વીક એન્ડ

સ્થાપત્યમાં ચર્ચાની જરૂરિયાત

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

વિષયો ઘણા છે, ક્ષેત્ર વિશાળ છે, ચિંતા વિવિધ પ્રકારની છે, સંબંધોના સમીકરણ જટિલ છે, અને આ બધા સાથે પડકાર ઘણા છે. અતિ ઝડપી તક્નીકી વિકાસ સાથે તાલમેલ મેળવવાનો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામે ક્ષમતા પુરવાર કરવાની છે. અગ્રતાક્રમને પુન: નિર્ધારિત કરવાનો છે. સ્થાપત્ય ગંભીર ચર્ચા માંગી લે છે.

ટકાઉ – સસ્ટેનેબલ અને વિકાસની પરિભાષા વચ્ચે મૂંઝવણ છે. શું સાચવી રાખવું અને શેમાં ધરમૂળથી થતો ફેરફાર માન્ય રાખો તે બાબતે પણ મતમતાંતર પ્રવર્તે છે. સ્થાપત્યની રચનામાં ક્યાં બચત કરવી અને ક્યાં ભાવનાત્મક મૂલ્યો જાળવી રાખવા વધારાની ખપત માન્ય રાખવી તે વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. ક્યાં અને કેવા પ્રકારની પારદર્શિતા સ્વીકાર્ય હોવી જોઈએ અને તેની સામે ક્યાં અને કેવા પ્રકારની ગોપનીયતા સાથે સમાધાન કરવું જોઈએ, એ બાબત પણ સ્પષ્ટ કરવાની જરૂર છે. સ્થાપત્યમાં કઈ બાબતો હળવાશથી અને કઈ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ તે માટે કોઈ સર્વ માન્ય રૂપરેખા નથી.

પરવડી શકે તેવા બાંધકામનું આયુષ્ય વધુ હોતું નથી, અને આયુષ્ય તથા ક્ષમતા વધારતા કિંમત વધી જાય છે. કિંમત અને ક્ષમતા કે આયુષ્ય વચ્ચે સંતુલન સ્થાપવાની જરૂર છે. લાંબે ગાળે પર્યાવરણની દૃષ્ટિએ શું હિતાવહ હશે, તે કેવી રીતે નક્કી થઈ શકે તે જાણવું જરૂરી છે. બની શકે કે અત્યારે વપરાતી સામગ્રી ૫૦ વર્ષ પછી ઘણા પ્રશ્ર્નો સર્જી શકે. એમ પણ બની શકે કે જે સામગ્રી પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે તે કાલે વધારે કારગત નીવડે. બની શકે કે ઊર્જાની ખપત રોકવા માટેની ચેષ્ટા લાંબા ગાળે ઊર્જાની વધુ ખપત કરે. અગાસીમાં બનાવેલો સ્વિમિંગ પૂલ તેની નીચે આવેલા સ્થાનમાં ઠંડક તો પેદા કરે પણ આ સ્વિમિંગ પૂલમાં પાણી ચડાવવા માટે જે ઊર્જા વપરાય તેનો હિસાબ કોણ કરે.

સંસ્કૃતિની જાળવણી ક્યાં અને કેટલી હદે કરવી. ઇતિહાસની પરંપરાને ક્યાં સુધી વાગોળ્યા કરવી. ક્યાં કરકસર કરવી અને ક્યાં લાગણીઓને ન્યાય આપવા કંઈક વધારે માન્ય રાખવું. વૈશ્ર્વિક પ્રવાહો અને સ્થાનિક શૈલીના કયા કયા પરિબળો કેવા કેવા સંજોગોમાં જાળવી રાખવા. સ્થાનિક સામગ્રીનો ક્યાં, કેટલો અને કેવી રીતે ઉપયોગ કરવો. રહેણાંકીય, સંસ્થાકીય અને સ્મારકીય સ્થાપત્ય વચ્ચેની ભેદરેખા કેટલી સઘન રાખવી. કાર્યક્ષમતા, આધુનિકતા, પર્યાવરણના પ્રશ્ર્નો, કાયદાકીય જોગવાઈ અને વ્યક્તિગત અભિવ્યક્તિ વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપી શકાય. વળી આ બધા વચ્ચેનો અગ્રતાક્રમ નિર્ધારિત કરનારા પરિબળો કયા. આ બધી બાબતો ચર્ચા માંગી લે છે.

આવી ચર્ચા માટે એક પ્રકારની સર્વસંમતિ સધાવી જોઈએ. સાથે સાથે વ્યક્તિગત માન્યતા અને જે તે બાબતને સુલઝાવવાની વ્યક્તિગત ક્ષમતાને પણ મહત્ત્વ મળવું જોઈએ. પરંતુ જ્યારે સામાજિક વ્યવસ્થા ઊભી કરવી હોય, ગુણવત્તાનું ન્યૂનતમ ધોરણ સ્થાપિત કરવું હોય, વિશાળ વૈશ્ર્વિક સ્તરે અમુક પ્રશ્ર્નોનો સામનો કરવો હોય, ભવિષ્યને ગંભીરતાથી લેવાની જરૂર હોય અને જ્યારે નાના નિર્ણયની પણ દૂરગામી અસર થતી હોય ત્યારે એક વિસ્તૃત ચર્ચા જરૂરી છે. સ્થાપત્યના ક્ષેત્રને કળાના ક્ષેત્રની જેમ ‘અતિ-વ્યક્તિગત’ ન બનાવી દેવાય.

