વીક એન્ડ

રામરાજયનાં પાત્રોનાં નામે મચ્યો તરખાટ!

અમદાવાદનાં સ્થળોનાં નવાં નામ રામકથા મુજબ રાખવાનો અખતરો મૂળ અયોધ્યામાં
ખતરો સાબિત થયો!

ઊડતી વાત – ભરત વૈષ્ણવ

ભગવાન રામના મહેલના દ્વારે એ દિવસે અકલ્પનીય હલચલ મચી ગઈ હતી. પ્રાંત: કાલ વિધિથી પરવારી ભગવાન રામ પૂજાપાઠ કરી રહ્યા હતા ત્યાં એમનાં કર્ણપટલ પર પ્રચંડ નિનાદ સંભળાયો.પ્રભુ ક્ષણાર્ધ માટે વિચલિત થયા. એમણે તાળી પાડી. એક અનુચર પ્રગટ થયો.
‘પ્રણામ, પ્રભુ… હું તમારી શું સેવા કરૂં ?’ અનુચરે સાષ્ટાંગ પ્રણામ કરી આદેશ કરવા પ્રાર્થના કરી.
‘તપાસ કરો . આ શેનો અવાજ છે?’ પ્રભુ રામે અનુચરને આદેશ આપી ઉદ્વિગ્ન મને પૂજામાં મન પરોવ્યું.
‘પ્રભુ, દરવાજે એક ટોળું રજૂઆત કરવા આવ્યું છે.’ અનુચરે માહિતી આપી.
‘ટોળાંમાં કોણ કોણ છે?’
‘પ્રભુ ક્ષમાપ્રાર્થી છું આપ સ્વયં નિહાળી લો એ ઉચિત રહેશે.’
પ્રભુ બહાર આવ્યા..મહર્ષિ વશિષ્ઠ,વિશ્વામિત્ર, સુમંત,ભરત, શત્રુઘ્ન, ઉર્મિલા, કૈકેયીમાતા,કૌશલ્યામા, સુમિત્રામા, મંથરા અને વધારામાં ધોબી પણ ઉપસ્થિત હતા.
આમ તો રામરાજયમાં, ધરણા, ઉપવાસ, આંદોલન, તોડફોડ, જાહેર પરિવહનના રથને આગચંપી , મંત્રાલયોના કાચ પર પથરાવ જેવા બનાવ શૂન્ય હતા. રામરાજયમાં સંભવત: આ પ્રથમ વિરોધ પ્રદર્શન હતું..!
‘હું આપ સર્વેને પ્રણામ કરું છું. આપની આગમનનું પ્રયોજન શું છે? મારાથી કોઇ ભૂલ થઇ હોય તો ક્ષમા યાચુ છું!’ પ્રભુ રામે કર જોડી પ્રણામ કરી આગમનના પ્રયોજન સંબંધે પૃચ્છા કરી.
‘નહીં ચલેંગી, નહીં ચલેંગી, દાદાગીરી નહીં ચલેંગી , તાનાશાહી નહીં ચલેંગી, વી વોન્ટ જસ્ટિસ આવાજ દો હમ એક હૈ મર જાયેંગે મિટ જાયેંગે લેકિન ન્યાય હમ લેકે રહેંગે હમ સે જો ટકરાયેંગા મિટીમેં મિલ જાયેંગા.અમારી સાથે કેમ ઘોર અન્યાય થઇ રહ્યો છે ?’
બધા એકી અવાજે બોલ્યા…બોલ્યા નહીં -પોકારી ઊઠયા.
પ્રભુએ તમામને બેઠક કક્ષમાં પધારી આસન ગ્રહણ કરવા આગ્રહ કર્યો. જલપાન-ફલાહાર પ્રસ્તુત કરવા પ્રધાન સેવક (એટલે કે પ્રધાનમંત્રી નહીં!)ને આજ્ઞા કરી.
