પૃથ્વી પરનું સૌથી ખતરનાક પ્રાણી …
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
કોઈને પણ પ્રશ્ર્ન કરીએ કે પૃથ્વી પરનું સૌથી ખતરનાક પ્રાણી કયું? આ પ્રશ્ર્નના આપણને વિવિધ જવાબો મળે. કોઈને પાણીમાં ડર લાગતો હોય તો એ કહે શાર્ક, કોઈનો જવાબ મગર, વાઘ, સિંહ અથવા દીપડો હોવાનો. હકીકત અલગ છે . . . દર વર્ષે સિંહ આશરે ૨૦૦ લોકોનો જીવ લે છે. ગુજરાતી સ્ત્રીઓને અને આમ જુઓ તો વિશ્ર્વના કોઈ પણ ખૂણે વસતી નારીને પુરૂષ વિશાળ ખભા અને પાતળી કેડ વાળો પુરૂષ જ સોહામણો લાગે . . . હાથપગ દોરડી’ને પેટ ગાગરડી વાળો પુરૂષ કોને ગમે ભાઈ ? ગુજરાતીમાં એક શબ્દ છે કેડપાતળિયો, કેડપાતળિયો એટલે જેની કમર પાતળી હોય એવો પુરૂષ. તો આ શબ્દ આવ્યો ક્યાંથી ? ગુજરાતી લોક-સાહિત્યમાં આ શબ્દ હકીકતે તો સિંહ માટે વપરાયો છે. સિહની કેડ પાતળી હોય છે. પરંતુ હકીકતે આપણે જાણીએ છીએ તેમ વર્તમાનમાં સિંહોની બે પ્રજાતિ છે. એક છે પેન્થેરા લીઓ લીઓ એટલે કે આફ્રિકન લાયન અને બીજી છે પેન્થેરા લીઓ.
પર્સિકા એટલે કે એસિયાટિક લાયન માને કી અપુન ગુજરાતી લોગો કા પ્રાઈડ. બંનેના શરીરના લક્ષણો જોઈએ તો એસિયાટિક લાયન એટલે કે આપના સિંહનું પેટ મોટું હોય છે જ્યારે આફ્રિકન સિંહનું શરીર કામરેથી સુરેખ અને પાતળું હોય છે, મતલબ કે આપણા ગુજરાતી સાહિત્યમાં કેડપાતળિયો કહેવાયો છે તે આપનો નહીં પરંતુ આફ્રિકન સિંહ હોવો
જોઈએ !
પરંતુ એક મિત્રને આગળના એક એપિસોડમાં સાહિત્યના પર્યાવરણ સાથેના સંયોજનમાં મજા નહોતી આવી, તો ચાલો સાહિત્યને મારો ગોળી . . . બરોબર એ જ રીતે જે રીતે ભારતમાં સિંહોને ગોળી મારીને નાશના આરે લાવી મૂકેલા ! હા . . . આ પૃથ્વી પર પ્રાણીઓના હુમલામાં માણસ મૃત્યુ પામે છે, પરંતુ પ્રાણીઓ મહદઅંશે પોતાના સ્વબચાવમાં આવા હુમલા કરતા હોય છે. પરંતુ માત્ર માનવ જેવું પ્રાણી છે જે માત્ર મનોરંજન અથવા તો પોતાની સુપ્રીમસી સાબિત કરવા અન્ય પ્રાણીઓનો ભોગ લે છે.
શિકારી પ્રાણીઓ અંગે અભ્યાસ કરનારા, પ્રકૃતિ પ્રેમીઓ અને થોડા મારા જેવા જાણવાની ચળ ધરાવતા લોકો સિવાય મોટે ભાગે લોકોને ખબર નથી હોતી કે સિંહોની કૂળ ચાર પ્રજાતિઓ હતી. પેન્થેરા લીઓ, પેન્થેરા લીઓ પર્સિકા અને પેન્થેરા લીઓ યુરોપિયા અને પેન્થેરા લીઓ લીઓ. પેન્થેરા લીઓ લીઓ એ આફ્રિકન લાયન એટલે કે પેન્થેરા લીઓની જ પેટા જાતિ છે, અને પેન્થેરા લીઓ યુરોપિયા એ ભારતીય સિંહોમાંથી ઉતરી આવેલી પેટાજાતિ હતી. ભારતીય સિંહોમાંથી ઉતારી આવેલી પેન્થેરા લીઓ યુરોપિયા સમગ્ર યૂરોપમાં વસતી હતી. આ જાતિ વર્ષોપરાંત નાશ પામી છે. એ જ રીતે આફ્રિકન સિંહ એટલે કે પેન્થેરા લીઓની પેટા જાતિનું પોપ્યુલર નામ છે બાર્બરી લાયન. આપણે માનીએ છીએ તેમ સિંહ ભારતમાં અને આફ્રિકાના સવાનામાં એટલે કે ઘાંસીયા મેદાન વાળા જંગલોમાં જ વસે છે, પરંતુ બાર્બરી લાયન અથવા એટલાસ લાયન ઉત્તર આફ્રિકાના ઉજજડ રેતાળ રણ જેવા વિસ્તારોમાં વસતા હતાં. આફ્રિકાના લિબિયાથી લઈને ઈજિપ્ત સુધી વિસ્તરેલા બાર્બરી દરિયાકાંઠે આ સિંહોની વસતી હતી. આ સિવાય મોરોક્કોના ડુંગરાઓ, અલ્જીરિયા અને ટ્યુનિસિયાના વિષમ વાતાવરણમાં પણ આ સિંહો વિચરતા હતાં.
