તોફાન, વડીલોની માર અને તમરા…
તો આ તમરા છે શું? કિટકોની દુનિયાનો આ એક અજાયબ જીવ છે. એનું અંગ્રેજી નામ છે ક્રિકેટ… ક્રિકેટ એટલે આપણે માનીએ છીએ તેમ ઘરના અવાવરુ ખૂણાઓમાં મળી આવતી નાની નાની કંસારીઓ જ થાય
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી
પ્રાથમિક શાળાના પ્રાંગણમાં તોફાની બાળકો વચ્ચેના સંવાદોમાં વારે વારે ‘તમરા બોલવા અથવા ‘તમરા બોલી’ ગયા શબ્દ પ્રયોગ જરૂર સાંભળવા મળશે. વડવાગોળ જેવા તોફાની બારકસો માં-બાપની સહનશક્તિની મર્યાદા બહારના તોફાન અને કરતૂત કરી નાખે ત્યારે શું થાય એ તમે સૌ કલ્પી જ શકો . . . બે ચાર ઉંધા હાથની પડે એટલે તોફાની બચ્ચા લોગ થોડો સમય માટે તો ડાહ્યા ડમરા થઈ જાય. પણ આપણે જેનો ઉલ્લેખ હમણાં કર્યો એ મુજબ જ્યારે કાન નીચે પડે ત્યારે જે અવાજો સંભળાય તે અવાજને તમરા બોલ્યા કહેવામાં આવે છે. ત્રમંમંમંમંમંમં . . . ત્રમંમંમંમંમંમં . . . ત્રમંમંમંમંમંમં . . . આ શબ્દ પ્રયોગ ભલે આપણે હળવા ટોનમાં વાપરતા હોઈએ, પરંતુ કોન્ક્રીટના જંગલો છોડીને આપણે જ્યારે પણ કુદરતના સાંનિધ્યમાં જઈએ છીએ ત્યારે આપણને સાંભળવા મળતાં કુદરતના કલરવ કહો કે નિસર્ગનો નિનાદ કહો . . . કુદરતના અનેકાધિક ધ્વનિઓમાંનો તમરાનો આ અવાજ અનોખો છે. માઉન્ટ આબુ જઈએ ત્યારે કાળી ગરમીની નિસ્તબ્ધતા તોડતા બીજા અનેક અવાજો વચ્ચે તમરાનો આ ધ્વનિ સૌથી વધુ પ્રબળ હોય છે.
તો આ તમરા છે શું? કિટકોની દુનિયાનો આ એક અજાયબ જીવ છે. એનું અંગ્રેજી નામ છે ક્રિકેટ… ક્રિકેટ એટલે આપણે માનીએ છીએ તેમ ઘરના અવાવરુ ખૂણાઓમાં મળી આવતી નાની નાની કંસારીઓ જ થાય, પરંતુ હકીકતે કંસારી અને તમરા બંને એક જ જાતિના જીવો છે, અને તેથી જ આળસુ અંગ્રેજોએ તેના અલગ અલગ નામ પાડવાની તસ્દી લીધી નથી, પરંતુ તેઓએ ક્રિકેટના નામે ઓળખાતા આ જીવના ત્રણ વર્ગ જરૂર પાડયા છે. આ ત્રણ વર્ગમાં પ્રથમ વર્ગ આપણી કંસારી એટલે કે હાઉસ ક્રિકેટ, જેને આપણે તમરાના નામે ઓળખીએ છીએ તે તે ફિલ્ડ ક્રિકેટ અને ત્રીજું નામ ભગવાન જાણે ક્યાંથી ગોતી લાવ્યા છે… કેમલ ક્રિકેટ… આપણે ત્યાં આવા નામની સાથે સામ્ય ધરાવતી હોય એવી કોઈ કંસારી છે નહીં.
મિત્રો… કંસારી એક જીવડું એટલે કે બગ હોવાના કારણે તેની પૃથ્વી પર લગભગ ૯૦૦ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે અને કરોડોની સંખ્યામાં આ જીવ પૃથ્વી પર જન્મે છે અને મરે છે. ડાયરાના કલાકારો કહે તેમ ‘આ જગતની માલિપા નવસો નવસો જેટલી પ્રજાતિયું હોવા છતાં’ય ઈ માઈલી એકેય પ્રજાતિ એકાદ વરહથી વધારે જીવતી નથ.’ બસ? એક જ વરહ? હાસ્તો, કરોડોની સંખ્યામાં જન્મતા જીવો જો આ પૃથ્વી પર દસ દસ વર્ષ જીવવા માંડે તો માનવના અસ્તિત્વ પર જોખમ ઊભું થઈ જાય.
કુદરતનું આયોજન બેનમૂન અને નમૂનેદાર છે. જીવો જેમ શક્તિશાળી તેમ તેની સંખ્યા ઓછી, અને જીવો જેમ નબળા બનતા જાય, તેમ તેની સંખ્યા વધતી જાય. તો આપણને થાય કે જેની બહુમતી હોય એની જ સરકાર બનેને? મિત્રો, પ્રકૃતિમાં લોકશાહી જેવુ કશું નથી, પરંતુ લાઠી ઉસ કી ભેંસ જેવો જંગલનો કાનૂન ચાલે છે, કુદરતના રાજ્યમાં જૂથવાદ ચાલતો નથી, કુદરતમાં જૂથવાદ માત્ર એક દિવસ વધુ જીવતા રહી શકાય તે માટે ચાલે છે. શિકાર થવાની બીક હોય એ જીવો મોટા જૂથમાં રહે છે.
