વિદેશોમાં વધતી જતી ભારતીયોની વસ્તી આ બધું આસાન નહિ હોય!
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
ભારત આપણા બધાની માતૃભૂમિ છે, અને આપણને બધાને જ દેશ માટે માન છે, પણ આજે પરિસ્થિતિ એવી છે કે આપણે આપણી માતૃભૂમિને ‘કર્મભૂમિ’ બનાવવા રાજી નથી! ભારતના ઉજ્જવળ ભવિષ્ય વિશે ગમે એટલ સ્વપ્નો સજાવીએ, પણ વાસ્તવિક આંકડાઓ કહે છે કે ભારતીય યુવાનોનો એક મોટો વર્ગ દેશ છોડીને કેનેડા સહિતના દેશો જઈ વસવા માગે છે! આમાંના ઘણા તો પાછા સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવાદના યુદ્ધો લડનારા પણ છે!
બીજી તરફ પોણા બે વર્ષથી સળગી રહેલા યુક્રેન-રશિયા અને તાજેતરમાં થયેલા મિડલ-ઈસ્ટના ભડકા પછી ત્રીજા વિશ્ર્વયુદ્ધના ભણકારા વાગવા માંડ્યા હોય એ રીતે આખી દુનિયા બે પક્ષોમાં વહેંચાઈ ગઈ છે!
હવે મૂળ સમસ્યાની વાત. ભારત છોડીને વિદેશ સ્થાયી થવાનો ટ્રેન્ડ આજકાલનો નથી. વીતેલી સદીઓમાં પણ ભારતીયો મોટી સંખ્યામાં દુનિયાના વિવિધ દેશોમાં ગયા છે. એમાં કશું ખોટું ય નથી. દુનિયાની દરેક પ્રજા જુદાં જુદાં કારણોસર વતન છોડીને પારકા પ્રદેશોને પોતાના કરે છે, પણ હાલ આખા વિશ્ર્વમાં યુદ્ધ કરતાં પણ મોટો ખતરો આર્થિક મંદીનો છે. જો આર્થિક બાબતોના સમાચાર જુઓ તો યુરોપ-અમેરિકાની સમૃદ્ધિનો ફુગ્ગો પણ ગમે ત્યારે ફૂટવામાં હોય એમ લાગે છે. આ દેશો સદંતર પડી ભાંગશે, એવું કહેવાનો આશય નથી, પણ ત્યાં રોજીરોટી મેળવવી અત્યંત દોહ્યલી થઇ જશે એ નક્કી. અને આર્થિક મંદીને કારણે રોજગારી માટે વલખા મારતી આ દેશોની મૂળ પ્રજા ભારતીયોને નફરત કરતી થઇ જશે, એ ય નક્કી! મૂળ સમસ્યા આ જ છે.
અત્યારે ભારતીયોમાં જે દેશમાં વસવાની ઘેલછા જોવા મળે છે, એમાં યુનાઈટેડ આરબ અમીરાત (ઞઅઊ), યુએસએ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાનાં નામો ટોચ પર છે. ત્યાં શું પરિસ્થિતિ છે?! આંકડાઓને આધારે આ સમજવું જોઈએ.
મિડલ ઈસ્ટ દેશોમાં મોટા ભાગના ચુસ્ત ઇસ્લામિક રાષ્ટ્રો છે, જેમાં યુએઈ ઘણે અંશે મુક્ત સમાજ ધરાવે છે. જાણીને નવાઈ લાગશે કે યુએઈમાં ત્યાંની મૂળ પ્રજા કરતાં ભારતીયો અને પાકિસ્તાનીઓની વસ્તી વધુ છે! અહીંની વસ્તી ૨૦૨૧ના આંકડાઓ મુજબ ૯૩ લાખની આસપાસ છે. જેમાં યુએઈના સ્થાનિક આરબોની વસ્તી માત્ર ૧૧.૮% જ છે. મોટા ભાગની વસ્તી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દક્ષિણ એશિયાઈ દેશોમાંથી આવેલા શ્રમિકોની છે. સૌથી વધુ વસ્તી ભારતીયોની (૨૭.૪૯%) છે. બીજા ક્રમે પાકિસ્તાનીઓ (૧૨.૬૯%) છે. અહીંની સૌથી વધુ બોલાતી ભાષાઓમાં મલયાલમ ત્રીજા અને તમિલ પાંચમા ક્રમે છે, બોલો! એનો અર્થ એવો બિલકુલ નથી કે યુએઈમાં ભારતીય પ્રજાનો પ્રભાવ વધી રહ્યો છે. ઉપર જણાવ્યું તેમ, મોટા ભાગની દક્ષિણ એશિયાઈ પ્રજા શ્રમિકો તરીકે કામ કરે છે. જો કે અહીં ભારતીયોની સ્થિતિ પ્રમાણમાં ઘણી સારી છે. ખાસ કરીને ધાર્મિક સ્વાતંત્ર્યને કારણે ધાર્મિક ભેદભાવની ઘટનાઓ પ્રમાણમાં બહુ ઓછી છે.