તો આજે આપણે બાર્બરી લાયન જે હવે તેના પ્રાકૃતિક વાતાવરણમાંથી નાશ પામ્યા છે અને વિશ્ર્વના થોડા ઘણા પ્રાણીસંગ્રહાલયોમાં જ બચ્યા છે તેના વિષે જાણીએ. સિંહોના અભ્યાસુઓ અને વૈજ્ઞાનિકોના મતે પૃથ્વી પર અસ્તિત્વમાં હતી અને હજુ પણ છે એવા ચારે પ્રકારના સિંહોમાં બાર્બરી લાયન્સ દેખાવમાં અત્યંત આકર્ષક અને પ્રભાવશાળી
હતાં.
બાર્બરી લાયન્સના નરોની કેશવાળી આફ્રીકન અને એસિયાટિક સિંહોમાં સૌથી વધુ મોટી હતી અને માથાથી શરૂ કરીને ખભા સુધી ફેલાયેલી હતી. આ કેશવાળી લગભગ કાળાશ પડતી હતી જે તેના દેખાવને વધુ ખતરનાક બનાવટી હતી. બાર્બરી લાયન્સ બધી જાતિના સિંહોમાં અત્યંત મજબૂત, વિશાળ અને તકાતવર શરીર ધરાવતા હતાં. બધી સિંહોની જાતિઓમાં બાર્બરી લાયન્સ સૌથી મોટા હતાં. તેમની લંબાઈ નાકથી લઈને પૂંછડીના છેડા સુધી આશરે સવા નવ ફૂટની હતી અને તેમનું કદ આશરે ૩૦૦ કિલોગ્રામથી પણ વધારે હતું. બાર્બરી લાયન્સ આફ્રિકાના જે વિસ્તારોમાં વસતા હતાં, તે વિસ્તારોમાં બહારના લોકો આવીને વસ્યા નહોતા ત્યાંસુધી તેઓ સલામત હતાં. પરંતુ જેમ જેમાં આફ્રિકન લોકો પર કોલોનીયલ વસતિ વધતી ગઈ તેમ તેમ ગોરાઓએ બાર્બરી લાયન્સનો શિકાર કરવાનું ચાલુ કરી દીધુ હતું. ટ્યુનિસિયામાં સન. ૧૮૯૦ માં બાર્બરી લાયન્સ નાશ પામ્યા, આલ્જીરિયામાં છેલ્લો બાર્બરી લાયન સન ૧૮૯૩માં શિકાર થયો. અને મોરોક્કાના એટલાસ પર્વતો પર વસતા બાર્બરી લાયન્સમાંના છેલ્લાનો શિકાર ૧૯૪૨માં થયો અને ત્યારથી બાર્બરી લાયન્સ માત્ર ઝૂમાં અને તેની સંખ્યા પણ માત્ર ૧૦૦ જેટલી જ છે.
બાર્બરી લાયન્સનો શિકાર કરવાની શરૂઆત રોમન સામ્રાજ્યમાં ગ્લેડીએટર સંસ્કૃતિ સાથે શરૂ થયેલી.
લોકોના મનોરંજન અને પોતાની મહત્તા સાબિત કરવા રોમન અરેનામાં ગ્લેડીએટરોએ હજારોની સંખ્યામાં બાર્બરી લાયન્સની કત્લ-એ-આમ કરેલી. આમ જોઈએ તો પ્રાણીઓ પરના માનવ અત્યાચાર માનવ આદિમ અવસ્થામાંથી સુસંસ્કૃત બન્યો પછી જ શરૂ થયા એમ કહી શકાય. માનવ જંગલી અવસ્થામાં હતો ત્યારે માત્ર ખોરાક અને સ્વબચાવ માટે જ શિકાર કરતો, પરંતુ બુદ્ધિના સવિશેષ વિકાસ અને સંસ્કૃતિના નિર્માણની સાથે સાથે માનવના હુંકારનો પણ જન્મ થયો. આજે માનવ પ્રકૃતિને જે નુકસાન પહોંચાડી રહ્યો છે તેની પાછળ સર્વોપરી હોવાની વૃત્તિ અથવા બીજા શબ્દોમાં કહી તો ઘમંડ અને પોતાના સ્વાર્થમાં કુદરતના કોઈ પણ તત્વનો નાશ કરી નાખવાની વૃત્તિ. આ લખતા મને એક સુંદર આફ્રિકન કહેવત યાદ આવી ગઈ.
સિંહને લખતા નહીં આવડે, ત્યાં સુધી તો વાર્તાઓમાં શિકારીનું મહિમામંડન જ થશે.