વીક એન્ડ

મસ્તરામની મસ્તી : ટકા તૂટી જાય એવું હાસ્ય શું કામનું?

  • મિલન ત્રિવેદી

આજકાલ સ્ટેન્ડ અપ કોમેડી આર્ટિસ્ટ સવાર સવારમાં કેળાનો નાસ્તો કરતા હશે કે કેમ પણ જીભ લપસી બહુ જાય છે. અને એમનો લવારો ખૂબ ચર્ચામાં આવી જાય છે. જોકે, મને તો મીડિયા ઉપર અને લોકો ઉપર દયા આવે છે કે આવો કોઈ કોમેડીનો પ્રકાર જ નથી.

જે બીજાને કષ્ટ પહોંચાડે કે દુ:ખ પહોંચાડે અને લોકો ખિખિયાટા કરે તો તેને કોમેડી કરી ન કહેવાય માટે છાપવામાં અને બોલવામાં થોડું ધ્યાન રાખો યાર. હા,કોમેડી આર્ટિસ્ટ દ્વારા કરાતું સ્ટેટમેન્ટ જરૂર કહી શકો.

જે કલાકારો ઊભા રહી અને પરફોર્મ કરતા હોય એને સ્ટેન્ડ અપ કોમેડિયન કહે છે, જ્યારે ગુજરાતી કલાકારો સામાન્ય રીતે બેસીને જ પર્ફોર્મ કરે છે.

મારા એક મુંબઈના કાર્યક્રમમાં અમે બે ગુજરાતી કલાકાર અને એક હિન્દી હાસ્ય કવિ કલાકાર હતા. એમણે ગુજરાતીઓની ભાષાના દ્વિઅર્થી સંવાદ થાય અને ગુજરાતીઓ વિશે ઘસાતી વાત કરી. હું કલાકાર છું ને સાથે ગુજરાતી તો ખરો જ ને એટલે જેવો મારો પર્ફોમન્સનો વારો આવ્યો એટલે મેં કહ્યું કે `ભાઈસાબને ગુજરાતીઓ કે બારેમે બહોત જાનકારી લે રખી હૈ. થોડી જાણકારી મેં ભી દે દુ તાકી અગલે કાર્યક્રમ મેં વો બોલ શકે.’

આ પણ વાંચો: મસ્તરામની મસ્તી : તમારામાં `e’ સંસ્કાર છે કે નહીં?

`હિન્દી હાસ્ય કવિ કો સિર્ફ રોજીરોટી કે લિયે, ગુજરાતી લોગો ને હી બુલાયા હૈ. બાકી હમ દો કાફી હૈ. ઔર હમ બેઠે બેઠે પરફોર્મ કરતે હૈ ક્યોંકી ગુજરાતી લોગો કો અગર બેઠે બેઠે પૈસે મિલ જાય તો વો ખડે હોને કી મહેનત ભી નહીં કરતા. કહી પર ખડા રહેના પડે તો વો આદમી ભાડે પે લે કે ખડા કરતા હૈ.! ‘

-અને પછી એ પણ ઉમેર્યું કે `આને કોમેડી ના ગણતા… આ વાસ્તવિકતા છે.’

મેં હમણાં ચુનિયા ને પૂછ્યું કે ઊભા ઊભા જોક્સ કે મિમિક્રી કરવી અને બેઠા બેઠા જોક્સ કે મિમિક્રી કરવી એ બન્નેમાં શું ફર્ક?
બિરબલની 72મી પેઢી જેવો ચુનિયો તરત બોલ્યો : `માત્ર નામનો ફર્ક છે’

મેં તરત જ પૂછ્યું કે તો ઊભા ઊભા કોમેડી કરવાનો શું અર્થ? નિરાંતે બેસીને મોજ કરાય અને કરાવાય.

ચુનિયો મને કહે : `મિલનભાઈ, તમે સમજ્યા નહીં. હમણાં આ સ્ટેન્ડ અપ કોમેડિયનો એ એવો ઉપાડો લીધો છે કે ગમે ત્યારે ગમે તેવું બોલાઈ જાય તો જો બેઠા બેઠા બોલ્યું હોય તો તમે ઉભા થાવ તે પહેલા કો’ ક આંટી જાય, ઢીકા પાટા મારી લે તેના કરતાં ઊભા ઊભા બોલીએ તો તાત્કાલિક ભાગવું હોય તો વાંધો ન આવે!.’

એ પછી ચુનિયો મને કહે : `મિલનભાઈ, મને 8-10 જોક્સ કરતા શીખવી દો મારે કોમેડી શો કરવો છે.’

મેં સલાહ આપી કે `આઠ- દસ જોક્સ ગોખી નાખવાથી હાસ્ય કલાકાર ના થઈ શકાય.’

આ પણ વાંચો: મસ્તરામની મસ્તી : મોજાની ગંધ મચાવે હાહાકાર

એણે મને અડધેથી બોલતો અટકાવ્યો : `એટલે તો સ્ટેન્ડપ કોમેડિયન થવું છે. આઠ 10 જોક્સ વચ્ચે વચ્ચે 15- 20 ગાળ, મારી પાસે તો કોઈએ ન સાંભળી હોય તેવી, આપણે પોતે બનાવેલી મસ્ત ગાળો છે. કોઈ બે મોટી વ્યક્તિને ગમે તેમ બોલી લઈશ એટલે હું મુંબઈમાં વર્લ્ડ ફેમસ થઈ જાઉ તેમાં શંકાને સ્થાન નથી.’

