સરકારી ચાની ચાહ…
ઊડતી વાત -ભરત વૈષ્ણવ
‘છોટું, કામ કરવાનું મન થતું નથી.’ મોટુએ સહકર્મીને ફરિયાદ કરી.મોટું, કામ કરવાની કોને ઇચ્છા થાય ?’ મોટુની વાતને ગોલુએ સમર્થન આપ્યું. કામ ન કરવા વિશે અકર્મી કર્મીઓમાં સંપૂર્ણ સહમતિ હોય. કામ કરવામાં વાદ -વિવાદ – વિખવાદ હોઇ શકે. ગોલું, સાડાબાર વાગ્યા. પપ્પુ પ્યૂન કયાં મરી ગયો? કોઇએ એને બેંક કે બીજે કયાંય મોકલ્યો છે?’છોટુએ બે હાથ ઊંચા કરી આળસ મરડી સુસ્તીભર્યા અવાજે પૂછયું. મેં તો નથી મોકલ્યો.’ બગાસા ઉપર બગાસા ખાતાં ગોલુએ જવાબ આપ્યો. પ્પ્પુ પ્યૂનને સાહેબની ચેમ્બર તરફ પાર્સલ ચા અને પેપર કપ લઇને જતાં મેં જોયો હતો. ત્યાં આપણી આઘીપાછી કરતો હશે.’ ભોલુએ ચર્ચામાં ઝંપલાવ્યું. ચા વિના નસો તૂટે છે. સાલ્યું, શરીરમાં ચેતન જેવું લાગતું નથી.
મણિલાલની ચા વિના મૂડ જ ઓફ થઇ જાય છે.’ આંગળાના ટાચકા ફોડતાં ફોડતાં છોટુંએ કહ્યું.એટલામાં પપ્પુ પ્યુન આવ્યો. જાણે આપ્તજન આવ્યો હોય તેવી લાગણી થઇ. પપ્પુ, બેટા. કેન્ટિનમાંથી કડકમીઠી ચા લઇ આવ.’ બધાએ કોરસમાં ઓર્ડર કર્યો. આને સંગઠનાત્મક સંઘશક્તિ કહેવાય.! ચા નહીં મળે. પપ્પુએ ચાઢોળ (અરે, બોસ પાણીઢોળની જેમ ચાઢોળ. ચાના નામ પર પાણી રેડ્યું.) કરતા ટાઢા કલેજે કહ્યું! કેમ કેમ કેમ ચા-પતી , ખાંડ, દૂધ ગેસની બોટલ ખલાસ થઇ ગયા છે? બધાએ અધીરા થઇ પૂછયું. ‘ના.’ પપ્પુએ જવાબ આપ્યો. તો પછી?’ બધાએ પૂછયું. હવે, ‘ચા ભૂલી જવાની’ પપ્પુએ કહ્યું. કેમ ,કોઇ બીજો ચાવાળો વડા પ્રધાન થવાનો છે? ગોલુએ જોક મારી હોય તેમ ખડખડાટ હસ્યો. ચા તો મળશે. પણ. પપ્પુ બોલતા અટકી ગયો. પણ શું? જે હોય તે ભસી નાંખને . વાતમાં શું મોણ ઘાલે છે?’ છોટુંએ આકળા થઇને પૂછયું. હવે, સરકારી ખર્ચે આપણને ચાના સબડકા મારવા નહીં મળે. ચાના તોતિંગ બિલોની સમીક્ષા કરીને એડિશનલ સાહેબે નિર્ણય લીધો છે.
જ્યારે મિટિંગ હોય ત્યારે જ કેન્ટીનમાં ચા બનાવવાનો ફતવો જાહેર કરવામાં આવ્યો છે. પપ્પુએ ‘અબ કી બાર નો ટી’નો નિર્ણય સંભળાવ્યો. બધાના મોં પર વીજળી પડયા જેવો લીલોછમ આઘાત ઝિલમિલાયો. મતલબ કે હવે ચા પણ ગાંઠના ફદિયે પીવી પડશે ભોલુ સ્વગત બબડ્યો. શું બોલ્યો, ભોલિયા? પોતાના ખર્ચે ઓફિસમાં ચા પીવાની અને કામ કરવાનું? આપણું તો ગોર મહારાજ જેવું છે. ‘ઘરનું ખાવું એ ઝેર બરાબર હોય છે એમ પદરની ચા મારા માટે પોઇઝન સમાન છે!’ ગોલુએ પ્રતિજ્ઞા લઇ લીધી.
