વીક એન્ડ

‘ખાતા પીતા’ લોકોની સીઝન એટલે શિયાળો

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. રાત્રે થોડી ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ હજી તાપણા સુધી પહોંચ્યું નથી. ટોળે વળી અને મિત્રોની ટણક ટોળકી ઠંડી કેવી હોય અને પોતે કેટલી સહન કરી છે તે ચર્ચામાં પોતે કાયમ સૌથી વધારે ઠંડી જોઈ અને સહન કરી છે તેવું પ્રસ્થાપિત કરતા હોય છે. અરે ભાઈ તારા સ્વેટરમાં પણ કાણા પડી ગયા છે તું માઇનસ ડિગ્રીની વાત જ ન કરતો છતાં, બરફ વર્ષામાં પણ સૌથી વધારે બરફ તેના પર પડ્યો હોય છતાં કશું ન થયું હોય તેવી ડંફાસ મારવાની અમુકને આદત હોય.શિયાળામાં બીજી વાતોની મજા એટલે “ખાવા પીવાની વાત કરવી.ખાવામાં શિયાળુ વ્યંજનો કેટલા હોય અને પોતે ખાવાના કેટલા શોખીન છે તેવું સાબિત કરવાનું,અને પીવાના શોખીન તો શિયાળામાં કેટલા પેગ મારવાથી ગમે તેવી ઠંડીમાં પણ , સ્વેટર વગર પણ ફરી શકાય તેની ચર્ચા હોય. મારા ઘણા મિત્રો શિયાળામાં પાર્ટી રાખે અને દેશી વ્યંજનો ખવડાવવાનો તેમનો શોખ ખરેખર કાબિલે દાદ છે.પરંતુ ચુનીયો ક્યારેય જપટે ચડ્યો નથી.

ચુનીયાને ઘેર પહેલી વાર આજે પાટલો મંડાયો અને સપરિવાર જમવાનું આમંત્રણ મળ્યું એટલે ‘જાને યે મૌકા ફિર મિલે ના મિલે’ એમ વિચારી અને અમે પહોંચી પણ ગયા. આમ તો એ જમાડે જ નહીં, પરંતુ હમણાં સરકારના એક ખાતામાં તેને પ્રોબેશન ઉપર નોકરી મળી છે એટલે તેની ખુશીમાં તેણે જમણવાર રાખેલ અને અમે પહોંચ્યા ત્યારે વીસ-પચ્ચીસ બીજા અધિકારીઓ પણ જમવામાં હતા.મને હૈયાધારણ થઈ કે ચાલો આટલા અધિકારીને પણ આમંત્રણ આપ્યું છે તો આજનો મેનુ તો સરસ હશે.

