વીક એન્ડ

ગધેડી પણ ગઇ ને ફાળિયું પણ ગયું…!

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

કેટલાક લોકો જાતજાતની ટિપ્સ આપે છે. નિષ્ફળ વ્યકિત (અનિલ અંબાણીનું નામ વિચારશો નહીં… પ્લીલીલીઇઇઝ!) ‘હાઇ ટુ બી સકસેસફૂલ પર્સન-સફળ વ્યક્તિ કેમ થવું’ એ વિશે ટિપ આપે છે. લગ્ન કર્યા હોય અથવા પત્નીનો ત્યાગ કર્યો હોય એ સફળ પેરેન્ટિંગની ટિપ્સ આપે છે. જિંદગીભર મૂંછમાં પણ હસવાની જુર્રત કરી ન હોય (નિર્મલા સિતારમણ તો કયારેય હસતાં નથી એ કબૂલ, પણ અમને તમારા હસાવવાને મસાલો પૂરો પાડે છે) એ હસવાના ફાયદા બતાવે છે.

આમ, ટિપ્સને કરણી અને કથની વચ્ચે સ્નાનસૂતકનો સંબંધ નથી. ટિપ્સ એ પોથીમાંથી રીંગણાં છે. ટિપ્સ એ ગુરૂ ગોળ ખાય અને ચેલાને શિખામણ આપે કે ન ખાવ…!
આપણે ત્યાં રોકડ ટિપ અને ભીખને એક સિક્કાની બે બાજુ ગણવામાં આવે છે આ બંને પર ગબ્બર ટેકસ લાગતો નથી ,એ કબૂલ… પણ બંને એક નથી.

ભીખ માગવી એ ગુનો છે. ભીખ મેળવનાર તમને કોઇ સેવા પૂરી પાડતો નથી. અલબત, પાંચ કે દસ રૂપિયાના દાનના બદલામાં એ દૂધો નાવો પુતો ફલો એવા તગડા આશીર્વાદ આપે છે. નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે આઇવીએફ કલિનિકની સારવારના ખર્ચમાંથી ઉગારે છે. એમના આશીર્વાદથી તમે અદાણીને ધોબીપછાટ માત આપીને વિશ્ર્વના એક નંબરવન ધનાઢ્ય બની શકો છો…બીજા શબ્દોમાં કહો તો ભીખ વચનોનું વાયદાબજાર છે!

કોઇ તમને સેવા આપે, સેવાથી તમને સંપૂર્ણ સંતોષ થાય એટલે તમારી અંદર બેઠેલો કદરદાન ‘ચરણ ચાંપી મૂંછ મરડી…’ ની જેમ જાગૃત થાય છે. તમે સમરકંદ અને બુખારા આપી દેવા તૈયાર થઇ જાવ છો. આવી વાતમાં માલિકીફાલિકી જોવાની ન હોય . સામેવાળાની સેવાથી રાજી થઇને જે રકમ આપો છો એ ટીપ છે.

આમ તો ટિપની લેવડદેવડ હોટલ, રેસ્ટોરેન્ટમાં થાય છે, પણ ટિપની પ્રવૃત્તિનો વ્યાપ વધારવાની જરૂર છે. રાજકીય રીતે તમે રેવડીનો વિરોધ કરો તે સમજ્યા, મારા ભાઇ (જો કે, હમામ મેં સબ નંગે હોતે હૈ!ગુરૂરૂરૂઅ , ઠોકો તાલી!), પણ ટિપનો ટિપટોપ વ્યાપ વધારવા પ્રધાનમત્રી ટિપ અભિવૃદ્ધિ ચીપ યોજના લોંચ કરવી જોઇએ. આના લીધે વેઇટર વર્ગના લાખો લોકો આપણને વોટ આપશે એ દીવા જેવું સ્પષ્ટ છે.( જોઇ શું રહ્યા છો? યોજના જાહેર કરી દો.)
ઘણા કંજૂસ અને મખ્ખીચૂસ લોકો ટિપ સંસ્કૃતિનો વિરોધ કરી રહ્યા છે. માનો કે કેટલીક મોરલ પોલીસ સેના વેલેનટાઇન – ડે નો વિરોધ કરી ન રહી હોય. એમનામાં મુનિમનો કે ઓડિટરનો આત્મા પ્રવેશ કરતો હોય છે. તમે હોટલનું બિલ પણ ચુકવો અને વેઇટરને ટિપ પણ આપો તે ડબલ નાઇન્સાફી છે. વેઇટરનું કામ વાનગી લાવવા, પ્લેટ લાવવા, ઓર્ડર લેવાનું , સુપ -ડેઝર્ટ લાવવાનું અને જુઠી પ્લેટ લઇ જવાનું છે.એના માટે હોટલનો માલિક વેઇટરને પૈસા ચુકવે પછી રેવડી કલ્ચરને પ્રોત્સાહન શા માટે આપવાનું? આ તો,છાશમાં માખણ જાય અને વહુ ફૂવડ કહેવાય ! જો પુરૂષ વેઇટરની જગ્યાએ મહિલા વેઇટર હોય તો તમારા ઔદાર્યમાં અચાનક ઉછાળો આવી જાય એ સહજ છે. તમે પુરૂષ વેઇટરને વીસ રૂપિયાની ટિપ આપો, પરંતુ, મહિલા વેઇટર હશે તો સો-બસો રૂપિયા ટિપ આપી દેશો…!

