પ્રજાતંત્રનાં પ્રોબ્લેમ: પર્દે મેં રહને દો, પર્દા ના ઉઠાઓ…
શરદ જોશી સ્પીકિંગ
સંજય છેલ
જ્યારથી ભારતના વડા પ્રધાનોએ નક્કી કર્યું કે એ લોકો વચ્ચે વચ્ચે દેશના પછાત ગરીબ વિસ્તારોની મુલાકાત લેશે ત્યારથી મુખ્ય મંત્રીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે, કારણ કે નોર્મલી મુખ્ય મંત્રીઓનું મેઇન કામ તો પોતાની રાજધાનીથી દિલ્લીના સતત આંટાફેરા મારવાનું હોય છે અને બાકીના સમયમાં તો સત્તાનું ગુલાબ સૂંઘીને ટાઇમપાસ કરવાનું જ હોય છે. જ્યારથી સમાચાર છે કે ‘પી.એમ. આવવાનાં છે ’ ત્યારથી દરેક સી.એમ. રાજ્યના અલગ-અલગ એરિયામાં ત્યાંની હાલત જાણવા હચમચી ઉઠ્યા છે કે રખેને પી.એમ.ને પછાત વિસ્તારની હાલત છે એનાં કરતાં યે વધુ ખરાબ હાલત જોઈને હાર્ટ-એટેક ના આવી જાય ! હવે બિચારા સી.એમ. માટે ત્યાં વૃક્ષો વાવવા, રસ્તાઓ સુધારવા કે પી.એમ.ના લંચ-ડિનરમાં ચિકન- ચમચમ પિરસવા પૂરતી વાત નથી રહી. હવે અહીંયા જેમ બને તેમ ફટાફટ સરકારી પૈસા વહેંવાની વાત છે, રાતોરાત જનતામાં લાભની લોલીપોપ આપવાની છે, જેથી પ્રધાનમંત્રી પધારે ત્યારે ગરીબોના ચહેરા પર સ્મિત હોય અને વડા પ્રધાનના જય-જયકારના અવાજો ધીમા નહીં પણ બુલંદ હોય. પ્રજાની ઢગલાબંધ ફરિયાદોને છુપાવવા પાર્ટીના ચમચાઓ સતત તૈનાત હોય છે અને લાચાર આદિવાસીઓ બસ નાચતા-ગાતા જ દેખાય, જેથી ત્યાંની અસલી તસ્વીર વડા પ્રધાનને જોવા ન મળે અને નિકમ્મા મુખ્ય મંત્રીની ઇમેજ ઉજળી લાગે. ગરીબ ઇલાકામાં એવો તે મોંઘો ને શાનદાર તમાશો યોજવામાં આવે કે બસ પી.એમ. સામે સી.એમ.ની ખુરશી સલામત રહે.
આ દેશમાં જ્યાં મોટા નેતાની નેતાગીરી પાછળ બીજા નેતાઓની સત્તા લંગડાઇને જીવતી હોય ત્યાં પછાત વિસ્તારોમાં વડા પ્રધાનની મુલાકાત બહુ ખાસ મહત્ત્વ ધરાવે છે. વડા પ્રધાન ત્યાં આવીને ભાષણમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનો ગોવર્ધન પર્વત પોતાની આંગળી પર ઉઠાવી લે છે અને સ્થાનિક સમસ્યાઓ એમની છત્રછાયામાં છુપાઇ જાય છે. જ્યારે પ્રધાનમંત્રી કહે છે, ‘ગરીબી આખા દેશમાં છે અને આપણે એની સામે લડવું પડશે’ ત્યારે સ્થાનિક ગરીબોને ધરપત થાય છે કે હાશ, ગરીબી માત્ર આપણી જ નહીં , આખા દેશની સમસ્યા છે એટલે જ્યારે એનો ઉકેલ આવવાનો હશે ત્યારે આવશે! એનાથી લોકો એમની ગરીબીના લોકલ પ્રશ્ર્નો માફ કરી દે છે.
