ઉડતા સાપોની અજાયબ દુનિયા…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
લગભગ ૧૯૯૪-૯૫માં ગાંધીનગરમાં એક સર્પ બચાવ કરનાર તરીકે મારી નામના સારી એવી થઈ ગયેલી. એ દરમિયાન ગાંધીનગરના જ થોડા સર્પ બચાવનારાઓનો પરિચય થયેલો. આમ જુઓ તો નાતભાઈ કહેવાઈએ એટલે વારે વારે મળતા રહીએ, ફોન પર વાતો થાય. મળીએ ત્યારે સ્વાભાવિક રીતે જ પોતપોતાના અનુભવો શેર કરીએ. આવી થોડી મુલાકાતોમાં આવા જ એક સર્પમિત્રની થોડી વાતો સાંભળેલી. પરંતુ એમની એક વાત મારા મનમાં બેસી ગઈ. કોઈ પણ વાત બે કારણોસર અંતરમાં બેસી જાય, પ્રથમ તો એ વાત એટલી ચકિત કરી દે તેવી અને અજાયબીભરી હોય તો, અને બીજી વાત સાવ વાહિયાત હોય તો અંતરમાં ઉતારી જાય. તેમની આવી જ એક વાત મારા અંતરમાં બેસી ગયેલી. અદ્ભુત હતી કે વાહિયાત એ તમે સૌ નક્કી કરજો, નહિતર મારા પર ટીકાખોરની કાળી બિંદી લાગી જશે. એકવાર એ મિત્ર અને અમે ચા પીવા બેઠેલા અને તણસ નામના સાપની વાત નીકળી. એમણે મને કહ્યું કે એકવાર તણસ ઊડતી હતીને તેમણે હવામાંથી જ પકડી લીધી હતી! મધ્ય ગુજરાત અને ગુજરાતના સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં તણસ વિષે એક માન્યતા એવી છે કે તણસ હવામાં ઊડે અને તણસ કરડે તો માણસ પાણી પણ ન માંગે! હવે વાત એવી છે કે તણસ જે સાપને કહે છે તે સાપનું ગુજરાતી નામ છે રેલીયો સાપ અને અંગ્રેજી નામ છે બ્રોનઝબેક્ડ ટ્રી સ્નેક. ટ્રી સ્નેક હોવાના નાતે તે મોટે ભાગે વૃક્ષો પર રહેતો હોય છે અને પંખીઓના માળામાં રેડ કરીને તેના ઈંડા ખાઈ જાય, નાની ગરોળીઓને ખાઈ જાય છે. નજીક નજીક વૃક્ષો આવેલા હોય તેવા વિસ્તારમાં રહે. અને એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર જવા માટે તે સારો એવો કૂદકો હવામાં જ લગાવતો હોય છે. તેની આ આદતના લીધે જોનારા એવું માની બેસે છે કે તણસ ઊડે છે. તણસની ગતિ એટલી હોય છે કે એવું લાગે જાણે પાણીનો રેલો જઈ રહ્યો છે.
તો એક પ્રશ્ન એ પણ ઊભો થાય કે ઊડતો સાપ હકીકતે અસ્તિત્વમાં હશે ખરો? અલ્યા, નેટ-જીઓ અને ડિસ્કવરીનું સબસ્ક્રિપ્શન ધરાવતા મારા જેવા કેટલાયને ખબર જ હોય છે કે ઊડતો સાપ હોય જ નહીં. તો આ સાપની ચોપડિયુંમાં એક સાપનું નામ ઓર્નેટ ફ્લાઈંગ સ્નેક કેમ આપવામાં આવ્યું હશે? ઓર્નેટ એટલે રંગબેરંગી અને ફ્લાઈંગ એટલે ઊડતો. આજે આપણે આ બધા પ્રશ્નોના જવાબ મેળવીશું કે ઉડતા સાપની કેટલી જાતિઓ હોય, ક્યાં ક્યાં જોવા મળે, એ ઊડે છે કે નહીં વગેરે વગેરે. ઉડતા સાપનું વૈજ્ઞાનિક નામ છે ક્રીસોપેલિયા’. સાપોના કુલ પાંચ જેટલા વર્ગોમાંથી ઊડતો સાપ સૌથી મોટા વર્ગ કોલ્યુબ્રાઈડ વર્ગમાં આવે છે. કોલ્યુબ્રાઈડ સાપોમાંના મોટાભાગના સાપ બિનઝેરી હોય છે.
આપણો આજનો નાયક ઊડતો સાપ’ દક્ષિણપૂર્વના એશિયન દેશોમાં જોવા મળે છે એટલે કે વિએટનામ, કંબોડિયા, થાઈલેન્ડ, મ્યાનમાર, લાઓસ, ઇન્ડોનેસિયા, ચીન અને અંતે શ્રીલંકા અને આપણા દેશમાં પણ જોવા મળે છે. ભારતમાં વર્ષા વન દક્ષિણ ભારતમાં આવેલા છે, એટલે કે મહારાષ્ટ્રથી શરૂ કરીને છેક કેરલાના અંતિમ છેડા સુધી ઘટાટોપ જંગલોમાં ફ્લાઈંગ સ્નેક વસે છે.