ઓડિયન્સ ચુનિયાને મારે તે પહેલા મેં બે જીકી લીધી.

અત્યારના સંજોગોમાં ઊભા ઊભા કોમેડી ઓછી અને અશ્લીલ વાતો વધારે થાય છે. આવી વાતોમાં નવી પેઢીનું હુટિગ શું સાબિત કરે છે? આવું સાંભળીએ, આવું બોલીએ તો જ આપણે મોર્ડન કહેવાઈએ? (જવા દો આ બધા ચર્ચાના વિષય છે.)

`ના, એવું નથી અમુક સ્ટેન્ડપ કોમેડિયન બહુ સાં બોલે છે અને શુદ્ધ કોમેડી પણ કરે છે.’ મેં કહ્યું.

અત્યારે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમારો પારિવારિક હાસ્ય કરતા કલાકારોનો શો કરવો હોય તો સ્ટેજ, માઇક, લાઈટ અને સાં ઓડિયન્સ એટલે શો થઈ જાય, પરંતુ સ્ટેન્ડ અપ કોમેડિયનનો શો રાખવો હોય તો ઉપરોક્ત વસ્તુ તો જોઈએ જ એ ઉપરાંત આઠ દસ હટ્ટા કટ્ટા, અમસ્તે અમસ્તા ગંભીર ચહેરાવાળા અને મોટા મોટા ડોળા કાઢતા જાડા અને હાઈટ વાળા મુસટંડાઓ રાખવા પડે. ક્યારે કલાકાર બોલવામાં લપસી પડે અને ઓડિયન્સ ભુકા કાઢે તે નક્કી નહીં. જોકે અમારા એક બહુ સિનિયર હાસ્ય કલાકારે એવું પણ કહ્યું કે `મિલનભાઈ, તમને એવું લાગે છે કે ઓડિયન્સ દેકારો કરી મૂકે કે ઉશ્કેરાઈ જાય એવું નથી. લોકો હોંશે હોંશે છીછરી વાતો અને ભૂંડા બોલી ગાળો સાંભળવા પ્રેમથી પૈસા ખર્ચે છે. કોઈને કોઈ ફરક પડતો નથી.’

એનો કોન્ફિડન્સ જોઈને મને દુ:ખ થયું.

આમ જુઓ તો હાસ્ય છે તે વક્ર દ્રષ્ટિથી વધારે મળે છે, પરંતુ કોઈને વ્યક્તિગત રીતે ઉતારી પાડવા કે વ્યક્તિગત શારીરિક ક્ષતિઓને હાસ્યાસ્પદ રીતે રજૂ કરવા તે હાસ્ય નથી. ટેલિવિઝનના એક બહુ મોટા શોમાં મોટા હાસ્ય કલાકાર આ જ વાતને લઈને ટીકાનો ભોગ પણ બની ચૂક્યા છે.

આ પણ વાંચો: મસ્તરામની મસ્તી : હોય એટલું `બટર’ વાપરો… મહિલા દિવસે!

હાસ્ય એટલે વાસ્તવિકતાથી પર વાતો. એટલા માટે જ ગુજરાતી કલાકારો પોતાનું એક કાલ્પનિક પાત્ર બનાવી રાખે છે. અને નાની- મોટી કોમેન્ટ તે પાત્ર દ્વારા અને તે પાત્ર પર કરતા હોય છે.

શાહબુદ્દીન રાઠોડ સાહેબ કહે છે કે માણસ જ્યાં મૂર્ખ બને છે અને પછી તે વાત લોકો સમક્ષ રજૂ થાય ત્યારે લોકોને માટે તે હાસ્ય બની જાય છે, પણ તેના માટે જાત ઉપર હસતા આવડવું જરૂરી છે. ડોક્ટર જગદીશ ત્રિવેદી, સાયરામ દવે, ગુણવંત ચુડાસમા, સ્વર્ગસ્થ વસંત પરેશ,… જેવા દિગ્ગજ હાસ્ય કલાકારો પોતાના પરિવાર પર કે પોતાની જાત પર કે કોઈ એક પાત્ર જે કાલ્પનિક છે તેના પર અવાસ્તવિક વાત કરીને પણ હાસ્ય નિષ્પન્ન કરે છે. ઘણીવાર વાસ્તવિક વાતો પણ હાસ્યાસ્પદ હોય તો પણ લોકો સમક્ષ મૂકીને હસાવીએ છીએ.

બીજી તરફ, બહુ ટૂંકા સમયમાં નામ કમાવવા માટે ઘણા કલાકારો વિવાદમાં આવવા અમુક ચેષ્ટા ચાહીને કરતા હોય છે. નેગેટીવ પબ્લિસિટીનો ફાયદો મળશે તેવું માનવાવાળાઓને કહી દઈએ કે દરેક લોકો અમુક તમુક નેતા જેવા નસીબદાર નથી હોતા. કો’ ક માથા ફરેલ મળે તો ટકા તોડી નાખે.

વિચારવાયુ: હસવા જેવી અને હસી કાઢવા જેવી વાતનો ફરક સમજાઈ જાય ત્યારે કોણ હાસ્ય કલાકાર કહેવાય એ ખબર પડે અને કોણ સારો તે પણ સમજાય જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button