જો કે આમ તો એકવાર વડા પ્રધાન કોઈ વિસ્તારમાં પધારે પછી લોકોની સમસ્યાઓ દૂર થઈ છે કે નહીં?- એને ફરી જોવા કદી ફરકતા નથી, કમસેકમ આગલી ચૂંટણી સુધી! વડા પ્રધાનના આગમનમાં એક ભવ્ય ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. ત્યારે સ્થાનિક નેતાઓ, નાયબ મામલતદાર, કલેકટર, લોકલ એમ.એલ.એ., એમ.પી., મંત્રી, મુખ્ય મંત્રી, પોલીસ કમિશનર બધા એક થઈ જાય છે, એ શરતે કે ‘તું મારા વિશે ફરિયાદ નહીં કરે અને હું પણ તારા વિશે ફરિયાદ નહીં કરું’ એવી સેટિંગ વડે બધાં એકબીજાના કામ ફટાફટ કરી નાખે. પછી પી.એમ. વિઝિટ બાદ, લોકલ (ભ્રષ્ટ) સંસ્થાઓને સરકારી પૈસા મળી જાય એટલે બધાં જ વડા પ્રધાનના સ્વાગતમાં રાતોરાત ખભેખખો મિલાવીને જોડાઇ જાય. વડા પ્રધાન જ્યારે કોઇ વાવાઝોડાની જેમ ત્યાંથી પસાર થાય ત્યારે બધા માથું નમાવીને ઊભા રહી જાય ને પછી જેવા પી.એમ. જાય કે સૌ ફરીથી માથું ઊંચું કરી લે. આ દેશમાં સરપંચ ગામનું સત્ય મામલતદારથી છુપાવે છે, કલેક્ટર જિલ્લાનું સત્ય, સી.એમ.થી છુપાવે, સી.એમ. રાજ્યનું સત્ય પી.એમ.થી છુપાવે કે અહીં તો બધું સરસ જ છે, બધે લીલાલહેર છે.
આ જૂઠનો પડઘો ત્યાં સુધી ગુંજતો રહે છે, જ્યાં સુધી ત્યાં ગોળીબાર ન થાય, લોકો વિરોધમાં રસ્તા પર ના ઊતરી આવે. આઝાદી અગાઉ વાઈસરોયના આગમન પર રાજાઓ એમનાં રાજ્ય વિશે જૂઠી માહિતીઓ આપીને ગોરા અંગ્રેજ અમલદારને શિકારબાજી, મુજરાઓ અને શબાબ- કબાબની પાર્ટીઓમાં બિઝી રાખતા. એ જ રીતે આજે વડા પ્રધાનને આદિવાસી નૃત્યો, ભવ્ય ભાષણો અને કાર્યક્રમોથી આંજી દેવાની યોજનાઓ બનાવવામાં આવે છે.
વડા પ્રધાન જ્યારે ત્યાંની વાસ્તવિકતા જોવા આવે ત્યારે લોકલ નેતાઓ ઘરેઘરે બારીઓનાં કાચને અરીસામાં ફેરવી નાખે છે, જેથી ત્યાંની દરિદ્રતાનું કડવું સત્ય, અરીસા પાછળ ઢંકાય જાય અને વડા પ્રધાનને ત્યાં ખુદનો જ ચહેરો દેખાય અને પછી સરકારી સ્માઇલ સાથે એ દિલ્હી પાછાં જતા રહે. કામનાં કે નક્કામાં પાર્ટી-વર્કરો માટે આ જ તો દેશની કે પાર્ટીની સેવા છે. એ લોકોની એક જ ફોર્મ્યુલા: ‘ગામની ગંદકી ઢાંકવા એના પર મખમલ બીછાવી દો’. એટલે કે પી.એમ. સામે વરવી વાસ્તવિક્તાને રેશમમાં લપેટીને ઢાંકી દો. ખરેખર તો ટોપ-ટુ-બોટમ દરેક નેતાના રિપોર્ટનો એક જ આશય હોય છે: દેશમેં સબ કુછ ચંગા હૈ!