મજબૂતાઈ જરૂરી છે, ઉપયોગીતા પણ એટલી જ જરૂરી છે, અને દ્રશ્ય અનુભૂતિમાં સમૃદ્ધિ પણ હોવી જોઈએ. પણ આ ત્રણેય બાબતોને સમાન ધોરણે એક તૃતીયાંશ ભાગ જેટલી કાયમ માટે ન લેવાય. જુદા જુદા સંજોગોમાં, જુદી જુદી બાબતોને, જુદું જુદું મહત્ત્વ મળે. ક્યાંક મજબૂતાઈ વધુ જરૂરી બની રહે તો ક્યાંક ઉપયોગીતા. અમુક પ્રકારની રચનામાં દ્રશ્ય સમૃદ્ધિની જરૂરિયાત અન્ય બાબતો કરતા અગત્યની બની રહે. કેવા સંજોગોમાં, કઈ બાબતને કેટલું મહત્ત્વ આપવું તે વિશાળ પરિપ્રેક્ષ્યમાં નિર્ધારિત થાય તે માટે ચર્ચા જરૂરી છે.

સંદર્ભ અને સંજોગોને હકારાત્મક પ્રતિભાવ મળે તે જરૂરી છે. આર્થિક તાણાવાણા પણ તૂટી ન જવા જોઈએ. મર્યાદા સમજ્યા પછી જાગેલા સ્વપ્ન પૂરા થવા જોઈએ. વ્યક્તિ સાથે સમાજની પણ ઓળખ સ્થપાવી જોઈએ. વર્તમાનની જરૂરિયાત સાથે ભવિષ્યની સંભાવનાઓનો પણ સમાવેશ થઈ જવો જોઈએ. ભવિષ્ય માટે નવી દિશાનું સૂચન પણ થવું જરૂરી છે. સ્થાપત્ય પાસે ઘણી અપેક્ષા છે. કઈ અપેક્ષા કેવા સંજોગોમાં કેટલી હદ સુધી પૂરી થઈ શકે તે સમાજને જણાવવા માટે પણ ચર્ચા જરૂરી છે.

એક તરફ ભંડોળની મર્યાદા છે તો બીજી તરફ સપના પૂરા કરવાની તક મળે છે. બાંધકામ ઝડપી પણ જોઈએ છે અને તેની કેટલીક ખાસિયતો માટે બાંધછોડ પણ નથી કરવી. ઘણા પ્રશ્ર્નો બાબતે પહેલાથી વિચારી રાખી શકાય જ્યારે કેટલાક પ્રશ્ર્નો તો આકસ્મિક રીતે સામે આવી જાય, તેને યોગ્ય ન્યાય આપવો પડે. સ્થાપત્યમાં સ્થપતિ સિવાયના અન્ય ઘણા વ્યવસાયિકો જોડાયેલા હોય છે. આ બધા વચ્ચે સંકલન સાધવું પડે. એમાં ક્યાંક કોઈક બાબત હાવી થઈ જતી જણાય તો તેવા સમયે અન્ય બાબતો સાવ જ ગૌણ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડે. આ અને આવી બધી વ્યવસાયિક ક્રિયાઓ માટે એક જુદા જ પ્રકારની માનસિકતા જરૂરી ગણાય. આની માટે જુદા જ પ્રકારની કેળવણીની જરૂર પડે. સ્થાપત્યના શિક્ષણમાં આવી કઈ કઈ બાબતોનો સમાવેશ જરૂરી છે તેની માટે પણ ચર્ચા થવી જોઈએ.

સ્થાપત્યની રચના એ એક મકાન માત્ર નથી, પરંતુ માનવીના જીવનની ગુણવત્તાને અસર કરતી પરિસ્થિતિ છે. તેનાથી જીવન નીખરી પણ શકે અને બગડી પણ શકે. સામાન્ય માનવી દ્વારા કેવી પરિસ્થિતિ કેવી રીતે લેવામાં આવે છે તે સમજવાની જરૂર છે. આ મનોવિજ્ઞાનનો વિષય છે. સ્થાપત્યના ક્ષેત્રમાં મનોવિજ્ઞાનને લગતી આવી બાબતે ચર્ચા થાય તે પણ જરૂરી છે.

ચર્ચા માટેના વિષયો તો ઘણા છે – તેથી જ ચર્ચાની સંભાવના અપાર છે. યોગ્ય મંચ પર, યોગ્ય હેતુ સાથે, યોગ્ય વ્યક્તિ-સમૂહ દ્વારા, યોગ્ય વિષય પર જો અસરકારક ચર્ચા થાય તો સ્થાપત્યની ‘ફેસ વેલ્યુ’ હજુ વધુ સારી થઈ શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button