‘કેમ આટલા ઉત્તેજિત છો? કેમ ઉગ્ર છો કેમ વ્યથિત છો? નિસંકોચ સમસ્યા જણાવો . હું સમસ્યા હલ કર્યા સિવાય જલપાન નહીં કરૂં…! પ્રભુએ પોતાનો સંકલ્પ જાહેર કર્યો!’
‘પ્રભો. આર્યાવર્ત અર્થાત્ ભારત દેશે અમદાવાદ નામનું નગર રેતીમાં રમે છે.’ અનુજ ભરતે પ્રસ્તાવના કરી.
હમમ્…તો?’
આર્યાવર્ત રામરાજયથી પ્રભાવિત છે. અત્યારે ત્યાં અમૃતકાળ પ્રવર્તી રહ્યો છે. મોહનદાસ ગાંધી નામના રાષ્ટ્ર પિતામહ છે. મોહનદાસે આર્યાવર્તમાં રામરાજયની સંકલ્પના કરેલ છે. આર્યાવર્તમાં હળાહળ કળયુગ વચ્ચે રામરરાજયની તડામાર તૈયારી ચાલી રહી છે!’ મહર્ષિ વિશ્ર્વામિત્રે સંવાદનો દોર આગળ વધાર્યો.
‘અદભુત.’ પ્રભુના નયનોમાં ચમક હતી.
‘અમદાવાદ નગરના ઉપવન – જળાશયો-વાંચનાલય- સેતુ- ચોક.ઈત્યાદિ જેવાં સામૂહિક ઉજવણી સ્થળોને રામાયણનાં પાત્રો સાથે અનુસંધાનિત કરી નૂતન નામાભિધાન કરવામાં આવી રહ્યું છે. પ્રસ્તુત પ્રસ્તાવ નગરસેવકોની વિનંતીથી કરવામાં આવી રહેલ છે.’ શત્રુઘ્નની પત્ની માધવીએ માહિતી આપી.
‘અરે, આ તો આનંદનો વિષય છે. આપણા સૌ માટે ગૌરવ અને ગર્વની અનુપમ અને અપ્રતિમ પળ છે તો આપ લોકોને આપત્તિ શું છે? ઉદરપીડા આપે અને કપાલ કૂટવા ( દુખે પેટ્..કૂટે કપાળ!) જેવું કૃત્ય શું કામ કરો છો?’ રામ ભગવાને પ્રતિનિધિમંડળને સવિનય પૃચ્છા કરી.
‘પ્રભો. આપત્તિ કેમ ન હોય? ભોજનમાં જગલો અને રૂદનમા ભગલો જેવી સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આપનું નામ- આર્યપુત્ર લક્ષ્મણનું નામ- અયોધ્યા નગરને નામે સ્થળોનું નામાભિધાન થયું. અમને આપના નામમાં કદૈવ આપત્તિ ન હોય. ક્ધિતુ’ ઉર્મિલા અટકી ગઇ.
‘આર્યપુત્રી ઉર્મિલા… આપ કેમ અટકી ગયા? નિ:સંકોચ આગળ નિવેદન કરો…!.’
‘પ્રભુ. મેં સીતામાતાની પવિત્રતા પર શંકા કરેલ એનો હું સ્વીકાર કરૂં છું. એ માટે આપનો ક્ષમાપ્રાર્થી છું!આપના દંડનો અધિકારી છું. પ્રભુ.! હું રાજા રામનો આલોચક હોઈશ,પરંતુ હું રામ નામની વ્યક્તિનો અનન્ય પ્રસંશક છું! પરંતુ અસલી અયોધ્યાના આપના ગુરૂવર્ય,માતાઓ, અનુજો ,અનુજપત્નીઓને ઘોેરતમ અન્યાય થયો છે!’ ધોબીએ પથ્થર પર રહેલાં વસ્ત્રો પર ધોકો પછાડે તેમ નિવેદન કર્યું.
હું આપના નિવેદનનો મર્મ – અર્થ-હાર્દને આત્મસાત કરી શકયો નહીં! પ્રભુએ ધોબીના કથન ન સમજવા અંગે અસમર્થતા પ્રદર્શિત કરી.