ૠહજ્ઞબફહ યમલય નામની સંસ્થા (વેબસાઈટ) બિઝનેસ ક્લાયમેટ રેન્કિંગ આપે છે. એના કહેવા મુજબ યુએઈ મસ્ત મજાનો દેશ છે, પણ મિડલ-ઈસ્ટમાં કોમર્શિયલ હબ તરીકેની એની બ્રાન્ડ ઈમેજને આસપાસના બીજા દેશો તરફથી પડકાર મળી રહ્યો છે. અહીં પર્યાવરણને નુકસાન, પાણીની તંગી જેવી સમસ્યાઓ ક્ષિતિજે ડોકાઈ રહી છે, પણ સંસ્થાના જણાવ્યા મુજબ યુએઈની વર્કિંગ ફોર્સમાં કુલ ૮૫% વિદેશીઓ છે, જે ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે એમ છે! જો એવું થશે, તો યુએઈમાં વસતા ભારતીયો એની અસરમાંથી બાકાત નહિ હોય.
એક સમય હતો જ્યારે સરેરાશ ભારતીયના મનમાં ‘અમેરિકન ડ્રીમ’ હતું. અમેરિકાને આપણી પ્રજા સ્વર્ગ સમજતી હતી. ખાસ કરીને ૭૦ ના દાયકા પછી અમેરિકામાં ઉડતી સમૃદ્ધિની છોળો ભારતીય યુવાનોને આકર્ષતી હતી. આજે શું પરિસ્થિતિ છે?
થોડા સમય પહેલા જ ખબર હતા કે બાઈડેન દાદા માંડ માંડ લોન મેળવીને ગાડું ગબડાવી શક્યા! જો અમેરિકન કૉંગ્રેસે બાઈડેન સરકારને ૪૫ દિવસની મુદતે ફંડ આપતું બિલ પાસ ન કર્યું હોત, તો કર્મચારીઓને ચૂકવવાના પગારના પણ ફાંફા પડી ગયા હોત અને રીતસર ‘શટ ડાઉન’ની નોબત આવી હોત! નિષ્ણાતો માને છે કે અમેરિકન અર્થતંત્ર પહેલા જેવું ટકોરાબંધ રહ્યું નથી. માત્ર આ જ વર્ષે ત્યાં ૪૦૦ ઉપરાંત કંપનીઝ કાચી પડીને નાદારી નોંધાવવા તૈયાર થઇ છે. આમાંની ૧૬ કંપનીઝ તો એવી છે જે ૧ અબજ ડૉલર્સ કરતાં વધુ ટર્નઓવર ધરાવે છે! આમાં નાની કંપની અને સ્ટાર્ટ અપ્સની તો વાત જ શું કરવી!
આ પહેલા અમેરિકન પ્રજાએ ટ્રમ્પને ચૂંટી કાઢેલા. ટ્રમ્પની એ જીત બહારથી આવીને અમેરિકન રિસોર્સિસનો ફાયદો ઉઠાવી રહેલા લોકો પ્રત્યેનો અમેરિકન પ્રજાના રોષને આભારી હતી, એવું મનાય છે. ટ્રમ્પની નીતિઓ પણ ભારતીયો માટે બહુ કમ્ફર્ટેબલ નહોતી, એનું કારણ એ જ છે.
વળી આપણે ગમે એટલી ડાહી ડાહી વાતો કરીએ, પણ અમેરિકા-યુરોપની પ્રજામાં હજીય રંગભેદ અને વંશવાદ ખાસ્સા પ્રચલિત છે. અહીં ‘વ્હાઈટ સુપ્રીમસી’માં માનનારો મોટો વર્ગ મોજૂદ છે. આ લોકો છાસવારે ભારતીય મૂળના લોકોને ટાર્ગેટ કરતા જ રહે છે. ઠેઠ ૧૯૮૦માં અહીં ‘ડોટબસ્ટર્સ’ નામની ગેંગ હતી, જે જર્સી સીટી અને આસપાસમાં વસતા ભારતીયોને ટાર્ગેટ કરીને હેરાનગતિ કરતી. અમુક વાર ભારતીયો હિંસાનો ભોગ પણ બનતા. આ તો એક જ ઉદાહરણ છે. આવા અનેક બનાવો બનતા રહે છે. ખાસ કરીને આર્થિક મંદીના સમયમાં રોજગારી વિના ટળવળતી અમેરિકન પ્રજાને ભારતીયો દુશ્મન જેવા લાગશે!
