો. જેકબ માત્ર ૩૬ વર્ષની વયે અંધારા- અજવાળાની દુન્યવી રમત છોડીને સદા માટે પવિત્ર રોશનીમાં વિલીન થઇ ગયા. કહે છે કે વિશ્ર્વના આ પ્રથમ અંધ ડોક્ટરની અંતિમ યાત્રામાં ૫,૦૦૦ લોકો ઊમટી
પડેલા!
અહીં જે દાખલા જોયા એ પરથી જણાય છે કે આ તમામ અંધ વ્યક્તિઓએ પોતાની જાત પર આંધળો વિશ્ર્વાસ હતો. અને આ વિશ્ર્વાસ મક્કમ મનોબળ તેમજ અથાક સંઘર્ષને પ્રતાપે પેદા થયો હતો.