વીક એન્ડ

સાંકડા મકાનોની મજા

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

સામાન્ય રીતે એક ઓરડાની પહોળાઈ જેટલા મકાનને સાંકડું મકાન કહેવાય. આ પહોળાઈ ૨ મીટર કે તેનાથી ઓછી પણ હોઈ શકે. સાંકડા મકાન અને નાના મકાનમાં ફેર છે, સાંકડા મકાનમાં માત્ર પહોળાઈ ઓછી હોય છતાં ક્ષેત્રફળ પૂરતું હોઈ શકે જ્યારે નાનું મકાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ જરૂરિયાત કરતા પણ ઓછું હોય.

પોળમાં બનતા મકાનો સામાન્ય રીતે સાંકડા જ હતા. આનાથી વાંકીચૂંકી તથા જટિલ શેરી-ગલીમાં વધુ મકાનોને પ્રવેશ મળી રહેતો. આ મકાનો જરૂરિયાત મુજબનું ક્ષેત્રફળ મેળવવા માટે ઊંડા બનાવતા જેનાથી મકાનોના અંદરના ભાગમાં ગોપનીયતા પણ બની રહેતી. આ પ્રકારની રચનામાં ઘણીવાર આગળના ભાગમાં દુકાન કે અન્ય વ્યવસાય પ્રવૃત્તિ માટેનું સ્થાન નિર્ધારિત થઈ જતું, જેને પસાર કરીને જ મકાનના અંદરના ભાગમાં પ્રવેશ શક્ય બનતો. આ એક મજાની ગોઠવણ હતી. જોકે આ પ્રકારના મકાનમાં આંતરિક આવનજાવનનો માર્ગ વધી જાય અને તેને કારણે સ્થાનની ઉપયોગીતા ઓછી થઈ શકે. વળી આવો આવનજાવનનો માર્ગ કંટાળાજનક ન બને તે માટે સ્થપતિએ વધારે સર્જનાત્મક રહેવું પડે. ઝૂંપડપટ્ટીમાં અને ચાલના વિસ્તારોમાં પણ સાંકડા મકાનો જોવા મળી શકે. એ જરૂરી નથી કે આવા મકાનો આવાસ માટે જ ઉપયોગમાં લેવાતા હોય.

આ પ્રકારના મકાનોમાં સામાન્ય રીતે આંતરિક આવનજાવનનો માર્ગ એક તરફ નિર્ધારિત કરી દેવાય છે, જેમાંથી જે તે કાર્યક્ષેત્રમાં પ્રવેશ મળે. જ્યાં દાદરની જરૂરિયાત ઊભી થાય ત્યાં તે મકાનની ઊંડાઈના લગભગ વચ્ચેના ગાળામાં તેને બનાવવામાં આવે જેથી આંતરિક આવનજાવનમાં અસરકારકતા જળવાઈ રહે. સાંકડા મકાનમાં સામાન્ય રીતે મકાનની સાંકડી દીવાલવાળી જગ્યાઓમાં જ હવાઉજાસ માટેની સંભાવનાઓ રહેતી હોય, અને બે લાંબી સમાંતર દીવાલો આજુબાજુના મકાનો સાથે જોડાયેલી હોય. આવા સંજોગોમાં આ મકાનોમાં હવાઉજાસ માટે મકાનની વચમાં ચોક જેવી વ્યવસ્થા કરવી પડતી હોય છે. પરંપરાગત મકાનોમાં પણ આમ થતું અને આધુનિક મકાનોમાં પણ આમ જ જોવા મળે છે.

સાંકડા મકાનની રચના પાછળ ઘણી સંભાવનાઓ છે. સંપન્નતા અને આર્થિક ક્ષમતાના અભાવે આ પ્રકારની પરિસ્થિતિ માન્ય રાખવામાં આવે. ક્યાંક મકાનની ઇચ્છિત રચના સામે મકાનના સ્થાનને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હોય. વળી જે તે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહને આ પ્રકારના મકાનમાં રહેવાનો રોમાંચ માણવો હોય. આ પ્રકારના મકાનો પ્રમાણમાં વધુ આંતરભિમુખ રહેતા હોવાથી બહારના વિશ્ર્વ સાથેનો ઓછામાં ઓછો સંબંધ બાંધવાની કોઈકની ઈચ્છા હોય એમ પણ બની શકે.