ભોજન વ્યવસ્થા માટે અમને નીચે પાટલા પર બેસવાનું હતું, જ્યારે અધિકારીઓને થોડા ઊંચા ટેબલ ગોઠવેલા. અમારી થાળી તો જમીન પર ગોઠવાઈ ગઈ પરંતુ અધિકારીઓની થાળી પહેલા ઊંચા ટેબલ નીચે ગોઠવાઈ સ-આશ્ર્ચર્ય ચુનિયા સામે જોયું તો આંખોથી જ તેણે મને સમજાવ્યું કે જે થાય છે તે જોયા કરો. બે મીઠાઈ એક કાંઈક માવાની મિક્સ મીઠાઈ હતી જેનો કલર અને સ્વાદ નક્કી થતા ન હતા, થોડો બરફી જેવો સ્વાદ તો થોડો ડ્રાયફ્રુટ બરફી, કેડબરી પેંડા વિગેરેનો મિક્સ સ્વાદ અને કલર હતા. અને એક દૂધની મિક્સ મીઠાઈ હતી જેમાં અંગુર રબડી, ફ્રુટ સલાડ, બાસુંદી, વિગેરે જેવો મિક્સ સ્વાદ હતો. મિક્સ દાળ, શાકમાં ઊંધિયું, ત્રણ ચાર જાતના મિક્સ ફરસાણ, રોટલી, પુરી,પરોઠા,નાન… સંભારા પણ પાંચ પ્રકારના હતા. હું દુબઈ પ્રવાસે હતો ત્યારે ચુનિયાની નોકરી થઈ હતી એટલે કયા ખાતામાં છે તે મને જાણ ન હતી. અધિકારીઓ ટેબલ નીચેથી કોળીયા ભરી ભરી અને ચુનીયાની અધિકારી તરીકેની કામગીરીને વખાણતા હતા, પરંતુ કોઈ રસોઈના વખાણ કરતા ન હતા. એટલામાં મેં રસોઈના વખાણ કર્યા એટલે બધા અધિકારીઓ એકસાથે મુંડી મારા તરફ ફેરવી અને તરત જ ચુનિયા તરફ આશ્ર્ચર્ય સાથે જોવા માંડ્યા. ચુનિયાએ ઈશારાથી જણાવ્યું કે ચિંતા કરોમાં મારા બહુ અંગત મિત્ર અને હાસ્ય કલાકાર મિલન ત્રિવેદી છે. તેમને કશી ખબર ન હોય. હવે કોળીયા સાથે આશ્ર્ચર્ય પણ હું ગળતો થયો એમાં પુરીના એક બટકામાં ઉંધીયુ લેતા મોઢામાં મુક્તા જ કડવો સ્વાદ આવ્યો ચુનિયાને મેં કહ્યું કે ‘આ ઊંધીયામાં તો કારેલું આવ્યું’. તો મને કહે ‘કદાચ ભરેલા કારેલા તેમાં મિક્સ થઈ ગયા હશે, મીઠાઈ નો કટકો ઉપાડી અને સાથે દાબો’. ખરેખર ચુનીયાનો આ જમણવાર મને સમજાયો નહીં અને ભરપેટ જમ્યા પછી સપ્તરંગી આઈસ્ક્રીમ અને એ પણ જોઈએ એટલો. ખાધુ પચાવવા માટે મસાલા છાશ, જીરા સોડા, લીંબુ સોડા, જલજીરા, માગો તે વેરાઇટી અને ઉપર જાતા માગો તેવું પાન. ચુનીયો જમાડે તેનું આશ્ર્ચર્ય ઓછું હતું, પરંતુ આટલી બધી વેરાઇટી જમાડે તેનું મને આશ્ર્ચર્ય થયું. ધીરે ધીરે ચુનીયાની કામગીરીની પ્રશંસા કરતા કરતા અધિકારીઓ ફાંદ પર હાથ ફેરવતા ફેરવતા પરત પોતાના ઘરે ગયા. ચુનિયો કોઈ મોટી જવાબદારીમાંથી મુક્ત થયો હોય તેમ શ્ર્વાસ છોડતો મારી પાસે આવ્યો.મને કહ્યું કે હવે તમારા ડોળા બહાર આવી જાય એ પહેલા હું તમને સમજાવી દઉં કે મને જગ્યા દબાણ, રોકાણ ખાતામાં નોકરી મળી છે પરંતુ ફાઇનલ ત્યારે જ થાય જ્યારે હું મારા અધિકારીઓને આ જમણવારમાં રાજી કરું. તમે આને મારો ફાઇનલ ઇન્ટરવ્યૂ સમજી શકો. કોઈપણ લારી ગલ્લાવાળાની ફરિયાદ ન આવે અને હું આ સરસ રીતે ઉઘરાણીથી લાવેલા શાકભાજી, મીઠાઈ અને તમામ વ્યંજનોથી અધિકારીઓને જમાડી દઉં એટલે તે મારો ફાઇનલ ઇન્ટરવ્યૂ ગણાય. શરત એટલી કે આ એક પણ વસ્તુનો મારે રૂપિયો પણ ચૂકવવાનો નહીં અને છતાં તમામ લારી ગલ્લાવાળા રાજી થઈ અને હું માગું તેટલું મફત મને આપે એટલે હું સફળ. ગળામાં હાથ નાખી અને એકવાર તો મને એમ થયું કે ખાધું બહાર કાઢી નાખું. ચુનિયો પહેલા તૈયાર ટિફિનની ડિલિવરી કરતો હતો. ઘરે ઘરેથી સરકારી કર્મચારીઓના ટિફિન ઉઘરાવી અને જે તે જગ્યાએ નોકરી કરતા હોય ત્યાં પહોંચાડવાનું કામ ચુનિયાનું. આ સમયે પણ દરેક ટિફિનમાંથી થોડું થોડું શાક, એકાદ રોટલી, પુરી, થોડાક ભાત અને દાળની ચમચીઓ ભરી જુદું કાઢી પોતાના ઘરનું તો સાજુ કરી જ લેતો એટલે તેને તો ઊંધિયાની ફાવટ છે.

અત્યારે ઊંધિયા નો જમાનો છે. ઉપરની સરકારથી લઇ અને મહારાષ્ટ્ર સરકાર સુધી ઊંધિયું છે. શિયાળો છે ત્યાં સુધી લોકોને ભાવસે ત્યાર પછીનું નક્કી નહીં. નીત-નવા શાક ઉમેરવામાં ક્યાંક કાકડી, કારેલા,ભીંડા જેવા મેચ ન થતા શાક પણ આ ઊંધિયામાં પડેલા છે. રસોયાને તો એક જ વાત છે કે બધી જાતના વિટામિન આવી જવા જોઈએ. બીજી વાત એ પણ ખરી કે લોકોને ઊંધિયું ભાવે કે ન ભાવે ધરાહાર ખાવાનું જ છે. મુંબઈની સૂકી ભેળ પણ પ્રખ્યાત છે એટલે કદાચ મુંબઈગરાઓને નવાઈ નહીં લાગે સરકારને સ્વીકારી પણ લે એવુ બને.કોર્પોરેશનની રેસિપી બગડે એવુ પણ બને. મહારાષ્ટ્રના તો અમુક પક્ષની હાલત એવી થઈ છે કે ભંડારામાં જમવા ગયા અંદર ગયા. તો મીઠાઈ ખાલી અને બહાર નીકળ્યા તો કોઈ ચંપલ ચોરી ગયું હતું. બે હાથમાં પ્રસાદ લેતી વખતે પહેલો હાથ પ્રસાદ માટે આગળ ધર્યો અને શીરો લીધો એ હાથ પાછળ રાખી અને બીજો હાથ આગળ ધર્યો.પાછળ રાખેલા હાથમાંથી કૂતરો શિરો ચાટી ગયો અને બીજા હાથમાં ખાલી સાકરીયા આવ્યા. રાજકારણમાં સેવા, સંતોષ,સમજદારી, વફાદારી, વિશ્ર્વાસ… જેવા નિર્દોષ મસાલા લગભગ નામશેષ થતા જાય છે અને લાંચ, ભ્રષ્ટાચાર, હેરાફેરી ખરીદ વેચાણ જેવા ચટપટા મસાલાઓની બોલબાલા છે. મુખ્યત્વે રૂપિયાનો તડકો પડી ગયો છે.

વિચારવાયુ
બહુ જમાઈ ગયું હોય તો હરડે ચૂર્ણ અકસીર દવા કહેવાય પરંતુ ઊભા ગળે “ખવાઈ ગયું હોય તો કઢાવવા માટેની દવા કઈ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button