ટૂંકમાં આપણું ટિપ આપવાનું ધોરણ સ્થળ અને કાળ મુજબ બદલાય છે. હાઇ- વે પરના રેસ્ટોરેન્ટ, લારી, ગલ્લા પર કારીગરને ટિપ આપતા નથી. બિલની રકમના આધારે પણ ટિપ આપતા નથી. સારી અને મોંઘી હોટલ કે રેસ્ટોરન્ટમાં લંચ કે ડિનર કર્યા બાદ બિલની રકમ ઉપરાંત ટિપ એટલે આપીએ છીએ કે હોટલનો સ્ટાફ આપણને ચિંગુસ ન ગણે એટલે ના છૂટકે ટિપ આપીએ છીએ. નવ -દસ હજારનું જમ્યા પછી વેઇટરને વીસ રૂપિયા ટિપ આપો એટલે એ વેઇટર પોતાના ખિસ્સાના એંશી ઉમેરીને આપણા વીસ ને બદલે સો રૂપિયા પરત કરે તો આપણો કેવો કચરો થઇ જાય! ઘણી હોટલો વેઇટરને મળેલી ટિપમાંથી ભાગ પડાવે છે. સમજો કે ભિખારી પાસેથી પોલીસ હપ્તો ઉઘરાવે તેવો ઘાટ થાય!

દુનિયામાં કેટલાય સ્ટુડન્ટ્સ પોતાના પોકેટ ખર્ચ અથવા તો પોતાની એજ્યુકેશન લોન ને ચૂકવવા માટે પાર્ટ ટાઇમ જોબ કરે છે. આ સ્ટુડન્ટ્સ નાની-મોટી જોબ્સ કરે છે. કોઈ વેઇટર બને છે . રયાન બ્રાન્ડ્ટ નામની વિદ્યાર્થિની એક રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. એક પૈસાદાર માણસ રેસ્ટોરન્ટમાં આવ્યો. એણે રયાનની સર્વિસ અને એની સ્ટોરી જાણ્યા બાદ એને સાડા ત્રણ લાખ રૂપિયાની ટિપ આપી, પરંતુ તે ટિપનો આનંદ વધારે સમય સુધી ન ટકી શક્યો. રેસ્ટોરન્ટના મેનેજરે તેની ટિપ બાકીની વેટ્રેસ સાથે શેર કરવાનું કહ્યું, જેનો પેલી વેઇટ્રેસ રયાને વિરોધ કર્યો તો નોકરીમાંથી તગેડી મુકવામાં આવી. આમ, એણે ગોળા સાથે ગોફણ ગુમાવી !

દરેક દેશમાં વેઇટરને ટિપ આપવાના માનાંક અલગ છે. રૂમની સફાઇ કરનાર, મુસાફરોનો લગેજ હેરફેર કરવા, ટેકસી ડ્રાઇવર,વાઇન જેવા પીણા સર્વ કરવા વગેરેના રેટ અલગ અલગ છે. આ પ્રકારની નાની-ક્ષુલ્લક રકમ આપવાથી આપનાર ગરીબ થઇ જતો નથી પણ જેમને આપવામાં આવે છે એના માટે ટીપે ટીપે સરોવર ભરાય…
અમેરિકાના પેન્સિલવેનિયાના સ્ક્રેન્ટોન શહેરમાં એક રેસ્ટોરેન્ટ ચાલે છે, જેમાં મારિયાના લેમ્બર્ટ નામની મહિલા વેઇટ્રેસ તરીકે કામ કરે છે.આ રેસ્ટોરેન્ટમાં એરિક સ્મિત નામનો ગ્રાહક આવ્યો. એણે એક બે આઇટમનો ઓર્ડર કર્યો. જેનું બિલ માત્ર તેર ડૉલર હતું. એરિક ચક્રમ હશે કે ભગવાન જાણે, એણે મારિયાનાને ત્રણસો ડૉલરની ટિપ આપી. બિલની રકમ સામે ૩૯ ગણી ટિપ આપી. થોડા દિવસ પછી એરિકે પત્ર લખીને ટિપની રકમ પરત કરવા રેસ્ટોરેન્ટને કહ્યું. રેસ્ટોરેન્ટે કહ્યું કે રાઈના ભાવ રાતે ગયા…. અબ તુમ ભૂલ જાવ, હમ ભી ભૂલ જાયેંગે!! એરિક ભૂલવા તૈયાર નથી. એણે રેસ્ટોરેન્ટ સામે કાર્ટકેસ કર્યો. કેટલીક ચુકવણીઓ નોનરિફંડેબલ હોય છે. મંદિરમાં ચડાવો ચડાવીએ તે પરત માગી શકાય? ના, કેમ કે નોન રિફંડેબલ છે. પત્ની અગર ગર્લફ્રેન્ડને આપેલ ગિફટસ નોન રિફંડેબલ કેટ્ગરીમાં આવે છે. આ વાત એરિક સમજવા તૈયાર નથી. એણે રેસ્ટોરેન્ટ પર કેસ કર્યો છે.

વોટ એબાઉટ વેઇટ્રેસ મારિયાના ? મારિયાના ટિપની રકમ ઉડાડી ચુકી હશે. બિચારા એરિકભાઇ આપણી ગુજરાતી કહેવતો સમજી શકતા નહીં હોય!‘એમના માટે ગધેડી પણ ગઇ અને ફાળિયું પણ ગયું’
અમારું આ ટિપ- પુરાણ લાંબું ચાલ્યુંને ?
હવે એને અટકાવીએ, પરંતુ અમને ટિપ આપવાની શરતે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?