આ પ્રકારના મકાનમાં પવનને જો વ્યવસ્થિત રીતના ‘ટ્રેપ’ કરવામાં આવે તો ‘ટનલ’ ઈફેક્ટથી આખા મકાનમાં હવાની આવનજાવન સરળતાથી થઈ શકે. વળી અહીં મકાનની બે લાંબી દીવાલોમાં બારી-બારણા મૂકવાની સંભાવના લગભગ નહિવત હોવાથી, મકાનની અંદર ગરમીનો પ્રવેશ લગભગ ઓછો થઈ જાય અને ગરમ-સૂકી આબોહવાવાળા પ્રદેશ માટે આ ઈચ્છનીય ગણાય. વળી મકાનની વચ્ચેના ભાગમાં સામાન્ય રીતે બનાવવાતા ચોકથી પણ મકાનનું આંતરિક તાપમાન અનુકૂળ સ્તરે જળવાઈ રહે. આ પ્રકારના મકાનમાં આવનજાવનનો માર્ગ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો સંબંધ વધુ દ્રઢ બનાવવામાં પણ અગત્યનો બની રહે. આવા ફાયદા છે તો સાથે ગેરફાયદા પણ છે.

આ પ્રકારમાં મકાનના જે તે ક્ષેત્રની કાર્યક્ષમતા પ્રમાણમાં ઓછી રહેતી હોય છે. સાથે સાથે જુદા જુદા કાર્યક્ષેત્રનું વિભાગીકરણ પણ વધુ ઉગ્રતાથી પ્રતિત થાય. અહીં ક્યારેક કુદરત સાથેનો સંપર્ક સાવ ઓછો થઈ ગયેલો જણાય – અહીં બંધિયારપણું વધુ અનુભવાય. આ પ્રકારના મકાનોમાં આંતરિક સંરચનાનું માળખું પણ લાંબું બને, કેટલાક સંજોગોમાં, વધારે માવજત માંગી લે તેવું બને. અકસ્માતના સમયે પણ આ પ્રકારનું મકાન ઇચ્છનીય ન ગણાય – અગ્નિશામક દળ માટે આ જુદા જ પ્રકારની ચુનોતી લઈને આવે.

શહેરના જૂના વિસ્તારમાં જ્યાં આમ પણ જગ્યાની સંકડાશ હોય ત્યાં આ પ્રકારની રચના સ્વાભાવિક રીતે કરવી પડે. ક્યારેક નવા વિસ્તારમાં પણ સાંકડા મકાનોનો આગ્રહ રાખતો હોય છે – આની પાછળ વ્યાપારી ગણતરી હોય. ઘણીવાર કાયદાકીય રૂપરેખાનો મહત્તમ લાભ લેવા માટે પણ સાંકડા મકાનોનું નિર્માણ કરાતું હોય છે. આ પ્રકારના મકાનની રચના પાછળ ક્યારેક મજબૂરી ભાગ ભજવી જતી હોય છે તો ક્યારેક આવા મકાનમાં રહેવાનો રોમાંચ કોઈકને અનુભવો હોય છે. ક્યારેક મકાનના સ્થાન માટેનો લગાવ કારણભૂત રહે તો ક્યારેક એક વિશિષ્ટ પ્રકારની ઓળખ ઊભી કરવા માટે પણ આ પ્રકારના મકાનનો સહારો કોઈ લઈ શકે.

આ પ્રકારના મકાનોની એક વિશેષ મજા હોય છે. આ મકાનો કોઈ એક ચોક્કસ દિશાને અતિ ઉત્કટતાથી અભિવ્યક્ત કરતા હોય છે. અહીં જાણે વ્યક્તિનું પોતાનું નવું ‘વિશ્ર્વ’ ઊભું થઈ જતું હોય છે – અને જો આ ‘વિશ્ર્વ’ની રચના વ્યવસ્થિત થઈ હોય તો બહારની પરિસ્થિતિ સાથેનો મર્યાદિત સંબંધ માન્ય બની જાય છે. આવા મકાનોમાં ઉપરના માળેથી આકાશ સાથેનો સંબંધ વધુ રોમાંચિત બની શકે. અહીં જો ચોકની અંદર એક ઝાડ વાવ્યું હોય કે એક કુંડું પણ મૂક્યું હોય તો તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. ઊંડાણમાં જોતા એમ પણ જણાશે કે આ પ્રકારના મકાનમાં વ્યક્તિ પોતાની જાત સાથે વધુ ઘનિષ્ઠ સંબંધ બાંધી શકે. મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરતા એમ પણ જણાશે કે આ પ્રકારના મકાનમાં રહેનાર વ્યક્તિ વધુ એકાગ્ર બની શકે અને પોતાની ‘હોબી’ કહી શકાય તેવી ખાસિયતોને વધુ સરળતાથી પામી શકે. વ્યક્તિગત વિકાસ માટે આ પ્રકારના મકાનને ઇચ્છનીય ગણી શકાય. મજાની વાત એ છે કે આવા મકાનો ક્યાંક ત્રિકોણાકાર પ્લોટમાં બનાવાતા હોય છે જ્યાં મકાનની ન્યૂનતમ પહોળાઈ ૧ મીટર જેટલી પણ જોવા મળે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button