હવે જાણીએ આ તમરાઓ અંગે થોડી અવનવી વાતો. તમરાનો આપણે જે અવાજ સાંભળીએ છીએ તે અવાજ નરનો હોય છે. માદા તમરા અવાજ કરતાં નથી. તમરા સમાજની નારીશક્તિ હજુ જાગી નથી, નહિતર તમરીઓએ રેલી કાઢીને અવાજ કરવાની નરની આ શક્તિને તમરીઓના શોષણરૂપ ગણાવ્યું હોત, પણ આપણને એક ફાયદો જરૂર થાત કે તમરીઓએ લખેલી નોવેલ્સ અને કવિતાઓ થકી તમરાના મનોજગતમાં ડોકિયું કરવાની એક સોનેરી તક સાંપડત . . . પણ ખેર જેવા આપણાં નસીબ! કંસારીઓ અને તમરા ઊડી પણ શકે છે. તેમને કુદરતે સાવ પારદર્શક અને પાતળી પાંખો આપી છે જેની મદદથી તેઓ ટૂંકા અંતર સુધી ઊડી શકે છે અને નવરા હોય ત્યારે સંકેલીને એવી તો ગોઠવી દે કે જાણે છે જ નહીં, પરંતુ નર માદાના ભેદભાવ વગર તમરા કે કંસારીઓની અમુક જાતિઓ એવી છે જે ઊડી જ શકતી નથી.
એક મજાની વાત કહું, આ અંગ્રેજો પણ સાલા એકદમ નમૂના છે. આપણે કોઈ પણ સંશોધનનો સમાજના વિકાસ માટે અને માનવજાતની ભલાઈ માટે કરીએ, પરંતુ તમરાનો અભ્યાસ કરનાર અંગ્રેજો તમરાની એક લાક્ષણિકતાનો ખૂબ હાસ્યાસ્પદ ઉપયોગ કરતાં. હવે થયું એવું કે કંસારીઓની વિવિધ જાતોના બૃહદ ઊંડાણપૂર્વકના ‘અભ્યાસમાં ગોરાઓને જાણવા મળ્યું કે’ ગરમ વાતાવરણમાં તમરા વધુ બોલે છે અને જેમ જેમ ઠંડક વધતી જાય તેમ તેમ તમરાની બોબડી સિવાતી જાય છે.’ મતલબ કે ગરમી વધુ હોય તો તમરા વધુ બોલે અને ઠંડી વધતી જાય તેમ તમરા ઓછું અથવા ન બોલે. આ ધોળિયા લોકો આ જ્ઞાનનો ઉપયોગ રૂમની બહારનું ટેમ્પરેચર જાણવા કરતાં હતા, બોલો. ઘરની કંસારી બહુ બોલે તો ઘર બહાર ગરમી છે અને ઓછા બોલે તો ઠંડી છે. એવા તારણો કાઢવામાં આ વિશેષતાનો ઉપયોગ થતો હતો . . . છે ને નમૂના . . .
તમરાની દૃષ્ટિ ખૂબ જ તેજ હોય છે. કહેવાય છે કે પોતાનું માથું ફેરવ્યા વગર જ તમરા લગભગ ચારે બાજુ એકસાથે જોઈ શકે છે. એક તમરું જો આટલો ખતરનાક અવાજ કરતું હોય તો જસ્ટ કલ્પના કરો કે તેમનું ઝુંડ કેટલો અવાજ કરી શકે. અને એમના આ સામૂહિક અવાજના કારણે જ અંગ્રેજીમાં તમરાના ઝુંડ માટે ઓરકેસ્ટ્રા શબ્દ વાપરવામાં આવે છે. તેમના શરીરમાં એન્ટેના જેવી એક રચના છે, જેને અંગ્રેજીમાં ફીલર્સ કહે છે. આ અંગનો ઉપયોગ તમરા ખોરાક શોધવા અને આવી રહેલા ખતરાને પારખવા માટે કરે છે. તેમની જાતોને ઓળખાવા માટે વૈજ્ઞાનિકો તેમની કૂદવાની અને ચાલવાની પદ્ધતિઓનો સહારો લે છે. તેમની લંબાઈ ૧૫ મિલિમિટરથી લઈને ૨૫ મિલિમિટર સુધીની હોય છે. તેમના ખોરાકમાં નાના જીવડા, વિવિધ પ્રકારની ફૂગ અને ડાળ અને પાંદડાનો સમાવેશ થાય છે.
તો કંસારા અને તમરા તમને કરડે ? હા, તમરાથી એને જોખમ જેવું લાગે તો તેઓ કરડી શકે છે, પરંતુ તેમાં કોઈ જોખમ નથી, પરંતુ સામે પક્ષે તમરાઓને માનવ તરફથી ઘણું જોખમ છે, પણ મોંગોલિયન્સ તરફથી… ચીન અને અન્ય દેશોમાં કંસારીઓને તળીને એ લોકો ફરસી પૂરીની જેમ ખાય છે! તો ચાલો અંતે એક બે મજાની અચરજભરી વાત જાણીએ. તમરી પર હુમલો થાય ત્યારે તમરો જીવ પર આવી જઈને લડે છે . . . મતલબ નારી સન્માનમાં માને છે. તમરા સાંભળે પણ છે. તમરાના કાન તેમના આગળના પગના સાંધાની નીચે આવેલા હોય છે અને પગમાં લાગતી ગંદકીના લીધે સાંભળવાની તીવ્રતા ઓછી ન થાય એ માટે તમરા પોતાના પગ ઘસી ઘસીને સાફ રાખે છે… તો ચાલો… ફીર મિલતે હૈ કુછ નયા લે કર…