‘પુત્ર , રામરાજયમાં કૈકેયી, સુમિત્રા, વશિષ્ઠ ઋષિ, ભરત, શત્રુઘ્ન, ઉર્મિલા અને મંથરા ઇત્યાદિ-ઈત્યાદિની અનુપસ્થિતિ હોય એવી કલ્પના સંભવ છે?’ કૌશલ્યા માએ રામના કેશને પસવારતા પૂછયું.
‘માતે, અસંભવ… અસંભવ.એ કદાપિ સંભવ નથી….મહારાજ દશરથના પરિજનો સિવાય રામરાજય કેવી રીતે સંભવી શકે??’ પ્રભુએ પ્રશ્ર કર્યો.
પ્રભુ કલિયુગમાં ‘ડોન’ કરીને ચલચિત્રના એક નાયક મહાશય છે. એ સંભવને અસંભવ કરવામાં જીવનની ઇતિશ્રી માને છે. એમના કથન મુજબ ડોનને પકડવાનું સંભવ નહીં -અસંભવ છે!’ મંથરાએ ખલનાયક ડોમનો સંક્ષિપ્ત પરિચય આપ્યો .
અર્થાત્ ?’ પ્રભુએ પ્રશ્રનાર્થ નજરે મંથરા પર દ્રષ્ટિ કરી.
‘રાજન, આ કાનનો દોષ છે- દ્રષ્ટિનો દોષ છે. વૃતાંતપત્રના સમાચાર મુજબ આપના નામ પર સેતુનું નામ રાખ્યું છે…. રામ સેતુની સ્થાને રામબ્રીજ જેવો પાશ્ર્ચાત્ય પૌવાર્ત્ય – નામ રાખેલ છે! રામરાજયનું સંકુચિત અને સંકીર્ણ અર્થઘટન કરી…. પ્રભુ શ્રી રામ, આપના અનુજ લક્ષ્મણ, સરયુ, અયોધ્યાને જ સ્થાન આપેલ છે.
મહારાજ દશરથ, માતા સર્વે કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, અનુજ ભરત અને શત્રુઘ્ન, ઉર્મિલા ઈત્યાદિ -ઈત્યાદિ સહિત વશિષ્ઠ ઋષિ અને મારી પણ અવગણના કરી છે. શું અમે રામરાજયમાં નિહિત નથી?’ વિશ્ર્વામિત્રે અસલ ક્ષાત્રતેજ દેખાડતા પૂછયું.
ઋુષિવર્ય, આપના વચન મુજબ ઘટના ઘટી હોય તો એ અપરાધીઓ કઠોરતમ દંડને લાયક છે!’ પ્રભુ શ્રી રામના લોચન લાલ થયા.
‘પ્રભો. પ્રભો!’ સર્વે બોલી ઉઠયા.
‘અનુજ, મારું ધનુષ્ય લઇ આવો. લશ્કરને શ્રીલંકા જવા રસ્તો આપવા સ્વયં મેં ત્રણ દિવસ સમુદ્રને પ્રાર્થના કરેલ. તત્પશ્ર્ચાત ક્રોધિત થઇ સમુદ્રને સૂકવી નાખવા શરસંધાન કરેલ. સમુદ્રે ક્ષમાયાચના કરી ત્યારે તેને જવા દીધેલ. ઉદંડ મનુષ્યોને મારા પરિવારજનોની ઘોર અવહેલના બદલ યમસદને પહોંચાડી દઇશ!’ આમ કહી પ્રભુએ ધનુષટંકાર કર્યો.
ધડામ દઇને પાંખ કપાયેલા જટાયુ ગીધની માફક હું પલંગ પરથી નીચે ફરસ પર પટકાયો…ખરેખર , મારી આંખ ખુલ્લી ગઇ.
‘પ્રભુ, તારી લીલા અપરંપાર છે!’ એવું સ્વગત બબડતો બબડતો હું પ્રાંતકાર્યમાં પ્રવૃત્ત થઈ ગયો..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure