વીક એન્ડ

સ્મિતસભર ત્રણ ચહેરાનાં હજુ અકબંધ છે રહસ્ય..!

કોના છે એ ચહેરા ને શું છે એમના ભેદ્-ભરમ

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

આમ તો હાસ્ય ઈશ્ર્વરની દેન ગણાય. કોઈક જ નસીબદાર એવા હોય, જેમનો ચહેરો કુદરતી રીતે જ હસમુખો હોય. આવા લોકોના ચહેરા પર અનાયાસે જ સ્મિત ફરકી જતું હોય છે, પણ આજે આપણે જે ચહેરાઓની વાત કરવી છે, એમના ચહેરા પર રમતાં રહસ્યમયી સ્મિતે દાયકાઓથી નિષ્ણાતોમાં ચર્ચા જગાવી છે. આમાંથી એક કોઈક જીવિત વ્યક્તિનું ચિત્ર છે, બીજું ઈશ્ર્વરીય શિલ્પ છે અને ત્રીજું કોઈક મૃત વ્યક્તિનું માસ્ક છે!

ત્રણેયમાં સામાન્ય બાબત જો કોઈ હોય, તો એ છે ચહેરા પર રમતું સ્મિત!

વાત મેડમ મોનાલિસાની….
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ તો મોનાલિસાનું જ મૂકવું પડે. ઇ. સ. ૧૫૦૩ અને ૧૫૦૬ વચ્ચે કાબેલ ચિત્રકાર લિઓનાર્ડો દ’ વિન્ચીએ મોનાલિસાનું ચિત્ર સર્જ્યું. ફ્રાન્સના તત્કાલીન રાજા કિંગ ફ્રાન્સિસ પહેલાએ આ ચિત્ર ખરીદી લીધેલું, જે હાલમાં એ પેરિસના વિખ્યાત લૂવ્ર મ્યુઝિયમમાં છે. કલા નિષ્ણાતોના મતે, મોનાલિસા એ સમગ્ર વિશ્ર્વમાં સૌથી વધુ જાણીતી- સૌથી વધુ મુલાકાત લેવાયેલી અને એકંદરે સૌથી વિખ્યાત કલાકૃતિ છે.

આ ચિત્રની ખૂબી એ છે કે એમાં એક નારીના હોઠો પર રમતિયાળ સ્મિત રમે છે. આ ભેદી સ્મિત જોવા માટે દર વર્ષે લાખો મુલાકાતીઓ પેરિસ આવે છે, પરંતુ એ શા માટે હસી રહી છે, એ નિષ્ણાંતોમાં જબરી ચર્ચાનો વિષય છે. કળાકારે એને મોનાલિસા’ એને રૂપકડું નામ તો આપ્યું, પણ એ જમાનાની ફેશન મુજબ – મોનાલિસા એ કોઈ વાસ્તવિક સ્ત્રીનું પોર્ટ્રેઇટ છે, કે પછી કળાકારે પોતાની કલ્પનાશક્તિને આધારે આ ચિત્ર દોર્યું હશે? મોટા ભાગના ક્ળા સમીક્ષકો -લોકોનો અભિપ્રાય એવો છે કે મોનાલિસા કોઈ વાસ્તવિક સ્ત્રીનું ચિત્ર છે, જેને લિઓનાર્ડો દ’ વિન્ચીએ સ્ત્રીની સામે બેસીને દોર્યું હશે. પ્રશ્ર્ન એ છે કે કોણ હતી એ સ્ત્રી? શું એનું ખરું નામ મોનાલિસા જ હતું? એવું કહે છે કે લિયોનાર્ડોએ ફ્રાંસના કોઈ ઉમરાવ-શ્રીમંત આદમીને એની પત્નીનું જે ચિત્ર દોરી આપેલું એ ચિત્ર એટલે જ મોનાલિસા.

જો કે આ વિશે હજી સુધી કોઈ નક્કર વાત કે ખુલાસો કરતું નથી.

બેયોન ટેમ્પલ-અંગકોરવાટના એ ચહેરા.

મોનાલિસા જેવા જ સ્મિતસભર ચહેરાની કેટલીક મૂર્તિઓ છે એ સ્થળ એટલે અંગકોર વાટના મંદિરોમાં પથ્થર પર કોતરાયેલા વિશાળ ચહેરાઓ. આ ચહેરા કોના છે એ વિશે વિદ્વાનોમાં તીવ્ર મતભેદ છે. કમ્બોડિયામાં ખમેર વંશના શાસન દરમિયાન પ્રખ્યાત અંગકોરવાટ મંદિર બનાવવામાં આવ્યું હતું . હવે તો ‘યુનેસ્કો’ દ્વારા એને હેરિટેજ -સાંસ્કૃતિક ધરોહર -વિરાસત જાહેર કરવામાં આવ્યું છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસી એની મુલાકાત લે છે. પણ ખમેર વંશના પતન બાદ સદીઓ સુધી આ મંદિર લગભગ ‘અજ્ઞાતવાસ’માં રહ્યું. એક ફ્રેંચ આર્કિયોલોજિસ્ટ – પુરાતત્ત્વવિદ એટીની આઈમોનેર દ્વારા ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં આ વિશાળ બાંધકામ પુન: શોધી કાઢ્યું એમ કહીએ તો ખોટું નથી. એ પહેલા, ૧૨-૧૩મી સદી દરમિયાન ખમેર વંશના રાજાઓ દ્વારા આ મંદિર પરિસર બાંધવામાં આવ્યું એ પછી એના પર હિંદુ અને બૌદ્ધ એમ બંને સંસ્કૃતિનો પ્રભાવ રહ્યો. એટીનીના કહેવા મુજબ, ખમેર ખાતેના સ્ટ્રક્ચરમાં એને જે નામ વંચાયું, એ ઉપરથી એણે મંદિરને ‘બેયોન’ નામ આપ્યું, પણ હકીકતે એ શબ્દ મૂળે સંસ્કૃત ‘વિજયંત’ હોવો જોઈએ. ઇન્દ્રના મહેલની જે પ્રતિકૃતિ પૃથ્વી ઉપર બનાવામાં આવી એ ‘વિજયંત’.

(હિંદુ પુરાણો મુજબ દેવોની નગરી અમરાવતીમાં આવેલા ઇન્દ્રના મહેલનું નામ પણ ‘વિજયંત’ છે.)
એક માન્યતા મુજબ અંગકોરવાટના બેયોન ટેમ્પલ્સ ભગવાન વિષ્ણુ માટે બનાવામાં આવ્યા હતા. છે,એમાં જે હસતાં ચહેરા કોતરાયેલા છે એ ભગવાન શિવની વિવિધ મુખમુદ્રા છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ ચહેરા મંદિરનું બાંધકામ શરૂ કરાવનાર ખમેર વંશના પરાક્રમી રાજવી જયવર્મન સાતમાના છે. રાજા જયવર્મને આ મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું, પણ પૂરું એના દીકરાના રાજ્યકાળમાં થયું. એ સિવાય એક ત્રીજી માન્યતા એવી છે કે આ ચહેરા બોધિસત્તાના છે અને એમનાં ચહેરા પર જે રહસ્યમયી સ્મિત જોવા મળે છે એ દુન્યવી જંજાળ છોડી દીધા પછી મળતી માનસિક મોકળાશને દર્શાવે છે… આવી મોકળાશ અને પરમ શાંતિ બુદ્ધનાં ચહેરા પર જ હોય એવું અમુક નિષ્ણાંતોનું માનવું છે.

આ ત્રણેય દલીલમાંથી કઈ સાચી, એ તો રામ જાણે. પણ વિશાળ પથ્થરો કોતરીને સેંકડોની સંખ્યામાં બનાવાયેલા આ સ્મિતસભર ચહેરા એક પ્રકારની દિવ્ય શાંતિનો અનુભવ જરૂર કરાવે છે એ હકીકત છે.

સીન નદીમાંથી જડેલો’ આ ચહેરો…
આપણે જે ચિત્ર અને પ્રતિમાના બે ઉદાહરણ જોયા એના જેવી સૌમ્યતા આ ત્રીજા ઉદાહરણમાં ‘નથી’ કે અથવા છે અહીં ‘છે’ એ દ્રઢતાપૂર્વક કહી શકાય એમ નથી.
અહીં વાય વાટ સીન નદીમાંથી મળી આવેલી એક યુવતીના શબ વિશે છે. આશરે સાડા સાતસો કિલોમીટરથી પણ લાંબી સીન નદી ઉત્તરી ફ્રાન્સમાં વહે છે. ૧૮૮૦ના ઉત્તરાર્ધમાં પેરિસ નજીકની આ નદીમાં એક શબ તણાઈ આવ્યું,જે કોઈ યુવતીનું હતું. યુવતીના શરીર પર કોઈ પણ પ્રકારના સંઘર્ષ કે ઈજાના કોઈ નિશાન ન હતા એટલે કે કોઈએ યુવતી પર હુમલો કરીને એને મારી નાખી હોય એવું લાગતું નહોતું. યુવતીએ આત્મહત્યા કરી હોય એવો પણ કોઈ પુરાવો ન હતો.હા, અહીં સહુથી વિચિત્ર વાત એ હતી કે આ યુવતીના ચહેરા પર મોનાલિસાના ચહેરા જેવું જ ભેદી સ્મિત રમતું હતું!