કંઈક આવી જ હાલત બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં પણ પેદા થઇ છે. થોડાં વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના નિવાસીઓ પર થયેલા હુમલાઓ યાદ છે ને? એ સમયે સ્થિતિ માંડ ઠેકાણે પડી, પણ વ્હાઈટ સુપ્રીમસીથી માંડીને આર્થિક સંકટ અને રોજગારીની ઘટ જેવા મુદ્દે ભારતીયો રોષનો ભોગ બની શકે છે. બ્રિટનમાં ભારતીયોની વસ્તી ૧.૮ મિલિયન જેટલી છે, જે તેમને ‘સિંગલ લાર્જેસ્ટ’ પ્રજાનું સ્થાન આપે છે. પાંચેક લાખ તો એકલા લંડનમાં જ રહે છે. લંડનમાં વસ્તી સૌથી મોટી અશ્ર્વેત પ્રજા તરીકે ભારતીયોનું નામ આવે. અત્યારે તો પ્રધાનમંત્રી ઋષિ સુનક પણ ભારતીય મૂળના જ છે ને! ક્ધિતુ અહીં રેસિઝમ સિવાયના પણ ઘણા મુદ્દા છે, જે ભારતીયોની ફેવરમાં નથી.
એક મહત્ત્વનો મુદ્દો પાકિસ્તાની વસ્તી અંગેનો છે. બ્રિટનમાં વધતી જતી પાકિસ્તાની વસ્તી માત્ર બ્રિટનની સ્થાનિક પ્રજા જ નહિ, બલકે બ્રિટનમાં વસતા ભારતીયો માટે પણ માથાનો દુખાવો બની શકે છે! ભારતીયો જ્યાં જાય, ત્યાંના થઈને શાંતિપૂર્વક રહેવામાં માને છે. પણ પાકિસ્તાની ‘ડ્રીમ્સ’ કંઈક જુદા જ લેવલે કામ કરતા હોય છે. એમને તો બ્રિટનને જ બીજું પાકિસ્તાન બનાવવામાં રસ હોય છે. પરિણામે અહીં પણ ભારતીયોં અને પાકિસ્તાની પ્રજા વચ્ચે સંઘર્ષો થતા રહે છે. એ ઉપરાંત અહીં ગ્રૂમિંગ ગેન્ગસનું બહુ મોટું દૂષણ છે, જેના વિષે ખુદ પ્રધાનમંત્રી ઋષિ સૂનક પણ ગંભીર છે.
આ બધા ઉપરાંત યુકેની આર્થિક પરિસ્થિતિ પણ ડામાડોળ છે. માત્ર ભારતીય વિદ્યાર્થીઓને લગતી જ ચર્ચા કરીએ, તો ઇસ ૨૦૨૨નાં તાજા આંકડાઓ અનુસાર ફુગાવો રેકોર્ડ હાઈ સ્તરે પહોંચ્યો છે. પરિણામે રૂમનાં ભાડાથી માંડીને દરેકેદરેક ચીજ મોંઘી થઇ રહી છે. હાલમાં બ્રિટનમાં બહારથી ભણવા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે ભારત ચાઈનાને રિપ્લેસ કરીને હવે પ્રથમ ક્રમે છે. આમાં રાજી થવું કે ચિંતા કરવી એ નક્કી કરવું અઘરું છે.
વાત એમ છે કે બ્રિટનમાં ભણ્યા પછી આ વિદ્યાર્થીઓ સ્વાભાવિકપણે જ ભારત પાછા ફરવાને બદલે બ્રિટનમાં જ જોબ શોધશે. આનાથી યુકેની જોબ માર્કેટ પર પ્રેશર વધવાનું જ છે. સાથે જ આર્થિક બાબતોને કારણે બીજી પ્રજાઓ, ખાસ કરીને સ્થાનિક બ્રિટિશ પ્રજા સાથેનો સંઘર્ષ પણ વધશે! કેનેડાની વાત કરીએ તો ત્યાં, ધૂણી રહેલું ખાલિસ્તાનનું ભૂત કેવાક કારનામાં કરશે, એ નક્કી નથી!
સૉ મોરલ ઓફ ધી સ્ટોરી ઇઝ, ઉજ્જવળ ભવિષ્યના સપના આંખોમાં આંજીને વિદેશ જઈ રહેલા ભારતીયો માટે રાહ પહેલા જેટલી આસાન નહિ હોય!