ભારતના સર્પ વૈજ્ઞાનિકોએ લખેલી ફિલ્ડ ગાઈડ્સ જોશો તો તમને ભારતમાં ક્યાં ક્યાં ઊડતો સાપ જોવા મળે છે તે રાજ્યોની યાદીમાં ગુજરાતનું નામ જોવા મળશે નહીં. પરંતુ હકીકત એ છે કે મહારાષ્ટ્ર થઈને આખા દક્ષિણ ભારતમાં ફેલાયેલી પર્વતમાળાઓ ગુજરાતની દક્ષિણથી શરૂ થાય છે, અને ઓર્નેટ ફ્લાઇંગ સ્નેક ગુજરાતનાં એ વિસ્તારોમાં રેકોર્ડ પણ થયો છે. ખેર આ બધુ પાછું પર્યાવરણનું પોતાનું રાજકારણ છે, પરંતુ મહત્વનું એ છે કે ગુજરાતમાં પણ ઊડતો સાપ છે ખરો.
ઉડતા સાપની કૂલ મળીને મુખ્યત્વે પાંચ પ્રજાતિઓ જોવા મળે છે. ઓર્નેટ ફ્લાઈંગ સ્નેક, પેરેડાઈઝ ટ્રી સ્નેક, બેન્ડેડ ફ્લાઈંગ સ્નેક, મોલુક્કન ફ્લાઈંગ સ્નેક અને શ્રીલંકન ફ્લાઈંગ સ્નેક. તો હવે એ સમજીએ કે ફ્લાઈંગ સ્નેક હકીકતમાં ફ્લાય કરે છે કે નહીં. ના, ઉડકણો સાપ ઊડતો નથી પણ હકીકતે તો તે હવામાં ગ્લાઈડ કરે છે એટલે કે માત્ર સરકે છે. સામાન્ય સાપનું શરીર નળાકાર હોય, ઉડતા સાપનું શરીર પણ નળાકાર જ હોય છે પરંતુ તેના શરીરમાં પોતાની પાંસળીઓને ફેલાવીને શરીરને સાવ ચપટા આકારમાં ફેરવી દેવાની ક્ષમતા છે. આપણા ઉડકાણા સાપને કોઈ પણ કારણોસર જ્યારે એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર જવું હોય તો ડાહ્યા માણસની જેમ નીચે ઉતારીને બીજા વૃક્ષ પર ચડતો નથી. તે વૃક્ષની ઊંચી ડાળી પર જઈને પોતાની પૂંછડીથી ડાળીનો છેડો પકડીને શરીર હવામાં લટકાવી દે છે. પછી જોર લાગા કે હઇસા કરીને મારે છે સામેના વૃક્ષ તરફ જમ્પ અને હવામાંજ પોતાના શરીરને પહોળું કરી દે છે, જેથી હવા સાથેનું ઘર્ષણ વધે અને તે થોડે દૂરના વૃક્ષ સુધી હવામાં સરકતો સરકતો પહોંચી જાય છે. હવે આપણને એમ થાય આ સાપ ઊડી નથી શકતો તો હવા જ્યાં લઈ જાય ત્યાં જ જાય ને? ના બીડુ, આ અજાયબ જીવે હવામાં પોતાની ઇચ્છિત દિશામાં વળાંક લઈને દિશા બદલતા પણ શીખી લીધું છે.
પણ આ ફ્લાઈંગ સ્નેક ને ફલાય કરવાની જરૂર શું? તો એની પાછળના બે ત્રણ કારણો છે. સૌ પ્રથમ કારણ તો એ કે પોતે જે વૃક્ષ પર છે તેની બાજુના વૃક્ષ પર શિકાર દેખાય તો નીચે ઉતરવાને બદલી ઉડીને પહોંચવાથી સમય બચે અને શિકાર કરવાની સંભાવનાઓ વધી જાય. બીજું કારણ ડર. ફ્લાઈંગ સ્નેક પર હુમલો થાય કે એનો શિકારી આવી ચડે તો ડરના માર્યા સહેલો અને અસરકારક રસ્તો ઉડીને ભાગવાનો છે. આમાં કોમન ટ્રી સ્નેક્સની બીજી પ્રજાતિઓની સરખામણીમાં આપણા ઉડતા સાપે સમયની માંગ મુજબ ચોક્કસ અંતર સુધી ઉડતા એટલે કે ગ્લાઈડ કરતાં શીખી લીધું છે. ઉડતા સાપનો રંગ અને ડિઝાઈન જ એવા છે કે વર્ષાવનોની લીલોતરીમાં તે આસાનીથી જોઈ શકાતો નથી. ફ્લાઈંગ સ્નેકને ભૂખ લાગે ત્યારે તે દાબેલી-વડાપાઉં અને ક્યારેક પાઉભાજી ખાઈ લે છે . . . સોરી સોરી . . . આપણા ઉડકણા સાપને વૃક્ષો પર વસતી ગરોળીઓ, દેડકા, નાના ઉંદર અને હાથે ચડી જાય તો નાનકડા પંખીડા પણ બહુ ભાવે છે !
આવા સુંદર સાપ વિષે જાણ્યા બાદ અંતે તો આવે છે માણસનો પ્રકૃતિમાં હસ્તક્ષેપ. આ સાપ આંશિક ઝેરી એટલે કે શિકાર માટે ઝેરી, પરંતુ માણસ માટે બિનઝેરી છે. પરંતુ તે ખૂબ જ સુંદર હોવાથી અને અન્ય ટ્રી સ્નેક્સની જેમ પાળી પણ શકાતો હોવાથી, વિશ્ર્વભરમાં લોકો તેને સ્મગલ કરીને મંગાવીને પોતાના ઘરમાં સર્પેટોરિયમ બનાવીને રાખે છે. અને તેનાથી વિશેષ જંગલોનો થઈ રહેલો વિનાશ એ બીજા જીવોની માફક ઉડતા સાપ પર ખતરો ઊભો કરી રહ્યો છે.