વીક એન્ડ

મહા‘રાષ્ટ્ર’માંથી ‘રાષ્ટ્રીય પ્રાણી’નું નિકંદન નીકળી રહ્યું છે, બોલો!

મહારાષ્ટ્રના ખાસ કરીને વિદર્ભનાં જંગલોમાં થતી માનવીય દખલને કારણે વાઘની વસતિ ઓછી થઇ રહી છે. તેને રોકવા તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની જરૂર છે

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, પણ મહારાષ્ટ્રના વિદર્ભમાં આ પ્રાણીની હાલત દયનીય બનતી જાય છે. સ્થાનિક માણસો અને વાઘ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. માનવના વાઘના વિસ્તારમાં પગપેસારો થવાથી વાઘના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે તો વાઘના હુમલાથી માણસો પણ મરી રહ્યા છે. જંગલોમાં થઇ રહેલું અતિક્રમણ, વાઘના સંચારમાર્ગ પર વધી રહેલી ખલેલ, વાઘનો શિકાર અને ગેરકાનૂની વેપાર, નિર્વનીકરણ, વિવિધ રસ્તા અને વિકાસ પ્રકલ્પથી વાઘનાં નિવાસસ્થાનો પર ખતરો મંડરાઇ રહ્યો છે.

અહીં કુદરતી જંગલો કોંક્રીટનાં જંગલોમાં ફેરવાઇ રહ્યાં છે. શહેરીકરણ વધી રહ્યું છે અને શહેરીકરણ વધતા વીજળીની જરૂરિયાત પણ વધી ગઇ છે. હવે થયું છે એવું કે મહારાષ્ટ્રને મળતી વીજળીનો ૭૦ ટકા હિસ્સો કોલસા દ્વારા મેળવાય છે અને આ કોલસો વિદર્ભનાં જંગલોમાં અધિક પ્રમાણમાં છે એટલે એ મેળવવા વાઘ અને માનવ વચ્ચે જંગ ખેલાય તો એમાં નવાઇ નથી. આ કારણસર વાઘની સંખ્યા પર અસર થવાની જ છે.

બીજું એક કારણ એ છે કે જંગલમાં વાઘનું અસ્તિત્વ રહે એ માટે અહીં વનપર્યટનને અધિક મહત્ત્વ આપવામાં આવ્યું, પરંતુ આ નિર્ણય બૂમરેંગ સાબિત થઇ રહ્યો છે. અતિપર્યટન અને ખાસ કરીને રાત્રિ પર્યટનના તૂતને કારણે માણસો અને તેમને રહેવા માટેના રિસોર્ટની સંખ્યા અતિશય વધી ગઇ છે. તેના પરિણામ સ્વરૂપે તાડોબાનું જંગલ હવે જંગલ જેવું લાગતું જ નથી. અહીં દર વર્ષે દોઢથી બે લાખ લોકો વિવિધ વાહનો દ્વારા આવે છે. જંગલની ચારે બાજુ રાજકારણીઓ, રિટાયર્ડ અધિકારીઓ અને તેમના સગાંવહાલાંઓના રિસોર્ટ્સ ઊભા થયા છે. જંગલોમાં મોટા પ્રમાણમાં પર્યટકો જાય ત્યારે તેમના વાહનોથી જંગલ ઊભરાય અને આવા વાતાવરણમાં વાઘ કે અન્ય વન્યજીવો શાંતિથી જીવી શકતા હશે કે કેમ એ મોટો પ્રશ્ર્ન છે.

હકીકતમાં વાઘ માનવવસતિમાં નથી ઘૂસતા, પણ માનવો વાઘની વસતિમાં ઘૂસી રહ્યા છે અને એ પરિસ્થિતિમાં માણસ વાઘનો શિકાર બની જાય ત્યારે દેકારો મચી જાય છે. વાઘ મરી રહ્યા છે તો સાથે સાથે વાઘના હલ્લાથી માણસો પણ મરી રહ્યા છે. વર્ષ ૨૦૨૩માં પૂરા દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ બાવન જણ વાઘના હુમલાથી મૃત્યુ પામ્યા. પાછલાં પાંચ વર્ષમાં વાઘના હુમલાથી ૩૦૨ લોકો મૃત્યુ પામ્યા છે તેમાં એકલા મહારાષ્ટ્રમાંથી જ પંચાવન ટકા લોકો મૃત્યુ પામ્યા છે. આ માટે રૂપિયા ૨૯.૫૭ કરોડ જેટલું તો વળતર આપવામાં આવ્યું છે. જંગલમાં માનવના પગપેસારાનું આ વરવું પરિણામ છે. રાજકારણીઓ, સત્તાધારીઓ અને વન્યજીવ પ્રેમીઓએ આ પરિસ્થિતિ ટાળવા અચૂક એવા પગલાં લેવા જોઇએ જેથી માનવ અને વાઘ બન્ને પરનું જીવનું જોખમ ટાળી શકાય. જીવો અને જીવવા દો -ની નીતિ પર જો અમલ નહીં થાય તો પરિસ્થિતિ વધુ જોખમાશે તેમાં કોઇ સંશય નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button