એવું તે શું બન્યું હશે કે મૃત્યુ સમયે પણ આ યુવતીના ચહેરા પર આટલું સુંદર સ્મિત આવી ગયું? એ હસી એ જ ક્ષણે મૃત્યુ થયું હશે, જેથી એનું સ્માઈલ ‘લાસ્ટ ફ્રેમ’ તરીકે એના ચહેરા પર અંકાઈ ગયું!

અહીં બીજું સસ્પેન્સ હતું કે એ યુવતી આખરે કોણ હતી? એનું શબ ક્યાંથી તણાઈને પેરિસનાં કાંઠા સુધી પહોંચ્યું હતું? સહુથી મહત્ત્વની વાત એ કે એક કોડભરી યુવતી મૃત્યુ પામી એમ માનીને દુખી થવું કે એક યુવતીએ હસતા હસતા મોતને સ્વીકાર્યું એમ વિચારીને મનને મનાવી લેવું?

આમ તો અહીં પ્રશ્ર્ન અનેક છે તો સામે ઉત્તર કે ખુલાસા પણ અનેક છે,પણ મહત્ત્વનો ઘટનાક્રમ એવો છે કે આ યુવતીના મોતની ઘટના બાદ એટલે કે ઓગણીસમી સદીના અંત ભાગે અનેક કળાકારોએ એ યુવતીનું હસતો ચહેરો ધરાવતું ‘ડેથ માસ્ક’ પોતાની દીવાલે ઝુલાવવા- ટિંગાડવા માંડ્યું!

આ સ્ત્રી The Unknown Woman of the Seine’ -સીન નદીમાંથી આવેલી અજાણી સ્ત્રી-તરીકે પ્રખ્યાત તો થઇ ગઈ, પણ હકીકતમાં આ ડેથ માસ્ક મૂળે કોનું હતું? એનો જવાબ આજ દિન સુધી નથી મળ્યો. એક પ્રચલિત ધારણા એવી છે કે સીન
નદીમાંથી યુવતીનું શબ મળી આવ્યું, એ પછી એને પેરિસના મોર્ગ-મડદાઘરમાં રાખવામાં આવ્યું હતું. અહીં જે પેથોલોજીસ્ટ ડ્યૂટી પર હાજર હતો એ આ મૃત યુવતીની સુંદરતા પર મોહી પડ્યો અને આટલો સુંદર ચહેરો હંમેશ માટે દફન થઇ જાય એ પહેલા એણે એ ચહેરાનું વેક્સ માસ્ક (મીણનું માસ્ક) બનાવી લીધું. આ રીતે કોઈ મૃત વ્યક્તિના ચહેરા પરથી બનાવાયેલા માસ્કને ‘ડેથ માસ્ક’ કહે છે. આવાં એક માસ્ક પરથી બીજા ઘણા માસ્ક
બનાવી શકાય છે. The Unknown Woman of the Seineના કેસમાં પણ એમ જ બન્યું હશે…

બીજી ધારણા મુજબ ૧૮૭૫માં એક મોડેલ ક્ધયા ટીબીને કારણે ગુજરી ગયેલી. જે ડેથ માસ્ક પોપ્યુલર થયા તે આ ક્ધયાના હતા. ત્રીજી ધારણા એવી છે કે જર્મનીના એક માસ્ક બનાવનારાએ પોતાની દીકરીના ચહેરા પરથી પેલું પ્રચલિત-ફેમસ થઈ ગયેલું ડેથ માસ્ક બનાવેલું. તાર્કિક રીતે વિચારીએ તો આ ધારણામાં દમ છે. કેમકે કોઈ નદીમાં તણાઈ ગયેલી યુવતીના ચહેરા પર હાસ્ય હોય, એ વાતમાં બહુ દમ લાગતો નથી, પણ કોઈકે પોતાની તરુણવયની જીવિત દીકરીના ચહેરા પરથી માસ્ક બનાવ્યું હોય તો જ એના પર એમાં આવું નિર્દોષ હાસ્ય જોવા મળે એની શક્યતા વધુ છે.
બીજી તરફ, સીન નદીમાંથી મળી આવેલી ડેડ બોડીની વાત પણ સાચી જ હતી!
અહીં પ્રશ્ર્ન એ છે કે ડેથ માસ્ક આખરે કોનું હતું એનો કોઈ સંતોષકારક જવાબ આજ સુધી નથી મળ્યો, પણ પેલા ડેથ માસ્કની અનેક પ્રતિકૃતિઓ બની ચૂકી ને ધૂમ વેંચાઈ પણ રહી છે…! (સંપૂર્ણ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?