આ નિર્ણય નોનગેઝેડ બાબુ માટે છે કે તમામ માટે?’ મોટુએ ઇથોપિયાના દુકાળિયાની જેમ સવાલ કર્યો. એડિશનલ સાહેબે સરકારી ચાની ચુસ્કી લેતાં લેતાં નિર્ણય લીધો હોવાનું તેનો પીએ ઝિયા ઉંમર કહે છે. પપ્પુએ અંદરકી બાત જાહેર કરી. હાય. હાય. ઓફિસ સુધી ધરમધક્કો ખાવાનું એક નિમિત્ત નાબૂદ થઇ ગયું. હવે તો કામ જ કેવી રીતે થશે.’ ભોલુએ ખરખરો કર્યો. ઓફિસમાત્ર આંખ ઠરે અને ઠંડી થાય એવું એક ફૂદુ આવેલ. એ ય લગ્ન કરી હેડ ઓફિસમાં ટ્રાન્સફર કરાવી ચાલું ગયું.હવે તો ઓફિસ સ્મશાન જેવી લાગે છે. માનો કે જૂના જમાનાની મૂક શ્ર્વેતશ્યામ મૂવી બની ગઇ છે. રસિકજન એવા મોટુએ અફસોસ વ્યક્ત કર્યો. કેવા દિવસો આવ્યા છે? સરકાર પગાર પણ ન વધારે અને સરકારી ચાની સવલત પણનાબૂદ કરે. ડબલ ધમાકા જેવા ડબલ ફડાકા! છોટુંએ બળાપો કાઢ્યો. સરકારી ચા એ તો , બંધારણે આપેલ બાબુભૂત અધિકાર છે. એના ઉલ્લંઘન માટે કોર્ટમાં કેસ કરીશું! ગોલુએ વકીલની જેમ ઉછળીને એલાન કર્યુ. એ મોટા, વકીલોની ફી સાંભળી છે? સાત ભવ સરકારી ચા પીવા માટેની રકમ કરતાં પણ વકીલો મગરમચ્છ જેવું મોટું મોઢું ખોલે છે.
છોટુંએ કહ્યું. સરકારી નોકરીમાં રિયલ ચા-પાણી અને સ્પ્રિચ્યુઅલ ચા પાણીનું સુખ છે. સરકારી મિટિંગોમાં ત્રણ ખારા, બે ગળ્યા અને એક ક્રિમ બિસ્કિટ કે કાગડાના માળા જેવી વેફર પિરસાય. તેની સાથે કોલ્ડ ટી કહી શકાય તેવી ઠંડી ચા મળે. એ પણ મોળા મૂતર જેવી હોય. મિટિંગમાં મળતા ચા-નાસ્તા વિશે પપ્પુએ સંશોધનાત્મક વૃતાંતાહેવાલ રજૂ કર્યો. એટલે પપ્પુ, તે મૂતરનો ટેસ્ટ પણ કરેલો છે?’ ગોલુએ ગુગલી ફેંકી. ભાઈઓ મૂળ મુદા પર આવો. તમે ચૂંટણીની સભામાં ભાષણ કરતા નથી. પપ્પુએ બધાને સીધી બાત નો બકવાસ કરવા કહ્યું. સરકારી ઓફિસમાં આપણને પહેલાની જેમ સરકારી ખર્ચે ચાના ઘૂંટડા મારવા મળે તે અંગે વિચારો. ભોલુએ કહ્યું. એક આઇડિયા છે. એડિશનલે મિટિંગમા ચા આપવાની મનાઇ કરી નથી, બરાબર? પપ્પુએ ચા મામલે લીડ લીધી. બરાબર, બરાબર, બરાબર. સૌ વિદ્યા બાલનની સ્ટાઇલની માફક બોલ્યા. હવે આપણે રોજ રોજ સ્ટાફ મિટિંગ, રિવ્યુ મિટિંગ , ટાર્ગેટ મિટિંગ, તુમાર નિકાલ ઝુંબેશ માટે બેઠક યોજવાની. બેઠક માટેનો પત્ર તૈયાર કરવાનો. પત્રની નકલ કેન્ટીનને આપવાની અને મિટિંગમાં ચા અને ગરમ નાસ્તો સરકારી ખર્ચે આપવાની સૂચના આપવાની. રોજ જુદો જુદો એજન્ડા રાખવાનો. મિટિંગની પ્રોસિડિંગ તૈયાર કરી તમામને મોકલી આપવાની. છોટુંએ સીધી આંગળીએ ઓફિસમાં સરકારી ખર્ચે ચા ચુસવા ન મળે તો વાંકી આંગળી કરી સરકારી ખર્ચે ચા પીવાની ધાંસુ ફોર્મ્યુલા કહી.ઉંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠા તે આનું નામ!