વીક એન્ડ

ઝાંસીની રાણીની શહાદત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ છાપનારું એકમાત્ર અખબાર

વિશ્ર્વસનીયતાના નવાં શિખરો મુંબઈ સમાચારે પોતાના ૨૦૦ વર્ષની યાત્રામાં સિદ્ધ કર્યાં છે, એમ જણાવતાં દેશના ગૃહપ્રધાન અમિત શાહે ‘મુંબઈ સમાચાર’ની ૨૦૦ વર્ષની યાત્રાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ઝાંસીની રાણીની શહાદત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૧૪માં થયેલા શપથને પ્રકાશિત કરનારું એક માત્ર અખબાર ‘મુંબઈ સમાચાર’ છે.

એક અખબાર અને તેમાં પણ સ્થાનિક ભાષાનું અખબાર ૨૦૦ વર્ષ ચાલે તે સામાન્ય વાત નથી. લોઢાના ચણા ચાવવા જેવું આકરું કામ છે. કામા પરિવારે એક દાખલો બેસાડ્યો છે કે પત્રકારત્વ કેવી રીતે કામ કરી શકે છે.

‘મુંબઈ સમાચાર’ અને વિશ્ર્વસનીયતાનો સંબંધ સમજાવતા તેમણે કહ્યું હતું કે હું મુંબઈમાં જન્મ્યો છું અને અહીં અવરજવર કરતો હતો. એક વાત ત્યારથી સાંભળું છું, જે તમારા કાન સુધી પણ પહોંચી હશે કે ‘મુંબઈ સમાચાર’માં છપાયું એટલે સાચું. આ વાક્ય અખબારની વિશ્ર્વસનીયતા દર્શાવે છે અને આવી વિશ્ર્વસનીયતા મેળવવા માટે આકરું તપ કરવું પડે છે. વિશ્ર્વસનીયતા માટે કોઈ એક વિચારધારા સાથે જોડાયા વગર કામ કરવું પડે છે. કોઈ વિચારધારા વગર રાજકીય પાર્ટી ચાલી શકે નહીં, પરંતુ રાજકીય વિચારધારા સાથે સંકળાયેલું અખબાર સારું કામ કરી શકે નહીં. આટલા વર્ષોમાં મુંબઈ સમાચાર કોઈપણ વિચારધારા સાથે સંકળાયું નથી. અને તેથી જ આ સિદ્ધિ હાંસલ કરી શક્યું છે. નિષ્પક્ષ અને સાચી વાત છાતી ઠોકીને કહેવા માટે મુંબઈ સમાચાર પ્રખ્યાત છે. હું લાલબાગના રાજાનાં દર્શન કરવા માટે મુંબઈ આવ્યો હતો. છેલ્લાં ૧૪ વર્ષથી સળંગ હું મુંબઈ આવું છું. આજે મને આ પુણ્ય કાર્યમાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું છે તે માટે હું બધાનો આભારી છું.

‘મુંબઈ સમાચારના’ ડિરેક્ટર એચ. એન. કામાને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે જો તમને પદ્મ પુરસ્કાર ન મળ્યો હોત તો પદ્મ પુરસ્કારને ઓછું પડી જાત. ‘મુંબઈ સમાચાર’ની ૨૦૦ વર્ષની યાત્રા પર આધારિત દસ્તાવેજી ફિલ્મ ‘મુંબઈ સમાચાર-૨૦૦ નોટઆઉટ’નું અનાવરણ કરતાં તેમણે કહ્યું હતું કે આ દસ્તાવેજી ફિલ્મ એક ભાષાકીય અખબારની અનેરી સિદ્ધિ દર્શાવે છે, તેથી આ ફિલ્મને હિંદી અને અંગ્રેજી ભાષામાં ડબ કરવાની મારા તરફથી વિનંતી કરું છું કેમ કે એક ભાષાકીય અખબારની સિદ્ધિ આખી દુનિયા સુધી પહોંચવી જોઈએ.

૧૮૫૭માં ઝાંસીની રાણીની શહાદતના સમાચાર અને ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના શપથગ્રહણના સમાચાર જો કોઈ એક અખબારમાં છપાયા હોય તો તે એકમાત્ર મુંબઈ સમાચાર છે. ૧૮૫૭નો બળવો, કૉંગ્રેસની સ્થાપના, તિલકનો આઝાદી માટેનો સંઘર્ષ, ગાંધીજીનો મીઠાનો સત્યાગ્રહ, ભારત છોડો આંદોલન, દેશની આઝાદી અને દેશની આઝાદી બાદના ૭૫ વર્ષનું રિપોર્ટિંગ કોઈ અખબારે કર્યું હોય તો તે એકમાત્ર મુંબઈ સમાચાર છે. ચીન યુદ્ધ, કચ્છનો ભૂકંપ, ઈમરજન્સી આ બધા સમાચારો મુંબઈ સમાચારમાં છપાયા છે અને તે પણ પોતાના ઉદ્દેશો પર અકબંધ રહીને. કામા પરિવારે મુંબઈ સમાચારને નિષ્પક્ષ પત્રકારત્વના આધાર પર ચલાવ્યું છે.
મુંબઈ સમાચારના પારસી માલિકોની વાત કરતા તેમણે કહ્યું હતું કે આ સંસ્થાની માલિકી પારસીઓ પાસે જ રહેલી હતી એટલે જ કદાચ ૨૦૦ વર્ષની સફર ખેડી શક્યા છે. દેશમાં દરેક ક્ષેત્રમાં પારસીઓના યોગદાનને બિરદાવતા તેમણે કહ્યું હતું કે દેશની એક લઘુમતી કોમ એવી જેણે ક્યારેય અધિકારો માટે લડાઈ નથી કરી. દેશને યોગદાન આપ્યું છે. દેશની બધી જ લઘુમતી આવી હોય એવી હું પ્રાર્થના કરું છું.

દેશમાં ભાષાને જીવંત રાખવાની આવશ્યક્તા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે મુંબઈમાં ૨૦૦ વર્ષથી ગુજરાતી ભાષાની સેવા કરનારા અખબાર મુંબઈ સમાચારને ધન્યવાદ છે. માતૃભાષાના ખાસ આગ્રહી શાહે લોકોને આગ્રહ કરતાં કહ્યું હતું કે તમારા ઘરમાં તમારી જ ભાષામાં વાત કરવાની ટેવ રાખો. ભાષા સાથે આપણી લાગણી, આપણી સંસ્કૃતિ જોડાયેલી છે. જો દાદા અને પૌત્રની ભાષા એક નહીં હોય, બન્ને એક ભાષામાં સંવાદ કરી શકતા નહીં હોય તો એકબીજાથી જોડાશે કઈ રીતે અને જો આમ નહીં થાય તો પરિવારોમાં અંતર આવશે અને દેશમાં વૃદ્ધાશ્રમ વધશે.

તેમણે કહ્યું કે હું દરેકને વિનંતી કરું છું કે ઓછામાં ઓછું ઘરે માતૃભાષામાં જ વાત કરો, જેથી નવી પેઢી પણ ભાષા શીખી શકે. જો આપણે આપણી માતૃભાષાથી અલગ થઈ જઈશું તો દેશમાં વૃદ્ધાશ્રમ વધી જશે, કારણ કે બે પેઢીઓ ભાષાથી અલગ થઈ જશે. આપણી જવાબદારી યુવા પેઢીને ભાષા સોંપવાની છે.

તેમણે વિશેષમાં જણાવ્યું કે મુંબઈ સમાચારે ગુજરાતી ભાષાનો વારસો સંભાળ્યો છે. આપણી ભાષાઓ આપણી ધરોહર છે. આપણા જેટલું સમૃદ્ધ વ્યાકરણ બીજા કોઈ દેશમાં નથી, આપણે આ વારસો ગુમાવવો જોઈએ નહીં. તેથી જ અમારી સરકારે નવી શિક્ષણ નીતિ લાગુ કરી છે, કદાચ ઘણા લોકોને તેનાથી તકલીફ હશે. પરંતુ અમે આ નવી શિક્ષણ નીતિમાં સુનિશ્ર્ચિત કર્યું છે કે દરેક બાળકોના પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાનો સમાવેશ થાય, ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષામાં મળી રહે.

તેમણે પોતાના વ્યક્તિગત જીવન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હું મારી બન્ને પૌત્રીઓ સાથે સમય વિતાવું છું અને તેમને ગુજરાતી અને સંસ્કૃત બરાબર આવડે છે કે નહીં તેનું ધ્યાન રાખું છું. તેમનાં શિક્ષકને પણ મળું છું અને જો તેમણે ગુજરાતીમાં કોઈ ભૂલ કરી હોય તો તેમનું ધ્યાન પણ દોરું છું. દાદા-દાદી પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરતા હોય છે આથી તેમના વચ્ચે ભાષાનું જોડાણ હોવું ખૂબ જરૂરી છે.

તેમણે આ સાથે જણાવ્યું કે ભાષા સમાવેશક હોવી જોઈએ, નવા શબ્દો અપનાવવા જોઈએ. મરાઠી ભાષામાંથી કોઈ પણ શબ્દ ગુજરાતી ભાષા અપનાવે તો ગુજરાતી ભાષા વધુ સમૃદ્ધ બને છે અને જ્યારે મરાઠી ભાષા ગુજરાતી શબ્દો અપનાવે છે ત્યારે મરાઠી વધુ સમૃદ્ધ બને છે. આવું આદાન-પ્રદાન ચાલુ રહેવું જોઈએ. ભાષાઓ એકબીજાની સખી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મુંબઈ સમાચારે બે સેન્ચુરી મારી છે અને ચોક્કસ તે ત્રીજી સેન્ચુરી પણ મારશે.

અમે સત્યની સાથે રહ્યા: નીલેશ દવે

મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવેએ દેશના ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ અને અન્યોનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે ૨૦૧૪માં એવું મથાળું કર્યું હતું કે રોમ રાજ્ય ગયું, રામ રાજ્ય આવ્યું. તે સમયે આ મથાળાને કારણે ઘણી ચર્ચા થઈ હતી અને થોડો સમય માટે કૉંગ્રેસની જાહેરાતો પણ બંધ થઈ ગઈ હતી, પરંતુ અમે સત્યની સાથે રહ્યા હતા. અહીં મારી સામે યોગેશ સાગર, મંગલ પ્રભાત લોઢા, આશિષ શેલાર, પ્રકાશભાઈ, કિરીટભાઈ વગેરે હાજર છે, તેઓનો પણ આભાર વ્યક્ત કરું છું. હવે આપણે ૩૦૦મા વર્ષની ઉજવણી વખતે જે હઈશું તે હાજર રહીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button